Search Contact Site Map Download News Vicharan Home GujaratiSatsangIntroduction
 

ભગવાન સ્વામિનારાયણ અને સ્ત્રી ભક્તો

અર્વાચીન યુગના આરંભે સ્ત્રીઓના સર્વપ્રથમ ઉદ્ધારક હતા - ભગવાન સ્વામિનારાયણ. એક તરફ, 'ઢોર ગંવાર અરુ નારી, યે સબ તાડન કે અધિકારી' આ પંક્તિ મુજબ ઠેર ઠેર સ્ત્રીઓની હોળી થતી હતી; ત્યારે બીજી તરફ ભગવાન સ્વામિનારાયણ સતીપ્રથા, દૂધપીતી પ્રથા, દહેજ વગેરે કુરિવાજોની હોળી કરીને સ્ત્રીઓને સમાજમાં પુનઃ આદરણીય સ્થાને સ્થાપિત કરતા હતા. અભણ અને ગમાર કહેવાતી નારીઓને એમણે કેવી ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિ પમાડી હતી એ ગહન વિષય છે. તેનું અલ્પ આચમન માણીએ...

શ્રીહરિના પ્રથમ દર્શને એમની અલૌકિક પ્રતિભાથી અભિભૂત કવિ લાડુદાનજીને પ્રગટ ભગવાનનો નિશ્ચય તો થયો, પણ હજુ  એમનો રજોગુણી ઠાઠ ગયો ન હતો. મહારાજે એમને બોલાવી કહ્યું : 'લાડુદાનજી! એભલ ખાચરની બંને કન્યાઓ ત્યાગીના જેવો વેશ રાખે છે, આથી લોકમાં અમારું ભૂંડું દેખાય છે. માટે તમે એમને સમજાવો જેથી સંસારમાં મળતું વર્તન રાખે.' લાડુદાનજીને આ કામ ચપટીની રમત જેવું લાગ્યું. આ અભણ કાઠી કન્યાઓને સંસારની રીત સમજાવવા માટે એમણે વાત શરૂ કરી પણ પરદા પાછળથી આવતાં જીવુબા, લાડુબાના વૈરાગ્યના વેધક શબ્દોથી લાડુદાનજીનું અંતર ભેદાઈ ગયું. વાણી મૂક થઈ ગઈ. ચક ખસેડીને જીવુબાએ દૃષ્ટિ કરી ત્યાં લાડુદાનના અંતરમાંથી જગત ખરી ગયું. મહારાજ પાસે પહોંચીને એ જ વખતે એમણે તમામ રજોગુણી વેશનો ત્યાગ કર્યો. એક કહેવાતી અભણ સ્ત્રીએ સત્સંગને એક અજોડ વિદ્વાન સાધુની ભેટ ધરી.
વાંકિયાનાં રાજબાઈને એમની માએ કહ્યું : 'રાજુ ! તારી ચુંદડી આવી.' સંસારમાં ન પડવાનો નિશ્ચય કરી ચૂકેલ રાજબાઈ બોલ્યાં : 'બળી તારી ચૂંદડી' અને ચૂંદડી સળગી ગઈ! એમને પરાણે પરણાવ્યાં તો પતિને એમનાં સ્વરૂપમાં સિંહનાં દર્શન થવા માંડ્યાં. સંબંધીઓની રજા લઈ સાંખ્યયોગી બનેલાં રાજબાઈએ જ્યારે દેહત્યાગ કર્યો, ત્યારે એમના સતીત્વના બળે પ્રભાવિત થયેલ 'અગ્નિ' પણ એમને સ્પર્શી ન શક્યો. સતીત્વની આ પણ એક કક્ષા છે એવું ઇતિહાસે  કદાચ પહેલી વખત જાણ્યું.

ઉદેપુરનાં રાણી ઝમકુબાને પ્રગટ ભગવાનની પ્રાપ્તિની રઢ લાગી અને રાજમહેલના વૈભવ છોડી ગઢડા ભણી ચાલી નીકળ્યાં. પાછળ આવતી વારથી બચવા ત્રણ દિવસ તો મરેલા ઊંટની પડખે ભરાઈને રહ્યાં અને મહારાજ પાસે આવી સાગરમાં સરિતાની જેમ હરિભક્તિના સાગરમાં સમાઈ ગયાં. બૃહદ્‌ વૈરાગ્ય, ભક્તિ અને ખપનો ત્રિવેણી સંગમ 'માતાજી'ના સ્વરૂપમાં સૌએ જીવનભર નિહાળ્યો.
હા, આ પુરુષોત્તમ નારાયણનું અનુપમ કાર્ય ગણો કે એમની સાથે જ આવેલો મુક્તસમાજ કહો, પણ આધ્યાત્મિકતાના ઇતિહાસમાં સેંકડો હજારો વર્ષના અંતરે જે ઉચ્ચકક્ષાનાં સ્ત્રીભક્તો નોંધાયાં છે, એ કક્ષાના અસંખ્ય ભક્તો એક સાથે શ્રીહરિની સાથે અનન્ય ભાવથી જોડાયેલાં હતાં.
સામાજિક દૃષ્ટિએ એ યુગ સ્ત્રી-તિરસ્કારનો હતો. જન્મથી માંડીને મૃત્યુ સુધી- દૂધ પીતી કરવાના કુરિવાજથી સતી કરવાની પ્રથા સુધી સ્ત્રીસમાજનું સતત શોષણ થતું, પરંતુ મહારાજે એ યુગને બદલી નાંખ્યો. સ્ત્રી-પુરુષની મર્યાદાઓને કડક કરીને પણ એમણે સ્ત્રીઓને ગૌરવપ્રદ સ્થાન બક્ષ્યું. મહારાજના પ્રતાપે આ સ્ત્રીભક્તો સત્સંગના ઇતિહાસમાં અમર બની ગયાં. એ સંબંધ હતો ભક્તિનો. એનું સ્વરૂપ હતું પરિશુદ્ધિ અને એનું ફળ હતું- પ્રતીતિ.
શ્રીહરિની પ્રકૃતિ અત્યંત સ્વતંત્ર હતી. દુનિયાની કોઈ ચીજમાં એમને બાંધવાની શક્તિ નહોતી. ફક્ત એક શક્તિથી એ બંધાતા, જે હતી ભક્તિની શક્તિ. મહારાજ એકવાર દેવળીયા પધાર્યા. જાલમસિંહ દરબારે અને એમનાં માતુશ્રી કેશાબાએ મહારાજનું ભાવભીનું સ્વાગત કર્યું. મહારાજને હેતથી કંસાર જમાડ્યો. મહારાજે બીજે દિવસે વહેલી સવારે નીકળવાનો નિર્ણય જાહેર કર્યો. કેશાબાએ મહારાજને ખૂબ વિનવ્યા. હાથ જોડીને કહ્યું, 'મહારાજ! કાલે જમીને ચાલજો.' પણ મહારાજ એકવાર જે નિર્ણય લેતા એમાં અફર રહેતા. રાતે મહારાજ આરામમાં પધાર્યા. ત્યારે કેશાબા માણકી પાસે ગયાં. માથે પ્રેમથી હાથ ફેરવતાં કહ્યું : 'માણકી! મારી બોન! આજે તારે મારી લાજ રાખવાની છે.' માણકી પ્રેમની ભાષા સમજી ગઈ. કેશાબાએ માણકીને ખીલેથી છોડી દરબારગઢમાં મહારાજના ઓરડાની બાજુ ના જ ઓરડામાં બાંધી બારણું વાસી દીધું.
