|
ગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ
નિરંતર સુધારો કરવાની વૃત્તિ
જ્ઞાનવત્સલ સ્વામી, મુંબઈ
-
સ્વામીશ્રી ઠાકોરજી જમાડતા હોય ત્યારે કંઈક વાંચન કે વાતચીત ચાલતી જ હોય. એકવાર સ્વામીશ્રીનાં દર્શને અમે વિદ્યાનગરના વિદ્યાર્થીઓ અટલાદરા ગયા હતા. અટલાદરામાં એકવાર મેં ‘Walking’ વિષયક લેખ સ્વામીશ્રી જમતા હતા ત્યારે વાંચ્યો. જેમાં Walking કેવી રીતે કરવું તેની વિગતે વાત જણાવી હતી. સ્વામીશ્રી જમી રહ્યા ત્યાં સુધી તેનું ભાષાંતર ચાલતું રહ્યું. અંતે સ્વામીશ્રી મને કહે : ‘Thank you.’
મેં કહ્યું, 'સ્વામી ! એક વાત કહું ?'
'કહો.'
'આમાં એવું જણાવ્યું છે કે વૉકિંગ વખતે સામાન્ય ચાલ કરતાં ઝડપી ચાલ ચાલવી જોઈએ. અને બંને હાથ ‘Swing’ કરવા જોઈએ. જેથી સૈનિક માર્ચ પાસ્ટ કરે છે તેમ કરે તો વધારે ફાયદો થાય. જ્યારે આપ એક હાથે ચપટીમાં ગાતરિયાનો છેડો પકડો છો, ને એક હાથે વેઢા પર કેટલા આંટા કર્યા તેની ગણતરી કરો છો, તે રીત બરાબર નથી...'
એ જ વખતે નારાયણમુનિ સ્વામી મારી પાછળ બેઠા હતા. તેમણે મને સંકેત કર્યો કે સ્વામીશ્રીને આવાં સૂચનો આપણાથી ન અપાય.
પણ સ્વામીશ્રી મરક મરક હસતાં મારી સામું જોઈ રહ્યા, ને ધીરેથી કહ્યું : 'તારી વાત સાચી છે, મારે સુધારવું જોઈએ !!' અમે તો આભા જ બની ગયા. આટલી સરળતા, આટલી વિદ્યાર્થીવૃત્તિ, આટલી મોટી ઉંમરે અને ઊંચાઈએ પણ એમનામાં સહજ ભાવે વ્યક્ત થતી નિહાળીને સૌ મુગ્ધ બની ગયા.
અગવડ - સગવડનો વિચાર નહિ
જ્ઞાનપ્રિય સ્વામી, કેનેડા
- ૧૯૮૨માં સ્વામીશ્રી લંડનથી મુંબઈ પધાર્યા ને ત્રીજે દિવસે જ વૈશાખની ધીખતી ગરમીમાં મહારાષ્ટ્રનાં ગામડાંઓમાં વિચરણ માટે નીકળી ગયા હતા. એક તરફ લંડનનું ઠંડું વાતાવરણ અને બીજી તરફ અહીંની અસહ્ય ગરમી. ગરમીમાં ફરતાં ફરતાં સ્વામીશ્રી વરખેડા પધાર્યા હતા. ગામમાં વીજળી ન હોવાને કારણે ફાનસને અજવાળે જ સભા થઈ. સ્વામીશ્રી પણ ફાનસને અજવાળે પત્ર લેખન કરતા ગયા. ચેષ્ટા બાદ રાત્રે ૧૧.૧૫ વાગે આરામમાં પધાર્યા ત્યારે પણ વીજળી આવી નહોતી. અસહ્ય ગરમીને લીધે સ્વામીશ્રીને જરા પણ ઊંઘ ન આવી. પડખાં ફર્યા કરે, થોડી વારે ઊઠ્યા. લઘુપાણી કરી ફરીથી સૂતા. પણ ઊંઘ તો ન જ આવી. રાત્રે ૨.૦૦ વાગ્યા હતા. ગરમી ખૂબ હતી. આથી મારી વિનંતીથી તેઓ ખુલ્લા સ્થળે સૂવા પધાર્યા. ખાનદેશના મકાનોની સળંગ માટીથી નક્કર કરેલી છતની ઉપર અગાશી જેવા સ્થળે ખુલ્લા આકાશ નીચે અમે બંને થઈને આસન પાથર્યું. સ્વામીશ્રી આડે પડખે થયા. પણ પવન તદ્દન પડી ગયેલો. મચ્છરોનો ત્રાસ તો અસહ્ય હતો. તેથી ફરી બેઠા થયા. ત્યાં કમોસમનાં છાંટણાં શરૂ થયાં. સ્વામીશ્રી ફરી ઓરડામાં પધાર્યા. ઊંઘ તો વેરણ થઈ હતી. ૩.૩૦ નો સુમાર થયો એટલે જાતે ઊભા થયા. હાથ ધોવાનો લોટો લઈને અગાસીમાં ગયા. આ અગાસીઓ આખી શેરી સુધી સળંગ હોય તેથી ગામના છેડે સુધી જઈ શકાય તેમ હતું. મેં સ્વામીશ્રીને અગાશીમાં જતા જોયા હતા તેથી હમણાં પાછા ફરશે એવા વિચારથી પાછળ જવાનું ટાળ્યું હતું. પણ દસ મિનિટ-પંદર મિનિટ થઈ ગઈ. હજુ સ્વામીશ્રી દેખાયા નહીં. તેથી હું બહાર નીકળ્યો. દૂર સુધી ટોર્ચથી પ્રકાશ ફેંક્યો પરંતુ સ્વામીશ્રી જણાયા નહીં. હું ગભરાયો. તરત ધર્મચરણ સ્વામીને ઉઠાડ્યા : 'ઊઠો, સ્વામી દેખાતા નથી!' અમે બંને બે-ત્રણ અગાશીઓમાં શોધવા નીકળી ગયા. પણ સ્વામી દેખાયા નહીં. વીસેક મીનિટ તપાસ કરી. એક પછી એક બધા સંતોને ઊઠાડવા માંડ્યા. સૌ આખા વરખેડા ગામમાં ફરી વળ્યા. સૌની ગભરામણનો પાર નહોતો. શું હશે? ક્યાં ગયા હશે?
ગામની ભાગોળે અમે ગયા ત્યાં લોટો લઈને સ્વામીશ્રીને સામેથી આવતા જોયા. અમે એકદમ દોડ્યા. પ્રશ્નોની ઝડીઓ વિસ્મય અને ચિંતામાંથી ઘૂંટાઈ ઘૂંટાઈને વરસી પડી. ક્યાં ગયા હતા? કોઈને લઈ ગયા હોત તો? કાંઈ થઈ જાત તો? અહીંયા તો સાપેય ફરતા હોય છે!'... સ્વામીશ્રીના સ્વસ્થ અને શાંત વ્યક્તિત્વમાંથી જ એના ઉત્તરો સ્રવતા હતા.
સ્વામીશ્રી ઉતારે નાનકડી ચોકડીમાં નાહવા બેસી ગયા. આ સરળતાની- વિચરણના ભીડાની હદ હતી. વિદેશયાત્રાનો જેટલેગ ઊતર્યો નહોતો. અહીંના હવામાનને અનુકૂળ સ્વાસ્થ્ય બને તે પૂર્વે તો ઠંડીના પ્રદેશોમાંથી ૪૫ ડિગ્રી ગરમી ફેંકતા વિસ્તારમાં વિચરણમાં આવી ગયા હતા. ભોજન અને આરામમાં અંતરાય થાય ત્યાં પેટની તકલીફ પણ થાય જ. સ્નાન બાદ કંઈક કળ વળી. પ્રાતઃપૂજા પછી ધૂળિયા જવા નીકળી ગયા! આવા ભીડામાં પણ એમના મનની સ્થિરતા અદ્ભુત હતી.
ટેન્શન ન કરવાની જડીબુટ્ટી - અપાર શ્રદ્ધા
નિખિલેશ સ્વામી, અમદાવાદ
- ૧૯૯૨માં ગાંધીનગરમાં યોજાનાર યોગી શતાબ્દી મહોત્સવની પૂર્વતૈયારીઓ ચાલતી હતી. દિવસો થોડા ને કામ ઝાઝાં હતાં. ચારે તરફથી સ્વયંસેવકો, કારીગરો અને મજૂરોનો ફોર્સ કામે લગાડ્યો હતો. છતાં મનમાં પૂરેપૂરી દહેશત હતી કે કેટલાંય કામ હજુયે અધૂરાં છે, તે કેમ કરીને પૂરાં થશે ? સ્વામીશ્રી ગાંધીનગરમાં જ ગોરધનભાઈ પટેલના બંગલે સેક્ટર-૨૯માં બિરાજમાન હતા, પરંતુ એમની પાસે જવાની હિંમત ન ચાલે. કારણ કે જઈએ ને પ્રશ્નો પૂછે, કેટલું કામ થયું- એ રિપોર્ટ માગે તો બાકી કામનું લિસ્ટ જ મોટું બને તેમ હતું. ઉદ્ઘાટનને અઠવાડિયું જ બાકી રહ્યું હતું. કામનું ટૅન્શન અને ચિંતા સાથે અમે કેટલાક સંતો ચર્ચા કરી રહ્યા હતા. સૌએ વિચાર્યું કે ચાલો, સ્વામીબાપાનાં દર્શન તો કરી આવીએ ! પછી વિચારીશું.
અમે હિંમત કરીને પહોંચ્યા. સ્વામીશ્રીએ ઉકાળાપાણી કરી લીધાં હતાં. મુલાકાતીઓ નહીંવત્ હતા. અમે દંડવત્ કરી પગે લાગ્યા એ સાથે જ સ્વામીશ્રી આનંદમાં આવી ગયા, 'આવો, બેસો બધા...' અમે કંઈક વાત કરીએ તે પહેલાં જ પ્રિયદર્શન સ્વામીએ કહ્યું : 'આ નિખિલેશ સ્વામી બહુ ટૅન્શનમાં છે કે કામ પતશે કે નહીં?..'
મેં કહ્યું : 'ટૅન્શન તો ખરું જ ને વળી, કામ પતશે કે નહીં એ જ ચાલતું હોય છે મનમાં !'
સ્વામીશ્રી ભારે હળવાશથી અને છતાં અખૂટ આત્મવિશ્વાસથી બોલી ઊઠ્યા, 'ચિંતા ન કરવી સમજ્યા?' પછી કહે : 'જા, તારામાં વાસુદેવનો પ્રવેશ કરવો છે... બધું કામ પતી જશે...'
'પણ મારા એકલાથી થોડું બધુ _થવાનું છે ?' મેં દલીલ કરી.
સ્વામીશ્રીની ખુમારી ફરીથી છલકી આવી : 'બધામાં મહારાજ ૧૦૦ ટકા પ્રવેશ કરશે. આપણે ક્યાં કંઈ કરનાર છીએ? બધું એમને માથે છોડી દેવું...' પછી માર્ગદર્શન આપતા પ્રેમથી કહેઃ 'મહારાજને ધારીને મંડવું. યોગીબાપાનો ઉત્સવ છે, એ જ બધું પાર પાડી આપશે...'
સ્વામીશ્રી એટલા પ્રેમ-હેત-આત્મીયતા અને અપાર શ્રદ્ધાથી બોલી રહ્યા હતા કે અમારું બધું જ ટૅન્શન બાષ્પીભૂત થઈને ઊડી ગયું. ભગવાનના પ્રવેશનો કે કર્તા-હર્તાપણાનો પાવર એમણે સિંચી દીધો. એ પછી કાર્યનો એટલો ઉત્સાહ વધ્યો કે સૌએ રાત-દિવસ જાગી સેવાઓ પૂરી કરી. જે સંજોગોમાં બીજો નેતા સ્વયં ટૅન્શનમાં આવી જાય અને સહાયકોને ટૅન્શનમાં મૂકી દે, એ સંજોગોમાં સ્વામીશ્રીએ સ્વયં હળવાફૂલ રહી સૌમાં 'વાસુદેવનો પ્રવેશ' કરાવી દીધો. મારાં અનેક સંસ્મરણોમાં આ શિરમોરરૂપ પ્રસંગ છે.
|
|