Annakut 2007
 

જ્યારે શાસ્ત્રીજી મહારાજની સિદ્ધાંતનિષ્ઠાનો રણકાર ગુંજી ઊઠ્યો

સારંગપુરમાં મંદિરનિર્માણનું કાર્ય ધમધોકાર ચાલતું હતું. તે વખતે લીમડીના ઠાકોરસાહેબ ત્યાં પધાર્યા. શાસ્ત્રીજી મહારાજે તેઓનું યથોચિત સન્માન કર્યું. વાર્તાલાપમાં ઠાકોરસાહેબે તથા તેઓ સાથે આવેલ કાકાસાહેબે શાસ્ત્રીજી મહારાજને પૂછ્યું કે, ''સ્વામીજી! અમે આપને આ મંદિર માટે જમીન આપી છે. તે માટે અમે એમ સાંભળ્યું છે કે આપ જાગા-પ્રાગાની મૂર્તિઓ પધરાવવાના છો. આપણે તો અહીં રાધા-કૃષ્ણની મૂર્તિ બેસારવાની વાત થઈ હતી.'' વિરોધીઓએ કરેલી કાનભંભેરણી પ્રમાણે આ વાત સત્તાધીશોએ કરી ત્યારે શાસ્ત્રીજી મહારાજે કહ્યું: ''પ્રાગજી ભક્ત કે જાગા ભક્તની મૂર્તિઓ પધરાવવાનો અમને સ્વપ્નમાં પણ સંકલ્પ નથી. અને રાધા-કૃષ્ણની મૂર્તિઓ મંદિરમાં ચઢતાં પ્રથમ દેરામાં જ પધરાવવાની છે.''
આ સાંભળી ઠાકોરસાહેબે કહ્યું: ''મધ્યમંદિરમાં રાધા-કૃષ્ણ કેમ નહીં? આપણે તો તેમની ઉપાસના એટલે તેમની મૂર્તિઓ મધ્યમંદિરમાં બેસવી જોઈએ.'' આ સાંભળતાં જ શાસ્ત્રીજી મહારાજ અપૂર્વ ખુમારીથી બોલ્યાઃ ''ઠાકોર સાહેબ! આ દેહે જે કષ્ટ સહન કર્યાં  છે તે મહાપ્રભુ શ્રીસહજાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામી સારુ સહ્યાં છે. અને આ મુંડાવ્યું છે તે પણ અક્ષરપુરુષોત્તમ સારુ જ મુંડાવ્યું છે. માટે બાપુ! અમારા ઇષ્ટદેવ તો શ્રીસહજાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામી જ છે. અને તેમની જ મૂર્તિઓ મધ્યમંદિરમાં બેસશે.''
શાસ્ત્રીજી મહારાજના શબ્દોમાં રહેલી સિદ્ધાંતનિષ્ઠાથી ઠાકોરસાહેબ તો દિગ્મૂઢ બની ગયા. તેઓ તરત જ સ્વામીને નમી પડ્યા ને બોલ્યા : ''સ્વામીજી! આપને યોગ્ય લાગે તેમ કરો અને અમારા બોલ્યા સામું જોશો નહીં.''
ગમે તે સંજોગોમાં પણ સત્યસિદ્ધાંત માટે સમાધાન નહીં કરવાની પ્રકૃતિ શાસ્ત્રીજી મહારાજની હતી. તેનું આ દર્શન  બી.એ.પી.એસ.ના સ્વર્ણિમ ઇતિહાસનું સુવર્ણપૃષ્ઠ છે.