સવારે નાજા ભક્તે માણકીને એના સ્થાને ન જોઈ અને તેને ફાળ પડી. જાલમસિંહ દરબારને આ વાતની ખબર પડતાં એમણે માણકીને શોધવા ઘોડેસવારોને દોડાવ્યા. સમય થતાં મહારાજ જવા માટે તૈયાર થયા. કેશાબાએ ફરી મહારાજને જમીને જવા વિનવ્યા પણ મહારાજ ન માન્યા. એ વખતે નાજા ભક્તે આવીને મહારાજને સમાચાર આપ્યા કે માણકી મળતી નથી. મહારાજ આ સાંભળી મુઝાયા, 'માણકીને લઈ જાય કોણ? મારા સિવાય કોઈનો સ્પર્શ સુધ્ધાં સહન ન કરી શકે એ માણકીને કોઈ કેવી રીતે લઈ જઈ શકે?' ઘોડેસવારો પાછા આવ્યા પણ માણકીની ભાળ ન મળી.
એવામાં ધ્યાનદાસ વૈરાગીએ આવીને કહ્યું કે, 'મહારાજ! કેશાબા કહેવરાવે છે કે મહારાજ જો જમીને જવાની હા પાડે તો હું માણકી શોધી આપું.'
મહારાજે આ સાંભળી જાલમસિંહ સામે જોઈ પૂછ્યું, 'બાપુ! માણકી ક્યાં છે?'
જાલમસિંહ બોલ્યા : 'મહારાજ, આપને હું આખા દરબારમાં ફેરવું, આપ નામ લઈને માણકીને બોલાવો. જો હશે તો જરૂર જવાબ આપશે.' મહારાજ આખા દરબારમાં ફર્યા. વારંવાર માણકીનું નામ દઈને બોલાવી પણ આશ્ચર્ય! મહારાજના પગની આહટથી આનંદમાં હણહણવા માંડતી માણકીએ આજે અવાજ સુદ્ધાં ન કર્યો. છેવટે થાકીને મહારાજે કહ્યું : 'કેશાબાને કહો કે અમે જમીને જઈશું પણ માણકીને શોધી કાઢે.' કેશાબા આવ્યાં અને મહારાજના ઉતારાની બાજુ નો જ ઓરડો ખોલી આપ્યો અને મહારાજને જોઈ માણકી હણહણવા માંડી!
કેશાબાની ભક્તિ પાસે મહારાજ આજે વિવશ થઈ ગયા. 'પ્રેમી જનને વશ પાતળિયો' એ મુક્તાનંદ સ્વામીના શબ્દો આવા પ્રસંગોનાં દર્શનમાંથી જ આવ્યા હશે ને! આ પ્રેમભક્તિના સંબંધે જ મહારાજ ભક્તોના મનોરથ પૂરા કરતા. ગઢડામાં પાંચુબા સાથે, સારંગપુરમાં રાણદેબા સાથે અને લોયામાં શાંતાબા સાથે નેતરા તાણનાર શ્રીહરિની લીલાને વર્ણવતાં પ્રેમાનંદ સ્વામી ગાઈ ઊઠ્યા હતાં:
'ખટદર્શનમાં ખોળ્યા ન લાધે, નરહરિ નેતરાં તાણે.'
સ્નેહનું લક્ષણ છે અખંડ સ્મૃતિ. સ્નેહની સર્વોચ્ચ સ્થિતિમાં વર્તતાં આ સ્ત્રી ભક્તોને અખંડ મહારાજની રટના લાગી રહેતી. અષ્ટાંગ યોગની કઠિન સાધના કરીને યોગીઓ જે પદને પામવા પ્રયત્ન કરે છે, એ પદને એમણે ભક્તિના સહજ યોગથી પ્રાપ્ત કરેલું. સં. ૧૮૬૩માં ગઢડામાં અન્નકૂટોત્સવની સેવામાં જોડાયેલા સ્ત્રી ભક્તોને સર્વત્ર મહારાજ જ દેખાવા લાગ્યા. સાંબેલાથી ખાંડતી બાઈઓને ખાંડણિયામાં મહારાજ દેખાતા અને સાંબેલું હાથમાં અદ્ધર જ રહી જતું. પાપડ વણતાં પાટલી પર ઘનશ્યામનું દર્શન થતું અને વેલણ થંભી જતું. દળણું દળતાં ઘંટીના પડ પર મહારાજ બેઠા હોય એવાં દર્શન થતાં અને પડ ફરતું બંધ થઈ જતું. મોટીબાને તો વડીએ વડીએ શ્રીહરિના બાળમનોહર સ્વરૂપનાં દર્શન થતાં. દહીંથરા તળતાં ઝ ëરી હાથમાં રહી જતી અને કડાઈમાં ઉન્મત્તગંગાની જળક્રીડાની જેમ મહારાજ ક્રીડા કરતાં દેખાતા.
