Search Contact Site Map Download News Vicharan Home GujaratiSatsangIntroduction
 

સત્શાસ્ત્રોમાં શ્રદ્ધા : અનિવાર્ય તત્ત્વ (લેખ : ૩)

ભારતીય સંસ્કૃતિએ વિશ્વને આપેલી અનેક ભેટોમાં સત્‌શાસ્ત્રોનું નામ અગ્રેસર છે. જીવનના ગહનમાં ગહન પ્રશ્નોની અદ્‌ભુત છણાવટ કરતા ભારતીય ધર્મગ્રંથો જેવા અધ્યાત્મસમૃદ્ધ કે વિચારમંથનથી ભરપૂર ધર્મશાસ્ત્રો, વિશ્વની અન્ય કોઈ પણ સંસ્કૃતિએ ક્યારેય આપ્યાં નથી. પરંતુ ભૌતિકવાદના વાયરાઓ નવી પેઢીમાં આપણા આ અમૂલ્ય વારસા તરફ અરુચિ પેદા કરી રહ્યા છે. પશ્ચિમીઓએ બતાવેલા છીછરા તર્ક અને પલટાતી વૈજ્ઞાનિક સાબિતીઓના જાળામાંથી સત્‌શાસ્ત્રોને જોવાની અને મૂલવવાની જાણે ફેશન બની છે. શાસ્ત્રોમાં અશ્રદ્ધા રાખવી એ જાણે બૌદ્ધિકતાનું લક્ષણ ગણાવા લાગ્યું છે. 'સ્વામિનારાયણ પ્રકાશ' આપણા સત્‌શાસ્ત્રના એ સમૃદ્ધ વારસાની અદ્‌ભુત પરિચયયાત્રા વિદ્વાન સંતોની કલમે કરાવવાનું શરૂ કરે છે. ભારતીય અધ્યાત્મ ગ્રંથોના સારરૂપે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં માન્ય કરેલાં આઠ સત્‌શાસ્ત્રોની પરિચયાત્મક યાત્રાપૂર્વે આ શાસ્ત્રો પ્રત્યેની શ્રદ્ધાને મૂલવીએ...

