|
ભગવાન સ્વામિનારાયણ અને રાજવીઓ
જીવનભર માણકી ઘોડીના અસવાર થઈને ગામડે ગામડે ઘૂમતા ભગવાન સ્વામિનારાયણે એક અજોડ લોકજુ વાળ ઊભો કર્યો હતો. અને માત્ર પચ્ચીસ વર્ષની યુવાન વયે તો તેઓ લાખો લોકોના હૃદયના સમ્રાટ બની ગયા હતા. અનેક સત્તાધીશો તેમના આ વિરાટ વ્યક્તિત્વ સામે પોતાનું વામણાપણું સારી રીતે જોઈ શક્યા હતા. અને એટલે જ, કંઈક મહારાજાઓ એમના આશ્રિત થઈને ગૌરવ અનુભવતા હતા. અહીં, એ યુગના મહારાજાઓ અને મહારાજાઓના મહારાજ ભગવાન સ્વામિનારાયણની રસપ્રદ વાસ્તવિક કહાણી પ્રસ્તુત છે..
શ્રી સ્વામિનારાયણે ચારિત્ર્ય અને અન્ય સદ્ગુણો સાથે નોંધપાત્ર આકર્ષક અને પ્રભાવશાળી વર્તનનો સુમેળ સાધ્યો હતો. તે જ ઘણું કરીને તેમની સફળતાનું કારણ હતું અને તેથી જ તેઓ અદ્વિતીય નેતા તરીકે પુરવાર થયા હતા. આથી, તેમના અનુયાયીઓ એટલા ઝડપથી વધ્યા હતા કે સત્તાધારીઓ પણ એમની પ્રખ્યાતિની ઈર્ષા કરવા લાગ્યા હતા.
- સર મોનીઅર વિલિયમ્સ (ઓક્સફર્ડ યુનિવર્સિટી, ઈંગ્લેન્ડ)
મહારાજાઓના મહારાજ
રાજા-રજવાડાંઓનો એ જમાનો હતો. પ્રજા ઉપર એમનાથી મોટી કોઈનીય સત્તા ચાલતી નહોતી. એ જ સર્વોપરિ સત્તાધીશો પ્રજાના 'અન્નદાતા', 'પ્રાણદાતા' અને 'જીવનદાતા'નું બિરુદ માણતા ને ભગવાનની બરોબરીનું માન ભોગવતા હતા. પરંતુ, અઢારમી સદીની સંધ્યાએ અને ૧૯મી સદીના ઉદયકાળે, ભાટચારણોની બિરદાવલિઓના નશામાં અને ડાયરાઓની મોજમાં ખોવાયેલા એવા કેટલાય મહારાજાઓનો રૂઆબ એકાએક ઝ ë_ખો પડી ગયો. કારણ કે તેમનેય જ્યાં મસ્તક ઝ ðકાવવું પડે એવા અદકેરા મહારાજ મળી ગયા! એ હતા સહજાનંદજી મહારાજ. રાજ વિનાના મહારાજ! છતાં રાજાઓનાય અધિરાજ - રાજાધિરાજ! રજવાડાંઓની સરહદોની પરવા કર્યા સિવાય, સાદાં શ્વેત વસ્ત્રો ધારીને ગામડે ગામડે ગરીબ-ગુરબાઓનાં કે કાઠીઓનાં ખોરડાંઓમાંથી ઠેર ઠેર આધ્યાત્મિક ક્રાંતિનો જુ વાળ પ્રગટાવતા આ મહારાજ તો કંઈક જુ દી જ કોટિના હતા. એ સર્વજીવહિતાવહ હતા. એ તો ગરીબોના બેલી અને વળી મહારાજાઓનાય બેલી હતા ! સૌના ઉદ્ધારક હતા.
પોતાના સંબંધમાં આવનારા કંઈ કેટલાય મહારાજાઓનાં જીવનને એમણે આથમણામાંથી ઊગમણું કરી નાંખ્યું હતું - આંખના પલકારામાં ! વાઘની બોડ જેવા કંઈ કેટલાય ખૂંખાર અને આપખુદી શાશકોને, જાનના જોખમે પડકારીને તેમનાં હૈયે એમણે કરુણા અને દયાની હરિયાળી ખીલવી દીધી હતી - આંખના પલકારામાં ! એમની મોહક પ્રતિભાથી આકર્ષાઈને કેટલાય મહારાજાઓ એમના દીવાના બન્યા હતા - આંખના પલકારામાં! પંજાબના પ્રતાપી મહારાજા રણજિતસિંહ, બુટોલનગરના મહારાજા મહાદત્ત, કાઠમંડુ-નેપાળના પરાક્રમી મહારાજા રણબહાદુર સહા, સિરપુરના મહારાજા સિદ્ધવલ્લભ, જગન્નાથપુરી-ખુર્દા પ્રાંતના રાજા મુકુંદદેવ, પુનાના દીવાન બાપુસાહેબ ગોખલે, માનસપુરના મહારાજા સત્રધર્મા, જૂનાગઢના નવાબ હામદખાન, માણાવદરના નવાબ ગજેફરખાન, માંગરોળના નવાબ વજરૂદ્દિન, ભાવનગરના મહારાજા વજેસિંહજી, ગોંડલના મહારાજા દેવાજી, કચ્છના મહારાવ, વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ, ઈડરના મહારાજા ગંભીરસિંહજી, ધરમપુરના મહારાણી કુશળકુંવરબા તેમજ ગઢડા, કારિયાણી, સારંગપુર, અલૈયા, મછિયાવ, જેતપુર, લોયા, બોટાદ જેવા કેટલાય નાના નાના ગરાસના ગામધણીઓ-ગરાસદારો..., અને આ યાદી હજુ કેટલીય લાંબી બની શકે તેમ છે !
માત્ર દસ વર્ષની વયે કાશીના વિદ્વાન રાજાને પ્રભાવિત કરવાથી લઈને મહારાજા રણજિતસિંહજી સુધીના અનેકના હૈયે આવો અહોભાવ પ્રગટાવનારા ભગવાન સ્વામિનારાયણનો મહારાજાઓ પરનો દિવ્ય પ્રભાવ બે વિભાગોમાં અવલોકી શકાય.
૧. પ્રથમ દર્શને અભિભૂત મહારાજાઓ
ભગવાન સ્વામિનારાયણના જીવનમાં અવગાહન કરતાં એવા અસંખ્ય પ્રસંગો નજરે ચડે છે કે જેમાં તેઓનાં પ્રથમ દર્શને જ ધુરંધરો નતમસ્તક થઈ ગયા હોય.
ભગવાન સ્વામિનારાયણના દિવ્ય પ્રતાપી વ્યક્તિત્વે આ સૌને કેવા આકર્ષ્યા હતા એનો ઉલ્લેખ કરતાં ઇતિહાસ-લેખક આધારાનંદ સ્વામી, મહારાજા રણજિતસિંહ અને ૧૧ વર્ષીય ભગવાન સ્વામિનારાયણનો વાર્તાલાપ આ શબ્દોમાં નોંધે છે :
રણજિતસિંહ : 'અમે તમારા દાસ છીએ. તમે કહો તેમ અમે કરીએ. અમે તમને કોટિ ઉપાયે છોડી શકીએ તેમ નથી. આપ શરણે આવેલા અમને છોડશો નહિ.'
મહારાજ : 'અમે યોગી ને તમે ભોગી. અમને વનવાસની રુચિ અને તમને મહેલની રુચિ. અમે બધાં વ્યસનથી ઉદાસ અને તમે તેમાં રસબસ. તેથી તમારે અને અમારે કેમ બને ?'
આંખમાં આંસુ સાથે રણજિતસિંહ : 'તમે તો નિર્બંધ જોગી છો. અમે તો મોહજાળમાં બંધાયેલા છીએ. હું તમારા શરણે છું અને તમારું નામ રટું છુ _. તમારી મૂર્તિ નિશદિન મારા ઉરમાં રહે અને રાજ્ય સંપત્તિનાં સુખ દિવસે દિવસે અનિત્ય જણાવા લાગે એવા કૃપા કરો.' (હરિચરિત્રામૃતસાગર, પૂર ૨, તરંગ ૨૦-૨૩)
રણજિતસિંહના વ્યક્તિત્વને જાણનારા ઇતિહાસના અભ્યાસુઓ વધારે સારી રીતે સમજી શકશે કે, પ્રથમ દર્શને જ પોતાનું સર્વસ્વ ઓવારી જનારા મહારાજાને માત્ર ૧૧ વર્ષના ભગવાન સ્વામિનારાયણનું વ્યક્તિત્વ કેવું ચુંબકીય લાગ્યું હશે !
વંશીપુરના રાજા અને બુટોલનગરના મહારાજા મહાદત્ત સેને ભગવાન સ્વામિનારાયણની તપકૃશ કાયા જોઈને પ્રથમ દર્શને જ નિશ્ચય કરી લીધો કે આજે મારા આંગણે ભગવાન આવ્યા છે. તો ખુર્દા પ્રાંતના રાજા મુકુંદદેવે જગન્નાથપુરીના ઇંદ્રદ્યુમ્ન સરોવર પાસે ધ્યાનલીન બેઠેલા ભગવાન સ્વામિનારાયણની ઝાંખી કરતાં જ નિર્ણય લઈ લીધો હતો કે સાક્ષાત્ જગન્નાથજી મારું કલ્યાણ કરવા પધાર્યા છે. નહીંતર જગન્નાથપુરીના ભવ્ય રથયાત્રા ઉત્સવમાં રાજા મુકુંદદેવ, પંદર વર્ષના ભગવાન સ્વામિનારાયણને રથ પર પધરાવીને તેમનો રથ ખેંચે, એ કેવી રીતે શક્ય બને?
પૃથ્વી પર ખુદા ક્યારેય અવતરતા નથી - એવી ફિલસૂફી ધરાવતા ઈસ્લામના ચુસ્ત અનુયાયી હામદખાન એટલે કે જૂનાગઢના નવાબ પણ ભગવાન સ્વામિનારાયણનાં પ્રથમ દર્શને જ કબૂલ થઈ ગયા કે જન્નતથી ખુદાતાલા પૃથ્વી ઉપર પધાર્યા છે- અનેકની ઈબાદતનો સ્વીકાર કરવા! જૂનાગઢના રાજમાર્ગ ઉપર હાથીની અંબાડીએ બિરાજીને સવારીએ નીકળેલા ભગવાન સ્વામિનારાયણ એક બાળકના ભાવને વશ થઈને જાહેરમાં કાકડી ખાવા લાગ્યા ત્યારે, આ જોઈ રહેલા દ્વેષી નાગર દીવાને હામદખાન સમક્ષ તેની ટીકા કરી. અને આ મુસ્લિમ નવાબે તેને ટકોરતાં કહ્યું હતું : 'ખુદાકો કિસકી અદબ! દીવાનજી! તમને અને મને આબરૂની પડી છે, ખુદાને કોની પરવા હોય!'
સૌરાષ્ટ્રના અનેક ગરાસદારોથી લઈને સયાજીરાવ ગાયકવાડ સુધી કંઈ કેટલાય શાસકો-મહારાજાઓના ઊષર હૈયામાં સૂતેલી મુમુક્ષુતાને પલભરમાં જગાડનાર, ભગવાન સ્વામિનારાયણના દિવ્ય પ્રભાવનો આથી વધુ મોટો પુરાવો કેવોક જોઈએ!
૨. દિવ્ય પ્રતાપથી પ્રતીતિ
ભગવાન સ્વામિનારાયણના પગલે પગલે ઐશ્વર્યોની બૌછાર થતી. એમના સ્પર્શ, દર્શન અરે! સ્મરણમાત્રે અસંખ્ય લોકો શાંતિ અને દિવ્યતાનો અકથ્ય અનુભવ કરતા. લાખો લોકો એમની હયાતીમાં જ સાક્ષાત્ સર્વોપરિ પરમાત્મા તરીકે એમની આરાધના કરીને દિવ્ય આનંદ માણતા. ચારેકોર સ્વામિનારાયણના જયજયકાર થતા, આમ છતાં, કેટલાક રાજાઓ પોતાના ગર્વ, પોતાની બુદ્ધિમત્તા, કે પોતાની જડતા કે અન્ય દ્વેષીઓની કાનભંભેરણીથી ભગવાન સ્વામિનારાયણની દિવ્યતાનો સ્વીકાર કરવા તૈયાર નહોતા. જો કે ભગવાન સ્વામિનારાયણને એવી કોઈ મહત્ત્વાકાંક્ષા પણ નહોતી કે બધાં જ રજવાડાંઓને હું મારાં ચરણોમાં આળોટતાં કરી દઉં. એમનું તો લક્ષ્ય કઈંક ઔર જ હતું. પોતાની અવગણના કે તિરસ્કાર કરનાર રાજાઓ પ્રત્યે પણ લેશ પણ દ્વેષદૃષ્ટિ વિના, એમણે તો કરુણા વરસાવીને પોતાનું અવતારકાર્ય આગળ ધપાવ્યે જ રાખ્યું હતું. આમ છતાં ક્યાંક સામે ચાલીને પોતાનું બાહુબળ અજમાવવા જનારા મહારાજાઓ, આખરે, એમના દિવ્ય પ્રતાપ આગળ વામણા જ નીવડ્યા હતા. અને અંતે તેમના આશ્રિત થઈ શ્રેય સાધ્યું હતું.
એવા મહારાજાઓમાં ઈડરના મહારાજા ગંભીરસિંહજી પણ એક હતા. અમદાવાદમાં ઈડરિયા પત્થરોથી રચાઈ રહેલા સ્વામિનારાયણ મંદિરમાં એકાએક રૂકાવટ આવી. મહારાજાનું ફરમાન : સ્વામિનારાયણને પત્થરો આપવાનું બંધ કરો. કારણ? સ્વામિનારાયણનો તેજોદ્વેષ! આમ છતાં, ભગવાન સ્વામિનારાયણે ગુરુચરણરતાનંદ સ્વામીને રાજા પાસે પત્થરો લેવા મોકલ્યા અને કહ્યું : 'તમે રાજાના હાથ પકડજો એટલે તેમના અંતરમાં અમે પ્રવેશશું. પછી વર્તમાન ધરાવીને સત્સંગી કરજો.' અને ઇતિહાસ સાક્ષી છે કે ઈડરિયા પત્થરોથી જ મંદિરનું કાર્ય પૂર્ણ થયું, સત્સંગી બનેલા ગંભીરસિંહજીની ભક્તિ લેખાઈ ગઈ!
ભાવનગરના મહારાજા વખતસિંહજીને ભગવાન સ્વામિનારાયણ પોતાના સ્પર્ધક લાગતા હતા. કારણ ? એમના જ આશ્રિત કેટલાય ગરાસદારો-ગામધણીઓ ભગવાન સ્વામિનારાયણના દીવાના થઈને ફરતા હતા. પોતાના જ રાજ્યમાં કોઈ બીજા મહારાજાનો પ્રભાવ કેવી રીતે સાંખી લેવાય? પરંતુ, તેમણે સ્વામિનારાયણનું 'ભગવાનપણું'ઉઘાડું કરવા માટે જ મોકલેલા પ્રખર બુદ્ધિમાન કવિ લાડુદાનજી, 'સ્વામી બ્રહ્માનંદજી' બનીને, સ્વામિનારાયણનાં ચરણના ઉપાસી થઈ ગયા! એટલું જ નહીં, એક તુચ્છ અને હલકા વરણનો ગણાતો સગરામ વાઘરી એમને સંભળાવી ગયો : 'મને જોઈ લ્યો! છે ને કળજુ ગમાં સ્વામિનારાયણનો પરચો! તમેય એમના આશ્રિત થાશો તો તમારુંય કલ્યાણ થશે!' ભગવાન સ્વામિનારાયણનો આવો કંઈક પ્રતાપ મહારાજાને ઝ ðકાવી ગયો.
વીસનગરના સત્તાધીશ લાલદાસ સૂબાની કહાણી કંઈક જુ દી છે. એમનાં બહેન ઉદયકુંવરબાને ત્યાં ઊતરેલા ભગવાન સ્વામિનારાયણે એમને કહેવરાવ્યું કે અમારે તમને મળવા આવવું છે. ત્યારે સૌએ એમને રોક્યા હતા : એ વાઘની બોડ છે, હાથ નાંખશો નહીં! અને બન્યું પણ એમ જ. જવાબમાં લાલદાસે ૩૦ અડીખમ આરબોની બેરખ મોકલી આપી - સ્વામિનારાયણને કેદ કરવા! પરંતુ ભગવાન સ્વામિનારાયણના પ્રતાપે આરબ જમાદારને સમાધિ થઈ ગઈ! અને પછી મહારાજ સામે ચાલીને લાલદાસ પાસે ગયા. એનેય પોતાના પ્રતાપથી સમાધિમાં નર્કનો અનુભવ કરાવ્યો, સાચો રાહ ચીંધ્યો. શ્રીહરિને કેદ કરવા મથતો લાલદાસ ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત થઈ ગયો!
ભોયરા ગામના વાસુર ખાચર એટલે એક ક્રૂર, હિંસક અને આપખુદી શાસક! ભગવાન સ્વામિનારાયણના કૃપાપાત્ર સત્સંગી નાજા જોગિયાને એક સાંજે એણે પડકાર ફેંક્યો : જો તારા ભગવાન ખરેખર ભગવાન હોય તો કાલે સવારે અહીં મને દર્શન દે, અને જો એમ ન કરે તો હું તારા ઢીંચણ ભાંગી નાંખીશ! પોતાના ભક્તની રક્ષા કરવા માટે અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ, ગરુડવેગે, બીજા દિવસે સૂર્યની ટશર ફૂટે તે પહેલાં ભોયરા પહોંચી ગયા ! વાસુર ખાચરને સમાધિમાં 'યમદર્શન' કરાવી તેમણે ક્રૂરતા અને હિંસકવૃત્તિને શાંત કરી દીધી! નશાખોર મદમસ્ત સિંહ જેવો વાસુર ખાચર 'સ્વામિનારાયણીય ગાય'બની ગયો!
આમ, શ્રીહરિના દિવ્ય ઐશ્વર્યથી કેટલાય રાજવીઓ એમના આશ્રિત થયા હતા, પરંતુ એ ઐશ્વર્યનો પ્રયોગ ક્યારેય એમણે અંગત મહત્તા વધારવા નથી કર્યો. યા તો લોકોની શ્રદ્ધા દૃઢાવવા, યા તો લોકો પર ગુજારાતા ત્રાસને અટકાવવા કવચિત જ એમણે, ઐશ્વર્યદર્શન કરાવીને રાજવીઓને ઝ ðકાવ્યા હતા. દા.ત. નેપાળના રાજા રણબહાદુર સહાનું અસાધ્ય દર્દ એમણે ઐશ્વર્યથી મટાડ્યું ત્યારે તે આફરીન પોકારી ગયો. એ વખતે એમણે રાજા પાસેથી માત્ર આટલું જ ઇચ્છ્યું હતું : 'આ લોકની કોઈવસ્તુ તમે અમને આપશો તો તે અમારા ખપની નથી. છતાં જો તમારે અમારી સેવા કરીને સંતોષ માનવો હોય તો તમે બંદીખાને પૂરેલા નિર્દોષ લોકોને મુક્ત કરી દો. અમારે આટલું જ માગવું છે.'
રાજા આ કરુણાભરી અનાસક્તિ પર વારી ગયો.
જો ભગવાન સ્વામિનારાયણને ઐશ્વર્યથી પોતાનો રોફ જ જમાવવો હોત તો એમનો દેશનિકાલ કરનાર અમદાવાદના શાસક સૂબા સેલૂકર પર પણ એમનો રોષ ભભૂક્યો હોત! આણંદમાં એમના પર પથ્થરમારો કરનારા અબુધો પર એમની આંખ લાલ થઈ હોત! એમનું કાસળ કાઢવા કટિબદ્ધ થયેલા કચ્છના જગજીવન દીવાન પર પણ એમનો ગુસ્સો ઠલવાયો હોત !
પણ એ એમના સ્વભાવમાં જ નહોતું. રોફ તો એક બાજુ એ રહ્યો, પરંતુ મહારાજાઓ અતિ અભિભૂત થઈને સામે ચાલીને પોતાનાં રાજ્ય એમનાં ચરણે ધરતા ત્યારે તેઓ નિસ્પૃહીપણે ત્યાંથી ચાલી નીકળતા. એની એમને પડી નહોતી! ધરમપુરનાં રાજરાણી કુશળકુંવરબાએ પોતાની રાજ્ય સંપત્તિ અને શાસન એમનાં ચરણે ધરી દીધાં ત્યારે એમનો જવાબ કેવો ચોટદાર હતોઃ 'ગધેડાનો ભાર ગધેડા તાણે. અમે તો અનેક જીવોનું કલ્યાણ કરવા આવ્યા છીએ, અમારે રાજપાટને શું કરવા છે!'
રવિવાર, તા. ૪ ફેબ્રુઆરી, ૧૮૨૬ના રોજ વડતાલમાં વડોદરાના શોભારામ શાસ્ત્રીએ તેમને કહ્યું: 'તમે જો કોઈક મોટા માણસને ચમત્કાર જણાવો તો તેમાંથી ઘણો સમાસ થાય.' અને તેના પ્રત્યુત્તરમાં ભગવાન સ્વામિનારાયણે સોય ઝ ëટકીને કહ્યું હતું: 'મોટા માણસ સાથે અમારે ઝ ëઝ ð_ બને નહિ. કોઈ મોટા માણસને જો સમાધિ કરાવીએ તો કાંઈક ગામ-ગરાસ આપે, તેની અમારા હૃદયમાં લાલચ નથી. કેમ જે, અમારે તો નેત્ર મીંચીને ભગવાનની મૂર્તિનું ચિંતવન કરીએ તેમાં જેવું સુખ છે તેવું ચૌદ લોકના રાજ્યને વિષે પણ નથી... જે ભગવાનને સુખે સુખિયો થયો હોય તેને તો બ્રહ્માંડને વિષે જે વિષયનું સુખ છે તે નરકતુલ્ય ભાસે છે. અને અમારે પણ ભગવાનના ભજનનું સુખ તે જ સુખ જણાય છે. માટે પરમેશ્વરનું ભજનસ્મરણ કરતાં થતાં જેને સહજે સત્સંગ થાય તેને કરાવીએ છીએ પણ આગ્રહ તો કેવળ ભગવાનના ભજનનો અને ભગવાનના ભક્તનો સત્સંગ રાખ્યાનો છે.'
એમની આ નિઃસ્પૃહિતા એમના જ શબ્દોમાં વચનામૃતમાં આમ નોંધી છે : 'મારે સહજ સ્વભાવે એમ વર્તે છે જે - રાજા તથા રંક તે પણ સમ વર્તે છે અને ત્રિલોકીનું રાજ્ય કરવું તથા ઠીકરું લઈને માગી ખાવું તે પણ સમ વર્તે છે અને હાથીને હોદ્દે બેસવું તથા પગપાળા ચાલવું તે પણ સમ વર્તે છે. અને કોઈક ચંદન તથા પુષ્પ તથા સારાં વસ્ત્ર તથા ઘરેણાં ચડાવે તથા ધૂળ નાખે તે બેય સમ વર્તે છે. અને કોઈક માન આપે તથા કોઈક અપમાન કરે તે બેય પણ સમ વર્તે છે, તથા સોનું, રૂપું, હીરો તથા કચરો તે બેય સમ વર્તે છે.' (મંગળવાર, ૨૭ ઓગષ્ટ, ૧૮૨૧, વચનામૃત ગ.મ. ૧૩)
અને છેલ્લે, એક અતિ આશ્ચર્યની બાબત તો એ લાગે છે કે તેઓના અપ્રતિમ પ્રભાવથી, આટલા બધા રાજા-મહારાજાઓ એમનાં ચરણોના આશિક હોવા છતાં, સ્વામિનારાયણ સંપ્રદાય રાજ્યાશ્રયી થયાનીક્યાંય નાની સરખીય નોંધ ઇતિહાસમાં નથી! એમણે ક્યારેય રાજ્યાશ્રય સ્વીકાર્યો જ નહીં, એમણે ક્યારેય પોતાના સિદ્ધાંતોનું પ્રવર્તન રાજ્યાશ્રયે કરાવ્યું નહીં. કંઈ કેટલીય સલાહો અને ભલામણો હતી, ખ્રિસ્તી, બૌદ્ધ અને જૈન ધર્મના પ્રવર્તનના ઇતિહાસ-ઉદાહરણો હતાં, અને સામે ચાલીને ચાંલ્લો કરવા આવતી લક્ષ્મી હતી, પરંતુ ભગવાન સ્વામિનારાયણ જુદી માટીના મહાપ્રભુ હતા. એમણે કાંઈક જુદું જ ધાર્યું હતું. રાજ્યાશ્રય નહીં, આધ્યાત્મિક અને ફક્ત આધ્યાત્મિક બળ પર જ એમણે કલ્યાણમાર્ગ સ્થાપ્યો હતો. અને એમણે જો એમ ન કર્યું હોત તો કદાચ ઠેર ઠેર સ્વામિનારાયણીય ધજાઓ ફરકતી થઈ ગઈ હોત, પરંતુ માત્ર આધ્યાત્મિક પ્રભાવથી આજે નવખંડ ધરામાં ગુંજતા 'સ્વામિનારાયણ' નામની આગવી ગરિમા હોત?
સવાલ સવા લાખનો છે!
આપ જાણો છો ?
આ એક ઐતિહાસિક પત્ર છે -આજથી બસ્સો વર્ષ પહેલાંનો. વડોદરાના સેન્ટ્રલ રેકોર્ડ ઓફિસમાં સચવાયેલો આ પત્ર, ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડનો આ એક દસ્તાવેજી પત્ર છે.
મહારાજા સયાજીરાવ(બીજા)ને ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે કેવો અપ્રતિમ ભાવ હતો તેનો ખ્યાલ, તેમણે લખેલા પત્રો પરથી આવે છે. શ્રીજી મહારાજને વડોદરા પધારવા માટેનો તેમણે લખેલા આ પત્રમાં જણાવ્યું છે :
'સ્વસ્તી શ્રીમદ્ વડતાલ ગામ કૃતનિવાસ પુ.શ્રી લક્ષ્મીનારાયણ ચરણસરોજ સેવાકૃત મહાદરેસુ જ્ઞાનવૈરાગ્યાદી સર્વસલક્ષણ સંપનેષુ સ્વામીસુ સહજાનંદસુ ઈઅન શ્રી વટપતનાલેખ્યવંત સીહાજીના (સયાજીના)નમો નારાયણ જ્ઞા. પ્રર્ણતીપટલ સમસ્તક.
બીજુ _ લખવા કારણ એમ છે જે મહારાજ, કૃપા કરીને એકવાર વડોદરે પધારો અને હમને પાવન કરો ને તમારી નજરમાં આવે તો એક દિવસ તથા બે દિવસ ત્થા પોર રહીને અમને દરશન આપીને તમારી નજરમાં આવે તેમ કરજો. અને અમારે તો તમારા દરસનમાત્રની ઈછા છે. બીજુ _ કાંઈ ઈછા નથી. અને બીજુ _ મેં વીનતિ કોઈને આવડી કરી નથી ને બહુ બહુ કરીને આપને વીનતી કરૂં છુ _ જે માહારાજ, તમો આંહીયાં જરૂર જરૂર પધારજો... બીજુ _, તમારા પત્રમાં લખું (લખ્યું) છે જે લક્ષ્મીનારાયણની સામગ્રીના દાણની માફીનું પત્ર મોકલજો, એવું હતું. તેનું જવાબ પાછળથી લખી મોકલીશું. ને પ્રસ્તુત તમારા દરસનની ઈચ્છા અમને ઘણી છે. માટે આ પત્ર લખી આદર કરૂં છુ _. એ પત્ર ઘણી અગત્યનું જાણીને આપે વેલા પધારજો ને આપ તમે કશી વાતનું અંદેશો મનમાં ન લાવતાં વેલા આવીને અમને દરસન થાય તેમ કરજો ને અમારે પણ ઈછા એ જ છે.
દક્ષણી હરફે સઈ.'
મહારાજાએ, આ પત્ર પછી બીજો એક પત્ર ભગવાન સ્વામિનારાયણને લખ્યો હતો જેમાં, વરતાલના મંદિરની દાણમાફીનો ઉલ્લેખ હતો. એ પત્રમાં પણ શ્રીમંત સયાજીરાવને શ્રીજીમહારાજ પ્રત્યે કેવો અપૂર્વ આદર હતો તેનો પરિચય મળે છે. પત્ર આ પ્રમાણે હતોઃ
'સ્વસ્તીશ્રી ગઢપુર માહાશુભ સ્થાને પતીતપાવન કૃપાસીંધુ દીનબંધુ ભક્તવલભવતસલ પ્રતીપાલક સદ્ગુરુ શ્રી સહજાનંદજી માહારાજ પ્રતે, ગામ વડોદરાથી લખાવીતંગ શ્રી સરકાર ગાયકવાડના સાષ્ઠાંગ દંડવત સેવામાં અંગીકાર કરજો. બીજુ _ લખવા કારણ એમ જે તમારો પત્ર નારુપંથ નાના ઉપર આવો (આવ્યો). તે વાંચી સમાચાર જાણા (જાણ્યા). બીજુ _ લક્ષ્મીનારાયણ સંબંધી દાણમાફીનું પત્રક કરાવીને મોકલું છે તે સેવામાં અંગીકાર કરજો. બીજુ _ માહારાજ, હું તમારો છુ _ ને મને તમો મલ્યા છો તેનો તો અભીમાન આપણને છે. ને તમો લખું (લખ્યું) છે જે હમે તો ભગવાનના ભક્ત છીએ ને ભગવાનની ભજ્યાની રીતને જાણીએ છીએ તે વાસતે (માટે) હે માહારાજ, એવા જે તમો તેને શરણે હું છુ _. બીજુ _ ઘણું શું લખીએ. મીતી સં. ૧૮૮૩ના માઘ વદી ૬ મંદવાસરે
શ્રી હાજીપંથ દક્ષણી હરફે'
આવા બીજા પણ પત્રો છે, જેમાં શ્રી ગાયકવાડનો ભગવાન સ્વામિનારાયણ પ્રત્યેનો આદરભાવ પ્રગટ થાય છે. આવા કંઈક પ્રમાણોના આધારે, પ્રસિદ્ધ બ્રિટિશ ઇતિહાસ લેખક જેમ્સ બર્જેસ ઈ.સ. ૧૮૭૨ની ઓરિએન્ટલ રિસર્ચ જર્નલ 'Indian Antiquary'માં નોંધે છે : 'Guikwad Sayajee became a disciple, and also the Raja of Gudhada.'
'ગાયકવાડ સયાજી અને ગઢડાના રાજા (ભગવાન સ્વામિનારાયણના) શિષ્ય થયા હતા.'
આવા કંઈક રાજાઓ એમનાં ચરણ ચૂમતા હતા, પરંતુ એમણે ક્યારેય એનું ગૌરવ લીધું નથી. રાજ વિનાના આ મહારાજ એટલે તો ખરા અર્થમાં રાજાધિરાજ હતા !
સાધુ અક્ષરવત્સલદાસ
|
|