મહારાજ પ્રત્યેની આ ભક્તોની ઉત્કટ પ્રેમભાવનાની અભિવ્યક્તિ એમનાં જીવન દ્વારા થતી. 'રખે મહારાજ આપણા પર કુરાજી થઈ જાય' એવી દહેશતથી એ સતત મહારાજની મરજી પાળવા તત્પર રહેતાં. આ તત્પરતામાં જ એમના કઠણ સ્વભાવો પણ નીકળી જતા.
ગઢડામાં દગડાચોથને દિવસે થતો કોલાહલ સાંભળીને મહારાજે નાજા જોગિયાને એનું કારણ પૂછ્યું, ત્યારે એમણે કહ્યું, 'મહારાજ, અહીંના રિવાજ પ્રમાણે આજે લોકો બીજાના ખોરડા પર પથ્થર નાખે. સોમબા ફુઈના ખોરડા પર કોઈએ પથ્થર નાખ્યા હશે, આથી એ ગાળો બોલે છે.' આ સાંભળી મહારાજ ઉદાસ થઈ ગયા. દાદાનો દરબાર છોડી હરજી ઠક્કરને ત્યાં જતા રહ્યા. સોમબા ફૂઈને ખૂબ પસ્તાવો થયો. આંખોમાં આંસુ સાથે એમણે મહારાજની માફી માગી અને એ જ ક્ષણથી પોતાની વાણીની કુત્સિતતાનો સદંતર ત્યાગ કર્યો.
આ જ રીતે લગ્નપ્રસંગે ફટાણાના રૂપમાં ગવાતાં બીભત્સ ગીતો મહારાજની રુચિ જાણીને બંધ કર્યાં અને રુક્મિણી વિવાહ તથા રાધા વિવાહનાં પદો શરૂ કર્યાં.
મહારાજને જ રાજી કરવાની ભાવનાને લીધે સાધુતાના અંગરૂપ સદ્‌ગુણો આ સ્ત્રીભક્તોના જીવનમાં ખીલી ઊઠતા. મહારાજ પણ એવા ગુણો જોઈ પ્રસન્ન થતા. સદ્‌ગુરુ આધારાનંદ સ્વામી નોંધે છે કે એક વખત ગઢડામાં જીવુબાની સાધુતાથી પ્રસન્ન થતાં મહારાજે કહ્યું હતું : 'જીવુબા હરિભક્તોના દાસ થઈને વર્તે છે. કોઈના ઉપર ઈર્ષાભાવ એમને નથી હરિભક્તો ઉપર, એમનું કામ બગાડે તો પણ ક્યારેય ક્રોધ ન થાય. અમે પણ અપાર અપમાન કરીએ છીએ તો પણ ક્યારેય તપે નહિ. એમની વૃત્તિ તો એકધારી શાંત છે. ભગવાનને રીઝવવા માટે એવું કોઈ સાધન નથી. મોટા-મોટા મુનિઓ પણ એમનો સ્વભાવ શીખવા પ્રયત્ન કરે છે પણ તેવો સ્વભાવ આવતો નથી... સર્વે હરિભક્તોના હિત માટે અમો સત્સંગ કરીએ છીએ. પણ એવી સાધુતા જોઈને જીવુબા અમને વિસરાતાં નથી. હું આકાશ જેવો નિર્બંધ છુ _ તો પણ જેનામાં અપાર સાધુતા દેખું છુ _, તેના બંધનમાં આવું છુ _, અને ત્યાંથી છૂટી શકતો નથી.'
(હ.ચ.સા.-પૂર-૬, તરંગ-૬૦)
મહારાજ દરેક બાઈ ભક્તના વિશેષ ગુણોને જાણતા અને તેનું પ્રમાણ પણ આપતા. વચનામૃત ગઢડા અંત્ય પ્રકરણના ૨૪માં ત્યાગી પરમહંસો સમક્ષ પણ 'રાજબાઈને ત્યાગનું અંગ, જીવુબાઈને શ્રદ્ધાનું અંગ, લાડુબાઈને અમારી પ્રસન્નતા કરવી એ અંગ' એમ કહી મહારાજે એમની પ્રશંસા કરી છે. વચનામૃત સારંગપુર પ્રકરણ ૨માં ત્યાગી પરમહંસોને પણ કુશળકુંવરબાઈના જેવી દર્શનની રીત શીખવા ઉપદેશ આપ્યો છે.
વચનામૃત લોયા પ્રકરણ ૩માં કુશળકુંવરબાઈ, રાજબાઈ, લાડુબાઈ, જીવુબાઈ, કઠલાલનાં ડોશી (રામબાઈ), માતાજી, લાધીબાઈ વગેરેનાં વખાણ કર્યાં છે.
મહારાજના સંબંધે આ ભક્તોના જીવનમાં કેવા ઉચ્ચ આધ્યાત્મિક ગુણો સિદ્ધ થયેલા એ મહારાજે સ્વયં લખાવેલા પત્રમાં વિશેષણો પરથી જણાય છે. જુ ઓ એ પત્રનો નમૂનો :
'સ્વસ્તિ જિરણગઢ શુભસ્થાને વિરાજમાન ઉત્તમોત્તમ સકલગુણનિધાન અખિલાખાવન જ્ઞાનવૈરાગ્યાદિક ભક્તિગુણ સંપન્ન વચનનિવાસી હરિભક્તશિરોમણિ એવાં અનેક શુભ ઉપમાલાયક બાઈશ્રી કલુબા તથા બાઈ ઝવેરબા. એતાનશ્રી અનિર્દેશથી લિખાવંત સ્વામીશ્રી સહજાનંદજીના જય શ્રી સ્વામિનારાયણ વાંચજ્યો.' (શ્રીજીના પ્રસાદીના પત્રો-૧૦)
પરિશુદ્ધ અંતરની આ ભક્તિના ફળરૂપે આ સ્ત્રી ભક્તોને આ લોકમાં જ અક્ષરધામના સુખનો અનુભવ થતો. દેહ છતાં જ કલ્યાણની પ્રતીતિ એમને સિદ્ધ થઈ હતી. ઘાણલા ગામનાં વાટલિયા કુળનાં મૂળીબાઈએ પોતાનો અંતકાળ નજીક આવતાં એમના પતિને કહ્યું કે 'કાલે મને મહારાજ તેડવા આવશે.' અને પોતાની નજર સામે, યોગસિદ્ધ ૠષિની જેમ પોતાની પત્નીને સાહજિકપણે દેહત્યાગ કરતી જોઈ એમના પતિએ કહ્યું : 'તારું કલ્યાણ તો જરૂર થશે પણ મારું શું થશે ?' ત્યારે એ કહે : 'મેં આ હાથે પુરુષોત્તમ નારાયણનાં ચરણારવિંદની સેવા કરી છે. એટલે મારા હાથના ઘડેલા રોટલા જેણે ખાધા એનું કલ્યાણ થઈ જશે તો તારા કલ્યાણમાં શો સંદેહ છે?'
