Search Contact Site Map Download News Vicharan Home GujaratiSatsangIntroduction
 

ઉપનિષદ અને યુવાનો... (૨)

તૈત્તિરીય ઉપનિષદની આનંદવલ્લીમાં એક મનુષ્યના આનંદની મીમાંસા કરતાં ૠષિ કહે છેઃ
‘सा एषा आनन्दस्य मीमांसा भवति। युवा स्यात्‌ साघु युवाध्यापकः। आशिष्ठो दृढिष्ठो बलिष्ठः। तस्येयं पृथिवी सर्वा वित्तस्य पूर्णा स्यात्‌। स एको मानुष आनन्दः.....।’
(તૈત્તિરીય ઉપનિષદ, આનંદવલ્લી, ૮મો અનુવાક)
અર્થાત્‌ તે 'યુવાન હોય, વળી શ્રેષ્ઠ આચરણવાળો(સાધુ) યુવાન હોય, વેદાદિક શાસ્ત્રોનો ઊંડો અભ્યાસી હોય, સંપૂર્ણ નિરોગી હોય(આશિષ્ઠ એટલે સારી રીતે જમી શકે તેવો તંદુરસ્ત, ઉત્સાહી, આશાથી ભરપૂર વગેરે અર્થો પણ કરાય છે), શારીરિક બળથી સંપૂર્ણ હોય, મનોબળ દૃઢ હોય, વળી, તેને ધનથી પૂર્ણ સમગ્ર પૃથ્વી પોતાની જ હોય - આને એક મનુષ્યનો આનંદ કહે છે. બીજા અર્થમાં કહો તો ઉપનિષદ યુવાનની આ વ્યાખ્યા કરે છે.
ઉપનિષદ એવા યુવાન મનુષ્યના આનંદથી લઈને પરમાત્માના અનંત આનંદ સુધીની ઉત્ક્રાંતિ યાત્રા કરાવે છે. જે પરમાત્માના આનંદને ભોગવે છે એને દુનિયાની કોઈ વસ્તુ લોભાવી શકતી નથી.
પ્રસિદ્ધ બ્રિટીશ વિદ્વાન અને ઇંગ્લેન્ડની યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર રૂડયાર્ડ કિપલીંગે વિદ્યાર્થીઓને દીક્ષાન્ત સમારોહમાં કહેલું કે, 'તમે ગમે તેવી ડીગ્રીઓ લઈ જગતમાં જશો પણ જ્યારે તમને એવો પુરુષ મળશે કે જેને કંઈ જોઈએ નહીં ત્યારે તમને થશે કે મારું મેળવેલું બધું વ્યર્થ છે.'
ઉપનિષદના આ અમૃતને પચાવનારી સ્ત્રીઓ પણ કેવી હતી! ગાર્ગી અને મૈત્રેયી એનાં ઉત્તમ ઉદાહરણ છે.
મૈત્રેયી પણ બ્રહ્મવિદ્યા પ્રાપ્ત કરવા માટે પોતાના પતિની સાથે સંસાર છોડી ચાલી નીકળી.
ગાર્ગીનું તેજ તો જુઓ! એ પણ એક યુવતી હતી, કે જે યાજ્ઞવલ્ક્ય જેવા મહારથી સાથે પ્રશ્નોત્તરીમાં બરાબરી કરે છે!
આવાં તેજસ્વી અને ઓજસ્વી પાત્રો તે વખતે હતાં અને આજનો યુવાન જ્યારે કોલેજમાંથી નીકળે ત્યારે તનથી અને મનથી તૂટી ગયો હોય. આત્મા કચડાઈ ગયો હોય, હાથમાં સર્ટિફિકેટનું ભૂંગળું વાળેલું હોય. ભણતર નહિ! બસો બાળવી, તોફાનો કરવાં, ગુંડાગીરી ને વ્યસનો આ બધી 'દીક્ષા' કોલેજોમાંથી લઈને નીકળે. એક વાઈસ ચાન્સેલરે કહેલું,
'વી આર પ્રોડ્યુસીંગ એજ્યુકેટેડ મન્કીઝ ઈન અવર યુનિવર્સિટી!'
વળી આજે યુવાનોમાં ડીસ્કો કલ્ચર ટપક્યું છે. પશુઓને સારાં દેખાડે એવાં કાર્યક્રમો કોલેજોમાં થતાં હોય છે! આ પરિસ્થિતિ આજે દેશ વિદેશમાં છે. માતૃ-પિતૃ પ્રેમ કે 'માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ'ની પવિત્ર વિભાવનાઓ અદૃશ્ય થતી જાય છે.
અમેરિકા બહુ વર્ષો વસતા એક ગુજરાતી ભાઈએ એકવાર નોકરીથી આવી ઘરે એના દીકરાને કહ્યું: 'બેટા, પાણી લાવ.' દીકરો ટેનિસ રમીને આવેલો. તેણે કહ્યું : 'ડુ ઇટ યોર સેલ્ફ.' 'તમારી મેળે પી લ્યો.'
એના બાપુજી કહે : 'હું થાકેલો છુ _.'
તો તે કહે : 'હું પણ થાકેલો છુ _.'
'પણ તારા ને મારા થાકમાં ફરક છે, બેટા!'
તો છોકરો કહેઃ 'થાક એટલે થાક !'
એના બાપને થયું કે, મેં શું કર્યું અમેરિકામાં આવીને ? આવા પ્રસંગો ઘણાં મા-બાપોની આંખ ઉઘાડી નાંખે છે, પરંતુ ત્યારે મોડું ઘણું થઈ ગયું હોય છે.
એક ગુજરાતી કુટુંબ લંડન રહેવા ગયેલું. ત્યાં તેમને દીકરી જન્મેલી અને મોટી થયેલી. છોકરી રોજ મોડી ઘરે આવે. ક્યારેક રાત્રે એક વાગ્યે આવે. એકવાર રાત્રે બે વાગ્યે આવી. એની બાને રોજ બારણું ખોલવું પડે તેથી તેણીએ કહ્યું : 'બેટા ! તું કેમ મોડી આવે છે?' છોકરીનો પિત્તો ગયો. પોલીસને ટેલિફોન કર્યો ને કહ્યું: 'મારી માએ મને આવો પ્રશ્ન પૂછીને દુઃખી કરી નાખી.' પોલીસે તેની માને ૭૦ પાઉન્ડનો દંડ કર્યો ! આવી પ્રજા અત્યારે ઉત્પન્ન થઈરહી છે!
૧૯૮૪માં અમે રોમમાં ગયેલા. ત્યાં થોડા છોકરા મળ્યા. કાનમાં એક વાળી હોય. વાળ જુ દી રીતના કાપેલા. અમને નવાઈ લાગી. અમે પૂછ્યું : 'આર યુ હીપ્પીઝ ?' ત્યારે એમણે કહ્યું : 'નો, હીપ્પીઝ  આર આઉટ ઓફ ડેઈટ.' વી આર. પંક્ûસ!' અમે તો પંક્ûસ છીએ. હવે એક નવો 'પંક્ûસ' સંપ્રદાય ઊભો થયો છે. વાત જ જાણે પલટાઈગયેલી છે! વ્યસનોમાં અને કાલ્પનિક ફિલ્મી કથાઓની દુનિયામાં રાત્રી-દિવસ ભટકતા હોય છે.
જો યૌવન સચવાયું ન હોય તો ગૃહસ્થજીવનની અંદર પણ અશાંતિ. આપણે જો આપણાં સંતાનોને આતંક મચાવનારાં ન બનાવવાં હોય તો આપણે ઉપનિષદના યૌવનની વિભાવનાઓ અંગે કંઈક સમજવું જોઈશે.
એલ્વીન ટોફલર કહે છે : 'કૃષિક્રાન્તિ પછી ઔદ્યોગિક ક્રાન્તિ આવી અને પછી બાહુબળ, પશુબળ ત્યાર પછી કોલસો, તેલ અને યુરેનિયમ. હવે આ બધું ઘટવા મંડ્યું છે. હવે સૂર્ય તરફ દૃષ્ટિ રાખે છે કે એમાંથી કંઈક ઊર્જા મેળવીએ.' આજે ઊર્જાનો પ્રશ્ન છે, પરંતુ ઉપનિષદની રીતે જોઈએ તો એક એક યુવાન ઊર્જાનું જનરેટર છે, એની અંદર અનંત શક્તિઓ પડેલી છે. એને આપણે બહાર લાવવી જોઈએ.
આપણા ઉપનિષદકાળમાં અદ્‌ભુત વિદ્યાઓ હતી. આકાશમાં એરોપ્લેન ઉડાવવાની પણ વિદ્યા હતી. પરંતુ છેલ્લી કેટલીક સદીઓમાં એ વિદ્યાઓને વંશપરંપરાગત આપણે ટકાવી શક્યા નહીં.
આ ભારેલા અગ્નિ ઉપરથી રાખ ખસેડવાની જરૂર છે. વેદો કહે છે : ‘शृण्वन्तु विश्वे अमृतस्य पुत्रा वयम्‌।' અમે અમૃતના પુત્રો છીએ. અમારી અંદર અનંત શક્તિ પડેલી છે. હવે ઉપર આકાશમાં શોધ કરવાની જરૂર નથી.
ઉપનિષદ કહે છેઃ સંયમથી શક્તિ બહાર આવે છે. સંયમમાં શક્તિ રહેલી છે. જેમ સૂર્યનાં કિરણો જુ દાં જુ દાં હોય તો રૂને બાળી ન શકે પણ તેને બિલોરી કાચ ઉપર એકત્રિત કરીએ તો રૂને બાળી નાંખે, તેવી રીતે ઇન્દ્રિયો જ્યાં ત્યાં ફેંકાતી હોય તો તેમાં બળ ન આવે પરંતુ तानि सर्वाणि संयम्य... તેને સંયમિત કરીએ તો બળ આવે. જેમ ગાંધારી આંખે પાટા બાંધી રાખતી તો તેનામાં શક્તિ આવેલી. દુર્યોધનની સામે જોયું ને તેને વજ્રનો કરી દીધો!
ઈઝ રાયલનો યુરી ગેલર નામનો યુવાન આંખને એકાગ્ર કરીને લોખંડના સળિયા સામું જોતો તો સળિયા વળી જતા! વીજળીનાં કિરણોને ઘનીભૂત કરી એકત્રિત કરીએ તો તે લેઝ ર બીમ બની જાય, એનાથી લોખંડને કાપી શકાય એવી શક્તિ ઉત્પન્ન થાય છે.
યુવાન એ શક્તિનો પુંજ છે. વિશ્વકલ્યાણ માટે એની શક્તિનો ઉપયોગ થવો જોઈએ. અનંત શક્તિઓ યુવાનમાં પડેલી છે. જરૂર છે ફક્ત એને જાગ્રત કરવાની. દયા, કરુણા, મૈત્રી, સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય... વગેરે ગુણો કેળવાય તો એ શક્તિ જાગ્રત થાય. સ્વામી વિવેકાનંદે ૧૨ વર્ષના બ્રહ્મચર્યથી મેધાનાડી જાગ્રત કરી 'ફોટોગ્રાફિક મેમરી' પ્રાપ્ત કરેલી. સ્વામી રામતીર્થહિમાલયમાં જતા હતા. એ વખતે રસ્તામાં હિમાલયની શિલા પડતી હતી. 'સ્ટોપ' કહ્યું ને તે ત્યાં જ અટકી ગઈ! સંયમથી આત્માની શક્તિ કેવી તેમણે ખીલવી હતી! 
આરબ દેશમાં આરબો રેતીમાં ઊંટ લઈને ફર્યા કરતા પરંતુ તેમને ખબર નહોતી કે આની નીચે અખૂટ તેલનો ભંડાર છે. યુરોપીયનોએ એને ખોલી બતાવ્યો તો આજે ત્યાં મોટી મોટી સમૃદ્ધિની રેલમછેલ થઈ ગઈ. ઊંટ જતા રહ્યા અને ગાડીઓ ફરતી થઈગઈ! તેમ, અનંતશક્તિ આપણી અંદર છે પરંતુ આપણને ખબર નથી. તેને ખોળવા માટે, ઉપનિષદ કહે છે કે ‘उत्तिष्ठत जाग्रत प्राप्य वरान्‌ निबोघत।’ ઉપનિષદ કહે છે કે સૌથી પહેલાં સત્પુરુષ પાસે જવું. ગુરુ કહે છે : 'ઊભો થા, તું તારા આત્મામાં રહેલા પરમાત્માને ઓળખ, એ શક્તિને તું બહાર કાઢ.' ભૌતિક વિકાસ દ્વારા સૌ ૨૧મી સદીમાં જવા માગે છે, પણ માણસમાં માણસાઈ નહીં હોય તો આ બધાં સાધનો વિનાશ સર્જશે. એટલા માટે પહેલાં માનવ તૈયાર થવો જોઈએ. ઉપનિષદ કહે છે કે એ માનવ તૈયાર કરવાનું કામ સત્પુરુષનું છે.
માણસ ભૌતિકતાની પાછળ પડે છે ત્યારે એને બીજો માણસ નડવા લાગે છે. ત્યારે તે માણસ મટી જાય છે. પરંતુ ઉપનિષદે કેટલા સુંદર સિદ્ધાંતો આપણને આપેલા છે કે 'સર્વેઽત્ર સુખિનઃ સન્તુ' બધાંનાં કલ્યાણની ભાવના આપણા યુવાનોને ગળથૂથીમાં શીખવવામાં આવતી.
થોડા સમય પહેલાં પુનામાં ભારતની યુનિવર્સિટીઓના કુલપતિઓ ભેગા થયેલા ને ચર્ચા થઈકે યુવાનોમાં અજંપો ને અશાંતિ છે તેનું કારણ શું ? નક્કી થયું કે તેમને ધર્મનું શિક્ષણ આપવામાં આવતું નથી. જો કે હજુ  એનો અમલ થયો નથી પણ એટલું નક્કી છે કે આપણે તો ઉપનિષદના સનાતન શિક્ષણ તરફ નજર નાખવાની છે. એમ કહેવાય છે કે A nation which has no past has no future. જે રાષ્ટ્ર પાસે કોઈભૂતકાળ નથી એનું કોઈ ભવિષ્ય પણ નથી. આપણી પાસે તો ભવ્ય ભૂતકાળ છે કે 'યુઝ  ધ પાસ્ટ ટુ બિલ્ડ ધ ફ્્યુચર' આપણે ભવિષ્ય ઊભું કરવું હોય તો આપણો વારસો ફરીથી ઊભો કરવો જોઈશે.
લંડનમાં સેન્ટ જેમ્સ જેવી શાળાઓમાં સંસ્કૃત ફરજિયાત છે, એને પણ એટલો ખ્યાલ આવ્યો કે યુવાનોને ઉપનિષદની વિદ્યા નહિ ભણાવીએ તો આપણું કોઈ ભાવિ નથી. દક્ષિણ આફ્રિકાના ડર્બનની યુનિવર્સિટીમાં પણ સંસ્કૃત ફરજિયાત છે. અમેરિકામાં ખ્રિસ્તીઓનો મોર્મન સંપ્રદાય છે. વ્યસનમુક્ત અને ચારિત્ર્યશીલ યુવાનોનો સમાજ ઊભો કરવા માટે એ સંપ્રદાયોની યુનિવર્સિટીઓ પ્રયત્નશીલ છે.  થાઈલેન્ડમાં બેંગકોકમાં એવો કાયદો છે કે દરેક યુવાનને ત્રણ મહિના બૌદ્ધ ધર્મના સાધુ થવાનું અને ધર્મના સિદ્ધાંતો ભણવાના. આપણે ત્યાં પણ આપણા સનાતન વારસાના અભ્યાસ માટે આવો કોઈક કાયદો કરવાની જરૂર છે. તો યુવાનો બરાબર તૈયાર થાય. 
ભારતમાં તો સંતો દ્વારા યુવાજાગૃતિ થયેલી છે. કુમારીલ ભટ્ટે શંકરાચાર્યમાં તેજ ભર્યું, રામકૃષ્ણ પરમહંસે સ્વામી વિવેકાનંદને તૈયાર કર્યા, રામદાસ સ્વામી દ્વારા શિવાજી તૈયાર થયા. અને ભગવાન સ્વામિનારાયણે તો હજારો યુવાનોને તૈયાર કર્યા. એ યુવાનો સાધુ થયા. તેમને ગામડે ફરવાની મહારાજે આજ્ઞા કરી. અને કહ્યું : 'લોકોને વ્યસન મુક્ત કરો ને સદાચારી સમાજ તૈયાર કરો.' એમણે જબરદસ્ત ક્રાંતિ કરી સમાજનું પરિવર્તન કર્યું. ભગવાન સ્વામિનારાયણની પરંપરામાં ગુણાતીતાનંદ સ્વામીએ પણ એવું કાર્ય કરેલું છે. એમના અનુગામી ભગતજી મહારાજ અને શાસ્ત્રીજીમહારાજે પણ ઉપનિષદ-વિદ્યાને વહેતી રાખી. વલ્લભવિદ્યાનગરના પ્રણેતા શ્રી ભાઈકાકા (ભાઈલાલ દ્યાભાઈ પટેલ) શાસ્ત્રીજી મહારાજના શિષ્ય હતા. તેઓ કહેતા કે, 'મારા ચારિત્ર્ય ઘડતરમાં મોટામાં મોટો જો કોઈનો ફાળો હોય તો શાસ્ત્રીજી યજ્ઞપુરુષદાસજીનો છે.' એટલે ચારિત્ર્ય એવા સંત દ્વારા આપણે પ્રાપ્ત કરીએ છીએ.
૧૯૫૧માં યોગીજી મહારાજે યુવક મંડળની સ્થાપના કરી. એમણે વીસમી સદીના મધ્યાહ્નમાં આ વિચાર કરેલો કે આપણે યુવાનોમાં આ વાત પ્રગટાવવી જોઈએ. 'યુવકો મારું હૃદય છે' એ સૂત્ર આપીને એમણે યુવકોમાં રહેલી શક્તિને પિછાણી. આજે પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી દેશવિદેશમાં આ પ્રવૃત્તિ પાંગરી છે. હિન્દુસ્તાનમાં સ્વામીશ્રીએ આદિવાસીઓનાં ઝૂપડાંઓમાં પણએવી ચેતના પ્રગટાવીને એવા યુવાનોને તૈયાર કર્યાકે દારૂ માંસ લે નહિ. તાડી-બીડી પણ નહિ. એમને ગૌરવ છે કે અમે આ દેશના યુવાનો છીએ, પ્રમુખસ્વામીના શિષ્યો છીએ !
વિદેશમાં એક સત્સંગી યુવકનાં લગ્ન વખતે તેના સાસરે દારૂની પાર્ટી ગોઠવવા નક્કી કરેલું. લગ્નમાં આવનારા પાંચ હજાર આમંત્રિતોને લાખો રૂપિયાનો દારૂ પાવાનું નક્કી કરેલું. એ યુવકે કહ્યું : 'જુ ઓ, હું પ્રમુખસ્વામીનો શિષ્ય છુ _ ને તમારી દીકરી મારી સાથે પરણાવવી હોય તો મારાં લગ્ન સમારંભમાં દારૂ ન જોઈએ. નહિ તો દીકરી તમારે ઘેર રાખો.' આવું તેજ પૂરનાર પ્રમુખસ્વામી મહારાજ છે. આવું તેજ ઝીલનાર એક બે નહિ, હજારો યુવાનો દેશવિદેશમાં છે.
પ્રમુખસ્વામીના આ યુવાનોનું જીવન જોઈને અમેરિકામાં કેટલાંય શહેરોના મેયરોએ 'કી ટુ ધ સીટીઝ ' એટલે કે શહેરની ચાવી, તેમના પ્રેરણાદાતા સ્વામીશ્રીને અર્પણ કરી! સ્વામીશ્રીએ અનેક આંતરરાષ્ટ્રીય મહોત્સવો દ્વારા પણ યુવાનોએ શું કરવું જોઈએ તે સમજાવ્યું છે. અનેક છાત્રાલયો દ્વારા પણ સ્વામીશ્રી આજે યુવાનોને ઘડે છે. સ્વામીશ્રીના પ્રેમ અને પ્રેરણાના પીયૂષથી નવયુવાનો સાધુ થવા દોડી દોડી આવે છે. તેમને સ્વામીશ્રીએ સંસ્કૃતિ અને વિશ્વની સેવામાં મૂકેલા છે.
સંસ્થાના હજારો યુવાનો વેકેશનનો ઉપયોગ પણ રચનાત્મક પ્રવૃત્તિમાં કરે છે. વિદેશમાં પૂર્વ-પશ્ચિમ સર્વ દિશાઓમાં સ્વામીશ્રીની પ્રેરણાથી યુવક સંમેલનો થાય છે. આવા અનેક કાર્યક્રમો દ્વારા યુવાનોએ ત્રણ સૂત્રો સિદ્ધ કર્યાં છે : સહભાગિતા એટલે પોતાના ચારિત્ર દ્વારા દેશને સહભાગ થવાનું છે. એ એમની સેવા છે. બીજુ _ કંઈ ન કરે તો એક શુદ્ધ, નિષ્કલંક ચારિત્ર્ય લઈને ઊભા રહે તો પણ એ મોટી વાત છે. અને એ જ રીતે વિશ્વનો વિકાસ થશે અને એ જ રીતે વિશ્વમાં શાંતિ આવશે.
પ્રમુખસ્વામીનો ઉપનિષદ જેવો મંત્ર છે કે 'ચારિત્ર્ય દૃઢ કરો ચારિત્ર્યવાન સમાજ તૈયાર કરો!' ઉપનિષદનો આ મંત્ર પ્રમુખસ્વામી મહારાજ આજના યુવાનોમાં ઉતારે છે. ઉપનિષદ બોલે છે આવા ઔપનિષદિક પુરુષ - પ્રમુખસ્વામી મહારાજ દ્વારા. આવા મહાપુરુષના સત્સંગથી, ‘तमसो मा ज्योतिर्गमय’ના ઉપનિષદ-સૂત્ર પ્રમાણે ચારિત્ર્યની આ અક્ષર જ્યોત લઈને દોડતા હજારો યુવાનો તમસમાંથી ‘ज्योतिषामपि तज्ज्योतिः’ એટલે કે અક્ષરધામને સદેહે ચોક્કસ પામી શકે, એ નિર્વિવાદ છે.
આજે આપણે પ્રાર્થના કરીએ કે ‘अग्ने! नय सुपथा राये अस्मान्‌...’                                         

ઉપનિષદ વિશે આટલું અવશ્ય જાણો...

  • ઉપનિષદનો અર્થ થાય છે : શ્રદ્ધા-ભક્તિપૂર્વક બ્રહ્મની નજીક લઈ જાય તે.
  • ઉપનિષદો હિન્દુ સંસ્કૃતિના પ્રાચીન ગ્રંથોની શ્રેણી છે. વેદોના ભાગ તરીકે ગણાતા, વેદોના ગૂઢ અર્થને સ્પષ્ટ કરતા અને હિન્દુ તત્ત્વજ્ઞાનને સમજાવતા આ ગ્રંથો આધ્યાત્મિક જ્ઞાનચર્ચાથી ભરપૂર છે. પ્રાચીન ભારતના મહાન બ્રહ્મજ્ઞાની ૠષિઓ અને તેમના શિષ્યો વચ્ચેના સંવાદોથી ઉપનિષદો ખૂબ જીવંત લાગે છે. ૠષિઓનું ચિંતન અને તેમનું દર્શન અહીં સહજ રીતે પ્રસ્તુત થયેલ છે. ઉપનિષદો આત્મા અને પરમાત્મા, બ્રહ્મ-પરબ્રહ્મના મહિમાનો વિસ્તાર કરે છે.
  • ઉપનિષદોના કોઈ રચયિતાનું નામ ક્યાંય ઉપલબ્ધ થતું નથી.
  • સંસ્કૃત સાહિત્યમાં ઉપનિષદોને ઉત્તમ ગ્રંથ માનવામાં આવ્યા છે. ઉપનિષદોની કુલ સંખ્યા કેટલી છે ? મુક્તિ ઉપનિષદમાં તેની ચર્ચા કરતા કહેવામાં આવ્યું છે કે કુલ ૨૫૦ ઉપનિષદો છે. તે પૈકી ૧૦૮ ઉપનિષદો પ્રચલિત છે. એ પૈકી પણ ૧૧ ઉપનિષદો ખૂબ જ વ્યાપક બન્યાં છે. આ અગિયાર ઉપનિષદો છે :
  • (૧) ઇશ ઉપનિષદ, (૨) કેન ઉપનિષદ, (૩) કઠ ઉપનિષદ, (૪) પ્રશ્ન ઉપનિષદ, (૫) મુંડક ઉપનિષદ, (૬) માંડુક્ય ઉપનિષદ, (૭) ઐતરેય ઉપનિષદ, (૮) તૈત્તિરીય ઉપનિષદ, (૯) છાંદોગ્ય ઉપનિષદ, (૧૦) બૃહદારણ્યક ઉપનિષદ, (૧૧) શ્વેતાશ્વતર ઉપનિષદ.
  • સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન સંતવર્ય અને ભગવાન સ્વામિનારાયણના સમકાલીન સદ્‌ગુરુ ગોપાળાનંદ સ્વામીએ ઉપરોક્ત ૧૦ ઉપનિષદો પર વિસ્તૃત ભાષ્યો લખ્યાં છે. તેની મૂળ આવૃત્તિ એકાદ બે જગ્યાએ જ ઉપલબ્ધ છે.
  • શ્રીમદ્‌ ભગવદ્‌ગીતાને પણ ઉપનિષદ માનવામાં આવે છે.
  • પ્રસિદ્ધ અમેરિકન વિદ્વાન અને ચિંતક થોરો કહે છે : 'પ્રાચીન યુગની સર્વ સ્મરણીય વસ્તુઓમાં ભગવદ્‌ ગીતા અને ઉપનિષદો જેટલી શ્રેષ્ઠ વસ્તુ કોઈ નથી. તેમાં એટલું ઉત્તમ અને સર્વવ્યાપી જ્ઞાન છે કે તેની સાથે આધુનિક જગતનું સર્વ જ્ઞાન સરખાવતાં તે સર્વે મને તુચ્છ જણાય છે. અને કોઈવાર વિચાર કરતાં મને લાગે છે કે આ તત્ત્વજ્ઞાન કોઈ જુદા જ યુગમાં લખાયું હોવું જોઈએ. હું રોજ પ્રાતઃકાળે મારી બુદ્ધિ અને અંતઃકરણને તેના પવિત્ર જળમાં સ્નાન કરાવું છુ _.
  • કાન્ટ, શોપન હોવર, ઇમર્સન, મેક્સમુલર વગેરે પશ્ચિમના અનેક અગ્રગણ્ય ચિંતકોએ આ જ મહાન ગ્રંથમાંથી પ્રેરણા મેળવી હતી.
  • ભગવાન સ્વામિનારાયણનાં વચનામૃતોમાં ઉપનિષદોના સકલ જ્ઞાનનો સરળ અને અનુભવપૂર્ણ સાર સમાવી લેવામાં આવ્યો છે. વેદો-ઉપનિષદોના જ્ઞાનને રોજબરોજના જીવનની ઘટમાળ સાથે સાંકળીને ભગવાન સ્વામિનારાયણે પ્રાચીન ભારતીય જ્ઞાનને નિત્ય વ્યવહારનું સૌ માટે અદ્‌ભુત ભાથું બંધાવ્યું છે. 

સાધુ વિવેકસાગરદાસ

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |