Annakut 2007
 

જ્યારે બી.એ.પી.એસ.માં ભગવાનના પ્રગટ-પણાનો પુરાવો મળ્યો

સં.૧૯૮૫ની મહા સુદ ૬ના દિવસે સારંગપુરમાં હરિકૃષ્ણ મહારાજની મૂર્તિપ્રતિષ્ઠા બાદ વરતાલના પૂર્વ આચાર્ય શ્રી લક્ષ્મીપ્રસાદના સુપુત્ર રાધારમણપ્રસાદ પાંડે તે મૂર્તિનાં દર્શન કરી રહ્યા હતા. ત્યાં તે જ વખતે શાસ્ત્રીજી મહારાજ પણ મીઠી હલકે કીર્તન ગાઈ રહ્યા હતા. કીર્તનના તાલે પાંડે રાધારમણ-પ્રસાદ મૂર્તિમાં એકતાર થઈ ગયા. તે સમયે હરિકૃષ્ણ મહારાજ દિવ્યસ્વરૂપે પધાર્યા અને તેમનો હાથ પકડી સમાધિ કરાવી અક્ષરધામમાં લઈ ગયા. આથી રાધારમણપ્રસાદ દેહનું ભાન ભૂલી ગયા અને જમીન પર ઢળી પડ્યા. સૌ આ જોઈ મૂંઝ વણમાં પડી ગયા પરંતુ શાસ્ત્રીજી મહારાજે કહ્યું: ''તેમને સરખી રીતે સુવાડી દ્યો અને જાગે ત્યારે મને ખબર આપજો.''
ત્રણ કલાકે તેઓ જાગ્યા ત્યારે શાસ્ત્રીજી મહારાજે તેમને જે અનુભવ થયો તે સભામાં રજૂ કરવા કહ્યું. તેથી રાધારમણપ્રસાદે સમાધિમાં થયેલ દિવ્ય દર્શનની સવિસ્તર રજૂઆત કરી. તે સાંભળી શાસ્ત્રીજી મહારાજ બોલ્યાઃ ''હવે આજથી આપણા મંડળમાં ભગતજી મહારાજના કહેવા પ્રમાણે સમાધિ પ્રકરણ શરૂ થયું છે અને મહારાજ સમાધિ દ્વારા અનંત પ્રકારનાં આશ્ચર્ય બતાવી આપણને સર્વોપરી સુખ આપશે.''
બી.એ.પી.એસ.ના સ્વર્ણિમ ઇતિહાસની આ અમર ક્ષણ હતી. કારણ કે આ પળે ભગવાન શ્રી સ્વામિનારાયણે શાસ્ત્રીજી મહારાજ દ્વારા સમાધિ પ્રકરણ શરૂ કરી બી.એ.પી.એસ.માં પોતાના પ્રગટપણાનો પુરાવો પૂર્યો હતો. હઠયોગ વગેરે કઠિન સાધનાથી સિદ્ધ થાય તેવી સમાધિ શાસ્ત્રીજી મહારાજના સાંનિધ્યમાં સહજ રીતે થવા લાગી. સમય જતાં આ સમાધિપ્રકરણનો પ્રબળ પ્રતાપ ચારેકોર વિસ્તર્યો હતો અને કેટલાય બુદ્ધિજીવીઓએ ચકાસણી કરી આ સમાધિ પ્રકરણની સત્યતા જગજાહેર કરી હતી.