|
અંતર્મુખ થઈએ...
દિવાળી આવી અને પસાર પણ થઈ ગઈ. નવું વર્ષ બેસે છે. લોકોને થોડા દિવસ નવું નવું લાગે છે, સૌ હળેમળે છે, ગઈ ગુજરી ભૂલી જાય છે, નવેસરથી જીવનનો આરંભ કરે છે... પરંતુ આવું ને આવું હંમેશને માટે રહેતું નથી. સંસારની વિટમણામાં બધું ભુલાઈ જાય છે.
સદા જાગૃતિ તો રહે જો નિયમિત સત્સંગ કરીએ. સભામાં જઈએ. પોતાનું વાંચન-મનન વધારીએ, અંતર્મુખ થઈએ...
શ્રીજીમહારાજ વચનામૃત વરતાલ ૧૬માં કહે છે : 'અમારે તો નેત્ર મીંચીને ભગવાનની મૂર્તિનું ચિંતવન કરીએ તેમાં જેવું સુખ છે તેõવું ચૌદ લોકના રાજ્યને વિષે પણ નથી. અને જો ભગવાનના ભજન જેવું રાજ્યને વિષે સુખ હોય, તો સ્વાયંભુવ, મનુ આદિક જે મોટા મોટા રાજા તે સર્વે રાજ્ય મૂકીને વનમાં તપ કરવા શા સારુ જાય ? અને ભગવાનના ભજન જેવું સ્ત્રીને વિષે સુખ હોય તો ચિત્રકેતુ રાજા કરોડ સ્ત્રીઓને શા સારુ મૂકે? અને ભગવાનના ભજનના સુખ આગળ તો ચૌદ લોકનું જે સુખ તે નરક જેવું કહ્યું છે. માટે જે ભગવાનને સુખે સુખિયો થયો હોય તેને તો બ્રહ્માંડને વિષે જે વિષયનું સુખ છે તે નરકતુલ્ય ભાસે છે, અને અમારે પણ ભગવાનના ભજનનું સુખ તે જ સુખ જણાય છે, બીજું સર્વે દુઃખરૂપ જણાય છે.'
ભગવાનના સ્મરણમાં ને ભજનમાં સુખ રહ્યું છે તે આપણે અનુભવી શકીએ છીએ. ધારો કે કોઈની પાસે કરોડ રૂપિયા છે પરંતુ શરીર રોગોથી ઘેરાયેલું છે, ઊંઘ આવતી નથી, માનસિક પીડા પણ છે - આવી પરિસ્થિતિમાં પૈસા એને સુખ આપી શકશે નહીં. એ મંદિરમાં જઈ ભગવાનનાં દર્શન કરશે, કથા સાંભળશે, સંત સમાગમ કરશે ત્યારે મન શાંત થશે. શરીરનું દુઃખ પણ ભુલાઈ જશે.
એટલે જ શ્રીજીમહારાજ ભગવાનનાં ભજન-સ્મરણ આગળ ચૌદ લોકના સુખને તૃણ જેવું તુચ્છ કહે છે.
ભક્ત થયા પછી પણ દુઃખ રહ્યા કરતું હોય છે, કથાવાર્તાથી જ્ઞાન તો થાય છે કે સંસાર નાશવંત છે, તુચ્છ છે તો પણ રજોગુણ-તમોગુણના વેગ સુખ લેવા દેતા નથી. જેમ ભોજન સારું રાંધ્યું હોય પણ શાક કે દાળ દૂણાઈ ગયાં હોય તો ભોજનનું જોઈએ તેવું સુખ આવતું નથી. દૂધપાક સહેજ દાજી ગયો તો સ્વાદ નકારો લાગે છે. રોટલી પાતળી,સરસ ફૂલકાં હોય પણ તેના લોટમાં ઝીણી રેતીની કરકર ભળી ગઈ હોય તો સુખ નથી આવતું.
આ જ રીતે આપણને પણ ભજન-સ્મરણમાં રજોગુણની કરકર આવી જાય છે. તેને ટાળવાનો ઉપાય બતાવતાં શ્રીજીમહારાજ ગઢડા પ્રથમના ૫૮માં કહે છે : 'દેહ, કુસંગ ને પૂર્વ સંસ્કારના યોગે કરીને ગુણ પ્રવર્તે છે. તેમાં દેહને યોગે કરીને જે ગુણ પ્રવર્ત્યા હોય તે તો આત્મા-અનાત્માના વિચારે કરીને ટળી જાય છે, અને કુસંગે કરીને પ્રવર્ત્યા હોય તે સંતને સંગે કરીને ટળે છે. અને જે રજોગુણ-તમોગુણના વેગ એ બેયે કરીને પણ ન ટળે તે તો કોઈક પૂર્વના ભૂંડા સંસ્કારને યોગે કરીને છે, માટે એ ટળવા ઘણા કઠણ છે.'
શ્રીજીમહારાજે રજોગુણ-તમોગુણના વેગમાં ન તણાવાય તે માટે પરમહંસોને કહ્યું : 'માનો ચૈતન્યરૂપ તમારું, આપણે આત્મા, નહીં દેહ.' તમે ચૈતન્ય છો, આત્મા છો, અક્ષર છો. દેહ એ તમારું રૂપ નથી. દેહનું દમન કરો અને આત્મવિચાર કરો - ગુણના વેગ શમી જશે. કુસંગે કરીને રજોગુણના વેગ આવે તો સંત સમાગમ કરવાથી તે ટળી જાય છે. ગુણાતીતાનંદ સ્વામીએ સંગની મહત્તા ખૂબ કહી છે.
આજે ચારે બાજુ કુસંગ ફેલાયો છે. ટીવી. ઘેરઘેર આવી ગયાં એ મોટો કુસંગ છે. ગામડામાં પણ સરપંચના ઘરે આખું ગામ ભેગું થાય, અમે એક ગામમાં ગયા તો બધું સૂમસામ હતું. જે ભાઈને ત્યાં ઊતર્યા હતા તેમને પૂછ્યું તો કહે : 'બધા સરપંચના ઘરે ટી.વી. જોતા હશે.'
તમે રેડિયો નથી વગાડતા પણ બાજુવાળાને વગાડતા રોકી નહીં શકો. ન સાંભળવું હોય તો પણ સંભળાઈ જાય છે. આ બધાં ઝેર અંદર પેસે પછી કાઢવાનું કોઈ સાધન નથી, સિવાય કે સત્સંગ. યોગીજી મહારાજે અઠવાડિયે-અઠવાડિયે સત્સંગ-સભા કરવાની આજ્ઞા કરી, પરંતુ પ્રમુખસ્વામી મહારાજે રોજ ઘરસભા કરવાની કહી, રોજ શા માટે કહ્યું ? જેવો રોગ તેવી દવા ડૉક્ટર આપે. ટી.વી. મોટો રોગ છે તો દવા રોજ લેવી પડે.
આપણો સમય આજે વૃથાવાદ, વૃથાવિચાર ને વૃથા કથનમાં વેડફાઈ જાય છે. નવરા પડ્યા ને ક્રિકેટની ચર્ચા, ચૂંટણી હોય તો એની ચર્ચા, આજે છાપાંઓમાં શું આવે છે ! મને એક ભાઈ મળ્યા હતા. ૮૦ વર્ષની ઉંમર હતી પણ પાંચ કલાક છાપું વાંચવામાં વેડફે છે ! પ્રેસલાઈન ને નાની-મોટી જાહેર-ખબરો સહિત - બધું વાંચી નાંખે ! એમાંથી એમના જીવનમાં કેટલું ઉપયોગી થવાનું છે તે તો એ જાણે.
ટેલિફોન નંબરમાં એક જ નંબર ખોટો જોડાઈ ગયો તો ? તૃતીયમ્ થાય છે. ઘણીવાર તો સાચો નંબર જોડીએ તો પણ રોંગ નંબર લાગે છે... જીવનનું એવું જ છે. નંબર જોડીએ છીએ પણ ખોટા નંબર છે ! વાંચન થાય છે, પણ ખોટું છે.
રજોગુણ-તમોગુણ ખોટા નંબર જેવા છે. ભગવાનમાં મન જોડવા ન દે, ડાયરેક્ટ બીજે લાઈન વહી જાય ! આળસ એટલે માત્ર ઊંઘ્યા જ કરવું એ નથી, વ્યર્થ વાર્તાલાપ કે વ્યર્થ વાંચન કરો - એ પણ આળસ-પ્રમાદ જ છે. તમોગુણ છવાય ત્યારે દિશા બદલાઈ જાય છે. વાઘાખાચરને ધિંગાણા(લડાઈ)નાં સ્વપ્ન આવતાં. ગુણાતીતાનંદ સ્વામીને પૂછ્યું. સ્વામી કહે : 'પૂર્વના મલિન સંસ્કાર છે.'
'એ કેમ ટળે ?'
'જૂનાગઢ સાથે ચાલો - ટળી જશે.'
વાઘાખાચર સ્વામી સાથે જૂનાગઢ ગયા ને સ્વામીમાં મૂળ અક્ષરપણાની પ્રતીતિ આવી ગઈ, ગુણના વેગ ટળી ગયા, નિરાવરણ દૃષ્ટિ થઈ ગઈ.
આપણા વેગ આત્મા-અનાત્માના વિચારથી ન ટળે કે સંત સમાગમથી ન ટળે તો સમજવું પૂર્વના મલિન સંસ્કાર છે. એ ટળવા કઠણ છે. શ્રીજીમહારાજ કહે છે : 'અતિશય જે મોટા પુરુષ હોય તેનો જેના ઉપર રાજીપો થાય તેë ગમે તેવા મલિન સંસ્કાર હોય તો નાશ પામે. અને મોટાપુરુષનો રાજીપો થયો હોય તો રાંક હોય તે રાજા થાય અને ગમે તેવાં ભૂંડાં પ્રારબ્ધ હોય તો રૂડાં થાય અને ગમે તેવું તેને માથે વિઘ્ન આવનારું હોય તે નાશ થઈ જાય.'
અતિશય મોટાપુરુષ એટલે વડવાનળ જેવા પરમ એકાંતિક સત્પુરુષ, પરમ ભાગવત સંત, જેમને ગીતા સ્થિતપ્રજ્ઞ કહે છે, ગુણાતીત કહે છે. જીવની મલિનતા ટાળવા ગુણાતીત પુરુષને મહારાજે દર્શાવ્યા છે. વેદો કહે છે : 'तमेव विदित्वाऽतिमृत्युमेति नान्यः पन्थाः विद्यतेऽयनाय।' બ્રહ્મને જ જાણીને મૃત્યુ-સંસાર-ને ઓળંગી શકાય છે. (મૃત્યુમ્ અત્યેતિ) ભવસાગર તરવા માટે બીજો કોઈ માર્ગ જ નથી.
આ લોકમાં પોતાની સત્તા મુજબ અધિકારીઓ મદદ કરે છે. જેમ પી.એસ.આઈ., ડી.એસ.પી., આઈ.જી.પી., ગવર્નર, રાષ્ટ્રપતિ - એક પછી એક ચઢિયાતા છે તેમ મોક્ષ માર્ગે પણ એવું છે. ફાંસીની સજા રાષ્ટ્રપતિ જ મિટાવી શકે તેમ જીવને વળગેલી જમપુરી-ગર્ભવાસ, લખચોરાસીની સજા ગુણાતીત સત્પુરુષ જ ટાળવા સમર્થ છે. જીવના અનેક ગુના તેઓ માફ કરી દે છે.
મહારાજે ચાર વાત કરી : (૧) મલિન સંસ્કાર નાશ પામે, (૨) રાંક હોય તે રાજા થાય, (૩) ભૂંડાં પ્રારબ્ધ રૂડાં થાય, (૪) ગમે તેવું વિઘ્ન આવનારું હોય તો તે નાશ થઈ જાય. - આ ક્યારે બને ? મોટા પુરુષનો રાજીપો થાય ત્યારે.
મોટા પુરુષ પ્રમુખસ્વામી મહારાજ આપણને ઓળખાયા છે, હવે તેમને રાજી કરવાના છે. પ્રતીતિ પણ છે કે જન્મમરણનો રોગ તેઓ જ ટાળશે. ગૂમડાંનાં ઑપરેશન કરનાર ઘણા મળે પણ બ્રેઈન ટ્યૂમર કોણ કાઢે ? એના નિષ્ણાત જ એ કાઢી શકે. તેમ આધ્યાત્મિક માર્ગે ચારે વસ્તુથી નિર્ભય કરે, અંતઃશત્રુઓને ટાળી નાખે એવા નિષ્ણાત સ્વામીશ્રી છે.
પહેલી વાત તો એ કે જન્મમરણની ગાંઠ પોતાને વળગી છે એવું લાગે છે ! કારણ દેહના ભાવ, દોષોની પીડા અનુભવાય છે ? તો એનો ઇલાજ કરવાના વિચાર આવશે.
દેહના ડૉક્ટરની ફી બહુ મોટી હોય છે, અંતરના રોગો ટાળનાર આ ડૉક્ટરની ફી 'માત્ર એ રાજી થાય એવું આપણાથી વર્તન થાય -' એટલી જ છે.
મોટાપરુષને રાજી કરવા શું કરવું જોઈએ ?
એ ઉપાય મહારાજ જ બતાવે છે : 'પ્રથમ તો મોટાપુરુષ પાસે નિષ્કપટપણે વર્તે.'
ઘણાને શંકા થતી હોય છે કે મોટાપુરુષ તો અંતર્યામી છે, એ બધું જ જાણે છે, પછી એમને શું કહેવું ?'
પરંતુ નિષ્કપટ થવામાં તમારો મોટાપુરુષ સાથેનો અંતરાય તૂટે છે.
નિષ્કપટ થાવ તો તમારી તૈયારીની તેમને ખબર પડે છે.
નિષ્કપટ થાવ તો તમારું હૃદય હળવું થાય છે.
નિષ્કપટ થાવ તો તમારું હેત એમની સાથે વધે છે.
નિષ્કપટ થવામાં અનન્ય આશ્રય સમાયેલો છે. મોટાપુરુષ અતિ દયાળુ છે, એ આપણી તત્પરતા પિછાણે છે ને દૃષ્ટિ કરે છે. દોષો ટાળી નાખે છે.
નિષ્કપટ થવાની બધાને અનુકૂળતા ન પણ હોય, તો તમારી ભૂલ કાગળમાં લખી દેવી. એ કાગળ પૂજામાં રજૂ કરી દેવો, ગદ્ગદભાવે પ્રાર્થના કરવી, ફરી ભૂલ ન થાય એવો વિશ્વાસ દૃઢાવવો. શ્રીજીમહારાજ, પ્રમુખસ્વામી મહારાજ જરૂર સાંભળે છે. એની સાબિતી શું તો તમારા અંતરમાં શાંતિ શાંતિ થઈ જાય ! ગરીબ, અભણ દરેક આ રાજીપો લઈ શકે છે, ને નિર્દોષ થઈ શકે છે.
લોકો ચાર ધામની યાત્રા કરી આવે પણ નિષ્કપટ ન થાય. યાદ રાખો મોટાપુરુષથી જેટલું છૂપું રાખશો તેટલું તે દોષ તમને દબાવશે. મનમાં થાય કે કોઈ નથી જાણતું પણ તમે તો જાણો છો ને ! તમને આગળ નહીં વધવા દે.