શાસ્ત્રકારોનો મૂળ હેતુ તો અનંતજીવોને આધ્યાત્મિક બાબતોનું સાચું જ્ઞાન આપીને - સમજાવીને તેમનું પ્રેય અને શ્રેય કરવું તે છે. પરંતુ નરી વાસ્તવિકતા તો એ છે કે આધ્યાત્મિક અનુભવો સામાન્ય રીતે ઇન્દ્રિયગમ્ય અનુભવો કરતાં જુદા હોવાથી તે અગમ્ય અનુભવોને ગમ્ય અનુભવોની ભાષામાં રજૂ કરવાનું અશક્ય હોય છે. અગોચર વાસ્તવિકતાને રજૂ કરવામાં સામાન્ય ભાષા અપૂરતી હોવાથી ધર્મશાસ્ત્રોમાં કાંઈક સંકેત તરીકે જુદાં જુદાં વર્ણનો આવે છે. તેની બુદ્ધિવાદીઓ મજાક ઉડાવે છે, પરંતુ વિજ્ઞાનમાં પણ ખાસ કરીને પરમાણુને લગતાં ભૌતિકશાસ્ત્રમાં આવી જ સ્થિતિ ઉપસ્થિત થઈ છે. આ સંદર્ભમાં મહાન વિજ્ઞાની વર્નર હાઈઝેનબર્ગ કહે છે : 'અહીં ભાષાની સમસ્યાઓ ખરેખર ગંભીર છે. આપણે પરમાણુઓના બંધારણ વિષે કોઈક રીતે કહેવા માગીએ છીએ... પરંતુ પરમાણુઓ વિષે સામાન્ય ભાષામાં આપણે કહી શકતા નથી.'
આમ જો ભૌતિક વાસ્તવિકતાને બુદ્ધિ દ્વારા કે ભાષા દ્વારા યથાર્થ સ્વરૂપે વ્યક્ત કરી શકાતી ન હોય તો આધ્યાત્મિક બાબતોને ભાષાની મર્યાદામાં યથાર્થ રીતે સમજાવી શકાય તેમ નથી. આ વાસ્તવિકતા જે બુદ્ધિની પકડમાં સંપૂર્ણપણે આવે એવી નથી, તેને માટેની શક્ય સમજ જુદાં જુદાં દૃષ્ટાંતો, રૂપકો, આખ્યાનો દ્વારા શાસ્ત્રોમાં આપવામાં આવેલ છે. કારણ કે શાસ્ત્રકારોને ખ્યાલ છે કે, અગમ્ય અનુભવોને મર્યાદિત ભાષામાં ઢાળવા સહેલ નથી, છતાં 'શબ્દ'નો ઉપયોગ કર્યા વગર છૂટકો પણ નથી.
વળી ભાષાની મર્યાદાના ખ્યાલ સાથે તેઓ એ પણ જાણે છે કે શાસ્ત્રોમાં વાંચનારાઓ, સાંભળનારા અને નિરૂપણ કરનારા મનુષ્યોમાં અનેક પ્રકારના કથાભેદ છે, શ્રદ્ધાભેદ છે યા તો સ્થિતિના ભેદ છે. પામર, વિષયી, મુમુક્ષુ અને મુક્ત એમ ચાર પ્રકારના જીવો માટે તેમને અનુરૂપ શબ્દો પણ વિવિધ પ્રકારના હોય તે સ્વાભાવિક છે. જેમ 'મેડિકલ સ્ટોર'માં જુદા જુદા રોગ માટે જુદી જુદી દવા હોય છે, જેમ જુદા જુદા વિષયોના અભ્યાસીઓ માટે જુદાં જુદાં પુસ્તકો લાયબ્રેરીમાં હોય છે તેમ શાસ્ત્રોમાં પણ વિવિધ પ્રકારના શબ્દો વિવિધ પ્રકારના જીવોના હિત માટે જ હોય છે.

શાસ્ત્રોમાં રહેલા શબ્દોના નીચે પ્રમાણે ચાર પ્રકાર પાડી શકાય.
(૧) રેચક શબ્દો : આ પ્રકારના શબ્દો ભયસૂચક છે. કેટલીક વાર અતિશયોક્તિભર્યાં કથનો કે શબ્દોનો ઉપયોગ કરીને પણ જીવોને અનિષ્ટ કર્મો, દુરાચાર કે પાપાચારમાંથી મનુષ્યોને પાછા વાળવાનો જ શુભ હેતુ આવાં વર્ણનોમાં હોય છે. જો શાસ્ત્રકારોનો આ હેતુ સમજાય તો વિવિધ પ્રકારનાં નરકો, વૈતરણી નદી, યમદંડ વગેરેનાં વર્ણનોનું તાત્પર્ય સમજાય અને તેથી શાસ્ત્રોમાંથી શ્રદ્ધા ઊઠી ન જાય.

(૨) રોચક શબ્દો : આ પ્રકારના શબ્દો માનવ-મનને લોભાવનારા છે. ધર્મ-પુણ્ય-ભગવાનનાં સ્મરણ-ભજન વગેરે શુભ કર્મ કરવાથી થતાં લાભોનું અતિમહિમાપૂર્વક વર્ણન કરીને પણ જીવોને ઇષ્ટકર્મો પ્રતિ પ્રેરવાનો જ શાસ્ત્રકારોનો શુભ આશય છે. જો આ હકીકત સમજાય તો સ્વર્ગ, ગોલોક, વૈકુંઠાદિકનાં વર્ણનો વાંચીને કે સાંભળીને શંકાના કીડા સળવળે નહીં અને શ્રદ્ધા દૃઢ થાય.

