Search Contact Site Map Download News Vicharan Home GujaratiSatsangIntroduction
 
તેને તું કરને રે મંદિર મહારાજનું...
- પૂ જ્ય મ હં ત સ્વા મી (સાધુ કેશવજીવનદાસ)

એજ દિવાળી રે દેહ મનુષ્યનો રે,
                        આવ્યો અતિ દુર્લભ કાળ જેહ,
તે જ તુને મળ્યો રે જેને ઇચ્છે દેવતા રે,
                                    તેમાં લવ નથી સંદેહ...
આખા વર્ષના ૩૬૫ દિવસમાં, દિવાળી પર્વના ચાર-પાંચ દિવસ ખૂબ મહત્ત્વના ગણાય. તેમ, ૮૪ લાખ દેહમાં મનુષ્યનો દેહ અતિ ઉત્તમોત્તમ ગણાય.
વૈજ્ઞાનિકો પણ આ ૮૪ લાખ યોનિની વાત દૃઢતાપૂર્વક કહે છે. થોડા સમય પહેલાં રિચાર્ડર્ બ્લેક નામના બી.બી.સી.ના એક પ્રસિદ્ધ પર્યાવરણવિદે જણાવ્યું હતું કે, 'The natural world contains about 8.7 million species, according to a new estimate described by scientists as the most accurate ever. And the number came out as 8.7 million plus or minus about a million.' (By Richard Black, Environment Correspon-dent, BBC News)
અર્થાત્‌ વિજ્ઞાનીઓના મતે પ્રાકૃતિક વિશ્વમાં જીવ સૃષ્ટિમાં કુલ ૮૭ લાખ જાતના જળચર-ભૂચર-ખેચર સજીવ છે. તેમાંથી ત્રણ લાખ બાદ કરીએ એટલે ૮૪ લાખ થઈ ગયા, જે આંક હજારો વર્ષોથી આપણા મહાન શાસ્ત્રકારો કહી રહ્યા છે !
આ ૮૪ લાખ પ્રકારનાં શરીરોમાં મનુષ્યદેહ અતિ ઉત્તમોત્તમ એટલા માટે છે કે જીવનો મોક્ષ માત્ર મનુષ્યદેહમાં જ થઈ શકે છે! ગાય કેટલું ઉત્તમ પ્રાણી છે ! એનું છાણ, મૂત્ર પણ બધું પવિત્ર કરે અને ભૂમિ પણ પવિત્ર કરે, એ દવા તરીકે પણ વપરાય, પરંતુ ગાય રામનામ ન લઈ શકે ! અરે, દેવતાઓ ને ઇન્દ્ર-બ્રહ્માદિકના ભવ્ય, સુંદર દેહ વડે પણ મોક્ષ ન થાય !
ગુણાતીતાનંદ સ્વામી કહે છે, રૂપવાન સ્ત્રી, ઝાઝું દ્રવ્ય અને સારી મેડી મળી તે સત્સંગીને પણ માયાનું બંધન થયું, માટે એ તો જેવું તેવું મળે તે ઠીક છે. સર્વોપરી ભગવાનના અખંડ અને સમ્યક્‌ પ્રકારે ધારણ કરનાર સંતના યોગમાં પણ ઉત્તમ વિષયથી મોક્ષમાં વિલંબ થાય તો દેવલોક ઇન્દ્રાદિકના દેહમાં અને તેના લોકમાં તો મોક્ષની વાત જ ક્યાંથી થાય ! ત્યાં તો ભોગ-વિલાસ અને રમણીય પંચવિષયની રેલમછેલમાં ડૂબેલા હોય. મોક્ષનું તો ત્યાં અંકુર પણ ફૂટે નહીં ! અને વળી માન, કામ, ઈર્ષ્યા તો ખરાં જ, પણ ત્યાં દોષો પ્રગટ થવાનું કોઈ નિમિત્ત કે કારણ જ નથી બનતું. કારણ કે ત્યાં બધાને જેટલું અને જેવું જોઈએ તે બધું કલ્પવૃક્ષ, કામધેનુ અને પારસ કે ચિંતામણિથી પ્રાપ્ત થઈ રહે છે. એટલે દેવો પણ વિષય ભોગવી થાકીને મનુષ્યનો અતિ દુર્લભ દેહ ઇચ્છે છે.
આપણને એવો દુર્લભ મનુષ્ય દેહ તો મળ્યો, પણ સાથે સાથે આપણો મોક્ષ કરે એવા ભગવાનના ધારક પ્રગટ ગુણાતીત સંતનો યોગ થયો. હવે અનંત જન્મની ભટકણનો અંત આવી ગયો. એટલે જ તો યોગીજી મહારાજ કહેતા :
'આ બ્રહ્માંડમાં આપણા તુલ્ય, ભાગ્યશાળી માનો એ જ ભૂલ્ય.'
અતિ દુર્લભ મનુષ્ય દેહ મળ્યો અને તેમાં વળી ગુણાતીત સંતનો યોગ ! એ શક્ય જ ન બને, ચાહે તે અને ચાહે તેમ કરો. પરંતુ ભગવાનની કૃપાથી જ આપણા માટે એ શક્ય બન્યું. માટે આપણે તો દિવાળીમાંય દિવાળી, રોજ દિવાળી.
સદ્‌ગુરુ ભૂમાનંદ સ્વામી સાચું જ કહે છે કે,
'એ જ દિવાળી રે, દેહ મનુષ્યનો રે...
તેને તું કરને મંદિર મહારાજનું રે,
દયા, શીલ સંતોષે શણગાર...'
એટલે કે આવો મોંઘો મનુષ્યદેહ મળ્યો છે તેને, તેમાં ભગવાન વિરાજમાન રહે તેવું મંદિર બનાવો.
ઘરમાં મંદિર બનાવો, ઘરને મંદિર બનાવો, અને હવે તેમાં રહેનાર મંદિર બને અને તે પણ એવું મંદિર બને કે તેમાં ભગવાન સુખ-શાંતિથી રહે, અખંડ રહે ! એમને એ મંદિર છોડવું ગમે જ નહીં ! તે જીવન-મંદિરને દયા, શીલ, સંતોષ વગેરે સદ્‌ગુણોથી શણગારો.
અહીં વાત આવી - જીવનમાં સદ્‌ગુણોની મહત્તાની અને તેની આવશ્યકતાની.
'It's nice to be important but its more important to be nice.'
મહત્ત્વના થવું એ સારું જ છે, પણ સારા થવું એ વધુ મહત્ત્વનું છે. મહત્ત્વના થવું એ કોઈ પાપ નથી, પરંતુ એ આધુનિકતા - ભૌતિકતા છે. સારા થવું એ આધ્યાત્મિકતા છે. આજે લોકોની દોટ સારા દેખાવાની છે, સારા થવાની નહીં. સારા દેખાવું એ પિત્તળ જેવું છે, સારા થવું એ સોનું થવા જેવું છે. સારા દેખાવું એ કામચલાઉની વાત છે. સારા થવું એ હંમેશ માટેની વાત છે. સારાપણું ભવોભવ સાથે રહે. સારા દેખાવામાં તાણ-ખેંચ, દંભ-કપટ, છેતરવાની વાત છે. થપાટ મારી ગાલ લાલ રાખવાની વાત છે, લોકોથી મચડાવવાની (Steered by people) વાત છે, પોતાની પસંદગી નહીં. લોકોને ગમે એ રીતે પહેરો, ફરો, બોલો, પોતાનો કાબૂ પોતા ઉપર નહીં ! સારા થવામાં પોતાનો કાબૂ પોતાના ઉપર તો જોઈ શકાય છે.
આ છે સદ્‌ગુણોની મહત્તા અને આવશ્યકતા.
સદ્‌ગુણો અનેક સ્વરૂપે આપણને સુખી કરે છે, સંતોષ આપે છે, ભગવાનની વધુ નજીક લઈ જાય છે, સત્પુરુષની પ્રસન્નતા અપાવે છે. સદ્‌ગુણોનાં એ અલગ અલગ પાસાંઓને આપણે જોઈએ.
અમેરિકાથી પ્રકાશિત થતા ડેઈલી મેઈલ નામના એક વર્તમાન પત્રમાં હાર્વર્ડ યુનિવર્સિટીના એક સંશોધક ડેવિડ લૂઈસ (David Lewis)  કહે છે : 'Research at the Harward University had shown that helping others makes us mentally tougher and physically stronger. Being more considerate can reduce stress levels. Therefore, to improve our chances of being healthy, we should all start doing good to others.'
અર્થાત્‌ હાર્વર્ડ યુનિવર્સિટી(વિશ્વવિદ્યાલય)ના એક સંશોધન મુજબ બીજાને મદદ કરવાની વૃત્તિ આપણને શારીરિક અને માનસિક મજબૂતાઈ બક્ષે છે. બીજાને અનુકૂળ થવાથી, નમતું જોખવાથી માનસિક તાણ ઘટે છે. તેથી જ સ્વસ્થ રહેવા માટે આપણે સહુએ બીજાનું ભલું કરવું જોઈએ.
'He who does good to me, teaches me to be good.' અર્થાત્‌ જે મારું ભલું કરે છે તે મને બીજાનું નક્કી ભલું કરતાં શીખવે છે.'
એક વિદ્યાર્થી ખિસ્સામાં સિનેમાની ટિકિટ લઈને પિક્ચર જોવા સ્કૂટર ઉપર જઈ રહ્યો હતો. સામેથી એક બીજો વિદ્યાર્થી સ્કૂટર ઉપર આવી રહ્યો હતો, તે એક કૂતરા સાથે ભટકાઈ પડ્યો. માથું ભટકાયું. સખત ઈજા થઈ. હૉસ્પિટલનો કેસ (Case) બની ગયો. સિનેમા જોવા જતો વિદ્યાર્થી એ છોડીને ઘાયલ થયેલા વિર્દ્યાથીને હોસ્પિટલ લઈ જવામાં લાગી ગયો. પોતાના ખિસ્સામાંની ટિકિટ તેણે ફાડી જ નાંખી, બીજો વિચાર જ ન આવે. હૉસ્પિટલમાં ડૉક્ટરે કહ્યું કે, 'પા કલાક મોડું થયું હોત તો આ વિદ્યાર્થી મરી જ જાત.' વિદ્યાર્થીનાં મા-બાપ અને ભાઈ-બહેને આભારની લાગણી વ્યક્ત કરી. ડૉક્ટર અને સ્ટાફ પણ ખુશ થયો. આ જાણવાથી આપણે પણ રાજી થયા. એક નાનું સરખું સેવાનું સારું કાર્ય કેટલાયની જિંદગીમાં મહત્ત્વપૂર્ણ બની ગયું, કેટલાયને માટે પ્રેરણાદાયક અને આનંદદાયક બની ગયું. સદ્‌ગુણોની મહત્તા અને આવશ્યકતા માટે વિશેષ બોલવાનું રહ્યું ખરું !
સ્વામી વિવેકાનંદ કહે છે : 'Unselfishness is more paying; only people have not patience to practise it.'
સદ્‌ગુણો - નિઃસ્વાર્થીપણું વધુ લાભદાયક છે, પણ તે માટે લોકોમાં ધીરજ રહેતી નથી.
આજે ઓઈલની કટોકટી (oil crises) અને પૈસાની કટોકટી (money crises) કરતાં ચારિત્ર્ય કે સદ્‌ગુણોની (crises for virtues and values) કટોકટી વધુ અનુભવાય છે. ચારિત્ર્ય કેટલું મહત્ત્વનું અને આવશ્યક છે તે અંગે કહ્યું છે —
The noblest, the highest the greatest contribution a man can make for his society and mankind is his pure and spotless character. પોતાનું અણિશુદ્ધ અને પવિત્ર ચારિત્ર્ય એ જ પ્રત્યેક વ્યક્તિનું પોતાના સમાજ માટેનું અને માનવજાત માટેનું અતિ ઉમદા અને સર્વશ્રેષ્ઠ યોગદાન છે.
વળી, 'If wealth is lost nothing is lost. If health is lost, something is lost, if character is lost everything is lost.' ધન ગયું કાંઈ ગયું નથી. સ્વાસ્થ્ય ગયું, તો થોડું ઘણું ગયું, પરંતુ ચારિત્ર્ય ગયું તો બધું જ ગયું.
હિટલર ચર્ચિલથી ડરતો, અને ચર્ચિલ ગાંધીજીથી ! ગાંધીજીથી શાની બીક હતી ચર્ચિલને !? ગાંધીજીના ચારિત્ર્યને લઈને તે તેમની સાથે ચાર આંખ ભેગી ન કરી શકતો !
આ યુગમાં પ્રમુખસ્વામી મહારાજમાં દિવ્ય ચારિત્ર્ય ઝળહળે છે. તેઓ કહે છે : 'ચારિત્ર્યવાન બનો અને ચારિત્ર્યવાન સમાજ ઊભો કરો.' અને તેઓ આ કાર્ય કરી રહ્યા છે.
'One man's purity can save the whole world.'
એક વ્યક્તિની પવિત્રતા સમગ્ર વિશ્વને ઉગારી શકે છે. સ્વામીશ્રીનો આ પુરુષાર્થ, તે માટે તેઓએ રાત-દિવસ વિચરણ કરી અસંખ્ય લોકોમાં ચારિત્ર્યના દીપકો પ્રગટાવ્યા છે અને હજુય પ્રગટાવી રહ્યા છે. સ્વામીશ્રી કહે છે, બીજાના અવગુણ ન જુઓ, કોઈનાય પ્રત્યે પૂર્વગ્રહ ન રાખો. કોઈના પ્રત્યે પૂર્વગ્રહ ન રાખવો એ એક ખૂબ મોટો સદ્‌ગુણ છે. ગઈ સદીના મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈનસ્ટાઈને કહ્યું છેઃ 'It is more difficult to disintegrate a prejudice than an atom.'
પૂર્વગ્રહ તોડવો એ અણુનું વિભાજન કરવા કરતાં પણ ખૂબ કઠણ છે. સર્વત્ર અને સર્વે આ અનુભવ કરી જ રહ્યા છે. પૂર્વગ્રહથી મુક્તિ પામે તે સુખને પામે. તો સદ્‌ગુણોની કેટલી જરૂર છે, બોલો.
સહન કરવું, ક્ષમા આપવી એ પણ એક મહાન સદ્‌ગુણ છે. તે કેવું છે ? 'To endure is greater than to dare; to tire out the hostile fortune; to be daunted by no difficulty; to keep heart when all have lost it - who can say this is not greatness.' સાહસ કરતાં સહન કરવું મહાન છે, દુર્ભાગ્યને હંફાવવું, મુશ્કેલીઓથી મૂંઝાવું નહીં અને સૌ કોઈએ હિંમત ગુમાવી હોય ત્યારે આત્મવિશ્વાસ અને પ્રેમ દાખવતાં સહન કરવું તે મહાનતા નહીં, તો બીજું શું કહેવું.
'To forgive is the highest, most beautiful form of love, in return you will receive unfold peace and happiness.' કોઈને માફ કરવું એ પ્રેમનું ઉચ્ચતમ અને સૌથી સુંદર સ્વરૂપ છે. તેના બદલામાં તમને અવર્ણનીય શાંતિ અને આનંદની પ્રાપ્તિ થાય છે.
કોઈને માફ કરવા અંગે પહેલાં પોતાની જાતને અમુક પ્રશ્નો પૂછો. તમને શું વધારે ગમે ? તંગ માનસિકતા કે માનસિક શાંતિ? અન્ય પ્રત્યે અણગમો રાખવાથી તમે હળવા ફૂલ (ચિંતામુક્ત) બની શકશો ?
શું તમે ખરેખર તમારા માનેલા દુશ્મનને માફ કરી શકશો ? ભલે તે તમને માફી ન બક્ષે તોપણ માફી આપી શકો ? શું દુશ્મનને માફ કર્યા સિવાય તેને ભૂલી શકશો ખરા ? તો શું તમારે તેને નહિ ભૂલીને તમારા મનને શત્રુના વિચારોથી કેદ કરાયેલો રાખવો છે ?
જ્યારે તમે શાંત ચિત્તે આ બધા પ્રશ્નોના જવાબ આપશો ત્યારે તમને જણાશે કે માફી આપવાની વાત વધારે સારી અને આપણા ફાયદામાં છે. અને આવા વિચારો આવશે ત્યારે માફી આપવી એ સહેલ વાત બનશે. જેનાથી માનસિક તાણ ઓછી થઈ જશે અથવા તો નહીંવત્‌ થઈ જશે. આપણી માફ કરવાની તૈયારી ઉપર માનસિક તાણની સ્થિતિ આધારિત રહેશે.
દયા-ધીરજ, સરળતા, સાદાઈ, સત્ય, શીલ, સંતોષ, તૃષ્ણા-રહિતપણું, નિર્લોભીપણું, નિર્માનીપણું, નમ્રતા, શાંતિ, શમ, દમ, તપ, તિતિક્ષા, સ્થિરપણું, ઉત્સાહ-ઉમંગમાં રહેવાપણું... આવા તો અનંત ગુણો છે. જેટલા આત્મસાત્‌ થાય તેટલી આપણી આધ્યાત્મિક સદ્ધરતા વધુ.
ભગવાન સ્વામિનારાયણ હરિચરિત્રામૃતસાગરમાં કહે છે, જ્યાં સંપ-સુહૃદભાવ, દયા, મરજાદા હોય ત્યાં ભગવાન વસે છે. જ્યાં સંપ રહે છે ત્યાં રિદ્ધિ-સિદ્ધિ અને પ્રભુતા રહે છે. સંપ એ ભગવાનનું દૈવત છે. જ્યાં આ સર્વે નથી ત્યાં ધર્માદિક પણ કથનમાત્ર છે અને કાંઈ અર્થ નથી. આકાશમાં ગતિ કરે તોપણ સંપ-સુહૃદભાવ વગર મોટાઈ આવતી નથી ને તે વિના મોટાઈ છે તોપણ કૃષ્ણપક્ષના ચંદ્રમાની પેઠે લુપ્ત થઈ જાય છે.
ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે, ત્રણ ટાણાં ખાતો આળસુ હોય અને ઊંઘી રહેતો હોય, એવા બીજા દોષયુક્ત હોય પણ સંત કહે તેમ કરે તો તે નિર્ગુણ છે. પારસમણિ લોઢાને કંચન કરે તેના જેવું.
મનગમતું કરવું તે સાત્ત્વિક, રાજસિક કે તામસિક છે, પણ ગુણાતીત ગુરુની આજ્ઞાથી કરવું તે નિર્ગુણ છે.
સાત્ત્વિક ગુણો એ સોનું છે. નિર્ગુણ ગુણો તે અમૂલ્ય હીરા જડિત તોરણો છે. અમૂલ્ય હીરા સોના કરતાં વધારે છે. તેમ દિવ્ય ગુણો અમાયિક, અલૌકિક દિવ્ય છે.
એટલે જ તો યોગી મહારાજ કહે છે કે, 'હે શાસ્ત્રીજી મહારાજ ! તમારામાં મહારાજ અખંડ રહ્યા છે તો તમારામાં નિર્માન, નિર્મોહ વગેરે દિવ્ય ગુણો છે તે આપો, એવી દૃષ્ટિ કરો કે એવા ગુણ શીખીએ.
સામાન્યપણે નિર્માન, નિર્મોહ વગેરે ગુણો, ઉચ્ચ કોટિના ગુણો છે છતાંય તે સાત્ત્વિક ગુણો છે. પરંતુ તેના તે સદ્‌ગુણો જ્યારે ગુણાતીત સંતમાં હોય છે ત્યારે તે નિર્ગુણ છે, દિવ્ય છે, મોક્ષપ્રદ અને આત્યંતિક કલ્યાણદાયી છે, અનંત અપાર સુખનું કારણ છે. એટલે ગુરુમુખી થવું તે અણમોલ હીરા જડિત તોરણો છે, તેનાથી હૃદય-મંદિર શા માટે ન શણગારીએ ?
‡  સદ્‌ગુણોની આવશ્યક્તા અને મહત્તા...
            સદ્‌ગુણોનો સર્વત્ર આવકાર :
સદ્‌ગુણી વ્યક્તિનો સહવાસ દરેકને ગમે છે. પોતે જીવનમાં કદાચ સદ્‌ગુણો ન અપનાવી શકતી હોય તેવી દુર્ગુણી વ્યક્તિને પણ સદ્‌ગુણી વ્યક્તિ પર પ્રેમ હોય છે. ભલે પોતે અપ્રામાણિક હોય, અસત્યવાદી હોય છતાં પ્રામાણિકતા, વફાદારી, સત્યનિષ્ઠા જેવા સદ્‌ગુણોથી શોભતી વ્યક્તિને જ પોતાનું કામ સોંપવાનું સૌને ગમે. ફિલ્મના પડદા પર આવતો એક્ટર અને વિલન વાસ્તવિકતામાં સદ્‌ગુણો અને દુર્ગુણોને વ્યક્ત કરતાં બે ટેમ્પરરી પાત્રો છે. છતાં, પણ દર્શકને એક્ટર પ્રત્યે લાગણી અને વિલન પ્રત્યે ઘૃણા થાય છે, તે હકીકતમાં સદ્‌ગુણો પ્રત્યેની લાગણી અને દુર્ગુણો પ્રત્યેની ઘૃણા છે. ટૂંકમાં, દરેક માનવને અંતરથી સદ્‌ગુણોની ચાહના છે.
જો પરિવારમાં પણ દરેક સભ્યનો આદર પ્રાપ્ત કરવો હોય, દરેકનો પ્રેમ સંપાદન કરવો હોય તો જીવન સદ્‌ગુણસભર જોઈએ. કોઈક બે વેણ કહી જાય તો સામું ન બોલતાં સહન કરવું, કોઈકને મદદની જરૂર હોય તો પોતાનું કામ મૂકી મદદ કરવાની ભાવના કેળવવી, દીકરા-દીકરીને કંઈક રજૂ કરવું હોય, પણ તેની કાલીઘેલી ભાષાને શાંતિથી સાંભળવાની ધીરજ કેળવવી, આમ, સદ્‌ગુણમય જીવન કેળવાય તો 'હોમ' ને 'સ્વીટ હોમ' બનાવી શકીએ, નહીં તો દુર્ગુણરૂપી કડવાશથી ઘરની મીઠાશ મરી પરવારે...
એવી જ રીતે સત્સંગમાં પણ સદ્‌ગુણી વ્યક્તિ સાથે સૌને સુવાણ થાય. મંડળમાં જે 'સેવાભાવના'થી સુશોભિત હોય, તેની પાસે રહેવામાં સૌને હરખ થાય, જે કાર્ય કરવામાં સદૈવ આગળ રહે અને સન્માન મેળવવામાં સૌથી પાછળ રહે તેવી 'નિર્માની' વ્યક્તિને સ્ટેજ પર તો સ્થાન મળે કે ન મળે, પણ લોકોના હૃદયમાં તેને જરૂર સ્થાન મળતું હોય છે.
યોગીજી મહારાજ કહેતા કે, 'શુદ્ધ વર્તન રાખવું. આપણે આપણા ગુરુનું શોભાડવું. ગુરુની લાજ જાય તેવું તો કર્મ કરવું જ નહીં. આપણે ક્રિયા એવી કરવી કે કુસંગી પણ સત્સંગી થઈ જાય, પરંતુ આપણી ક્રિયા જોઈને બીજાને અભાવ આવે તે અસેવા છે.' એટલે કે સદ્‌ગુણોથી શોભતા વર્તનથી સંપ્રદાયની અને ગુરુની લાજ વધે છે અને અન્યને પણ સત્સંગમાં આવવાની વિશેષ પ્રેરણા મળે છે, આથી સત્સંગની વૃદ્ધિ માટે પણ સદ્‌ગુણમય વર્તન એ અનિવાર્ય છે.
વળી, સૌથી વિશેષ તો જે સદ્‌ગુણોથી યુક્ત હોય છે, તે સાક્ષાત્‌ ભગવાનને પ્રિય બને છે, ભગવાનને એની સાથે સુવાણ થાય છે. શ્રીમદ્‌ ભગવદ્‌ગીતામાં અધ્યાય-૧૨માં સ્વયં શ્રીકૃષ્ણ ભગવાન પોતાને કેવા ભક્ત પ્રિય છે તે જણાવતાં કહે છે,
'अद्वेष्टा सर्वभूतानां मैत्रः करुण एव च ।
निर्ममो निरहंकारः समदुःखसुखः क्षमी ॥ १३॥
संतुष्टः सततं योगी यतात्मा दृढनिश्र्चयः।
मय्यर्पितमनोबुद्धिर्यो मद्‌भक्तः स मे प्रियः॥ १४॥’
(અર્થાત્‌ જે સર્વ ભૂતોનો દ્વેષ નહીં કરનાર, મિત્રભાવે વર્તનાર, દયાળુ, મમતા વિનાનો, અહંકારરહિત, સુખદુઃખને સમાન માનનારો, ક્ષમાવાળો, સદા સંતોષી, યોગનિષ્ઠ, મન વશ રાખનારો, દૃઢ નિશ્ચયવાળો અને મારામાં અર્પણ કરેલાં મન બુદ્ધિવાળો હોય છે, તે મારો ભક્ત મને પ્રિય છે.)
આ પછી પણ આ જ અધ્યાયમાં બીજા છ શ્લોકોમાં અનેક સદ્‌ગુણોનું વર્ણન કરી ભગવાન પોતાને આવા સદ્‌ગુણી ભક્ત પસંદ છે, એમ વાત કરે છે.

ટૂંકમાં, સદ્‌ગુણી જીવન એ જ વ્યક્તિગત સુખનો ઉપાય છે, પારિવારિક એકતાનો પાયો છે, સત્સંગમાં સૌનાં હૃદયદ્વાર ખોલી તેમાં પ્રવેશ કરવાની ચાવી છે અને સૌથી વિશેષ પરમેશ્વરનો રાજીપો પ્રાપ્ત કરવાનો રાજમાર્ગ છે... તો ચાલો આપણા હૃદય મંદિરમાં પ્રભુ પધરાવી સદ્‌ગુણોનું સુશોભન કરી પ્રભુને રીઝવીએ અને સાચા અર્થમાં રોજ રોજ દિવાળીનો આનંદ માણીએ...
 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |