Search Contact Site Map Download News Vicharan Home GujaratiSatsangIntroduction
 

ગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ

સમદ્રષ્ટા ને નિરહંકારી

ડૉક્ટર સ્વામી

  • ૧૯૬૫માં શાસ્ત્રીજી મહારાજની શતાબ્દી પ્રસંગે ભારતના રાષ્ટ્રપતિ ડૉ. રાધાકૃષ્ણન્‌ પધારે તે માટે આમંત્રણ આપવા પ્રમુખસ્વામી મહારાજ સાથે પ્લેનમાં મુંબઈથી દિલ્હી જવાનું થયું. મારે માટે પ્રથમ વખત પ્લેનમાં બેસવાનો અવસર હતો. પ્લેનમાંથી નીચે કેવું દેખાય તે જોવાની સહજ જિજ્ઞાસાથી હું બારીમાંથી જોવા પ્રયત્ન કરતો હતો. સ્વામીશ્રી બારીથી પહેલી સીટમાં જ બિરાજ્યા હતા. તેઓ ઊભા થઈ ગયા ને મને બારી નજીકની સીટમાં બેસવા કહ્યું. અન્યની ઇચ્છા તરત જ સમજી મદદરૂપ થવાની ભાવના જોઈ મને સદ્‌ભાવ વધ્યો.
  • ૧૯૭૭માં પરદેશની ધર્મયાત્રા કરી સ્વામીશ્રી અટલાદરા પ્રથમવાર પધાર્યા હતા. સભા મંડપમાં મોટા મોટા હરિભક્તો ને અન્ય મહાનુભાવો સ્વામીશ્રી સમક્ષ બેઠા હતા. સ્વામીશ્રીનાં આશીર્વચનો શરૂ થઈ ગયા હતાં. એવામાં મેલાં ઘેલાં કપડાં પહેરી મહીજી નામનો તદ્દન સામાન્ય દેખાતો હરિભક્ત સભામાં સ્વામીશ્રી સામે આવી ઊભો. સભામાં વિક્ષેપ પડતો જોઈ મને મહીજી ઉપર કંટાળો આવ્યો. પરંતુ સ્વામીશ્રી જરાપણ વિચલિત થયા નહીં. જરાપણ અણગમો રાખ્યા સિવાય ચાલુ વાતોનો દોર બંધ કરી મહીજી સામું જોઈ ખૂબ વ્હાલથી ધીરેથી બોલ્યા, 'કેમ મહીજી! આવ્યો ?!' આવી પરિસ્થિતિમાં તદ્દન સામાન્ય હરિભક્ત સાથે આવું સહજ વર્તન ખરેખર ઘણું કઠણ છે !
    એમને દરેકને માટે આવી એક સમદૃષ્ટિ છે.
    સ્વામીજીના જીવનમાં નિર્માનીપણું જોવામાં આવે છે. મેં ક્યારેય એમનામાં અહંકાર જોયો નથી કે આટલાં બધા માણસો એમને માને છે. અને આવી રીતે ઠેર ઠેર આવાં સન્માન થાય છે છતાં પોતે હંમેશાં દાસભાવે વર્તે છે. અને મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે કે 'હું ટળે હરિ ઢૂંકડા.' અર્થાત્‌ જેનો અહંભાવ ટળી ગયો છે એની પાસે ભગવાન અખંડ છે. એટલે એ રીતે મુક્તાનંદ સ્વામીના વચનના આધારે એમની પાસે ભગવાન છે એવી પ્રતીતિ થાય છે.

સહજ સરળતામાં સર્વોપરી!

ત્યાગવલ્લભ સ્વામી, બોચાસણ

  • ૧૯૭૦માં યોગીજી મહારાજ સાથે પૂર્વ આફ્રિકા અને ત્યાંથી ઈંગ્લેન્ડ જવાનું થયું ત્યારે સ્વામીશ્રી સાથે હતા. તે વખતે લંડનમાં યોગીજી મહારાજ તથા તેઓશ્રીના હજૂરી સેવામાં રહેલા સંતોનો ઉતારો ડૉલીસ હિલમાં અરવિંદભાઈને ત્યાં હતો. હું ત્યારે રસોડાની સેવામાં હતો. એક દિવસ એક હરિભક્તને ત્યાં બપોરે યોગીબાપા અને સંતો ઠાકોરજી જમાડવા પધાર્યા. ત્યારે સમયના અભાવે કારપેટ ઉપર કાગળ પાથરી તેના ઉપર ડીશ-વાટડી ગોઠવવાની પૂર્વતૈયારી હું કરી શકેલો નહીં. રસોઈ પણ તૈયાર થઈ ન હતી. તે સેવા પણ હું જ કરતો હતો. એટલે ઘડીકમાં રસોડામાં તો ઘડીક બહાર વ્યવસ્થા કરવા આંટા મારતો. સ્વામીશ્રી મને જોઈ ગયા. પરિસ્થિતિ સમજી ગયા. અને પોતે જાતે ડીશો ગોઠવી, પાથરણાં પાથર્યાં વગેરે વ્યવસ્થા કરવા તેઓ મંડી પડ્યા અને મને રસોઈ સંપૂર્ણ બનાવી લેવા જણાવ્યું. તે વખતે તેમણે ધાર્યું હોત તો બીજા યુવક/સંતોને પણ તે સેવા સોંપી શક્યા હોત પરંતુ તેમ ન કરતા જાતે મંડી પડ્યા. પોતાના હોદ્દાનું, સ્થાનનું, સ્હેજ પણ અનુસંધાન નહીં, સેવકપણાનું જ અનુસંધાન!
  • એક વખત સ્વામીશ્રી બહારગામથી સાંજના સમયે અટલાદરા પધારવાના હતા. મેં વડોદરાના એક હરિભક્તને ત્યાં રાત્રે ઠાકોરજી જમાડવાનો કાર્યક્રમ ગોઠવ્યો. તે વિસ્તારના અમુક હરિભક્તોએ તેમના નવા મકાનોમાં સ્વામીશ્રીની પધરામણી કરાવવા મને ઘણીવાર વાત કરેલી એટલે ઠાકોરજી જમાડ્યા બાદ તેઓને ત્યાં સ્વામીશ્રીની પધરામણીનો કાર્યક્રમ નક્કી કર્યો. સંજોગવશાત્‌ સ્વામીશ્રીને વડોદરા પધારતાં જ ઘણું મોડું થયું. ઠાકોરજી જમાડતી વખતે હું મનમાં ચિંતા કરતો હતો કે હરિભક્તોએ સ્વામીશ્રીની પધરામણી માટે તૈયારી કરી રાખી હશે અને આ બાજુ ઘણું મોડું થયું છે. માટે વાત કેવી રીતે કરવી? ઠાકોરજી જમાડ્યા બાદ પૂજનવિધિ પતાવીને, આશીર્વાદ આપીને વિદાય લેતા સમયે જ્યારે બારણાં સુધી પહોંચ્યા કે તુરત પાછા ફરીને મને પૂછ્યું કે બીજો કોઈ કાર્યક્રમ છે? એટલે મેં જે કાર્યક્રમ ગોઠવ્યો હતો તેની વાત કરી. સહેજ પણ અણગમો કે થાકનાં ચિન્હો બતાવ્યાં વિના તુરત જ સહમત થઈ ગયા!
  • ગામડાંઓમાં તેઓશ્રીની સાથે વિચરણ દરમ્યાન પણ આવા કેટલીય વાર પ્રસંગો બનતા. તે વખતે તો જાણે નિત્યક્રમ જેવું બની ગયું હતું કે બપોરના દોઢ-બે વાગે ઠાકોરજી જમાડવા; થોડો આરામ કરી રાત્રે મોડે સુધી પધરામણી, સભા, નગરયાત્રામાં જોડાવું વગેરે તેઓશ્રીના ભોજનના - આરામના સમયમાં સહેજ પણ નિયમિતતા જળવાતી નહીં. સ્વામીશ્રીને જ્યાં પહોંચવાનું હોય તે પહેલાં રસ્તામાં બે-ત્રણ ગામોમાં પધરામણી, સભા વગેરે કાર્યક્રમ ગોઠવાઈ જાય. આપણે આગળથી સમય અનુસાર કાર્યક્રમ નક્કી કરી રાખ્યો હોય પરંતુ હરિભક્તોને રાજી કરવા સ્વામીશ્રી પાછીપાની કરતા નહિ, તેથી સમયનો મેળ રહેતો નહિ. જોકે પોતે તો પોતાની રીતે ખૂબ જ ખટકો રાખતા.
  • દરેક મનુષ્યને ભોજન કરતી વખતે એક પ્રકારનું સુખ અનુભવાતું હોય છે. હરકોઈ વ્યક્તિ ભોજન વેળા વાનગીઓનો સ્વાદ માણવામાં આનંદ અનુભવતી હોય છે. જ્યારે સ્વામીશ્રી તો વાનગીઓમાં બિલકુલ રસ જ ધરાવતા નથી. સવારે-બપોરે-રાત્રે ત્રણેય સમય સ્વામીશ્રી આગળ શ્રીહરિકૃષ્ણ મહારાજને થાળમાં ધરાવવામાં આવેલ વિવિધ વાનગીઓનો થાળ મૂકવામાં આવે છે. કેટલીયવાર, તેઓશ્રી જમી રહ્યા હોય ત્યારે સન્મુખ બેસવાનો લહાવો મળ્યો છે અને મેં ખાસ ચીવટ રાખી જોયું છે કે તેઓશ્રી  બહુધા તો ખાખરાના કે શેકેલા પાપડ-પાપડીના ટુકડા મોંમાં મમળાવી સમય પસાર કરતા હોય છે. ક્યારેક સેવક સંત કોઈક વાનગી પત્તરમાં પીરસે તો તેને રાજી કરવા સહેજ ટુકડો જ મોઢામાં મૂકે અને પ્રવાહી હોય તો ચમચી જ ગ્રહણ કરે છે. તેઓશ્રી તો ભોજન સમયે સંતો-યુવકો જે કોઈ અહેવાલ રજૂ કરતા હોય તો તે સાંભળવામાં અગર તો તે સમયે વંચાતી કથામાં જ વિશેષ ધ્યાનમગ્ન રહે છે, પરંતુ ભોજન કરવામાં તો બિલકુલ નહિ.
 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |