Search Contact Site Map Download News Vicharan Home GujaratiSatsangIntroduction
 

આગવી અને ત્વરિત નિર્ણય શક્તિ...
સાધુ વેદાંતપ્રિયદાસ

સામાન્ય સંજોગોમાં નિર્ણયો લેવા અને વિકટ સંજોગોમાં સ્થિરમતિથી ત્વરિત નિર્ણયો લેવા - તેમાં આસમાન-જમીનનું અંતર છે. શાસ્ત્રીજી મહારાજના જીવન-કાર્યમાં કોઈ પણ સ્થિતિમાં સ્થિરમતિ અને આગવી નિર્ણયશક્તિનું સતત દર્શન થાય છે.
સંવત ૧૯૭૨ વૈશાખ સુદ-૬ના દિવસે સારંગપુર મંદિરની મૂર્તિપ્રતિષ્ઠાની આરતી બાદ 'વાસુદેવ હરે' થયા. સૌ હરિભક્તો જમવાની પંક્તિઓમાં બેસી ગયા. 'ખુટાડવું અને ખોટું દેખાડવું' એવા મલિન આશયથી વિરોધીઓ શીરાના હોજમાં જઈ ટોપલા ભરી ભરી શીરો કાઢવા લાગ્યા. બગાડ કરવા લાગ્યા. જોત-જોતાંમાં અર્ધો હોજ ખાલી થઈ ગયો. હરિભક્તો મૂંઝાઈ ગયા. હવે શું કરીશું? એની અવઢવમાં પડી ગયા. તુરત જ શાસ્ત્રીજી મહારાજને વાત કરી. શાસ્ત્રીજી મહારાજ ત્યાં આવ્યા અને તાત્કાલિક નિર્ણયો આપવાનું શરૂ કરી દીધું : 'આપણી દસ વીઘાની વાડી ખાલી કરાવો અને આજુ બાજુ  વાંસની વાડ કરો. એક એક વાંસે એક એક સ્વયંસેવક ઊભો રાખો. અને ઝાલાવાડના ૩૦૦ હરિભક્તોને બોલાવો. એમના વાંસામાં કંકુના થાપા મારીએ અને તે જ શીરાના ટોપલા લે...'
આમ, બંદૂકની ગોળીઓના વરસાદની જેમ એક પછી એક જોરદાર નિર્ણયો આપવા લાગ્યા. આ નિર્ણયોનું પાલન થતાં જ પરિસ્થિતિ સાનુકૂળ થઈ ગઈ. અને આખો પ્રસંગ શોભી ગયો.
સને ૧૯૩૧ની સાલ હતી. ગોંડલમાં અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના દેહોત્સર્ગ સ્થાને - અક્ષર દેરી પર શાસ્ત્રીજી મહારાજ શિખરબદ્ધ મંદિર કરવા ઝંખતા હતા. પરંતુ ગોંડલ સ્ટેટના રાજવી મહારાજા ભગવત્‌સિંહજી આ જમીન કેટલીક શરતે જ આપવા તૈયાર હતા. એમની શરતો આકરી હતી. ગોંડલ નરેશ ભગવત્‌સિંહજી બાપુ આ પ્રસાદીના સ્થાનની જમીન બે લાખ રૂપિયાના બદલે કેવળ ૨૫,૦૦૦ રૂપિયામાં આપવા માટે તૈયાર થયા; પણ સાથે એમણે ત્રણ શરતો મૂકી : (૧) અક્ષર દેરી અખંડ રાખવી, (૨) ભવ્ય મંદિર ત્રણ જ વર્ષમાં પૂરું કરવું, અને (૩) દસ લાખ રૂપિયાનો ખર્ચ કરવો.
તે વખતે શાસ્ત્રીજી મહારાજ પાસે ન હતા માણા, ન હતા નાણાં, ન હતા પાણા અને ન હતા દાણા. કશું જ ન હતું. યોગીજી મહારાજનો એક પત્ર તે સમય-ગાળાની પરિસ્થિતિ વર્ણવે છે : 'શિલકમાં ઠાકોરજી છે અને આઠ આના છે...'
વળી, બોચાસણ અને સારંગપુર મંદિરનાં કામ પણ ક્યાં પૂરાં થયાં હતાં ! તે સંજોગોમાં આ ત્રણ શરતો ભલભલાની નિર્ણયશક્તિની કસોટી લઈ નાંખે તેવી હતી. પરંતુ શાસ્ત્રીજી મહારાજ તેમાં બાકાત હતા. પરમાત્માનું બળ, શીઘþ નિર્ણયશક્તિ અને આત્મવિશ્વાસ — એ એમની મૂડી હતી. શાસ્ત્રીજી મહારાજે ચિંતાતુર હરિભક્તોને કહ્યું : 'દસના બદલે વીસ લાખ ખર્ચાશે, માટે ચિંતા છોડી દ્યો અને હિંમત રાખો.'
આ આંધળુકિયા નિર્ણયો નહોતા; એક દીર્ઘદૃષ્ટિ અને આયોજન કુનેહ સાથેના નિર્ણયો હતા. મહારાજા ભગવત્‌સિંહજી પણ તેનાથી આશ્ચર્યચકિત થઈ ગયા હતા, કારણ કે ત્રણ વર્ષ પૂરાં થાય તે પૂર્વે શાસ્ત્રીજી મહારાજે મંદિર પૂર્ણ કરીને પ્રાણપ્રતિષ્ઠાનો જયઘોષ પણ બોલાવી દીધો હતો.
ભર્તૃહરિ નીતિશતકમાં કહે છે :
'मनस्वी कार्यार्थी न गणयति दुःखं न च सुखम्‌॥'
— જે કાર્ય પાર પાડવા ઇચ્છતો સ્થિર મતિવાળો પુરુષ છે, તે ક્યારેય દુઃખ કે સુખને ગણકારતો નથી.
અને આવો દૃઢ મનોબળવાળો જ યોગ્ય નિર્ણય લઈ શકે છે. શાસ્ત્રીજી મહારાજ આવા દૃઢ મનોબળવાળા હતા.
શાસ્ત્રીજી મહારાજે એક વાર કહ્યું હતું: 'મારી જિંદગીમાં પસ્તાવું પડે એવો એકેય નિર્ણય મેં લીધો નથી.' 

બી.એ.પી.એસ. સંસ્થાની સ્થાપનાથી લઈને આજપર્યંત તેના અવિરત વિકાસ પથ પર શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને આજે પ્રમુખસ્વામી મહારાજની એ આગવી ને ત્વરિત નિર્ણય શક્તિનો જ પ્રભાવ પથરાયો છે.     
 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |