|
ગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ
આપણે તો પલાણ નાખતા ભલા...
ધર્મકુંવર સ્વામી, ભાદરા
-
ચૈત્ર મહિનાનો સમય હતો. ઉત્તર ગુજરાતમાં ઊંઝા પાસે સુજાનપુર નામના એક નાના ગામમાં હરિમંદિરની પ્રતિષ્ઠાનો ઉત્સવ હતો. ઉનાળાની શરૂઆત થઈ ચૂકી હતી. અમદાવાદથી પૂજા-દર્શન-ઉકાળાપાણી વગેરે કરી સુજાનપુર પ્રતિષ્ઠામાં નિર્ધારિત સમયે પહોંચી જવાનું હતું.
સ્વામીશ્રી સુજાનપુર પધાર્યા. સૌ ભાવિક ભક્તોનો અપાર ઉત્સાહ સમાતો ન હતો. નગરયાત્રા, પ્રતિષ્ઠા, સભા વગેરે ખૂબ જ ધામધૂમપૂર્વક થયાં. સ્વામીશ્રી બપોરે જમવા પધાર્યા. આમંત્રિત મહેમાનો તથા સાથે આવેલ હરિભક્તો સાથે જ જમવા બેઠા હતા. એ સમયે સ્વામીશ્રી પણ એવો જ આગ્રહ રાખતા. ને સાથે જમવા બેઠેલા હરિભક્તોને જમાડવાની જ ચિંતા કર્યા કરતા. આવું કાયમ રહેતું. એટલે હરિભક્તોને જમાડવાની સેવકોની જવાબદારી મોટી રહેતી. સ્વામીશ્રીએ જમી લીધું. સેવક સંતો પરવાર્યા ન હતા. નજીકની ધૂળી નિશાળમાં સ્વામીશ્રીનો ઉતારો હતો. ગામડાની પ્રાથમિક શાળાનું મકાન કેવું હોય તેનો ખ્યાલ આપણે કરી શકીએ છીએ... ઉપર પતરાં ને નીચે ગંદી ફરસ. કોઈ કોઈ જગ્યાએ ખાડા-ગાબડાં પડી ગયેલું તળ... આવી જગાએ સારું સ્થળ પસંદ કરી એક રૂમમાં સ્વામીશ્રીનું આસન કર્યું. અઢીથી પોણાત્રણ વાગ્યા હશે. પતરાં બરાબર તપી ગયાં હતાં. વીજળીનું કનેક્શન ન હતું, તો પંખો ક્યાંથી હોય ? પણ અધૂરામાં પૂરું જે જગ્યાએ સ્વામીશ્રીનું આસન પાથર્યું હતું ત્યાં જ ઉપર પતરામાં કાણું હતું. અને બરાબર સ્વામીશ્રીની આંખ ઉપર જ પડતું તડકાનું કિરણ આખા ચહેરા પર તાપ ફેલાવતું હતું. સ્વામીશ્રીનું આસન ખસેડીએ તો પણ ક્યાં સુધી ? કારણ કે સૂર્ય પણ ખસવાનો જ હતો !
એટલામાં ગામનો કોઈ સત્સંગી યુવક છાપરા ઉપર ચડ્યો અને બાજરાના બેચાર પૂળા તડકો ન આવે એમ ગોઠવી દીધા. આવી બધી જ અવ્યવસ્થામાં પણ જાણે કોઈ જ તકલીફ જ નથી. બધું જ વ્યવસ્થિત છે, એવો ભાવ સ્વામીશ્રીના મુખારવિંદ ઉપર દેખાતો હતો. સ્વામીશ્રી આરામમાં પધાર્યા.
જેમને કારણે ઉત્સવો, નગરયાત્રાઓ, પ્રતિષ્ઠાઓ, ભવ્ય-સભાઓ વગેરે હોય છે, એમને મન તો પોતાનું કોઈ મહત્ત્વ જ નહીં !! જ્યાં ત્યાં, જેમતેમ, જેવુંતેવું ચલાવી લેવું - એ સૂત્ર સ્વામીશ્રીના જીવનમાં ઓતપ્રોત થયેલું જોઈ શકાય.
સ્વામીશ્રી આરામમાં ગયા, ત્યાં એક યુવક પડખે પંખો લઈ પવન નાખતો બેઠો. તે ઝોકાં ખાતો હતો. બે-ચાર વાર સ્વામીશ્રી પર તેના હાથમાંથી પંખો પડી ગયો. ને સ્વામીશ્રી ઊંઘમાંથી જાગી પણ ગયા હતા. આમ ને આમ ચાર વાગ્યા. મુસાફરીનો થાક, રાતના ઉજાગરા, બપોરે પણ કહેવામાત્ર આરામ થયો. ઊઠવાનો સમય તો થયો હતો. પણ કોઈએ સ્વામીશ્રીને જગાડ્યા નહીં. બહાર અંબાલાલકાકા હરિભક્તોને દર્શન, આશીર્વાદ, વર્તમાન ધરાવી કંઠી પહેરાવવા રાહ જોતા ઊભા હતા. ઘડિયાળનો કાંટો આગળ ને આગળ સરી રહ્યો હતો. હરિભક્તોની ધીરજ ખૂટી રહી હતી. ચાર થયા ને ધીરજનો અંત આવી ગયો. અંબાલાલકાકાએ ફટાક કરતું બારણું ઉઘાડી નાંખ્યું. સ્વામીશ્રી પથારીમાં સફાળા બેઠા થઈ ગયા. ઘડિયાળ જોઈ સ્મિત કર્યું અને સ્વસ્થ થઈ, પાણી પીને પ્રસન્ન મુખારવિંદ સાથે સૌ ભક્તોને મળવા લાગ્યા અને બધાના મનોરથ પૂરા કર્યા. સૌને રાજી કરવા એ જ એમનો જીવનમંત્ર છે !
-
સખત ઠંડીના દિવસો હોય, છાતી સોંસરો નીકળી જાય એવો ઠંડો પવન હોય, હાડ થિજાવી નાખે એવી ઠંડી પડતી હોય, છતાં ૧૯૮૨-૮૩ સુધી તો સ્વામીશ્રીએ ઠંડી ગણકારી જ નથી. ઠંડીમાં તાપવા લાગ્યા હોય, ઠંડી આવતી રોકવા બારી-બારણાં બંધ કરાવ્યાં હોય, સામેથી શાલ-ટોપી ઓઢવા માંગ્યાં હોય કે 'આજે સખત ઠંડી છે.' કે ઠંડીનો જોરદાર ચમકારો છે.' એવાં વાક્યો ભૂલેચૂકે પણ એમના મુખે સાંભળ્યાં હોય તેવું યાદ આવતું નથી.
યોગીજી મહારાજના સ્વધામગમન બાદ થોડા સમય પછી સ્વામીશ્રી રાજપુર નામના એક ગામમાં 'યોગીજી મહારાજ હાઇસ્કૂલ'નું ઉદ્ઘાટન કરવા પધાર્યા હતા. તે જ સ્કૂલમાં ઉતારો હતો. ઠંડીના દિવસો હતા. નાહવાની વ્યવસ્થા સ્કૂલના ઓરડાથી થોડી દૂર હતી. સવારે વહેલા સ્નાન કરી, એક વસ્ત્ર પહેરી, સામે થોડે દૂર રૂમમાં ધોતિયું પહેરવા જવાનું હતું.
સ્નાન બાદ ઠંડી વધારે લાગે, એમાંય ખુલ્લામાં સ્નાન કરવાનું હોય, પવનના સુસવાટા લાગતા હોય, ગમે તેવો સહનશક્તિવાળો હોય તો પણ ધ્રૂજી ઊઠે ને દાઢી ડગડગવા લાગે કે દાંત કકડી ઊઠે ને રૂમમાં જવા પગ ઉતાવળા થઈ જાય. એવે સમયે સ્વામીશ્રી શાંતિથી ક્રિયાઓ કરતા જતા હતા. અત્યંત સહજભાવે જાણે સાનુકૂળ વાતાવરણ જ ન હોય ! ધન્ય છે આ ગુણાતીત પુરુષની આત્મનિષ્ઠાને ! પરાકાષ્ઠા તો ત્યારે આવી, જ્યારે આ ટાઢમાં, રસ્તામાં હરિભક્તો પગે લાગી સ્વામીશ્રીને રૂમમાં જવામાં અવરોધરૂપ બને ! પણ સ્વામીશ્રી એટલી જ સ્વસ્થતાથી ભીના શરીરે ને એક વસ્ત્રભર ઠંડીના સુસવાટા સહન કરતા રૂમમાં ધોતિયું પહેરવા પધાર્યા !!
ગમે તેવી સખત ગરમી હોય પણ ક્યારેય ગરમીથી આકુળવ્યાકુળ થતા જોયા નથી. સખત ગરમીમાં પધરામણીઓ કરીને આવે, ચાલીને પધરામણીઓ કરી હોય, દાદરો ચડવાનો ને ઊતરવાનો હોય. માત્ર તડકો જ નહીં, લૂ પણ લાગે. છતાં ક્યારેય એમણે ગરમી વિષે એક પણ શબ્દ ઉચ્ચાર્યો નથી. ગરમીમાં હાથપંખાથી પોતાની જાતે પવન ખાવા લાગ્યા હોય કે કોઈ સેવક પાસે પંખાથી પવન નાખવા આજ્ઞા કરી હોય એવો એક પણ પ્રસંગ જોવા-સાંભળવા મળ્યો નથી. વાતાવરણ ગમે તેટલું પ્રતિકૂળ હોય પણ ભક્તો માટે નક્કી કરેલા કાર્યક્રમો અચૂકપણે પૂરા કર્યા છે. ક્યારેક રદ કરવા પડ્યા હોય ત્યારે તેમના હૃદયની પીડા આંખોમાં કે હાવભાવમાં ડોકાઈ આવે. તે જોઈ આપણું હૃદય પણ હાલી ઊઠે છે. શરીરની અસહ્ય તકલીફમાં કોઈને કાંઈ જ કહ્યા વિના હરિભક્તો કહે તેમ જ કર્યા કરવાની એમની સહજ પ્રકૃતિ છે.
'ઊંટ ગાંગરતા ભલા અને આપણે પલાણ નાખતા ભલા.' આ કહેવત એમને મોઢે ઘણીવાર સાંભળવા મળી છે. પોતાના શરીરનો સત્સંગ માટે એમણે સૂંઢલમાં લીધેલા બળદની પેઠે જ ઉપયોગ કર્યો છે.
|
|