Annakut 2007
 

જ્યારે સમર્પણની શક્તિનું દર્શન લાધ્યું...

સં.૧૯૭૦ના અરસામાં શાસ્ત્રીજી મહારાજ સારંગપુરમાં બિરાજતા હતા. અહીં એક દિવસ તેઓએ છગનભાઈ નામના હરિભક્તને કહ્યું: ''છગનભાઈ! તમે પહેલ કરો તો આ સારંગપુરના મંદિરની લખણી કરીએ.''
ત્યારે છગનભાઈ કહે, ''સ્વામી! માબાપ! આ કામ તો લાખો રૂપિયાનું. મારી સ્થિતિ તો સાધારણ છે. મારી રકમથી આ મંદિર કાંઈ પૂરું થાય?''
આ સાંભળી શાસ્ત્રીજી મહારાજ હસ્યા અને કહ્યું: ''તો પણ તમે કાંઈક લખાવો.'' ત્યારે છગનભાઈએ શાસ્ત્રીજી મહારાજની મરજી પર રકમની વાત છોડી. એટલે શાસ્ત્રીજી મહારાજે ખરડામાં પ્રથમ છગનભાઈનું નામ લખી તેની સામે રૂા.૩૫/-ની રકમ મૂકી. આ જોઈ છગનભાઈ તો વિચાર કરવા લાગ્યા કે ''આટલી રકમમાં કાંઈ મંદિર પૂરું થાય?''
તેઓને આમ વિચારતા જોઈ શાસ્ત્રીજી મહારાજે કહ્યું: ''છગનભાઈ! શું વિચાર કરો છો? તમારા જેવા નિષ્ઠાવાળા મુક્તોનો એક એક રૂપિયો એક કરોડ રૂપિયા બરાબર છે અને એમાં જ આ મંદિર આમ પૂરું થઈ જશે.''
નરી આંખે દેખી ન શકાય તેવા અણુમાં કેટલી તાકાત છે તેને એક વૈજ્ઞાનિક સમજી શકે છે. તેમ ભક્તિભર્યા સમર્પણમાં શું શક્તિ છે તેને સાચા સંત પિછાણી શકે છે. શાસ્ત્રીજી મહારાજ એ શક્તિને પિછાણતા હતા તેથી જ તેઓએ રૂા.૩૫/- જેવી સામાન્ય રકમના બળે ૧૨૬ ફૂટ લાંબા, ૧૩૩ ફૂટ પહોળા અને ૧૦૮ ફૂટ ઊંચા સારંગપુર મંદિરનો પ્રારંભ કર્યો.

આ ક્ષણ બી.એ.પી.એસ.ના ઇતિહાસની સુવર્ણક્ષણ છે, જ્યારે વિશ્વને સમર્પણની શક્તિનું દર્શન લાધ્યું.