વડોદરાના દીવાન બાલાજીનાં પત્ની તુળજાબાઈ પણ મહારાજનાં અનન્ય ભક્ત હતાં. પોતાના ધામ-ગમનના ત્રણ દિવસ પહેલાં એમણે કહ્યું, 'આજથી ત્રીજે દિવસે મહારાજ મને તેડવા આવશે.' પોતાના અંતકાળે લગ્ન વખતે પહેરવાનાં જરિયાન વસ્ત્રો અને આભૂષણો ધારણ કરીને સૌને 'જય સ્વામિનારાયણ' કહેતાં એ ધામમાં પધાર્યાં. આવાં અગણિત સ્ત્રીભક્તોનાં અલૌકિક વૃત્તાંતોથી સત્સંગનો ઇતિહાસ સભર છે.
શ્રીહરિ અને એમના આ મુક્તસ્થિતિને પામેલાં બાઈ ભક્તો વચ્ચેના પ્રેમભક્તિ, પરિશુદ્ધિ અને પ્રતીતિના સંબંધને શતશઃ પ્રણામ કરી એવી ભક્તિની યાચના કરીએ.                                  

આપ જાણો છો ?
ભગવાન સ્વામિનારાયણે સ્ત્રી-પુરુષોના વ્યવહાર અંગે ખૂબ કડક નિયમન અપનાવ્યાં હતાં. ધાર્મિક ઓઠા હેઠળ સ્ત્રીઓનું શોષણ ન થાય અને વ્યભિચારને પોષણ ન મળે એ માટે તેમણે ખૂબ દીર્ઘદૃષ્ટિ રાખીને આ નિયમો ઘડ્યા હતા. એટલું જ નહિ, સ્ત્રીઓને આધ્યાત્મિક અધિકાર આપીને તેમણે સ્ત્રીઓને પુરુષોના ઉપદેશ પર આધાર રાખવાને બદલે, સ્ત્રીઓને જ ઉપદેષ્ટા બનાવી. આ વ્યવસ્થાનું એક  આગવું પ્રદાન પણ રહ્યું. કેમ કે આને કારણે સ્ત્રીઓના વ્યક્તિત્વનો આગવો અલગ વિકાસ થયો. સ્ત્રી ઉપદેષ્ટા બની એટલે ધીમે ધીમે તેમાં શિક્ષણનું મહત્ત્વ પણ ખૂબ વધ્યું. સ્ત્રીઓનાં સચોટ વક્તૃત્વ તેમજ પ્રખર વ્યક્તિત્વનો વિકાસ થયો. અડગ ભક્તિનિષ્ઠા અને ચારિત્ર્યના પ્રતાપે આ સ્ત્રીઓ અનેક દુષ્ટ તેમજ વિરોધી તત્ત્વો સામે અડિખમ બનીને ઊભી રહી. અનેક લોકોનાં જીવન પરિવર્તનમાં પણ આ સ્ત્રીઓએ અમૂલ્ય પ્રદાન આપ્યું. અને સૌથી વિશેષ તો, ગુજરાતમાં જ્યારે સ્ત્રી શિક્ષણની શરૂઆત થઈ ત્યારે સ્ત્રીઓને ભણાવે તેવી સ્ત્રીઓ ક્યાંથી લાવવી ? એ સમસ્યાનો હલ પણ સ્વામિનારાયણીય સ્ત્રીઓએ આપ્યો. કારણ કે એવી સુશિક્ષિત સ્ત્રીઓ તો માત્ર સ્વામિનારાયણ સંપ્રદાયમાં જ હતી. અને ઇતિહાસ કહે છે કે સ્વામિનારાયણીય સંપ્રદાયની સ્ત્રીઓ ગુજરાતની સર્વપ્રથમ સ્ત્રી શિક્ષિકાઓ હતી, જેમણે સ્ત્રી શિક્ષણનો એકડો ઘૂંટાવ્યો.

સાધુ આત્મતૃપ્તદાસ

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |