|
ભગવાન સ્વામિનારાયણ અને બાળકો
છપૈયા અને અયોધ્યામાં વેણી, પ્રાગ, માધવ અને એવા કેટલાય બાળમિત્રોથી ઘેરાયેલા રહેતા બાળઘનશ્યામના સ્વરૂપથી લઈને, પૂર્ણ પુરુષોત્તમ તરીકે લાખોનાં હૃદયમાં બિરાજમાન ભગવાન સ્વામિનારાયણના મોહક સ્વરૂપ સુધી, ભક્તોએ તેમના 'બાળસ્નેહી' બિરૂદને મન ભરીને માણ્યું છે. બાળ-મનોવિજ્ઞાનની બેનમૂન છણાવટથી લઈને બાળભક્તોમાં ધ્રુવ-પ્રહ્લાદ સમી ઊંચેરી આધ્યાત્મિકતાનું સિંચન કરવા સુધીની તેમની નિરાળી બાળપ્રીતિનું એક આચમન...
અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાયના આ દિવ્ય બાળદૂતોભારતના ભાવિનું નવનિર્માણ કરશે. આવી તાલીમ જો અમેરિકામાં આપવામાં આવે તો અમેરિકા પોતાના વર્તમાન પ્રશ્નોમાંથી બહાર આવી શકે. - સેમ્યુઅલ કોન્વેરી (એડીસન નગરના મેયર, ન્યૂજર્સી, યુ.એસ.એ.)
બાળસ્નેહી શ્રીહરિ
જૂનાગઢની શેરીઓમાં ઉત્સવની રંગત રચાઈ છે. ધજાપતાકાથી સમગ્ર નગરની શોભા અનેરી નીખરી ઊઠી છે. સેંકડો કાઠી-દરબારો ઘોડેસવાર થઈને ચાલે છે. કોઈક બંદૂકના ભડાકા ને કોઈક તલવારબાજી કરી રહ્યા છે. ઢોલ અને ત્રાંસાની સાથે શરણાઈઓના સૂરો રેલાઈ રહ્યા છે. અને નિશાન-ડંકા સાથે શ્રીહરિની સવારી પુરમધ્યે જઈ રહી છે. સુશોભિત ગજરાજ પર અંબાડીએ બેઠેલા શ્રીહરિ સૌ પર કરુણા દૃષ્ટિ કરી મલકાઈ રહ્યા છે. આખું ગામ શ્રીહરિની સવારીનો ઠાઠ જોવા ઊમટ્યું છે. અરે, ખુદ નવાબ પણ મહેલના ઝરૂખામાં ઊભા છે.
એવામાં એક નાનો બાળક, હાથમાં તાજી કાકડી લઈ, શ્રીહરિના હાથી આગળ પહોંચી જાય છે. હરિવર સુધી કાકડી પહોંચાડવા કૂદકા મારે છે. છેવટે એક સંત દોડી આવી તેને ઊંચો કરે છે, શ્રીહરિ નીચા લળીને એ કાકડી અંગીકાર કરે છે, અને તે બાળકનો પ્રેમ શ્રીહરિ સુધી પહોંચે છે. વળી, શ્રીહરિ પણ ચાલુ સવારીએ જ કાકડી જમવા મંડે છે. 'લોકોને કેવું લાગશે?' એવો વિચાર એમના મનમાં સહેજે નથી, પણ 'પોતે કાકડી નહીં જમે, તો એ બાળકને કેવું લાગશે?' એ વિચાર એમના મનમાં છે.
સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી આથી જ એક પદમાં શ્રીહરિ માટે એક અનોખું વિશેષણ પ્રયોજે છે : 'બાળસનેહી.' ખરેખર, 'શ્રીહરિ બાળકોના સ્નેહી' તેમજ 'જેમને બાળકો પ્રિય છે એવા શ્રીહરિ' એમ ઉભય રીતે આ 'બાળસ્નેહી' વિશેષણ સાર્થક છે.
એકવાર શ્રીહરિ લોયા ગામે સુરાખાચરની વાડીએ પધાર્યા. ત્યાં ખૂબ તરસ લાગતાં સુરાખાચરના ઘરેથી પાણી મંગાવ્યું, ત્યારે સુરાખાચરનાં પત્ની શાંતિબાએ પોતાની નાની દીકરીને પાણીનો ઘડો લઈને વાડીએ મોકલી. તે પોતાની ત્રણ-ચાર સખીઓ સાથે વાડીએ ગઈ ને મહારાજને જળ અર્પણ કર્યું. ત્યારે શ્રીહરિએ તેને કહ્યું કે તમે દેદો૧ કૂટો તો જ અમે પાણી પીએ. ત્યારે તેણીએ કહ્યું કે 'મહારાજ, પ્રથમ પાણી પીઓ, પછી અમે દેદો કૂટીશું.' ત્યારે ફરી હરિવરે કહ્યું કે 'ના, પહેલાં દેદો કૂટો તો જ પાણી પીશું.' અંતે શ્રીહરિના આગ્રહને વશ થઈને તે બાલિકાઓએ સાથે મળી દેદો કૂટ્યો અને શ્રીહરિએ ખૂબ પ્રસન્ન થઈને સૌને આશીર્વાદ આપ્યા, પછી તેમણે જળપાન કર્યું.
આમ, શ્રીહરિ બાળકો સાથે એકરૂપ થઈ જતા. બાળક સાથે બાળક બની જતા !
એકવાર ગઢડામાં શ્રીહરિ મુંડન કરાવતા હતા. એક કણબીના દસેક વર્ષના છોકરાને મહારાજ વિશે ખૂબ જ હેત. તેણે અગાઉથી જ વાળંદને કહી રાખેલું કે મહારાજનું વતું કરી લીધા બાદ થોડા પ્રસાદીના કેશ મને આપજો.
મહારાજ વતું કરાવવા બેઠા ત્યારે એ છોકરો એક ખૂણામાં ઊભો ઊભો મહારાજનાં દર્શન કરતો હતો. વતું થઈ ગયા બાદ વાળંદ ભૂલી ગયો ને શરતચૂકથી પેલા છોકરાને આપ્યા વિના બધા વાળ થેલામાં ભરીને ચાલ્યો ગયો. આ જોઈ એ છોકરાને બહુ ઓછુ _ આવ્યું ને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો.
ત્યારે શ્રીહરિ છોકરા પાસે ગયા, તેને પડખામાં લીધો ને બરડે હાથ ફેરવી હેતથી પૂછ્યું, 'બેટા, કેમ રડે છે ?' ત્યારે છોકરાએ બધી વાતનો ખુલાસો કર્યો. એટલે શ્રીહરિ બોલ્યા, 'અરે, એટલા માટે રડે છે ? તને મારી શિખામાંથી વાળ આપું.' એમ કહી શિખામાંથી થોડાક વાળ જુદા તારવી કાતરથી કાપી આપ્યા. જે લઈને તે છોકરો ખૂબ રાજી થઈ ગયો. કદાચ, એ બાળક જીવનપર્યંત શ્રીહરિનું આ વાત્સલ્ય નહીં ભૂલ્યો હોય!
આમ, શ્રીહરિને બાળકોને રાજી રાખતાં આવડતું, કારણ કે બાળકોની લાગણીની લિપિ તેઓ ઉકેલી શકતા.
એકવાર ગઢડામાં ચાલુ સભાએ હરિભક્તોની બેઠક તરફ સાપ નીકળતાં શ્રીહરિ તેને પકડવા દોડ્યા. એ જ વખતે એક સાત વર્ષનો બાળક એમને પગે લાગવા જતો હતો, તે અડફેટમાં આવતાં પડી ગયો. થોડીવારે ભગુજી અને મૂળજી સાપને પકડીને દૂર લઈ જતા રહ્યા. એ વખતે શ્રીહરિને પેલો અડફેટે ચડેલો બાળક યાદ આવ્યો. તેને પાસે બોલાવી વહાલ કર્યું અને પછી બે પાકી કેરીની પ્રસાદી આપી રાજી કર્યો.
બાળક એટલે જિજ્ઞાસાનું અપર નામ. જે કંઈ નવું જુએ કે નવું સાંભળે, એના વિશે એના મનમાં કુતૂહલ થયા વિના રહે જ નહીં. પણ અજ્ઞાનવશાત્ કેટલીકવાર આવું કુતૂહલ તેને જ હાનિકારક બનતું હોય છે.
એકવાર ગઢડામાં સભા દરમિયાન એક સર્પ નીકળ્યો. જે જોઈને એક વિપ્રનો પુત્ર તેની પાસે જતો હતો. ત્યારે શ્રીહરિએ તેને થપાટ મારી પાછો વાળ્યો અને સ્વયં તે સર્પને પકડીને મૂકી આવ્યા. પુનઃ સભા શરૂ થઈ, ત્યારે શ્રીહરિ ખૂબ ઉદાસ થઈ ગયા ને કહ્યું કે 'આ અમારા હાથ ચમચમે છે તો જેને આ હાથ વાગ્યો હશે, તેને કેટલું દુઃખ થતું હશે ? માટે એ બાળકને શોધી લાવો.' ત્યારે તપાસ કરતાં સંતોને મંદિર બહાર એ બાળક મળ્યો.
સંતોએ તેને શીખવ્યું કે મહારાજ તને માગવાનું કહે તો કહેજે કે આપ કોઈનો થાળ જમતા નથી તો હવેથી જમશો. સાથે તેના પિતાએ પણ શીખવ્યું કે ફરીથી માગવાનું કહે તો મહારાજનાં ચરણારવિંદ માગજે. એમ શીખવી છોકરાને મહારાજ પાસે લાવ્યા.
શ્રીહરિએ તેને પૂછ્યું : 'તને મારો હાથ વાગ્યો ?' તેણે હા પાડી. ત્યારે શ્રીહરિએ કોઈક ભક્તે ધરાવેલ એક પાઘ, સાકરની થાળી અને બે રૂપિયાની ભેટ તે બાળકને આપી અને કંઈક માગવા કહ્યું. ત્યારે તે છોકરાએ મહારાજને જે કોઈ થાળ લાવે એનો થાળ જમવા વિનંતી કરી. પુનઃ માગવા કહ્યું ત્યારે શ્રીહરિનાં ચરણારવિંદ માગ્યાં. ત્યારે શ્રીહરિએ પોતાનાં બે ચરણ તેની છાતીમાં આપી કહ્યું કે 'જા, તારું ને તારા બાપનું બંનેનું કલ્યાણ કરીશ.' આમ, એ છોકરા પર અત્યંત રાજી થયા અને પોતાની ઉદાસી ટાળી.
જો કે એ બાળકને થપાટ મારવામાં પણ શ્રીહરિના અંતરમાં એનું હિત જ હતું, કારણ કે તે સાપને પકડવા જતો હતો; તો પણ એ બાળકને થયેલું દુઃખ પણ શ્રીહરિ સમજી ગયા.
એટલે જ વચનામૃત ગઢડા મધ્ય ૨૩માં મનને બાળકની સાથે સરખાવતાં શ્રીહરિ કહે છે : 'જેમ બાળક હોય તે સર્પને, અગ્નિને તથા ઉઘાડી તલવારને ઝાલવા જાય, તે જો ઝાલવા ન દઈએ તો પણ દુઃખી થાય ને ઝ ëલવા દઈએ તો પણ દુઃખી થાય. તેમ મનને વિષય ભોગવવા ન દઈએ તોય દુઃખી થાય ને ભોગવવા દઈએ તોય દુઃખી થાય.' આ દૃષ્ટાંતમાં બાળમાનસના અભ્યાસુ તરીકે શ્રીહરિની છબિ સ્પષ્ટ થાય છે.
તેમજ વચનામૃત ગઢડા પ્રથમ ૨૪માં 'બાળકના હાથમાં ચિંતામણિહોય તેની એને કિંમત ન હોય'; વચનામૃત ગઢડા અંત્ય ૨૭માં 'બાળકે બદામ, રૂપિયો ને સોનામહોર - ત્રણેયમાં સરખો માલ માન્યો હોય છે...' વગેરે દૃષ્ટાંતોમાં પણ શ્રીહરિનું બાળમાનસનું સૂક્ષ્મ અવલોકન જણાઈ આવે છે. વચનામૃત ગઢડા પ્રથમ ૫૬માં સંતોને ઉપદેશતાં તેઓ કહે છે કે, સાધુને તો બાળકની પેઠે નિર્માનીપણે વર્તવું. વચનામૃત ગઢડા પ્રથમ ૩૨માં અંતઃકરણની ચંચળતાને બાળક અને બાળકના રમાડનાર સાથે સરખાવે છે. તેમજ વચનામૃત કારિયાણી પ્રકરણ ૩માં શ્રીહરિ કહે છે કે 'વિશેષે કરીને ગુણ-અવગુણ યુવાવસ્થામાં જણાય છે પણ બાળ કે વૃદ્ધ અવસ્થામાં નથી જણાતા... અને એવો સારો હોય તે તો બાળકપણામાંથી જ જણાય. સારો હોય તેને તો બાળપણામાંથી જ છોકરાની સોબત ગમે નહીં ને જિહ્વાનો સ્વાદિયો હોય નહીં ને શરીરને દમ્યા કરે...'
આમ, શ્રીહરિને બાળમાનસનો તલસ્પર્શી અભ્યાસ હોવાથી તેઓ બાળકનું માનસ પિછાણી તેને રાજી રાખવામાં કુશળ હતા. આથી જ બાળકોને પણ તેમનો સાથ-સંગાથ ગમતો, તેમની સાથે રમવાનું ગમતું.
એકવાર રમત-રમતમાં જ પર્વતભાઈનો દીકરો મેઘો શ્રીહરિને બચકું ભરી ગયેલો, તો દાદાખાચરના પુત્ર બાવાખાચરને રોજ શ્રીહરિના ચરણનો અંગૂઠો ચૂસવામાં અમૃતથીય અધિક સ્વાદ આવતો. ભાદરણના નાનકડા ભગુભાઈ પણ નિઃસંકોચપણે શ્રીહરિને કલ્યાણસંબંધી પ્રશ્ન પૂછી શકતા (વર.૧૦), તો ગઢડાની ૫-૬ વર્ષની પાંચુ, નાનુ ને રામુ નામે બાલિકાઓ શ્રીહરિનાં દર્શને ગઢડાથી કારિયાણી હોંશે હોંશે ખુલ્લા પગે ચાલી નીકળતી.
'જેને લાવ્યા કારિયાણી ગામ, તેનું પાંચુ નાનુ રામું નામ.'
(ભક્તચિંતામણિ-૧૩૨)
આમ, શ્રીહરિ બાળકોના નિરાળા સ્નેહી હતા. શ્રીહરિની હેતાળ હૂંફ અને સ્નેહભીના સંગાથથી બાળકો પણ વડીલોને પ્રેરણા આપે એવા થયા હતા.
એમાંનો એક બાળક એટલે બરોળ ગામના ચારણનો દીકરો. સારંગપુરમાં એક રાત્રે ચાર પ્રકારના પ્રલયની વાત સાંભળી, ઉતારે જઈ તેણે ગજા ગઢવીને કહી. ગઢવીએ બીજે દિવસે તે શ્રીહરિને કહી. શ્રીહરિને આશ્ચર્ય થયું કે કાલે તમે કથામાં નહોતા છતાં કેવી રીતે વાત જાણી ? ત્યારે ગઢવીએ ખુલાસો કર્યો કે આ ચારણપુત્રે મને વાત કરી. ત્યારે શ્રીહરિએ આ ચારણકુમારની એકાગ્રતા પર વારી જઈ તેને પાઘ બંધાવી, છાતીમાં ચરણારવિંદ આપ્યાં ને પાંચ રૂપિયા ભેટ આપ્યા.
આમ, શ્રીહરિના બાગમાં એક બાજુ ગુણાતીતાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ગોપાળાનંદ જેવા પ્રખર જ્ઞાનપુષ્પો હતાં તો બીજી બાજુ ધ્રુવ-પ્રહ્લાદસમી હરિ-ભક્તિની સૌરભથી મહેકતાં આવાં બાળપુષ્પો પણ હતાં. શ્રીહરિની વાત્સલ્યવર્ષાથી આ બાળકોને પણ શ્રીહરિને રાજી કરવાના અંતરથી ઉમળકા જાગતા.
વડતાલ પાસેના મહુડિયાપરા ગામના નાનકડા શલૂક પગીએ પોતાની ચીભડાંની વાડીમાં ચીભડાં પાકે એટલે પહેલાં શ્રીહરિને ધરાવીને જ જમવાં, એવો નિર્ધાર કરેલો. અને ચીભડાં પાક્યાં એટલે ટોપલી ભરીને વરતાલ જવા નીકળ્યો. અને રસ્તામાં પોતાના મનની સાથે યુદ્ધ ખેલીને છેવટે વરતાલ પહોંચી તેણે મહારાજ સમક્ષ ચીભડાં અર્પણ કર્યાં. ત્યારે અંબરીષ રાજા જેવા આત્મનિવેદી ભક્તનાં શિક્ષાપત્રીકથિત આદર્શનાં આ નાનકડા શલૂકમાં દર્શન થયાં. શ્રીહરિએ પણ સ્વયં એક ચીભડું જમીને પ્રસાદી સંતોને વહેંચી અને તે છોકરાની આખી ટોપલી સાકરથી ભરી દઈને તેને બિરદાવ્યો.
આમ, શ્રીહરિના સ્નેહથી ભીંજાયેલા આ બાળકોનું વર્તન જ જાણે ગાઈ રહ્યું છે : 'છીએ અમે તો છોટાજી, પણ વિચારો મોટાજી.' ખરેખર, સત્સંગમાં ભલભલા મોટા પણ જેના વિચારોની મોટપને ન આંબી શકે, એવા શ્રીહરિના એ વિરલ બાળ ભક્તોમાં શિરમોડ એટલે જગામેડીનો શૂરવીર બાળ ભક્ત ડાહ્યો.
પિતાની મારી નાખવા સુધીની ધમકીઓ છતાં તેણે સ્વામિનારાયણ નામ ન મૂક્યું. છેવટે હિરણ્યકશિપુ જેવા તેના પિતાએ તેને ગાડાના જોતરે ગળા ફાંસો આપી ગાડું ઉલાળીને મારી નાખ્યો, છતાંય તેના મુખમાંથી નીકળેલો છેલ્લો શબ્દ હતોઃ'સ્વામિનારાયણ'.
વચનામૃત લોયા પ્રકરણ-૩માં શ્રીહરિ કહે છેઃ 'જે ભગવાનનો ભક્ત હોય તે દૈહિક રક્ષા ભગવાન કરે તેણે કરીને હર્ષ ન પામે ને રક્ષા ન કરે, તેણે કરીને શોક ન કરે ને અલમસ્ત થકો ભગવાનને ભજે...' આ વચનો આ બાળકે જીવનમાં ચરિતાર્થ કરી બતાવ્યાં. સ્વયં શ્રીહરિએ પણ તેને બિરદાવતાં કહ્યું કે 'પ્રહ્લાદની તો ભગવાને રક્ષા કરી ને આની અમે રક્ષા ન કરી છતાં અમને ન મૂક્યા, માટે એનું મુક્તાનંદ સ્વામી જેવું કલ્યાણ...'
આમ, શ્રીહરિ અને બાળકો વચ્ચે સ્નેહનો અતૂટ નાતો હતો. જે આજ દિન સુધી અતૂટ રહ્યો છે. આજે પણ સદ્ગુરુ મુક્તાનંદ સ્વામીએ શ્રીહરિને આપેલું 'બાળસનેહી' બિરુદ પ્રમુખસ્વામી મહારાજ નિભાવી રહ્યા છે. દેશ-વિદેશમાં વિરાટ વટવૃક્ષરૂપે પાંગરેલી એમની બાળપ્રવૃત્તિ એનો પ્રત્યક્ષ પુરાવો છે. આ સ્નેહની વર્ષામાં ભીંજાયેલા દેશ-વિદેશનાં લાખો બાળકો આજે ગર્વથી ગાય છેઃ
અમે સૌ સ્વામીના બાળક...
અમે સૌ શ્રીજીતણા પુત્રો અક્ષરે વાસ અમારો છે...
આપ જાણો છો ?
ભગવાન સ્વામિનારાયણની બાળપ્રીતિ આજે બસ્સો વર્ષે પણ અનેકશઃ અનુભવાય છે. ભગવાન સ્વામિનારાયણની ગુણાતીત સંત પરંપરાના વાહક પ્રમુખસ્વામી મહારાજની નિશ્રામાં આજે કુલ ૪,૦૪૦ બાલમંડળો દ્વારા ભગવાન સ્વામિનારાયણનો બાળકો પ્રત્યેનો અનુરાગ વિશ્વભરમાં વિસ્તર્યો છે. બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા સંચાલિત આ બાળપ્રવૃત્તિ ભારતની સૌથી મોટામાં મોટી બાળઉત્કર્ષ પ્રવૃત્તિ છે. આ વિરાટ પ્રવૃત્તિને બિરદાવતાં ભારત સરકારે તેને શ્રેષ્ઠ બાળકલ્યાણ પ્રવૃત્તિનો રાષ્ટ્રપતિ એવોર્ડ એનાયત કર્યો છે.
બાળકોના સંસ્કાર, શિક્ષણ અને સ્વાસ્થ્યનું જતન-સંવર્ધન કરીને બાળકોની આગવી પ્રતિભાનો વિકાસ કરતી આ બાળપ્રવૃત્તિ સંપૂર્ણતઃ નિઃશુલ્ક ચાલતી બાળકલ્યાણ પ્રવૃત્તિ છે. તેમાં જોડાયેલા ૫,૦૦૦ કરતાંય વધુ સેવાભાવી સ્વયંસેવકો બિલકુલ અવેતન સેવાઓ આપીને બાળકોના સંસ્કાર માટે દિવસ-રાત એક કરી રહ્યા છે. આદિવાસીઓનાં ઝ ñ_પડાંઓથી લઈને અમેરિકાની મહોલાતો સુધી વ્યાપેલી આ બાળપ્રવૃત્તિમાં પ્રતિ વર્ષે કુલ કેટલાં બાળકો તાલીમ લે છે? ૮૦,૦૦૦ !
સાધુ મધુરવદનદાસ
|
|