|
ગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ
સેવામાં નિરંતર અભિરત
બાલમુકુંદ સ્વામી, ગોંડલ
- ૧૯૬૯ની સાલમાં ભાદરા મંદિરની પ્રતિષ્ઠાનું કામકાજ ચાલતું હતું. યોગીબાપા પ્રતિષ્ઠા પહેલાં ઘણો સમય ભાદરા રહેલા અને યુવકો-સંતોની સેવા ઉપર દેખરેખ, માર્ગદર્શન આપતા. કથાવાર્તા કરીને બળ આપતા. એ સમયે સ્વામીશ્રી(પ્રમુખસ્વામી મહારાજ)ને તો ઘડીની નવરાશ રહેતી નહીં. રાતના પણ મોડે સુધી સેવામાં હોય. પાણીની પાઇપ નાખવાનું કામ ચાલતું ત્યારે મેં એમને થાક્યા પાક્યા રેતીના ઢગલા ઉપર કાંઈ પણ પાથર્યા વિના સૂતેલા જોયા છે! સંસ્થાના પ્રમુખ, સંપ્રદાયના વડીલ સંત અને સેવકો એક કહેતાં પાંચ મળે એવી સ્થિતિમાં પણ એમણે ક્યારેય ગુરુભક્તિ માટે કે ઠાકોરજીની ભક્તિ માટે દેહને ગણકાર્યો નથી.
- યોગીજી મહારાજના ધામગમન પછી એમના સ્થાને ગુરુપદે આવેલા પ્રમુખસ્વામી મહારાજ પહેલીવાર ગોંડલ પધાર્યા હતા. ત્યાં પારાયણ હતી. સ્વામીશ્રી માટે પાટ પર આસન બનાવ્યું હતું. હું બાજુમાં ઊભો હતો. સ્વામીશ્રી આવીને પાટ પાસે ઊભા રહ્યા. પછી ખૂબ નમ્રતાથી મને પૂછ્યું: 'હું બેસું?' સાવ નાનો પ્રશ્ન હતો. પણ પ્રશ્નમાં જે નમ્રતા હતી તે બહુ મહાન હતી. મેં કહ્યું: 'બિરાજો! આપના માટે જ છે. આસન પણ આપનું જ છે. ને અમેય આપના જ છીએ.' ત્યારે જરા સંકોચાઈ ગયા. એમની એ માનશૂન્યતા મને દિવ્ય લાગી. હું એમને નમી પડ્યો.
કર્તાપણાના ભાવથી સદા મુક્ત
કોઠારી ભક્તિપ્રિય સ્વામી, મુંબઈ
-
સ્વામીશ્રીની સન્નિધિમાં ભક્તોને આનંદ મળે તે માટે કાર્યકરોએ કલકત્તાથી ૨૫ કિ.મી. દૂર જોયલેન્ડમાં પર્યટનનું આયોજન કર્યું હતું. ઉતારા માટે મકાનની ઓસરીમાં સ્વામીશ્રીનું આસન ગોઠવ્યું ને સામે ખુલ્લામાં હરિભક્તો બેઠા હતા. સંતો કીર્તનો ગાતા હતા. શરૂઆતમાં તો ઠંડક હતી પણ જેમ જેમ સૂર્ય ચડતો ગયો તેમ તેમ તડકો આવવા લાગ્યો. સ્વામીશ્રી છાયામાં બિરાજ્યા હતા પણ ભક્તો ઉપરનો તડકો તેમને આકરો લાગતો હતો. કૃષ્ણપ્રિય સ્વામીએ એ સમયે કીર્તન ગાયું 'સૌને શીતલ છાંયલડી યોગીબાપા દેતા...' તે સાંભળી સ્વામીશ્રી મરક મરક હસતા હતા. એક કાર્યકરને બોલાવીને કહ્યું : 'જ્યાં છાંયો હોય ત્યાં સભાની વ્યવસ્થા કરો.' એટલે સભાનું સ્થળાંતર કર્યું. સ્વામીશ્રીએ આશીર્વાદમાં હળવી રમૂજ કરતાં કહ્યું કે 'ઘરમાં આગ લાગી તો જંગલમાં ગયો તો ત્યાં પણ આગ લાગી. તેમ તમે આનંદ માણવા ઘેરથી પિકનિક માટે આવ્યા તો અહીં પણ તડકો આવ્યો! કલકત્તામાં ગમે ત્યારે ઇલેકટ્રીક કરંટ બંધ થઈ જાય ને મુશ્કેલી થાય તેમ જીવનમાં અગવડ સગવડ થયા કરે પણ આપણે આનંદમાં રહેવું.' આ ગમ્મત નહોતી એમના જીવનનો અર્ક હતો. અનેક વખત એ જોયું-અનુભવ્યું છે.
-
મહારાષ્ટ્રમાં વિચરણ દરમ્યાન સ્વામીશ્રી ચંદ્રપુરથી નાગપુર જઈ રહ્યા હતા. સ્વામીશ્રી કૉન્ટેસા મોટરમાં બિરાજ્યા હતા. થોડી જ ક્ષણોમાં સ્વામીશ્રીએ ડ્રાઈવર સાથે આત્મીયતા સાધી લીધી. સ્વામીશ્રી જેવા મહાપુરુષ સાથે વાર્તાલાપ કરતાં ડ્રાઈવર ખૂબ ઉત્સાહમાં આવી ગયો. તેને જે કાંઈ શાસ્ત્રોનું જ્ઞાન હતું તેની કથા તેણે કરવા માંડી. સ્વામીશ્રી સાંભળવા લાગ્યા. ડ્રાઇવરે રામાયણની ચોપાઈ, મહાભારતના પ્રસંગો કહ્યા. સ્વામીશ્રી તેના ઉત્તમ શ્રોતા બન્યા! એક ડ્રાઈવરની કથા સાંભળતાં સ્વામીશ્રી ડોલતા હતા! કેટલી નમ્રતા હોય ત્યારે જ આ શક્ય બને. પછી સ્વામીશ્રીએ તેને વ્યાવહારિક બાબતો અંગે પૂછ્યું
ત્યારે તેણે પોતાની આંતરવ્યથા ઠાલવી ને હળવાશ અનુભવી. તેમની દીકરીના ઑપરેશનમાં મદદરૂપ
થવા જણાવ્યું. આવા અજાણ્યા અને નાનામાં નાના માણસની પણ સંભાળ સ્વામીશ્રીની સમદર્શિતાની જ દ્યોતક છે.
-
ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ અને અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી દ્વિશતાબ્દી મહોત્સવ ભવ્યતાથી, અભૂતપૂર્વ રીતે ઊજવાયા, બીજાં અનેકવિધ સામાજિક કાર્યો કર્યાં છતાં સ્વામીશ્રી અકર્તા! જાણે કાંઈ કરતા જ નથી એ રીતે વર્તે છે જે મહાન સિદ્ધિ છે.
-
લંડનમાં ઉજવાયેલ C.F.I. પ્રસંગે સ્વામીશ્રીની તુલાવિધિનો ભવ્ય કાર્યક્રમ થયો, તેમાં તેઓના ગુણો અને અનંત કાર્યોની ગરિમા સૌએ ભક્તિ ભાવથી ગાઈ, પણ તેમને જ્યારે આશીર્વાદ આપવાનો વારો આવ્યો ત્યારે તેમણે ભાર આપીને જણાવ્યું કે 'મારાથી કંઈ જ બને તેમ નથી. જે કાંઈ કાર્ય થાય છે તે ભગવાન સ્વામિનારાયણની કૃપા અને શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજના આશીર્વાદથી જ થાય છે.' આમ દેશ, પરદેશમાં સત્સંગ વિકાસ માટે પોતાના દેહને ઘસી નાંખતા હોવા છતાં પોતે કાંઈ જ કરતા નથી એમ જણાવે છે. કર્તાપણાના ભાવથી આવી રીતે તદ્દન મુક્ત રહેવું એ તો ગુણાતીત મહાપુરુષનું જ કામ!
|
|