ભગવાન અને મોટાપુરુષ પર વિશ્વાસ રાખવો. આ લોકમાં જે સારા માણસો છે તે પણ માફ કરી દે છે તો ભગવાન તો માફ કરી જ દે.
તમે ગમે તેવું ભયંકર પાપ કેમ નથી કર્યું ! ભલે તમે પંચમહાપાપે યુક્ત હો, મોટાપુરુષ તમને નિષ્પાપ કરી મૂકે છે. શ્રીજીમહારાજ વચનામૃત અંત્ય-૧૨માં કહે છે : 'પંચમહાપાપે યુક્ત હોય તેનો પણ છુટકારો થાય છે.'
નિષ્કપટ કોની પાસે થવું ! તો મહારાજ કહે છે કે જેના અંતરમાં ક્યારેય ભૂંડો ઘાટ થતો ન હોય, વળી, આપણા ઘાટ પણ ટાળવાની જેમને ચાડ હોય - એવા પુરુષ પાસે નિષ્કપટ થવું. ગમે તેની પાસે નિષ્કપટ થવાની વાત નથી કરી. બ્રેઈનની તકલીફ હોય તો ન્યૂરો સર્જન પાસે જવું પડે. સામાન્ય રોગ હોય તો પણ એન્જિનિયર પાસે નથી જતા, ડૉક્ટરને જ બતાવવા જઈએ છીએ. અંતરના રોગોનું પણ એવું છે. એ જેને તેને ન બતાવાય. બતાવીએ તો ઊલટી દવા થાય ને રોગ ઘટવાને બદલે વધે.
નિષ્કપટ થવાની વાત હિંદુધર્મમાં જ છે એવું નથી, અન્ય ધર્મોમાં પણ કહ્યું છે. ખ્રિસ્તીમાં આને કન્ફેશન(કબૂલાત) કહે છે. ગુણાતીતાનંદ સ્વામી બ્રહ્મરૂપ થવા માટે ત્રણ કલમ મૂકે છે : મોટા સંત સાથે હેત, વિશ્વાસ ને નિષ્કપટપણું. નિષ્કપટ ત્રણ વાતે થવાની વાત શ્રીજીમહારાજ કહે છે, નિયમનો લોપ થયો હોય, કોઈનો અભાવ આવ્યો હોય, નિશ્ચયમાં અનિશ્ચયનો ઘાટ થયો હોય - આ ત્રણ બાબતે નિષ્કપટ થઈ જ જવું.
નિષ્કપટ થવા સાથે વર્તન પણ કેળવવું પડે છે. શ્રીજીમહારાજ કહે છે : 'નિષ્કપટ વર્તે અને કામક્રોધાદિક દોષોનો ત્યાગ કરે અને સંતનો ગુલામ થઈને રહે ને અંતરમાં માન ટળે ભાવે રહે પણ દેહે કરીને સર્વેને નમતો રહે... તો એની ઉપર મોટા સંત રાજી થાય છે. મહારાજે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, અહંકાર અને ઈર્ષ્યા જેવા દોષો ત્યાગવા કહ્યું - આ મુદ્દામાં શું સમજવું ? તો સ્થૂળ દેહે કરીને નિયમમાં વર્તવું, સૂક્ષ્મદેહનું ભગવાન સંભાળી લેશે. મનથી ભલે સંકલ્પ-વિકલ્પ થાય પણ દેહે કરીને દૃઢ વર્તમાન પાળવા. ગુસ્સો આવ્યો ! દાબી દો. એટલો ગુસ્સો ન કરો કે હાથ ઊપડે, લાકડી કે ધારિયું ઊપડે.
થોડું કરીએ તો પણ ભગવાનનો રાજીપો થાય છે. થોડું શું ? ધારિયું હાથમાં લેવા જેટલો ગુસ્સો વ્યાપે ત્યારે પાછી વૃત્તિ વાળે ને ધોલ-ધપાટ સુધી પહોંચે - વળી, વિચારે તો પછી સાવ ગુસ્સો ઓગળી જશે.
યોગીજી મહારાજ કહેતા કે એક નાનો બાળક કેરી તોડવા પ્રયત્ન કરતો હતો તેની મહેનત જોઈ ભગવાને વટેમાર્ગુ ઘોડેસવારમાં પ્રવેશ કર્યો ને કેરી પાડી આપી. દોષો ટાળવા માટે આપણે થોડો પ્રયત્ન તો કરવો જ પડે.
જાણીએ છીએ કે કામ દોષ છે - તેનાં કારણો ઘણાં છે, તેમાં એક છે ટેલિવિઝન. ટેલિવિઝન ન જોઈએ તે આપણો પ્રયત્ન. એવા બીભત્સ પુસ્તક વાંચવાની ઇચ્છા થઈ પણ તેને દાબી દઈએ, પુસ્તક ન જ વાંચીએ તે પ્રયત્ન. રાજીપો પ્રાપ્ત કરવા માટે પુરુષાર્થ કરવો જ પડે. પુરુષ પ્રયત્ન-ઈશ્વરકૃપા.
દોષને - સ્થૂળપ્રવૃત્તિને - ટાળવાનો પુરુષાર્થ એક વાર નહીં, બે વાર નહીં, બાવીસ વાર કરવો પડે. કરેલો પુરુષાર્થ નિષ્ફળ જતો નથી. 'નહીં કલ્યાણકૃત્ કશ્ચિત્ દુર્ગતિં તાત ! ગચ્છતિ' કલ્યાણના માર્ગે જેણે જે કંઈ યત્ન કર્યો છે તે દુર્ગતિને પામતો નથી.
નિષ્કપટ થયા પછી પણ ગતિ માટે તો પુરુષાર્થ છે જ. નિષ્કપટપણું તમને મોક્ષના માર્ગ સુધી લાવી આપે પણ ગતિશીલ તો તમારે જ થવું પડે.
દોષો ટાળવાના પુરુષાર્થ સાથે પરમેશ્વરના દાસનો ગુલામ થઈને રહેવાનું શ્રીજીમહારાજ કહે છે. છેવટે માન ટળે ભાવે રહે, સૌને નમતો રહે તો પણ ભગવાન રાજી થાય છે.
જેમ કરોડપતિનો દીકરો એફ.આર.સી.એસ. થવા ગયો, તેને સંડાસ સાફ કરવાનું કહે તો તેણે તે કરવું જ પડે છે. તેમ બ્રહ્મરૂપ થવાની ડિગ્રી લેવા અહીં આવ્યા પછી મોટાપુરુષ નાનામાં નાની, નીચામાં નીચી ટેલચાકરી કરાવે તો પણ રાજીપે કરે. અઘરી કલમ તો પરમેશ્વરના દાસનો ગુલામ થઈને રહે તે છે. વિકાર ટાળવા હોય તો આ બધી કલમ પળે.
(પૂજ્ય ડૉક્ટર સ્વામીએ કરેલ કથાવાર્તામાંથી સારવીને)
'અંતરમાં કપટ હોય એ મૂકીને સત્પુરુષનો સમાગમ કરવો. જ્યાં સુધી અંતર છે, ત્યાં સુધી બ્રહ્મરૂપ ન થવાય. થોડું પણ અંતર રાખીએ તો અંતર શુદ્ધ ન થાય. સત્પુરુષ આગળ બધી વાત ઓપન કરવી જોઈએ. વકીલ આગળ બધી વાત ઓપર કરવી પડે, ડૉક્ટર આગળ બધું ઓપન કરવું પડે. હજામત કરવા જઈએ ત્યાં એની આગળ પણ ઓપન થવું પડે. તો પછી આ તો કલ્યાણ લેવા જઈએ છીએ ત્યાં કપટ ચાલે ?'
- પ્રમુખસ્વામી મહારાજ
|
|