(૩) નિમિત્તના શબ્દો : આ પ્રકારના શબ્દો ગૂઢ-રહસ્યમય સત્યને સમજાવવા માટે સરળ દૃષ્ટાંત ઉપમાઓ કે આખ્યાનો રૂપે હોય છે. જેમ કે કોઈ વડીલ નાના બાળકને કોઈ ચમકતો તારો બતાવતાં કહે છે વૃક્ષની ડાળી ઉપર દેખાય છે તે તારાનું નામ 'શુક્ર' છે. આ વાક્યનો વાચ્યાર્થ કેવળ અશક્ય જ લાગે છે ને ? પણ તેનું તાત્પર્ય સમજવાનું હોય છે. જીવનું સ્વરૂપ સમજાવવા સિંહ-ઘેટાનું દૃષ્ટાંત અપાય છે. સિંહનું નાનું બચ્ચું ઘેટાંના ટોળામાં રહેવાથી ઘેટાં જેવું થઈ ગયું. પછી સિંહે તેનું સ્વરૂપ ઓળખાવ્યું ત્યારે તેનો ડર નીકળી ગયો અને પોતે સિંહગર્જના કરવા લાગ્યું. શું આ કોઈ વાસ્તવિક અને ઐતિહાસિક ઘટના છે ? આ જ પ્રમાણે પંચતંત્રની દૃષ્ટાંત કથાઓ પાછળ કોઈક વાસ્તવિક અને ઐતિહાસિક ઘટનાને શોધવા નીકળવું એ મૂર્ખાઈ છે. એવી જ રીતે શાસ્ત્રોમાં કેટલાંક આ પ્રકારનાં આખ્યાનો દ્વારા 'સત્ય'ને સુગમ રીતે સમજાવવાનો એક નમ્ર પ્રયાસ છે. અહીં એ પણ સ્પષ્ટપણે સમજી લેવું જોઈએ કે શાસ્ત્રોની બધી જ વાતો કાંઈ પંચતંત્રની કથાઓ જેવી કાલ્પનિક નથી પણ વાસ્તવિક અને ઐતિહાસિક ઘટનાઓ છે.
વળી, આવા નિમિત્તના શબ્દો જે તે દેશ, કાળ, સંજોગો, વ્યક્તિ, વિશિષ્ટ પ્રસંગ કે વાતાવરણ અને પરિસ્થિતિને અનુલક્ષીને હોય છે. દા.ત. કર્મકાંડ અને નિયમધર્મમાંથી કેટલાક ધર્મો અને નિયમો ત્રિકાળમાં સનાતન સત્યરૂપે હોય છે, જ્યારે કેટલાક દેશ, કાળ, સંજોગો, વ્યક્તિ પ્રમાણે બદલાય છે. તેથી કોઈક નિયમ અત્યારના સંજોગો પ્રમાણે યોગ્ય ન હોય તો તેનો અર્થ એ નથી કે શાસ્ત્રોમાં જે કંઈ છે તે બધું આવું જ અયોગ્ય-ખોટું છે. જેમ કે 'યજ્ઞોમાં હિંસા કરવી' આ વચન શાશ્વત સિદ્ધાંતરૂપે નથી પરંતુ એ વખતના હિંસાના સંકોચ નિમિત્તે લખાયેલ છે એમ સમજવું જોઈએ.

(૪) સિદ્ધાંતના શબ્દો : આ પ્રકારના શબ્દો ત્રિકાળમાં સનાતન સત્યરૂપે હોય છે. જેમ કે આત્મા અજર, અમર, અવિનાશી છે, ભગવાન આ જગતના કર્તાહર્તા છે. આવા સૈદ્ધાંતિક શબ્દો ત્રિકાલાબાધિત હોય છે.
વળી શાસ્ત્રોના વિવિધ શબ્દો માનવજીવનનાં વિવિધ પાસાંઓને દૃષ્ટિકોણમાં રાખીને માનવજીવન સુખમય વીતે અને અંતિમ 'મુક્તિ'નું ધ્યેય સિદ્ધ કરી શકે તે માટે પ્રયોજાયેલા હોય છે. શારીરિક, માનસિક, બૌદ્ધિક, આર્થિક કૌટુંબિક, સામાજિક, રાષ્ટ્રીય લાભ થાય તે માટે પણ 'ધર્મ'ના સ્વરૂપને સમજાવીને અંતે આધ્યાત્મિક લાભ કરાવીને જીવન સાર્થક બનાવવા માટે જ વિવિધ પ્રકારની વાતો શાસ્ત્રોમાં જોવા મળે છે.
આમ, શાસ્ત્રોના શબ્દો કોઈ એક જ દૃષ્ટિકોણથી મૂલવવાના નથી હોતા. વળી, શાસ્ત્રોના શબ્દોને મૂલવવા માટે પણ આપણી શક્તિ અને બુદ્ધિ સમર્થ નથી. આપણે આપણા સીમિત દૃષ્ટિના ચશ્માં પહેરીને જ આ શબ્દો નિહાળીએ અને અર્થઘટન કરીએ તો તેમાં શાસ્ત્રોને અન્યાય થવાની પૂરી સંભાવના રહે છે. હિમાલયના ઉચ્ચતમ શિખરે ઊભેલ વ્યક્તિ જે કાંઈ નિહાળીને કહે તેને તળેટીમાં ઊભેલ માનવી યથાર્થ રીતે ન મૂલવી શકે. ભગવાનનાં અસાધારણ શક્તિ-ઐશ્વર્યને સમજ્યા વગર, આધ્યાત્મિક, યૌગિક શક્તિને અનુભવ્યા વગર આપણી તુચ્છ શક્તિ અને બુદ્ધિથી શાસ્ત્રોની વાતો તો અશક્ય અને અસંભવિત જ લાગે. શાસ્ત્રોમાં આત્મા અને પરમાત્માની શક્તિનો નિર્દેશ કરેલો છે તે આપણા ત્રાજવાથી જોખી કેમ શકાય ? 'અણુની તાકાત'નો અનુભવ વૈજ્ઞાનિકોને હમણાં હમણાં થયો ત્યારે 'અણોરણીયાન્‌ મહતો મહીયાન્‌' એવા પરમાત્માની શક્તિનું અનુમાન કંઈક અંશે કરી શકાય છે. તો તેના સંકલ્પમાત્રથી સૃષ્ટિનું સર્જન અને તેનો પ્રલય થાય તે અસંભવિત નથી. પ્લેનની શોધ પહેલાં શાસ્ત્રોમાં 'વિમાનમાં' દેવો વિચરતા કે રામ, લક્ષ્મણ અને સીતા લંકાથી અયોધ્યામાં 'પુષ્પક વિમાન' માં આવ્યાં તે અશક્ય જ માનીને શાસ્ત્રોની આ વાતોને 'પરીકથા' જ લાગે ને ? જગદીશચંદ્ર બોઝે પ્રયોગો દ્વારા સિદ્ધ કરી આપ્યું કે વનસ્પતિમાં પણ જીવ છે. તે પહેલાં હજારો વર્ષો પહેલાનાં હિન્દુ શાસ્ત્રોમાં કહેલું કે વનસ્પતિમાં પણ જીવ છે. તેને પણ અન્ય પશુ-પક્ષીઓની જેમ હર્ષશોકની લાગણી હોય છે, તે બધાં પરીકલ્પના જ લાગે ને ?
ગાંધારીએ આંખની દૃષ્ટિ દ્વારા દુર્યોધનને વજ્રનો બનાવી દીધો આ વાત આજે આંખની સંયમશક્તિના પ્રયોગો દ્વારા સિદ્ધ થઈ ચૂકી છે. આમ, આજે આપણાં શાસ્ત્રોની સેંકડો હકીકતો વૈજ્ઞાનિક દ્વારા પણ પુરવાર થઈ રહી છે. આજે વિશ્વભરના સુપ્રસિદ્ધ વૈજ્ઞાનિકો અને બૌદ્ધિકો પણ આપણાં શાસ્ત્રોની હકીકતોને 'સત્ય' સ્વરૂપે જોતા થયા છે. માટે, શાસ્ત્રોના સ્થૂળ શબ્દોને સ્થૂળ દૃષ્ટિએ વાંચીને તેના ગૂઢ રહસ્યને પામ્યા વગર 'શાસ્ત્રો ખોટાં છે' તેવાં કથનો કરવાનો અધિકાર કે એવી ક્ષમતા અને પાત્રતા આપણી નથી જ એ પ્રમાણિકપણે સમજી લેવું જોઈએ.

(૫) તાત્કાલિક ફળ-પરિણામ મળવાની અપેક્ષા પણ શાસ્ત્રોમાં અશ્રદ્ધા જન્માવે છે :
કોઈક શુભ કર્મ કરે કે કોઈક અશુભ કર્મ કરે તેનું ફળ તાત્કાલિક મળતું હોય તેવું જોવા મળતું નથી. તેથી પાપ-પુણ્ય કે કર્મ સિદ્ધાંતની શાસ્ત્રોક્ત વાતો ખોટી હોય તેમ લાગે છે. કેટલીકવાર વર્ષો સુધી સાધના કરવાથી સાધનાનું પરિણામ જોવા મળતું નથી તેથી પણ નાસ્તિકભાવ આવે છે.
અહીં એ સમજવાની જરૂર છે કે શુભ-અશુભ કર્મનું ફળ તાત્કાલિક અને આ જ જન્મે મળે તેવું નથી પણ ગમે તે જન્મમાં મળે જ છે. તે નિર્વિવાદ હકીકત છે.
શાસ્ત્રોની વાતોના અનુભવ તાત્કાલિક થાય જ એવું નથી. તેમાં તો ધીરજ રાખીને પ્રામાણિકપણે સતત પુરુષાર્થ કરતાં રહેવું પડે તો જ તે સાધનાનું ફળ જોવા મળે છે. આજ સુધી હજારોને આ અનુભવ થયો છે તે નક્કર હકીકત છે. આપણને અનુભવ ન થતો હોય તો આપણી સાધનામાં કંઈક કચાશ છે તે સમજવું જોઈએ. અહીં આપણે વિશ્વના સુપ્રસિદ્ધ કોમ્પ્યુટર વિજ્ઞાની પ્રો. જોસેફ વેઈઝ બાઝનું કથન નોંધીશું. તે કહે છે : 'હું ધારું છું કે વિશ્વના મહાન ધર્મોના ગ્રંથોમાં સમાયેલાં જ્ઞાન અને ડહાપણ પ્રસ્તુત છે... એ સ્પષ્ટ છે કે આ ગ્રંથનું કેવળ અસ્તિત્વ પૂરતું નથી. પરંતુ મને લગભગ પૂર્ણ શ્રદ્ધા છે કે સારું જીવન કેવી રીતે જીવવું તેનું જ્ઞાન આ ગ્રંથોમાં સમાયેલું છે. અત્યાર સુધી તેઓ આપણને મદદરૂપ નહીં બન્યાં તેનું કારણ એ નથી કે આ ડહાપણ એ ગ્રંથોમાં સમાયેલું નથી, પરંતુ તેનું કારણ એ છે કે જીવવાનો તર્કગમ્ય માર્ગ ખોલવાની પૂરતી ઇચ્છા ધરાવવા જેટલા આપણે ગંભીર બન્યા નથી. હું કેવળ એમ આશા રાખું કે આપણી હાલની સમસ્યાઓ જ્ઞાનના-પુરાણા જ્ઞાનના આ પહેલા અને છેલ્લા સ્રોત તરફ નજર કરવાની અને તેના પ્રત્યે ગંભીર ધ્યાન આપવાની તાલાવેલી અને પ્રેરણા આપશે.'

આ પ્રમાણે શાસ્ત્રોમાં અશ્રદ્ધા ઊપજવાનાં મુખ્ય કારણો અને અશ્રદ્ધાને ટાળીને શ્રદ્ધા કેવી રીતે જન્મે તે આપણે સમજ્યા.
શાસ્ત્રોમાં અશ્રદ્ધા ટાળીને શ્રદ્ધાને જન્માવવા માટે ઉપર જે કાંઈ વાત કરી છે તે ફક્ત સહાયરૂપ થાય પરંતુ મુખ્યત્વે તો સાચા અનુભવી સત્પુરુષના પ્રસંગથી જ શાસ્ત્રમાં દૃઢ શ્રદ્ધા જન્મે છે. શ્રીજીમહારાજ વચનામૃત ગ.પ્ર. ૬૬, લો. ૧૧, મ. ૧૩ વગેરેમાં કહે છે કે શાસ્ત્રોની વાતો પોતાના બુદ્ધિબળે સમજાતી નથી, પરંતુ એકાંતિક સત્પુરુષના પ્રસંગથી જ સમજાય છે. સાચા સંતમાં હેત અને આત્મબુદ્ધિથી જ શાસ્ત્રોનાં વચનોમાં અચળનિષ્ઠા અને શ્રદ્ધા પ્રગટ થાય છે. અતિ બુદ્ધિ-પ્રતિભા સંપન્ન વિવેકાનંદને રામકૃષ્ણ પરમહંસના યોગથી જ શાસ્ત્રોની ભગવાન વિષયક વાતોની દૃઢ પ્રતીતિ થઈ. એવી રીતે બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજના અને વર્તમાનકાળે પ્રગટ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના યોગમાં આવતાં સામાન્ય ગામડાના મુમુક્ષુથી માંડીને દેશ-પરદેશના હજારો લાખો ભણેલા બુદ્ધિશાળીઓને આબાલવૃદ્ધ સૌ કોઈને શાસ્ત્રોનાં વચનોમાં દૃઢ શ્રદ્ધા થઈ છે. અને તે પ્રમાણે વર્તવાનો પ્રયત્ન પણ કરે છે. કેટલાય પ્રખર નાસ્તિકો પણ આસ્તિકના રાહ પર ચાલતા થયા છે તેવો આપણને સૌને પ્રત્યક્ષ અનુભવ છે. માટે શાસ્ત્રોમાં શ્રદ્ધા જન્માવનારું મુખ્ય પરિબળ તો એકાંતિક સત્પુરુષમાં અતિદૃઢ પ્રીતિ જ છે.
આ રીતે શાસ્ત્રોમાં શ્રદ્ધા એ જ આપણી આધ્યાત્મિક સાધનાનો પાયો છે. તેથી ભારતીય પરંપરાગત સનાતન સત્શાસ્ત્રોમાં તો શ્રદ્ધા રાખવાની જ છે પણ શ્રીજીમહારાજે અતિપ્રમાણરૂપ માન્ય ગણેલાં આઠ સદ્‌ગ્રંથોમાં વિશેષ શ્રદ્ધા રાખવાની છે. તેમાંય ખાસ કરીને તો શ્રીજીમહારાજે સર્વશાસ્ત્રોના પરમસાર-પરમરહસ્ય-પરમસિદ્ધાંતરૂપે આપેલ વચનામૃત અને શિક્ષાપત્રીમાં તો સંપૂર્ણ શ્રદ્ધા રાખવાની જ છે. તો જ આપણે આત્યંતિક કલ્યાણરૂપ પરમપ્રાપ્તિની અનુભૂતિ કરીને જીવન સાર્થક કરી શકીશું.                                                                           

સાધુ બ્રહ્મદર્શનદાસ

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |