Search Contact Site Map Download News Vicharan Home GujaratiSatsangIntroduction
 

ગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ

ન માન, ન અપમાન, માત્ર નિજાનંદનું પાન

યજ્ઞપ્રિય સ્વામી, અમદાવાદ

  • આશરે ૧૯૬૭માં લીંબડી પાસે કંથારિયા ગામમાં શ્રી અક્ષરપુરુષોત્તમ મંદિરની પ્રતિષ્ઠા માટે યોગીજી મહારાજની આજ્ઞાથી સ્વામીશ્રી પધાર્યા હતા. હું તે વખતે યુવક તરીકે હતો. પ્રતિષ્ઠા પૂર્વે સ્વામીશ્રીના મુખેથી ત્રણ દિવસની પારાયણનું પણ આયોજન થયું હતું. આ ઉત્સવ દરમ્યાન એક દિવસ બપોરે કથા પછી પ્રમુખસ્વામી રસોડામાં પધાર્યા. દેવચરણ સ્વામી પૂરી વણતા હતા, પણ પૂરી તળનાર કોઈ નહોતું. પ્રમુખસ્વામીએ આ જોયું અને તરત જ તેલના એક ખાલી ડબ્બાને ઊંધો કરી તે પર બેસી ગયા અને પૂરી તળવા લાગ્યા. બીજે દિવસે મૂર્તિપ્રતિષ્ઠા જેમના હસ્તે થવાની હતી, એ સ્વામીશ્રી આજે પૂરી તળતા હતા! ન કોઈ પ્રમુખ તરીકેનો અહંભાવ! ન કોઈ મહાપુરુષ તરીકેનું માન! આવા સદા સેવકભાવે વર્તતા સ્વામીશ્રીને નિહાળ્યા. તેમના આ સરળ વર્તનની છાપ મારા હૃદયમાં ઊંડી કોતરાઈ ગઈ.

  • તા. ૧-૫-૭૭ના રોજ સ્વામીશ્રી સાંજે ૭ વાગ્યે વિરમગામ પાસે કાંકરાવાડી ગામે પધાર્યા હતા. વલ્લભવિદ્યાનગરમાં આપણા છાત્રાલયમાં દસમા ધોરણમાં ભણતા એક સાવ સામાન્ય વિદ્યાર્થી ગણેશના ખાસ આગ્રહથી સ્વામીશ્રી અહીં પધાર્યા હતા. વિદ્યાનગરથી હું અને અરવિંદભાઈ સ્વામિનારાયણ પણ અગાઉ ત્યાં પહોંચી ગયેલા.
    ધુળિયા અને ખાડાટેકરાવાળા રસ્તાને લીધે ઊડતી ધૂળના ગોટા વચ્ચે, સ્વામીશ્રીએ ગામમાં પ્રવેશ કર્યો. ગણેશના પિતાશ્રી નાનજીભાઈના ઘરે કાચા મકાનમાં સ્વામીશ્રીનો ઉતારો હતો. ગામ નાનું. ગામમાં માત્ર એક જ પાકું મકાન હતું. લાઇટની કોઈ સગવડ નહિ કે સંડાસ-બાથરૂમની પણ સુવિધા નહિ.
    નાના ફળિયામાં પેટ્રોમેક્સનાં અજવાળે સ્વામીશ્રીએ સભા કરી. સખત ગરમીના દિવસો હતા. ઇલેક્ટ્રિસિટી જ નહોતી ત્યાં પંખા તો હોય જ ક્યાંથી ? રાત્રે સૂવા માટે બાજુના એક મકાનનું ધાબું હતું ત્યાં ગયા અને સંતો સાથે જ નીચે ગાદલું પાથરેલું તે પર સ્વામીશ્રી સૂતા. સવારે નિત્યક્રમથી પરવારી ગામમાં પધરામણી કરી, સભા કરી જમ્યા અને બપોરે માટીના ઓરડામાં આરામ માટે પધાર્યા. તાપ કહે મારું કામ ! હવા ઉજાસ વિનાના એ ઓરડામાં સ્વામીશ્રી નિરાંતે પોઢ્યા. અમે વારાફરતી હાથ વીંઝણાથી સ્વામીશ્રીને પવન નાખ્યો. આવી સંપૂર્ણ અગવડોની વચ્ચે પણ તેમના મુખ પર એ જ આનંદ વર્તાતો હતો! એક નાનકડા વિદ્યાર્થીનો ભાવ પૂરો કરવા ગામમાં કોઈ જ સત્સંગી કે કોઈ જ સુવિધા ન હોવા છતાં પ્રેમથી પધાર્યા અને જાણે ઉત્સવમાં આવ્યા હોય તેમ દરેકને ખૂબ સ્મૃતિ અને પ્રેમથી લાભ આપ્યો. યુવકોને રાજી કરવા એમણે કોઈ દિવસ સગવડ-અગવડનો વિચાર કર્યો નથી તે નજરે નિહાળ્યું છે.

  • સ્વામીશ્રી વલ્લભવિદ્યાનગરમાં આપણા છાત્રાલયમાં પધારે ત્યારે તેમને વિશિષ્ટ રીતે સત્કારવા વિદ્યાર્થીઓ ઉત્સાહથી વિવિધ કાર્યક્રમો કરતા રહે છે. ૧૯૮૯માં સ્વામીશ્રી પધાર્યા ત્યારે સ્વાગતમાં યુવકોએ મુખ્યદ્વારથી સ્વામીશ્રીને ગાડામાં બેસાડીને જાતે ગાડું ખેંચવાનો વિચાર કર્યો હતો.
    છાત્રાલયનો નવો મુખ્યદ્વાર ગામડાની રીતે શણગારવામાં આવ્યો. હાથમાં કડિયાળી ડાંગો લઈને ભરવાડના વેશમાં ઊભેલા વિદ્યાર્થીઓને હૈયે અનેરો થનગનાટ હતો. છાત્રાલયના મુખ્ય પ્રવેશદ્વારે સ્વામીશ્રીની મોટરકાર આવી. જયકારથી વિદ્યાર્થીઓએ ગગન ભરી દીધું. ભરવાડવેશધારી યુવક તુષારે સ્વામીશ્રીને વિનંતી કરી કે બધા યુવકોની ઇચ્છા છે કે આપ ગાડામાં બેસો.
    સ્વામીશ્રી મર્સીડીસમાંથી તરત જ નીચે ઊતરી ગયા. પાંચ છ પગથિયાંવાળી નિસરણી ચડીને ગાડામાં બિરાજ્યા. યુવકોના આનંદનો પાર ન હતો. પ્રેમ અને આનંદના અતિરેકમાં શિસ્તનાં બંધન તૂટી ગયાં. ગાડાને ખેંચવા માટે પડાપડી શરૂ થઈ. નિયુક્ત કરેલા યુવકોની સાથે બીજા પંદરવીસ યુવકો ગાડાના આગળના ભાગમાં ગોઠવાઈને ગાડું ખેંચવા લાગ્યા. બીજા કેટલાય વિદ્યાર્થીઓ આગળપાછળ, આજુબાજુ જ્યાં જગા મળી ત્યાં ગોઠવાઈ જઈને ગાડાને ધક્કો મારવા લાગ્યા.
    ગાડાની ગતિનું કોઈ નિયંત્રણ નહોતું. કોઈ કોઈનો અવાજ સાંભળે તેમ નહોતું. વિદ્યાર્થીઓને તો એક ઉત્સાહ અને એક જ અવાજ હતો : 'પ્રમુખસ્વામી મહારાજની જય, પ્રમુખસ્વામી મહારાજની જય...'
    દડબડ દડબડ દોડતાં ગાડામાં માંડમાંડ પોતાની જાતને સંભાળી રહેલા સ્વામીશ્રી હાથ ઊંચા કરી સૌને કંઈક કહી રહ્યા હતા : 'એય સાંભળો, સાંભળો! મહારાજથી શરૂ કરો! શ્રીજીમહારાજની જયથી શરૂ કરો. એ પહેલાં બોલો!' પણ યુવાનોના ઉત્સાહ ને ઉન્માદમાં સ્વામીશ્રીનો એ મૃદુ અવાજ કોને સંભળાય!
    ગાડું મંદિર પાસે પહોંચી ગયું પરંતુ સ્વામીશ્રીને ઉતારવા કેવી રીતે ? ઊતરવા માટે નિસરણી તો દ્વાર પાસે જ ભુલાઈ ગયેલી. સેવકોનો ટેકો લઈ હળવા કૂદકા સાથે હસતાં હસતાં સ્વામીશ્રી ગાડામાંથી નીચે ઊતર્યા. સ્વામીશ્રીને પડેલી તકલીફથી સૌ આયોજકો ક્ષોભજનક સ્થિતિમાં હતા. સ્વાગતમાં જ યુવકોએ કરેલી અશિસ્ત બદલ સૌ રંજ અનુભવતા હતા. સ્વામીશ્રીની કેવી પ્રતિક્રિયા હશે ? એ વિચાર સૌને કંપાવતો હતો. મંદિરમાં ઠાકોરજીનાં દર્શન કરી લોનમાં યોજેલી નાની સભામાં પધાર્યા. સભામાં સૌને આનંદ કરાવી સૌને જુદા જ વાતાવરણમાં મૂકી દીધા. સાથે સાથે ટકોર કરતાં તેમણે કહ્યું : 'પ્રેમને નેમ ન હોય ! પણ આપણે જય શ્રીજીમહારાજથી જ બોલવી જોઈએ. શ્રીજીમહારાજને આગળ રાખીને બધું કરવું...'
    વિદ્યાર્થીઓની કે આયોજકોની ભૂલોને એમણે યાદ જ ન કરી. પોતાને પડેલી તકલીફ વિષે તેઓ એક હરફ સરખો પણ બોલ્યા નહિ ! એમને માત્ર એક જ રંજ હતો : પોતાના ઇષ્ટદેવ ગૌણ થાય જ કેવી રીતે!
    તેઓ ઠપકો જરૂર આપી શક્યા હોત કે ગાડામાં બેસાડવાની શું જરૂર હતી? અને બેસાડવા હતા તો અગાઉથી જણાવવું જોઈતું હતું અને શિસ્ત જળવાય એમ કરવું જોઈતું હતું. આવું આવું ઘણું કહી શક્યા હોત પણ એક હરફ સરખો પણ બોલ્યા નથી! સ્વામીશ્રીએ અમારા સૌના કહેવાથી છાત્રાલયની રૂમે રૂમે પધરામણી પણ કરી છે અને છાત્રાલયના નાના નાના વિદ્યાર્થીઓને અસંખ્ય વાર વ્યક્તિગત મુલાકાત પણ આપી છે. કેટલીયે વાર આવાં આયોજનો બાબતે અગાઉથી કહ્યું પણ ન હોય. અચાનક કાર્યક્રમ ગોઠવાય ને શરૂ થવાનો હોય તેની થોડી મિનિટો પહેલાં જ કહીએ કે આ કાર્યક્રમ છે, તો પણ કદી ના પાડી નથી! આવી અદ્‌ભુત સરળતાનાં દર્શન અનેકવાર થયાં છે.

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |