Search Contact Site Map Download News Vicharan Home GujaratiSatsangIntroduction
 

ગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ

આપે બીજાને માન અપાર

નરેન્દ્રપ્રસાદ સ્વામી (આચાર્ય સ્વામી), નવસારી

  • તા. ૭-૫-૭૭. પેટલાદમાં મૂર્તિપ્રતિષ્ઠાનો ઉત્સવ હતો. હરિભક્તોએ ઉત્સાહપૂર્વક નગરયાત્રાનું આયોજન કર્યું હતું. સ્વામીશ્રી માટે સફેદ ઘોડાની સુંદર બગી તૈયાર રાખી હતી. સ્વામીશ્રીએ પોતાની સાથે નારાયણ ભગત તથા અમને બે સંતોને પણ બેસવા કહ્યું. નગરયાત્રા આગળથી ચાલવાની શરૂ થઈ. પણ આશ્ચર્ય એ થયું કે અમારી બગીના ઘોડા સહેજ પણ ચાલે નહીં! આમજનતા વચ્ચે આ શરમજનક લાગે તેવી ઘટના હતી. સ્વામીશ્રી સ્થિર-સ્થિતપ્રજ્ઞ બેસી રહ્યા હતા. બગીવાળો ઘોડાને મારવા લાગ્યો. સ્વામીશ્રી કહે : 'ભ'ઈ, ઘોડા ન ચાલે તો વાંધો નહીં, મારશો નહીં. આપણે ચાલવા માંડીએ, એમાં શું?'
    મુખ્ય હરિભક્ત મોહનભાઈ કહે : 'બાપા ! એ સારું ન લાગે.'
    હસતાં હસતાં સ્વામીશ્રી કહે : 'તો આ સારું લાગે છે?'
    'બાપા ! શું કરીએ?' મોહનભાઈ લાચાર અવાજે બોલી ઊઠ્યા.
    સ્વામીશ્રીએ સાદી ઘોડાગાડી દૂર હતી, તેના ઘોડા બતાવીને કહ્યું : 'સાદા ઘોડા ન ચાલે?'
    'બાપા ! તે સારા ન લાગે.' તેમણે ફરી કહ્યું. સ્વામીશ્રીએ કેવળ સ્મિત કર્યું. થોડી વારે એ જ નિર્ણય લેવાયો કે સાદા ઘોડા બગીમાં જોડી દેવા. એમ કર્યું પછી નગરયાત્રા ચાલી!
    અમારામાંથી કોઈ સંત બોલ્યા, 'પેલા ચાલ્યા નહીં, તો બીજા!'
    સ્વામીશ્રી કહે : 'એમ નહીં, પેલાએ (સફેદ ઘોડાએ) આ (સાદા) ઘોડાને લાભ અપાવ્યો! એમ કહેવું!' આવી સાધારણ અપમાનજનક સ્થિતિમાં પણ જેમની મતિ-જેમની પ્રજ્ઞા ઘોડા જેવા પ્રાણીનો પણ ગુણ લઈ શકે તેવી સ્થિર હોય તેનાથી અધિક આ મહાપુરુષની સંતતાનું કયું પ્રમાણ હોઈ શકે?

  • ૧૯૭૭નું વર્ષ દુષ્કાળનું વર્ષ હતું. તેથી સંતોનાં મંડળો સૌરાષ્ટ્ર તરફ મોકલી મુશ્કેલીઓમાં મદદરૂપ થવા સ્વામીશ્રીનો આદેશ આવ્યો. આથી ડૉક્ટર સ્વામી અને હું છ મંડળોની ગોઠવણ કરી તેનો નિર્ણય લેવા માટે તા. ૨૦-૫-૭૭ના રોજ ગઢડામાં સંધ્યા સમયે સ્વામીશ્રી પાસે પહોંચ્યા. સ્વામીશ્રી આ સમયે ઓરડામાં એક સામાન્ય રજાઈ ઉપર બેસી પત્રલેખન કરી રહ્યા હતા. અમે અંદર પ્રવેશ્યા કે તરત સ્વામીશ્રીએ કહ્યું : 'આવો, બેસો..' એ જ વખતે લાઇટ ગઈ.
    મેં કહ્યું : 'બાપા ! પછી રાખીએ.'
    સ્વામીશ્રી કહે : 'ના બેસો. સંભળાશે, વાંધો નહિ આવે.'
    અમે બંને તેમની સમક્ષ બેઠા ને મંડળોની વાત શરૂ કરી એટલામાં લાઇટ આવી. અમે બંને સ્તબ્ધ બની ગયા! સ્વામીશ્રી સાવ નીચે બેઠા હતા ને પોતાની રજાઈ અંધારાનો લાભ લઈ અમારી તરફ સેરવી દીધી હતી. થોડી ક્ષણોમાં કેવો અદ્‌ભુત નિર્ણય! કેટલી ઝડપ! કેવો મહિમા! અમે એકદમ ઊભા થઈ ગયા.
    સ્વામીશ્રી કહેવા લાગ્યા, 'બેસો... બેસો ને...!'

  • ૧૯૭૭માં સ્વામીશ્રી અમદાવાદ પધાર્યા હતા. સાથે ફરતા યુવકોનો ઉતારો સ્વામીશ્રીના જૂના ઉતારાના ઉપરના માળે હૉલમાં રાખ્યો હતો. રાત્રે ઠંડી હતી. વળી સાથે ફરતો સેવાભાવી યુવક જગદીશ બીમાર હતો. તેથી મેં રજાઈ શોધવા પ્રયત્ન કર્યો, પરંતુ ક્યાંય ઓઢવા માટે રજાઈનો મેળ પડ્યો નહીં. રાત્રે બાર પછીનો સમય હશે, અમે મુંઝાતા હતા, ત્યાં સ્વામીશ્રી ઉપર યુવકોના ઉતારામાં આવ્યા. હાથમાં રજાઈ હતી. મને કહે : 'લો ઓઢાડી દો.' તેઓ તરત જતા રહ્યા. અમને સવારે જાણ થઈ કે સ્વામીશ્રી પોતાની રજાઈ લઈને આપી ગયા હતા. પોતે આખી રાત ગાતરિયું ઓઢીને સૂઈ રહ્યા. દેહનો કેવો અનાદર! કેવી નિઃસ્વાર્થ મમતા!

  • ૧૯૭૯માં અમે સ્વામીશ્રીની સાથે કપડવંજ વિસ્તારમાં વિચરણમાં હતા. રોજનાં ચાર-પાંચ ગામ ફરવામાં અમે જુવાન પણ થાકી જતા. પરંતુ સ્વામીશ્રીના ઉત્સાહમાં લેશમાત્ર ઓટ આવતી ન હતી. ફરતાં ફરતાં સ્વામીશ્રીને કઠલાલ જતાં વચ્ચે એક નાના ગામમાં જવાનું હતું. અહીં પ્રેમશંકર દવે નામે ગુણભાવી બ્રાહ્મણ કથા કરતા હતા. તેમના આગ્રહથી તેમની પારાયણમાં ૧૧ વાગે પહોંચવાનું હતું. પરંતુ દરેક ગામમાં પધરામણી અને સભા કાર્યક્રમો હોવાથી છીપડીમાં જ ૧૨.૦૦ વાગ્યાનો સમય થઈ ગયો. સૌએ વિનંતી કરી, 'સ્વામી, હવે જમીને જ વિદાય લો.'
    સ્વામીશ્રીએ ના પાડી, 'હમણાં જ નીકળવું છે. કથાવાળા બધા રાહ જોતા હશે.' સ્વામીશ્રી નીકળ્યા, ને રસ્તે જ ગાડી બગડી. સ્વામીશ્રી, સંતો અને ડ્રાઇવર રસ્તા પર ઊતરી ગયા. ચાર રસ્તા નજીક હતા ત્યાં સુધી ચાલ્યા ને ચારે રસ્તે સ્વામીશ્રીએ એક એક સંતને ઊભા રાખ્યા ને પોતે પણ ઊભા રહ્યા. જે મોટું વાહન નીકળે તેને ઊભું રાખવા સ્વામીશ્રી હાથ બતાવે. એક પછી એક કાર, ટ્રક, લોડીંગ મૅટાડોર પસાર થઈ, પણ કોઈએ વાહન ઊભું ન રાખ્યું. સ્વામીશ્રીએ કલોલવાળા શંકર કવિ સાથે હતા તેમને એક ભક્ત સાથે સ્કૂટર પર કઠલાલ રીક્ષા લેવા મોકલ્યા ને પોતે ગાડી પાસે આવ્યા. ડ્રાઇવરને બોલાવી ગાડી ચાલુ થાય તો પ્રયત્ન કરવા કહ્યું. થોડે દૂર એક સામાન્ય ગૅરેજવાળો શિખ યુવાન બેઠો હતો. સ્વામીશ્રી જાતે ગયા. હું સાથે જ હતો. મને કહે : 'આ છોકરાને ખબર પડશે?'
    મેં કહ્યું : 'પૂછી જોઈએ.' પછી તે યુવાનને બધી વિગત સમજાવી ગાડી હતી ત્યાં લઈ આવ્યા, બધું ચેક કરી તેણે કહ્યું : 'ચાર ઘંટા લગેગા!'
    સ્વામીશ્રી કહે : 'અત્યારે ટ્રાય તો કરો! થઈ જશે..'
    તેણે પ્રયત્ન કર્યો ને ગાડી ચાલુ થઈ ગઈ ત્યાં જ શંકર કવિ વીલે મોંએ પાછા આવ્યા. કહે : 'રીક્ષા ન મળી!' સ્વામીશ્રી સ્મિત કરતાં કહે : 'સારું થયું. ચાલો, ગાડીમાં બેસી જાવ!' સ્વામીશ્રી પારાયણમાં પહોંચ્યા ત્યારે ૧.૧૫ વાગી ગયો હતો છતાં સૌ બેસી રહ્યા હતા. સ્વામીશ્રીએ સૌને આશીર્વાદ આપ્યા.
    અહીંથી કઠલાલ જવા નીકળ્યા ત્યારે વિદ્યાનગર-નડિયાદથી સાત ગાડીઓ આવી ગઈ હતી. સ્વામીશ્રીની ગાડી પણ રિપેર થઈને આવી ગઈ હતી. બે જ કલાક પહેલાં આ ગુરુદેવને વાહન વિના ચાર રસ્તે હાથ ઊંચા કરતા રસ્તે રઝળતાં જોયા હતા, ને બે કલાક બાદ કુલ આઠ ગાડીઓના રસાલા સાથે ભવ્ય ઠાઠમાં જોયા હતા. બંને પરિસ્થિતિમાં એમના મુખારવિંદની આનંદરેખામાં લેશ પણ ફરક નિહાળ્યો નહીં! આવી સ્થિતપ્રજ્ઞતા વિરલ હોય છે.

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |