|
ગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ
આચરણમાં મૂકીને સંદેશ આપનારા ગુરુહરિ
સત્યપ્રિય સ્વામી, અમદાવાદ
- ગુણાતીત ગુરુ પરંપરાનું એક વિશિષ્ટ અંગ છે - સેવા. શાસ્ત્રીજી મહારાજે જે દાખડો કર્યો તેનો તો ઇતિહાસ છે. યોગીબાપાનું તો જીવન જ સેવામય હતું. એમને તો સપનાંય સેવાનાં જ આવતાં!
સ્વામીશ્રી સાથેનો ૧૯૬૫નો આ પ્રસંગ છે. અટલાદરામાં શાસ્ત્રીજી મહારાજના શતાબ્દી ઉત્સવની તડામાર તૈયારીઓ ચાલતી હતી. પ્રસંગ નજીક ને નજીક આવી રહ્યો હતો. સ્વામીશ્રી પણ સૌની સાથે જ અજબ સ્ફૂર્તિથી સેવા-શ્રમ કરી રહ્યા હતા. ઉત્સાહનો જાણે ધોધ વહેતો હતો.
રાતના બે વાગ્યા હતા. યુવકો આખા દિવસના શ્રમથી થાકીને સૂઈ ગયા હતા. એવામાં મંદિરમાં ગાદલાં ભરેલી એક ટ્રક પ્રવેશી. સ્વામીશ્રી ટ્રક પાસે પહોંચ્યા. ડ્રાઇવર ઉતાવળમાં હતો. તાત્કાલિક પાછા જવાની વાત કરતો હતો. હું સ્વામીશ્રીની સાથે જ હતો. સ્વામીશ્રી વિચાર કરવા લાગ્યા. મેં યુવકોને જગાડવાનુ કહ્યું.
સ્વામીશ્રી કહે : 'બીચારા આખો દિવસ કામ કરીને થાકી ગયા હશે. એમને ક્યાં ઉઠાડવા ?' મંદિરમાં બીજું કોઈ જાગતું નહોતું કે જેમને ગાદલાં ઉતારવા બોલાવી શકાય. ઈશ્વરચરણ સ્વામી, મહંત સ્વામી... વગેરે જાગતા હતા પણ સભામંડપનું સ્ટેજ તૈયાર કરવામાં તેઓ વ્યસ્ત હતા. હું વિચાર કરતો હતો ત્યાં તો સ્વામીશ્રી મને કહે : 'સત્યપ્રિય ! તમે ટ્રક પર ચડી એક એક કરીને ગાદલાં મને આપો. હું થપ્પી કરી દઈશ.'
'પણ સ્વામી આપ ?' મેં કહ્યું.
'કેમ? મારાથી ના થાય? તમે આપો, હું ગોઠવી દઉં !' સ્વામીશ્રી સહજતા અને દૃઢતાથી બોલ્યા... અને સ્વામીશ્રીએ એક ટ્રક ભરીને આવેલાં ગાદલાંની વ્યવસ્થિત થપ્પી કરીને ગોઠવી. હું આપતો જાઉં ને સ્વામીશ્રી ગોઠવતા જાય! આજે આ બધું અતિ અહોભાવ ઉપજાવે છે... અમે અનેક પ્રસંગે જોયું છે કે સ્વામીશ્રી માત્ર કહેતા નથી, કરીને બતાવે છે ! આચરણ દ્વારા ઉપદેશ કરનાર કેટલા?
સ્વામીશ્રી કહે છે કે 'ક્યારેક માણસને એમ થાય કે આટઆટલી ટીકાઓ થાય તો શું કામ સેવા કરવી? પણ એવું તો ચાલ્યા કરે. મહાન પુરુષોની સામેય લોકો તો બોલ્યા જ છે. કારણ, લોકોની દૃષ્ટિ જ વાંકું બોલવાની છે. આપણે તો જ્યાં હોઈએ ત્યાં સેવા ને સેવા જિંદગીભર કરવાની જ છે.'
ટીકાઓના ધોધમાર વરસાદમાં, પણ નિંદા-સ્તુતિની પરવા કર્યા સિવાય ઉન્નત મસ્તકે 'સેવાધર્મઃ પરમગહનો' કરી સ્વામીશ્રી સૌને માટે દેહ-મનને ઘસતા જ રહ્યા છે.
ગુરુભક્તિથી ભર્યા નમ્ર સેવક
નારાયણપ્રસાદ સ્વામી, સુરત
-
૧૯૬૨માં અમદાવાદમાં શાહીબાગ મંદિરનો પ્રતિષ્ઠા ઉત્સવ રંગેચંગે પૂરો થયો. રાત્રે પણ હજારો માણસો જમ્યા. તે રાત્રે સંતોના ઉતારાની પાછળ આવેલા રસોડે એંઠવાડની લારી ચિક્કાર ભરાઈ ગઈ હતી. રાત્રે દસ-સવા દસનો સમય થયો હશે. હું લારી ખેંચીને ઢાળ ચડાવવા પ્રયત્ન કરતો હતો. જો એ ઢાળ ચડાવાય તો જ મુખ્ય કચરાપેટી સુધી પહોંચાય તેમ હતું. રાત્રે કોઈ મદદમાં પણ નહોતું. એવામાં સ્વામીશ્રી મહોત્સવની મિટિંગ પતાવીને એ બાજુથી નીકળ્યા. મને એકલાને મથતો જોઈ એકદમ દોડી આવ્યા અને એંઠાં પતરાળાંની લારીને ધક્કો મારી ઢાળ ચડાવી છેક સુધી લારી ખેંચવામાં મદદ કરી. લારી ખાલી થઈ ગઈ પછી પાછી યોગ્ય સ્થાને મૂકવા પણ સાથે ને સાથે આવ્યા! આટલી નાની સેવા મારા જેવા સામાન્ય યુવકની સાથે કરવામાં એમને ક્ષોભ કે સંકોચ નહીં, આનંદ ને ઉત્સાહ વરતાતા હતા!
- તા. ૫-૫-૬૮ના રોજ અમારે કલકત્તાથી બનારસ જવા નીકળવાનું હતું. તેથી સાથે ભાથામાં લઈ જવા પૂરી વગેરે તૈયાર કરવાનું હતું. સામાન પૅક કરવાનો હતો, હરિભક્તોને મળવાનું હતું. સ્વામીશ્રી અને મોટેરા સંતોને તો સમય ખૂટે તેમ હતો. દેવચરણ સ્વામી અન્ય તૈયારીમાં રોકાયા હતા. હું પૂરી વણતો હતો. તેલ તૈયાર થઈ ગયું હતું પણ કોઈ તળનાર દેખાતો નહોતો. સ્વામીશ્રી આજ વખતે ત્યાંથી પસાર થયા. ક્ષણભરમાં પરિસ્થિતિ પારખી લીધી. ને કહે : 'લાવો, હું તળું!' એમ કહેતા જ મોટા સ્ટવ પાસે પડેલા એક કેરોસીનના ખાલી ડબ્બાને ઊંધો કરી તેની પર બેસીને પૂરી તળવા લાગ્યા! આટલી સામાન્ય ક્રિયા આટલા મહાન પદ ઉપર બિરાજ્યા છતાં એમને આજે પણ એટલી સહજ છે, કે એમની દિગંત વ્યાપી કીર્તિનો એમને રંચમાત્ર ભાર નથી! આ અસાધારણ નમ્રતા, સરળતા એ સ્વામીશ્રીનું જીવન છે.
શરીર પણ ધૂળનું જ છે ને !
ધર્મચરણ સ્વામી
-
૧૯૮૫માં નવસારીથી સાંજે કુરેલ પધાર્યા હતા. એક હરિભક્તના નવા મકાનમાં ઉતારો હતો. રાત્રે સ્વામીશ્રી આરામમાં પધાર્યા ત્યારે સેવકોએ જોયું કે સ્વામીશ્રીની રજાઈમાં ઘણી ધૂળ હતી. એક સંત તે સાફ કરતા હતા. સ્વામીશ્રી કહે : 'શું કરો છો? ધૂળ લાગે છે?'
સંત કહે : 'હા, સાફ કરું છું.'
સ્વામીશ્રી એકદમ બોલ્યા : 'શરીર પણ ધૂળનું જ છે ને!'
તેઓની આ દૃષ્ટિનો અનુભવ એ જ રાત્રે થયો. રાત્રે ઠંડી ઘણી હતી. સ્વામીશ્રી પાસે ઓઢવાનું મર્યાદિત હતું. પણ કાંઈ બોલ્યા વિના સૂઈ રહ્યા. ઊંઘમાં ને ઊંઘમાં તેમણે બાજુમાં પડેલી મચ્છરદાની ઓઢી હતી! શરીર ધૂળનું માનીને એમણે જાતે ક્યારેય દેહની ચિંતા કરી જ નથી. શરીરના ભાવથી સદા તેઓ પર રહ્યા છે.
|
|