|
ગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ
સ્થિતપ્રજ્ઞતાની અણમોલ સ્મૃતિ
ઈશ્વરચરણ સ્વામી
-
આજે પણ એક અમીટ છાપ તે વખતની પડેલી છે. તે હજુ આંખ સામે જેમ છે તેમ તરવરે છે. ૧૯૫૯માં યોગીજી મહારાજની સાથે મારે સેવામાં આફ્રિકા જવાનું થયું હતું. તે વખતે હું સંતોની રસોઈ કરતો. તેમાં સંતમંડળ આખું મોળી રસોઈની રુચિવાળું હતું. યોગીજી મહારાજને મોળું ને ફીક્કું જમવાનું જોઈએ. તેલ-મસાલાનો તમતમાટ તેમને ફાવતો નહીં. સંતસ્વામી ને બાલમુકુંદ સ્વામી પણ મોળું જ જમતા. રહ્યા એક પ્રમુખસ્વામી મહારાજ. તેઓ તીખું જમી શકતા ને તીખું હોય તો તેમને રુચે. પણ ૯ મહિના સુધી જે સર્વ સામાન્ય રસોઈ મને આવડે તેવી હું બનાવતો. કારણ, હું પણ શીખાઉ હતો. પરંતુ ક્યારેય પ્રમુખસ્વામી મહારાજે રસોઈ અંગે ટકોર કરી નથી. રસોઈમાં ભૂલ થવાનો સંભવ હતો પણ એમણે ક્યારેય સૂચન કર્યું નથી કે 'આમ હતું કે તેમ હતું.' અથવા 'આમ કરવું કે તેમ કરવું.' તેમજ કોઈ વસ્તુ બનાવવાનું નાનું અમથું સૂચન પણ નહિ. પત્તરમાં જે પીરસીએ તે તેઓ નતમસ્તકે મહારાજને સંભારીને જમી જતા. ત્યારે પ્રથમ પરિચય થયો કે આ વિભૂતિ સ્વાદથી પર છે.
-
સ્વામીશ્રીની વિશેષ નજીક આવવાનું થયું - ૧૯૬૩માં. પંચતીર્થીમાં- ડાંગરા મંદિરમાં, મંદિરના દેરાની બાજુમાં જ બુંગણ પર જ સાથે સૂવાનો લાભ મળેલો. ઘણા સંતો ને યુવકો સાથે જ સૂતા હતા.
-
એક વખત ૧૯૬૬માં યોગીજી મહારાજ અને પ્રમુખસ્વામી મહારાજ અમદાવાદમાં બિરાજતા હતા. સાંજનો સમય હતો. મંદિરના ચોકમાં સત્સંગસભા ભરાઈ હતી. એ વખતે વિદ્યાનગરથી કેટલાક લોકો એકાએક અમદાવાદ આવી પહોંચ્યા ને તેઓ એકદમ આવીને સ્વામીશ્રીને મળવા માગતા હતા. યોગીજી મહારાજ અને સ્વામીશ્રી મંદિર પાછળના જૂના સભામંડપમાં તેમની સાથે ગયા. વિદ્યાનગરથી આવેલા એ લોકો ગેરસમજથી ખૂબ ઉશ્કેરાયેલા હતા ને આવતા વેંત જ યોગીજી મહારાજની હાજરીમાં સ્વામીશ્રીને જેમ તેમ બોલવા લાગ્યા ! જાણે તેઓ જ સંસ્થાના ધણી હોય તેમ, જેમ આવે તેમ પ્રમુખસ્વામીને ભાંડવા લાગ્યા. એક બે ભક્તો આ જોઈ ગયા. તેથી અમને કહ્યું. અમે સૌ ત્યાં ભેગા થઈ ગયા.
અહં, મમત્વ ને અવળા પક્ષને કારણે એ લોકો દિશા ભૂલ્યા હતા. ને મર્યાદા ચૂકીને પ્રમુખસ્વામીને બેફામ સંભળાવતા હતા. આ શબ્દોથી કેટલાક યુવાન ભક્તો ઉશ્કેરાઈ ગયા અને સીધા જ ઓરડાનાં બારણાંને ધક્કો મારી અંદર પ્રવેશ્યા. સ્વામીશ્રીનું આવું હડહડતું અપમાન જોઈને કોઈ ઝાલ્યા રહ્યા નહીં. ને તે આગંતુકોને ત્યાં ને ત્યાં જ ઉધડા લીધા. એ જોઈને પ્રમુખસ્વામી મહારાજ અમને સૌને વારવા લાગ્યા, 'તમે બધા બહાર નીકળી જાવ. તમારે કાંઈ કરવાનું નથી. મારી સાથે વાત કરવા આવ્યા છે, તો પૂરી વાત કરવા દ્યો. તમે બધા જતા રહો.' એમ સ્વામીશ્રી પોતાથી બનતી બધી જ શક્તિથી અમને પાછા કાઢતા હતા. પણ સૌમાં ઉશ્કેરાટ ઘણો જ હતો. તેથી ત્યાં જ મિટિંગ પૂરી થઈ ગઈ. વિદ્યાનગરથી દોડાદોડ આવેલા વિરોધીઓ વાતાવરણને પામીને તુરત બહાર નીકળી ગયા. પરંતુ બહાર પણ તેમને કોઈ કાંઈ કરે નહીં એ હેતુથી પ્રમુખસ્વામી મહારાજ તેમને ઠેઠ દરવાજા સુધી આગ્રહપૂર્વક મૂકવા ગયા ને અમને સૌને બને તેટલા જોશથી પાછા વાળ્યા. ત્યારે પરિચય થયો કે હડહડતું અપમાન કે વિદ્રોહને પણ આ પુરુષ ખૂબ જ સ્વસ્થતાથી ને શાંતિથી ગળી જઈ શકે છે. ને ગમે તેટલા વિરોધ કે અપમાનજનક વ્યવહારને પણ સહજતાથી આદર આપી શકે છે.
તે વખતના ઘણા પ્રસંગોમાં સ્વામીશ્રીની ધીરજ, સ્વસ્થતા, શાંતચિત્તતા ને જ્ઞાનગરિમાનો અદ્ભુત અનુભવ થયો. વિરોધીઓના આક્રોશને પણ ઉદ્વેગરહિત આવકારીને એમના અવિચારીપણાને શાંતિથી સહી લઈને કંઈક સમાધાનકારી સારું પરિણામ લાવવાની તેમની તત્પરતા, આવા અતિ વિપરીત સંજોગોમાં પણ દેખાતી, સહેજે બહાર આવતી ત્યારે આશ્ચર્યમાં ખોવાઈ જવાતું હતું.
-
અનેક કપરામાં કપરા પ્રસંગોમાં તેમને સ્વસ્થતા અને ધીરતાથી નિર્ણયો લેતા નિહાળ્યા છે. યોગીજી મહારાજના અક્ષરધામગમન પછી શ્રીજીમહારાજના દ્વિશતાબ્દી મહોત્સવે એમણે લીધેલો નિર્ણય આશ્ચર્યકારી હતો. બરાબર મહોત્સવ સમયે જ ગુજરાતમાં અનામત આંદોલન ફાટી નીકળ્યું અને મહોત્સવને પાછું_ ઠેલવાનું બધા વિચારતા હતા. પણ સ્વામીશ્રીએ મક્કમતાથી કહ્યું કે ઉત્સવની તૈયારી ચાલુ રાખો ને ઉત્સવ નિયત સમયે થશે જ, કરવાનો જ છે, ને મહારાજ દેશકાળ સારા કરી દેશે. એ પ્રમાણે જ થયું. એમની નિશ્ચલતાએ સૌને દિંગ કરી દીધા. એવું જ ૧૯૮૫માં ગુણાતીત દ્વિશતાબ્દી પ્રસંગે થયું. તે સમયે વરસાદે ઘણું ખેંચ્યું હતું. દુષ્કાળ જેવી એ સ્થિતિમાં સમાજના ઘણા બૌદ્ધિકો - સામાજિકો મહોત્સવ યોજવાની ના પાડતા હતા. પણ સ્વામીશ્રીને દૃઢ વિશ્વાસ હતો કે વરસાદ થશે અને દુષ્કાળની સ્થિતિ દૂર થશે જ. અને એમ જ થયું. એ મહોત્સવ ઊજવ્યો. તેઓના આશીર્વાદથી મહોત્સવ પહેલાના પખવાડિયામાં જ ખૂબ વરસાદ થયો. ને સૌની તરસ છીપી. કપરા સંજોગોમાં એમની ધરીજ ક્યારેય ખૂટતી નથી. એવા અનેક અનુભવો છે.
-
ગોંડલમાં સ્વામીશ્રીની ૭૧મી જયંતી પ્રસંગે ૧૯૯૧માં એક યાદગાર પ્રસંગ બની ગયો. સંતો સ્વામીશ્રીને ફૂલહાર અર્પણ કરતા હતા. મારે ભાગે એક ધાણીનો હળવો ફૂલ હાર આવ્યો હતો. મેં સ્વામીશ્રીને પહેરાવ્યો અને પગે લાગ્યો. ત્યાં મને કોઈએ કઠોળનો હાર સ્વામીશ્રીને ધરાવવા આપ્યો. તે બહુ જ ભારે, એટલે હાથમાં ઊંચકતા જ ભાર લાગે. તેથી હું સ્વામીશ્રીની નજીક ગયો ત્યારે મારાથી સહેજે બોલાઈ ગયું કે 'બાપા! આ હાર બહુ ભારે છે. નહીં પહેરી શકાય.' મારા મનમાં પણ તે પહેરાવવા અંગે ઘણો ખચકાટ હતો. મારું વાક્ય પૂરું થાય તે પહેલાં સ્વામીશ્રી એકદમ બોલી ઊઠ્યા, 'હલકો ને ભારે બંને પહેરવા પડે. સુખ ને દુઃખ બંને જોઈએ!' એમ કહેતાં ભારે હાર પણ અંગીકાર કર્યો. આ એક જ વાક્યમાં સ્વામીશ્રીએ પોતાના મિષે મને સમજાવી દીધું કે સુખ ને દુઃખ બંને જોઈએ. સુખ ને દુઃખમાં એમની સમાનતાનો જ જાણે એક પરિચય હતો!
-
એક ઘટના અમેરિકામાં C.F.I. પ્રસંગે ૧૯૯૧માં બની. તે પણ ભૂલી શકાય તેમ નથી. ૨૦ જુલાઈનો દિવસ. ગુરુભક્તિ દિન સમારોહમાં ભક્તોના પ્રેમવશ સ્વામીશ્રી ન્યૂજર્સીમાં આવેલા વિશાળ Expo Hall માં પધાર્યા. બાળકો-કિશોરો-યુવકોએ નૃત્યગીત, વાજિંત્રો સાથે ખૂબ ઉત્સાહભેર ને હૈયાના હુલાસથી સ્વાગત કર્યું. સ્વામીશ્રીને પાલખીમાં બેસાડી પ્રવેશદ્વારથી મંચ સુધી લાવવામાં આવ્યા. ત્યારે હજારો હૈયાં સ્વામીશ્રીને મનમંદિરમાં અતિ ઉલ્લાસથી આવકારી રહ્યા હતા. દિવ્યાતિદિવ્ય વાતાવરણમાં અક્ષરધામની જ અનુભૂતિ સૌ કરી રહ્યાં હતાં. ત્યારે પાલખીમાંથી ઊતરી આસને બિરાજતા પહેલાં અમને પાસે બોલાવી કહ્યું કે 'યોગીજી મહારાજની મૂર્તિ લાવ્યા છો? હમણાં જ મગાવી લ્યો.' તાત્કાલિક યોગીજી મહારાજની નાની મૂર્તિ લાવ્યા. ઘટસ્ફોટ તો ત્યારે જ થયો જ્યારે તેઓ તુલામાં બિરાજ્યા. ત્યારે હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ સાથે યોગીજી મહારાજની મઢાવેલી પટપ્રતિમા(ફોટોગ્રાફ)ને પણ ખોળામાં રાખીને નત મસ્તકે બિરાજ્યા. સૌના ભક્તિભાવ ઝીલતા પોતે ફૂલની જેમ કરમાતા બિરાજતા હતા એ દૃશ્ય નજરે તરવરે છે. સૌ કોઈને ચોક્કસ પ્રતીતિ થાય કે એમને એ ભવ્ય સન્માનની લેશ પણ પડી ન હતી. તેમને તો ગુરુ યોગીજી મહારાજ અને ઇષ્ટદેવ શ્રીજીમહારાજનો જયકાર થાય એ જ રટણા હતી.
સ્વામીશ્રીનું વ્યક્તિત્વ કળવું ઘણું કઠણ છે. કારણ, પોતાના ગુણો છુંપાવવામાં તેઓ ખૂબ કાબેલ છે. 'સબ ગુણ પૂરણ પરમ વિવેકી, ગુણકો માન ન આવે.' આ પંક્તિ એમને સહજસિદ્ધ છે. તેથી એમની નજીકમાં રહેનારા પણ એમને સમજવામાં ગોથું ખાઈ જાય તો દૂરથી દર્શન કરનાર તો ભાગ્યે જ તે પામી શકે.
|
|