|
આહારશુદ્ધૌ સત્ત્વશુદ્ધિઃ
(અ) રસોડામાં આહારશુદ્ધિ :
દૂધ, પાણી વગેરે ગાળીને વાપરવાં. (શિક્ષાપત્રી શ્લોક-૩૦). લોટ, મસાલા ચાળીને વાપરવા, ઇયળ, ધનેડાંનો ખ્યાલ રાખવો.
૧. ફળ અને શાકભાજી પાણીમાં સારી રીતે સાફ કરવાં. જેથી તેના પર રહેલ જંતુનાશક અને અન્ય ઝેરી રસાયણો તથા અમુક પ્રકારના જંતુનાં ઈંડાં સાફ થઈ જાય.
૨. શાક અને ફળો સમારતાં-ફોલતાં જીવજંતુનો ખ્યાલ રાખવો. દા.ત. રીંગણ, લીલા વટાણા, ભીંડા, તુવેર વગેરેમાં ઇયળù હોઈ શકે.
૩. રાંધેલો ખોરાક ઢાંકી રાખવો. ગરમ પ્રદેશોમાં આ મુદ્દો ખાસ લાગુ પડે છે, કારણ કે ઊડતા જીવજંતુ, ગરોળી-ઊંદર વગેરેની ચરક-લીંડીઓ ખોરાકમાં પડી શકે. જેમને ઘરે કૂતરાં બિલાડાં વગેરે પશુઓ હોય તેમણે તો ખોરાક કબાટમાં જ મૂકવો.
૪. રાંધેલો ખોરાક જો ફ્રિજમાં કે ડીપફ્રીઝરમાં રાખવાનો હોય તો તેની વપરાશ તારીખ (એક્સપાયરી ડેટ) તેના ઢાંકણ પર અવશ્ય લખવી. ઘણી વાનગીઓમાં ઠંડા વાતાવરણમાં પણ બેક્ટેરીયા ઊગી શકે છે ને તે ખોરાકમાં ઝેરી તત્ત્વો ઉત્પન્ન થઈ શકે છે. આવો ખોરાક ફરીથી ગરમ કરવામાં આવે તો કદાચ બેક્ટેરીયા નાશ પામી શકે પણ તેનાથી ઉત્પન્ન થયેલું ઝેર (ટોક્સિન) નાશ ન થાય. જેને કારણે ફૂડપોઈઝનીંગ થઈ શકે.
૫. જેમને ફ્રિજની વ્યવસ્થા ન હોય તેમણે તો ખાસ કરીને ગરમ ૠતુમાં તાજો બનાવેલો ખોરાક જ લેવો. બપોરે બનાવેલી અમુક વાનગીઓ સાંજે ઊતરી પણ જાય.
૬. કેક અને તેનું ક્રિમ ડેકોરેશન, જલેબીના અને અન્ય ફૂડકલર પ્રાણિજ ન હોય તેની તકેદારી રાખવી. દા.ત. કેકના ક્રિમમાં છૂટથી વપરાતો કોચીનીલ (લાલ) પ્રવાહી કલર અમેરિકામાં વંદાની એક જાતમાંથી બનાવવામાં આવે છે.
૭. વળી, બજારની તૈયાર કેક, બીસ્કીટ, બ્રેડ, ચોકલેટ, જેલી વગેરેમાં ઈંડા, લેસીથીન, (પરદેશમાં બ્રેડમાં 'લાર્ડ') હોય છે. આવા પ્રાણિજ ચરબી ન હોય તેવા જ પદાર્થો લેવા.
૮. બજારના અમુક તૈયાર પદાર્થોમાં તથા મસાલામાં હિંગ (ઍસફોટિડા) ન હોય તેનો ખ્યાલ રાખવો.
૯. મિષ્ટાન્ન પર ચાંદીના વરખ ન વાપરવા. ઘેટાનાં આંતરડાંની ચામડીમાં ચાંદીને ટીપીને વરખ બનાવવામાં આવે છે. આ નિર્ણય સ્વામીશ્રી અને વડીલ સંતોના વિમર્શ બાદ ૧૯૯૬માં સંસ્થાકીય ધોરણે લેવામાં આવ્યો છે.
(બ) ઘરમંદિરમાં ઠાકોરજીના થાળ અંગે આહારશુદ્ધિ :
૧. શ્રદ્ધા અને સમયની અનુકૂળતા હોય તો થાળ ધરાવનાર વ્યક્તિએ સ્નાન કરી ધોયેલાં વસ્ત્રો પહેરીને જ થાળ ધરાવવો.
૨. અનુકૂળતા મુજબ ઠાકોરજીના થાળ માટે ધાતુનાં વાસણો વાપરવાં અને તે જુદાં જ રાખી મૂકવાં. પ્રત્યેક વાનગી જુદા જુદા વાટકામાં ગોઠવી શકાય તો ઉત્તમ. શક્ય હોય ત્યાં સુધી કાચ, ચિનાઈ અથવા પ્લાસ્ટિકનાં વાસણો ન જ વાપરવાં. પીકનીક, ઉત્સવોમાં ઘરની બહાર, નવી પ્લાસ્ટિકની અથવા પેપર ડીશો વાપરી શકાય.
૩. અતિ ગરમાગરમ વાનગી ન ધરાવવી. દા.ત. દૂધ, દાળ, કઢી, સૂપ, બટેટાવડાં, ખીચડી વગેરે.
૪. ઠાકોરજીના જળ માટે શક્ય હોય તો જુદું માટલું, પવાલી કે જગ રાખવો.
૫. સમયની અનુકૂળતા પ્રમાણે એક કે વધુ થાળ ભાવથી ગાવા. ઢાળ ન ફાવે તો શરૂઆતમાં કેસેટ સાથે બોલવા.
૬. થાળ દરમ્યાન કોઈ પદાર્થોને મોંમાં ચગળતાં થાળ ન બોલવા. એંઠા હાથે થાળને સ્પર્શ ન કરવો. થાળ દરમ્યાન હાથ પગને ન સ્પર્શે તેનો ખ્યાલ રાખવો. વાતો ના કરવી.
૭. ઠંડા પ્રદેશમાં ખાસ ખ્યાલ રાખવો કે ઘરમાં પહેરવાનાં પગરખાં (સ્લીપર) રૂમની બહાર કે ઘરમંદિરથી દૂર કાઢવાં. પછી જ થાળ ધરાવવો.
૮. થાળ બોલ્યા પછી દરેક મૂર્તિને ભાવથી થાળ ધરાવવો. બાદ તે વાનગીઓ રસોડામાં જે તે તપેલામાં પાછી ઉમેરી દેવી જેથી તમામ ભોજન પ્રસાદીભૂત થાય.
૯. ખાસ કરીને મોટા શહેરો કે વિદેશમાં જેમને ત્યાં સંજોગવશાત રાત્રે એક જ વખત ભોજન રંધાતું હોય તેમણે તે સમયે થાળ ધરાવવો. સવારે ઘેરથી નીકળ્યા પહેલાં ઠાકોરજીને દૂધ, સાકર કે કોઈ કોરો નાસ્તો (ચેવડો વગેરે પણ કોરો નાસ્તો ચોખ્ખો હોવો જોઈએ) ધરાવી શકાય. અમુક વાનગીઓ ઠાકોરજી માટે સ્ટોકમાં અલગ રાખવી. રોજ તેમાંથી થોડું થોડું ધરાવી શકાય. તેમાંથી આપણે ઉપયોગ ન કરવો.
(ક) અંગત આહારશુદ્ધિ :
૧. ભોજન પૂર્વે હાથ વ્યવસ્થિત ધોવા.
૨. ભોજનની શરૂઆત પહેલાં હાથ જોડીને 'શ્રીમદ સદગુણ શાલિનં...' શ્લોક બોલવો. શ્રીજીમહારાજ તથા પ્રમુખસ્વામી મહારાજનો મનોમન સંભારવા, આભાર માનવો.
૩. શ્રીજીમહારાજ કહેતા, 'સંતો ! તનની ભૂખે જમવું. મનની ભૂખે નહિ.'
૪. ક્રોધમાં કે ઉદ્વિગ્ન મને ભોજન ન કરવું.
૫. અતિ ભોજન ન કરવું. મિતાહારી બનવું. આશરે ચોથા ભાગનું જઠર ખાલી રાખવું. એ શાસ્ત્રની આજ્ઞા છે. પરમ પૂજ્ય સ્વામીશ્રીનો સૂત્રાત્મક આદેશ યાદ રાખવો : 'કમ ખાઓ ઔર ગમ ખાઓ.'
૬. ભોજન વેળા એંઠા હાથે ચમચા વડે વાનગી ન લેવી કે ન પીરસવી. અન્ય પીરસે તો ઉત્તમ. પીરસનાર ન હોય તો ડાબા હાથે જાતે લેવું. જમતી વખતે બન્ને હાથે વાનગીના ટુકડા કરવા નહીં.
૭. વિષ્ટંભી પદાર્થો (મળ, વાયુને રોકનારા) જેમ કે મેંદો, દહીં વગેરેનો ઉપયોગ ઓછો કરવો. આવા પદાર્થો લેવાથી કબજિયાત થવાનો વધુ સંભવ છે. તેથી સ્થૂળ રીતે મસ્તિષ્ક અને સૂક્ષ્મ રીતે મન પર અસર થાય.
૮. નાના કોળિયા લેવા. મહારાજ અને સ્વામીશ્રીની સ્મૃતિ કરતાં કરતાં કોળિયા વ્યવસ્થિત ચાવવા.
૯. ભોજન સાથે બહુ પાણી પીવું નહીં. ભોજન મધ્યે અને અંતે એક ઘૂંટડો પાણી પીવું. તે આયુર્વેદે પણ સૂચવ્યું છે. વધુ પાણી પીવાથી પાચકરસ મંદ થઈ જાય અને પાચનક્રિયામાં મંદતા આવે. જમ્યા બાદ આશરે દોઢ-બે કલાકે પાણી પીવું.
૧૦. એકાદશી તથા નિયમના ઉપવાસ નિર્જળા કરવા. જેમને શારીરિક તકલીફ હોય તેમણે ફરાળ અથવા પ્રવાહી લેવું. યોગીબાપા ઉપવાસના અગિયાર ફાયદા ગણાવતા. શ્રાવણ માસમાં એકટાણાં જેવાં વિશેષ વ્રત કરવાં (શિક્ષાપત્રી શ્લોક ૧૪૮). સ્વામીશ્રીને પણ તપ વિશેષ પ્રિય છે. આજનું તબીબીશાસ્ત્ર પણ અઠવાડિયે કે પખવાડિયે એક ઉપવાસ તંદુરસ્તી માટે અનિવાર્ય ગણે છે.
૧૧. ખાસ તો પરદેશમાં નિશાળે જતાં બાળ-કિશોરોએ મિત્રતાના દાવે પણ એકબીજાનું મોઢે માંડેલું જ્યુસ વગેરે ના લેવા. શાળામાં અન્ય બાળકોએ મોંઢે માંડેલ નળમાંથી ન પીવું. ફ્લાસ્ક, વોટર બોટલ વગેરેમાં પાણી કે જ્યુસ ઘરેથી જ લઈ જવું. દેશમાં શાળાની પાણીની ટાંકી અસ્વચ્છ હોઈ શકે જેના કારણે ટાઈફોઈડ, મરડો કે કમળા જેવી બીમારી થઈ શકે.
૧૨. ઘરમાં રહેલ માટલામાંથી પાણી લેવા ડોયાનો ઉપયોગ કરવો. શક્ય હોય તો પ્રત્યેક વ્યક્તિનો પ્યાલો અલગ રાખવો અથવા મોઢે માંડેલ ગ્લાસ સ્વચ્છ કરીને પાછો મૂકવો.
૧૩. માંદગી દરમ્યાન ખીચડી, મગ, સૂપ જેવો હળવો ખોરાક લેવો. ભારે અથવા અયોગ્ય ખોરાક લેવાથી શરીરને નુકસાન થાય અને માનસિક રીતે પણ વધુ પીડા થાય.
૧૪. પરદેશમાં સંજોગોવશાત કોઈ કિશોર કે યુવાન કેન્ટીન/મેસમાં જમતા હોય ખાસ ખ્યાલ રાખવો કે પીરસનાર જે હાથ વડે કે ચમચાથી માંસાહારી વાનગી પીરસતી હોય તે હાથ કે ચમચા વડે શાકાહારી ભોજન પીરસે તો ન લેવું.
અમુક પદાર્થો અંગે નોંધ :
૧. શિક્ષાપત્રી શ્લોક ૩૧ મુજબ જે ઔષધોમાં નિષેધ કરેલ પદાર્થો આવે તે ન લેવા. દા.ત. અમુક કફ-સિરપ, પ્રવાહી વિટામીન અને લોહના સિરપ, માઉથવોશ વગેરેમાં કાં તો પ્રાણિજ પદાર્થો અથવા દારૂ હોય છે.
૨. અમુક કોસ્મેટિક્સ, અત્તર, શેમ્પૂ વગેરેમાં પણ પ્રાણિજ પદાર્થો અથવા દારૂનો ઉપયોગ કરવામાં આવે છે. તેના વિકલ્પે બીજા પદાર્થો મળõ તો તેનો જ ઉપયોગ કરવો.
૩. આપણો અભિગમ ચૂસ્ત 'વિગન' માર્ગનો અભિગમ નથી. ('વિગન' લોકો કોઈ પ્રાણિજ વસ્તુ ન વાપરે.) અમુક પ્રાણિજ પદાર્થો આપણે વાપરતા હોઈએ છીએ. જેમ કે, દૂધ, ઘી, ચામડાનાં પગરખાં, બેલ્ટ, પાકીટ, ઊનનાં સ્વેટર્સ, શાલ વગેરે. પરદેશમાં ઘણા દેશોમાં સ્પેશ્યલ દુકાનો હોય છે. જેમાં આવી ચીજવસ્તુ મળે છે જે કુદરતી રીતે મૃત્યુ પામેલા પ્રાણીના ચામડામાંથી બનાવેલી હોય છે.
(ડ) સમય અને ૠતુની આહારશુદ્ધિ :
૧. સૂર્યાસ્ત પછી દોઢ પહોર (સાડા ચાર કલાક) બાદ કરેલું ભોજન રાક્ષસી ગણાય છે.
૨. રાત્રે ભોજન કરીને તરત સૂઈ ન જવું.
૩. રાત્રે હળવો ખોરાક હિતાવહ છે.
૪. આયુર્વેદ શાસ્ત્રના આદેશ મુજબ બપોર પછી મૂળો, મોગરી અને દહીં ન લેવાં જોઈએ.
૫. ચાતુર્માસ દરમ્યાન શાસ્ત્રાજ્ઞા મુજબ મૂળો, મોગરી, રીંગણાં ને શેરડી ન લેવાં.
૬. ગ્રહણ દરમ્યાન ભોજન ત્યાજ્ય છે. વિજ્ઞાન પણ કહે છે તે સમયે આપણા પાચક રસમાં વિકૃતિ આવે છે માટે આહાર ન લેવો.
૭. યોગીજી મહારાજના આદેશ મુજબ ઉપવાસના આદર્શ પારણા સવારે સ્નાન પૂજાદિક કરીને કરવાં તે છે. રાત્રે બાર વાગ્યે પારણાં કરવાનું ઉચિત નથી.
સાધુ મુકુંદચરણદાસ
|
|