|
સંપ-સુહૃદભાવ-એકતા
(લેખાંક-૧)
યોગીજી મહારાજનો આ જીવનમંત્ર દરેક ક્ષેત્રે, દરેક વ્યક્તિને, દરેક કુટુંબને, દરેક સંસ્થા કે સમાજને, દરેક રાષ્ટ્રને અને સમગ્ર વિશ્વને ઉપયોગી છે.
સમૂહમાં રહેવું એ માનવનો સ્વભાવ છે. છતાં આ જીવનમંત્રના અભાવે ઝઘડા થાય છે. ભારત ઉપર પરદેશી શાસન વર્ષો સુધી રહ્યું તેનું મૂળ કારણ કુસંપ-એકતાનો અભાવ. આજે માનવ ચંદ્ર સુધી પહોંચ્યો પણ એક માનવ બીજા માનવના હૃદય સુધી ના પહોંચ્યો. વિશ્વની આ મોટી સમસ્યા છે.
યોગીજી મહારાજના આ જીવનમંત્રનાં ત્રણેય અંગો એકબીજામાં દૂધ-સાકરની જેમ ઓતપ્રોત છે. છતાં તેને પૃથક્ પૃથક્ કરી સમજવા પ્રયત્ન કરીએ.
સંપ :
યોગીજી મહારાજ ૧૯૭૦માં લંડન હતા, ત્યારે રમેશભાઈ મિત્રાલવાળાને ઘેર જમવા પધાર્યા હતા. રસોડામાં યોગીજી મહારાજ અને સંતો જમવા બેઠા હતા. બે પાર્ષદો બાકી હતા. સંતોએ સંકોચાઈને બે પાર્ષદોની જગ્યા કરી દીધી. યોગીબાપા આ જોતા હતા. તેઓ રાજી થઈ બોલ્યા : 'જુઓ, તમારામાં સંપ છે તો કેવું ગોઠવાઈ ગયું!'
ચાર ભાઈઓ રત્નો લેવા દરિયાકાંઠે તપ કરતા હતા. દરિયાએ બ્રાહ્મણનું રૂપ લઈ ચાર ભાઈઓને જુદા પાડી એક-બીજામાં કુસંપ કરવા પ્રયત્ન કર્યો. પણ ચારેય ભાઈઓનો એક જ અભિપ્રાય નીકળ્યો કે 'મારો ભાઈ મારા માટે ખોટું કરે નહિ ને ખોટું વિચારે પણ નહિ.' તેમનો આવો સંપ જોઈ દરિયાદેવે ફાંટ ભરીને રત્નો દઈ દીધાં.
ટીટોડીનાં બચ્ચાંને દરિયો પાણીમાં ખેંચી ગયો. ટીટોડીની આખી નાત ભેગી થઈ અને દરિયાને ખાલી કરવા તૈયાર થઈ. આ જ્ઞાતિસંપ જોઈ ભગવાને ગરુડજીને આજ્ઞા કરીઃ 'તમે તમારી નાતને મદદ કરો.' ગરુડજીએ પાંખથી જે ધૂળ ઉડાડવા માંડી કે દરિયો પુરાવા માંડ્યો. દરિયો ગભરાઈને નમી ગયો અને ટીટોડીનાં બચ્ચાં પાછાં આપી દીધાં. એટલે સંસ્કૃતમાં કહ્યું છે : 'સંહતિઃ કાર્યસાધિકા' સંપથી અશક્ય કાર્ય પણ શક્ય બને છે. વળી કહ્યું છે કે 'સંઘે શક્તિઃ કલૌ યુગે' કળિયુગમાં સંઘશક્તિ જ બળવાન છે. અંગ્રેજીમાં કહેવત છે કે 'યુનાઈટેડ વી સ્ટેન્ડ અૅન્ડ ડીવાઈડેડ વી ફોલ.' સંપ ત્યાં જંપ. કુસંગ ત્યાં કળિ - આ જ વાતને દૃઢ કરે છે.
પ્રમુખસ્વામી મહારાજ ઘણી વખત કહે છે : 'સંપ વગર ઘરના ગોળાનું પાણીય સુકાઈ જાય. એટલે કે ગોળાનું પાણી બધાં પીવે પણ તેમાં કોઈ ઉમેરે નહિ!'
યોગીબાપા હોલા ઉપાડની વાત કરતા. જાળમાં ફસાઈ પડેલા હોલાઓએ સંપ રાખી એક હારે જાળ ઉપાડી તો બધા બચી ગયા.
બુદ્ધે પણ 'સંઘં શરણં ગચ્છામિ' કહીને સંઘનિષ્ઠાને પુરસ્કારી છે.
અમેરિકામાં પેટ્રોલની તંગી વખતે એક મોટરમાં વધુ માણસો બેસે તો તેને ટોલટેક્સ માફ થતો. આથી દેશને ફાયદો થયો. સંપથી શક્તિનો ખોટો વ્યય અટકે, કામ સરળતાથી, ઓછા ખર્ચે અને ઓછા સમયે થાય. જ્ઞાતિમાં સંપ હોય તો સમૂહલગ્નો દ્વારા મોટા અને ખોટા ખર્ચ નિવારી શકાય.
નેપાળમાં ઝરણાં ભેગાં કરી પાણીના બળથી અનાજ દળવાની ઘંટી ચલાવાય છે.
એક જંગલમાં કુહાડાનો ખટારો આવ્યો. વૃક્ષો બધા ગભરાઈ ગયા કે 'હવે આપણો નાશ થશે.' ત્યાં એક ડાહ્યું વૃક્ષ બોલ્યું : 'સાંભળો ભાઈઓ, જો આપણાંમાંથી તે કુહાડાઓનો કોઈ હાથો નહિ બને તો કંઈ વાંધો નહિ આવે.'
કન્ફ્યૂસિયસે પણ કહ્યું છે કે 'પ્રગતિની ચાવી છે પરસ્પર સહયોગ.'
એક તીરને ફોસીમાં ફોસી હોય તે પણ તોડી નાંખે. પણ તીરના ભાથાને બળિયામાં બળિયો પણતોડી ન શકે. આ દૃષ્ટાંત આપીને ગુણાતીતાનંદ સ્વામીએ (૩-૫૮ની વાતમાં) સર્વે સાધુ, પાળા, બ્રહ્મચારીને ઉપદેશ આપ્યો કે 'જો તમે આમ ને આમ સંપ રાખશો તો ગમે તેવો તમારો અંતઃશત્રુ હશે તે પણ પરાભવ નહિ કરી શકે અને આમ ને આમ નહિ રહો તો અલ્પ જેવો દોષ હશે તે પણ સત્સંગમાંથી બહાર કાઢી નાંખશે.'
આવી રીતે સંપ હોય તો બહારનો શત્રુ તો નહિ પણ અંતઃશત્રુ પણ પરાભવ ન કરે અને અધર્મસર્ગ પ્રવેશે જ નહિ.
એકતા :
એકતાનું મૂળ છે નિષ્ઠા. શ્રીજીમહારાજ, પુરુષોત્તમ નારાયણ, ગુણાતીતાનંદ એ મૂળ અક્ષર અને એ અક્ષરબ્રહ્મ-પ્રગટ સત્પુરુષ એ મોક્ષનું દ્વાર. આ નિષ્ઠામાં ફેર હોય તો એકતા તૂટે. થોડાં વર્ષો પૂર્વે સંસ્થામાંથી અમુક વર્ગ આ નિષ્ઠાના અભાવે નીકળી ગયો. મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે કે 'થઈ એક મના પ્રભુને ભજીએ.' એક ગુરુવચનમાં વિશ્વાસ રાખી મંડીએ તો કોઈ વાંધો ન આવે.
પૂર્વે હૈહયવંશના ક્ષત્રિયો અને બ્રાહ્મણો વચ્ચે યુદ્ધ ચાલતું હતું. બ્રાહ્મણો હારતા હતા. તેમણે થાકીને હૈહયોને પૂછ્યું: 'અમારી સંખ્યા વધારે છે. સંઘબળ છે, છતાં અમે કેમ હારીએ છીએ?'
ત્યારે હૈહયોએ રહસ્ય પ્રગટ કર્યું કે -
'વયમેકસ્ય શ્રુણ્વાના મહાબુદ્ધિમતો રણે
ભવન્તસ્તુ પૃથક્ સર્વે સ્વબુદ્ધિવશવર્તિનઃ'
અમે અમારા એક સેનાપતિના કહેવા પ્રમાણે જ લડીએ છીએ, જ્યારે તમે બધા પોતપોતાની બુદ્ધિ પ્રમાણે લડો છો.
ટાંઝાનિયાના માજી રાષ્ટ્રપતિ જુલિયસ ન્યરેરેએ એકવાર કહેલું કે, 'વ્યક્તિગત ભારતીય બુદ્ધિશાળી છે પણ તે બધા ભેગા થાય ત્યારે ભેંસની જેમ વર્તે છે!' ભારતની આ જ વાતને કોઈ ચિંતકે 'ઈન્ટટલીજન્ટ ફેઈલર' - બૌદ્ધિક નિષ્ફળતા કહી છે.
પ્રમુખસ્વામી મહારાજ એટલાન્ટામાં એકવાર બોલેલાઃ 'પાંચને પૂછીને કાર્ય કરવું. હું બધું જાણું છું_ છતાં સો (જણ)ને પૂછીને કામ કરું છું.' સ્વામીશ્રીની આ સમજણને લઈને સંસ્થામાં ટીમવર્ક-સમૂહમાં રહીને કાર્ય કરવાની વૃત્તિ દૃઢ થયેલી છે.
પાંડવોને 'કરિષ્યે વચનં તવ' મુજબ એક કૃષ્ણ કહે તેમ જ કરવાનો નિર્ધાર હતો તો તેઓની જીત થઈ. દુર્યોધને સેનાપતિ પદે ભીષ્મને નીમેલા પણ તે કર્ણ, દુઃશાસન, શકુનિ વગેરેની સલાહ પ્રમાણે વર્તતા હતા તો તેમની હાર થઈ.
અંગ્રેજીમાં પ્રસિદ્ધ કહેવત છે કે 'લવ ઓલ, ટ્રસ્ટ ફ્યુ બટ ફોલો વન.' બધાને ચાહો, વિશ્વાસ થોડાનો જ કરો પણ અનુસરણ તો એકનું જ કરો!'
અમેરિકામાં માનસશાસ્ત્ર વિષયક સંશોધનકાર પ્રૉફેસરો ગાંડાઓની એક વિખ્યાત હૉસ્પિટલમાં ગયા. તેમાં બસો ગાંડા હતા અને સંચાલકો ચાર-પાંચ હતા. તેમણે સંચાલકોને પૂછ્યું :'તમે આટલા ઓછા છો તો આ બધા ગાંડા ભેગા થઈ તમને મારીને જતા નહિ રહે?'
તેમણે કહ્યું : 'ગાંડાઓ કોઈ દિવસ ભેગા થાય જ નહિ. ભેગા થઈને કામ કરે તો ગાંડા ન કહેવાય.'
બિશપ હીબર પાસે શ્રીજીમહારાજે છ હરિભક્તોને આમંત્રણ પાઠવવા મોકલેલા. તેઓને બિશપે પૂછ્યું : 'તમે કોણ છો?'
'સત્સંગી.'
'એ તો બરાબર છે, પણ તમારી જ્ઞાતિ કઈ?'
તેમણે વ્યક્તિગત જાતિ કહી - 'બ્રાહ્મણ, મુસલમાન, કોળી, વાઘરી, વાણિયા, દરબાર.'
બિશપે આશ્ચર્ય પામી પૂછ્યું : 'તમે બધા ભેગા કેવી રીતે થયા?'
હરિભક્તોએ કહ્યું : 'સ્વામિનારાયણ ભગવાને અમને ભેગા કર્યા.'
'હિન્દુસ્તાનમાં તો ઘણો વર્ગવિગ્રહ છે.' એવી અવળી છાપ લઈને આવેલો બિશપ આ એકતા જોઈને ઘા ખાઈ ગયો.
શ્રીજીમહારાજના પાંચસો પરમહંસો એક એક પ્રભુ થઈને પૂજાય તેવા સમર્થ હતા છતાં તેમણે શ્રીહરિને જ એક ઇષ્ટ-ઉપાસ્ય માન્યા. સંપ્રદાય કેમ આગળ આવે એ જ સિદ્ધાંત રાખ્યો. પોતાનો આગવો સંપ્રદાય સ્થાપ્યો નહિ.
મોટી આદરજમાં શ્રીહરિને તેમણે કહ્યું : 'મહારાજ, આપ ગમે તેવા નાના સંતને પણ સદ્ગુરુપદે નિમશો તો પણ અમે તેની આજ્ઞામાં રહીશું.'
આપણી સંસ્થામાં બધા એક જ ગુરુના શિષ્યો છીએ. કોઈ જુદું મંડળ (ગ્રુપ) નથી. તો વિશ્વમાં આ સંસ્થા શોભે છે.
સંસ્થાના સૂત્રધાર પ્રમુખસ્વામી મહારાજ એકવાર બોલેલા કે 'શાસ્ત્રીજી મહારાજની મારા ઉપર દયા કે યોગીજી મહારાજના વિચારથી મારો વિચાર કદી જુદો પડ્યો નથી.'
અમદાવાદ અને લંડનમાં થયેલા મહારાજ-સ્વામીની દ્વિશતાબ્દીના ત્રણે મહોત્સવો આપણી સંસ્થાની એક ગુરુનિષ્ઠા અને એકતાનું સુંદર પરિણામરૂપ હતા. ભારત અને ભારત બહારના ઘણા મહાનુભાવો આવી એકતા જોઈ પ્રભાવિત થઈ ગયેલા.
સ્વામીશ્રીનું પણ કેવું દાસપણું! તેમણે વ્યારામાં તેમની જન્મજયંતી પ્રસંગે સત્સંગ સમુદાય પ્રતિ ઉચ્ચારેલું 'બધાનો સહકાર મળતો રહે તેવા આશીર્વાદ તમે મને આપજો.'
કડી પાસે કરણનગર ગામે સત્યપ્રકાશ સ્વામી આરતી માટે દીવેટો પ્રગટાવતા હતા. પણ પવન હોવાથી દીવેટો ઓલવાઈ જતી હતી. આ જોઈ સ્વામીશ્રીએ કહ્યું : 'પાંચે દીવેટો ભેગી કરી પ્રગટાવવો.'
પછી બોલ્યા : 'આમ બધા સંપથી રહેશો તો માયાનો પવન નહિ લાગે.'
ભાવનગરમાં તેમની જન્મજયંતીએ તેઓ બોલેલા : 'આપણે એક રુચિ, એક વિચાર, એક જ સંસ્થા અને એક ગુરુના ચેલા. આવી જો એકતા હશે તો દુનિયાની કોઈ તાકાત કાંઈકરી શકશે નહિ.'
ગુણાતીતાનંદ સ્વામીએ સાચું કહ્યું છે કે, 'એક રુચિવાળા બે હોય તોય લાખો છીએ અને જુદી જુદી રુચિવાળા લાખ હોય તોય કાંઈ નહિ.'
શાસ્ત્રીજી મહારાજ વડતાલથી નીકળ્યા ત્યારે તેમની પાસે પાંચ જ સાધુ હતા પણ તે બધા એક રુચિવાળા હતા તો આજે આ સંસ્થઆ વિશ્વમાં વ્યાપી ગઈ.
સુહૃદભાવ :
કોઈનાય અપકાર સામું જોયા વગર તેના ઉપર ઉપકાર કરવો તે સુહૃદપણું. 'સુહૃદં સર્વભૂતાનામ્' ગીતા કહે છે કે ભગવાન જ સૌના સાચા સુહૃદ છે. જીવોના અપકાર સામું જોયા વગર સૌને હવા-પાણી-ખોરાક આપે છે. સુહૃદ એટલે મિત્ર. મિત્ર એટલે સૂર્ય. સૂર્યનાં કિરણો પાપી-પુણ્યશાળી, ગરીબ-તવંગર બધાના ઘેર પહોંચે છે. વળી, સુહૃદભાવ-મિત્રભાવની વિશિષ્ટ વાત યોગીબાપા-રાજા અને પ્રધાનના પુત્રોની વાર્તા દ્વારા સમજાવતા. પ્રધાનના પુત્રે સૂતેલા રાજાના કુંવરના ગળામાં છરીથી કાપો મારી લોહીને પડીયામાં ભરી પાટો બાંધી દીધો. પછી તે લોહી કુંવરના પૂર્વના વેરી સર્પને પાઈ તેને તેટલાથી સંતોષ પમાડી વિદાય કરી દીધો. રાજાના કુંવરે છરી વાગી એટલે ઘડીક આંખઉઘાડીને પોતાના મિત્રને જોયો પછી તરત જ આંખ બંધ કરી દીધી. તેને પૂછ્યું પણ નહિ કે આ તેં કેમ કર્યું? સવારે પ્રધાનપુત્રે સામેથી પૂછ્યું : 'રાતના બનાવ અંગે તમે મને કેમ કંઈ પૂછતા નથી?'
રાજાના કુંવરે કહ્યું : 'મારો મિત્ર જે કંઈ કરતો હોય તે મારા સારા સારું જ હશે.'
સીસલ્સના રાજા ડાયોનિસિપસે વાંકમાં આવેલા ડીમન નામના એક પ્રજાજનને ફાંસીની સજા કરી. ડીમને કહ્યું : 'હું છેલ્લે છેલ્લે મારાં કુટુમ્બીઓને મળી આવું. પછી મને ફાંસીએ ચડાવજો.' રાજાએ જામીન માગ્યો. પિથેયસ નામનો તેનો મિત્ર જામીન થયો. મુક્રર થયેલી તારીખ આવી છતાં ડીમન દેખાયો નહીં. પિથેયસ રાજા પાસે આવી ગયો અને બોલ્યો : 'મને ફાંસીએ ચડાવી દો.' આને ફાંસીએ ચડાવવાની તૈયારી થતી હતી ત્યાં ડીમન હાંફતો હાંફતો આવી પહોંચ્યો અને રાજાને કહ્યું : 'મારું વહાણ તોફાનમાં ફસાયેલું તેથી મોડું થયું પણ હવે હું આવી ગયો છું_ મને ફાંસીએ ચડાવો.'
રાજાએ આ બંનેની મિત્રતા જોઈ ખુશ થઈ બંનેને છોડી મૂક્યા.
રોમમાં કૉલેજીયમમાં આખલા સાથે લડવા ગ્લેડી-એટટોની એક ટુકડી હતી. જે લડે તેને મરવાનું જ હોય. રોમન રાજાઓમાં આ એક શૉખ હતો. તેમનો સરદાર સ્પાર્ટીક્સ હતો. તેની સરદારી હેઠઠ તેઓએ બળવો કર્યો અને ભાગી ગયા. તેમને પકડવા રોમન સૈનિકો પાછળ પડેલા. એક દિવસ આ ટોળકી પકડાઈ ગઈ. સૈનિકોને સ્પાર્ટીક્સને મારવો હતો. તેમણે પૂછ્યું : 'આમાં સ્પાર્ટીક્સ કોણ છે?' પોતાના સરદારને બચાવવા એક ગ્લેડીએટર ઊભો થયો ને બોલ્યો : 'હું સ્પાર્ટીક્સ.' સૈનિકોએ તેને વીંધી નાંખ્યો. પોતાના સરદારને બચાવવા પછી તો આમ ઘણાં વીંધાઈ ગયા.
જાપાનમાં રાષ્ટ્ર માટે સૈનિકો બલિદાન આપી દે છે. દુશ્મનોની આગબોટ તોડવા બોંબવાળા વિમાન સાથે જ આગબોટના નાળચામાં 'યા હોમ' કરે છે. આને 'કાળીકાઝી' કહે છે.
ચિત્રરથ ગંધર્વે કૌરવોને કેદ કર્યા ત્યારે કૌરવોના અપકારને ન જોતાં પાંડવોએ - 'અન્યૈઃ સહ વિરોધે તુ વયં પંચાધિકં શતમ્' - બીજો કોઈ ચડી આવે તો અમે એકસો ને પાંચ છીએ - એમ કહી ચિત્રરથને હરાવી કૌરવોને છોડાવ્યા. આનું નામ સુહૃદભાવ.
સુહૃદભાવ ન હોય તો હિતની વાત કડવી લાગે. સુહૃદભાવ હોય તો આખો સત્સંગ પોતાનો લાગે.
શરીરમાં મુખ્યભાગ હૃદય છે. 'સુષ્ઠુ હૃદયં યસ્ય સ ઇતિ સુહૃદ.' હૃદય સારું હોય તો આખું વિશ્વ પોતાનું લાગે. વિશ્વયુદ્ધો પણ ન થાય. સારું હૃદય એ બધા ગુણોનો ઝરો છે. યોગીબાપાનું હૃદય આકાશ જેવું વિશાળ હતું. બાળકો-કિશોરો-યુવાનો-વૃદ્ધો બધા જ તેમાં સમાય. જનરેશન ગેપ જ નહિ. આ વિશાળ હૃદયને લઈને તો તેઓ હંમેશાં બોલતા 'ભગવાન સૌનું ભલું કરો.' સર્વ જીવોના ઉદ્ધારની ભાવના એ સુહૃદપણું છે. 'સંગચ્છધ્વમ્ સંવદધ્વમ્ સં વો મનાંસિ જાનતામ્.'
'દેવાભાગં યથાપૂર્વે સંજાનાના ઉપાસતે.' સુહૃદભાવ હોય તો બધાનું બોલવું, ચાલવું એક સરખું રહે. બધાનાં મન પણ સરખાં રહે. સૂર્ય-ચંદ્રાદિ દેવો પ્રેમ અને સહકારથી પોતપોતાનું કાર્ય સંપીને કરે છે. તો જ પૃથ્વી ઉપર સુખાકારી વર્તે છે. જો તેઓમાં કુસંપ થાય તો બ્રહ્માંડની વ્યવસ્થા કથળી જાય.
ઈસુએ પોતાના શિષ્યોને છેલ્લી આજ્ઞા આપેલી કે 'તમે બધા પ્રેમથી સાથે રહેજો.' આ આજ્ઞા પાળવી તે બધાને અઘરી લાગેલી.
વેદ કહે છે : 'સમાનો મંત્રઃ સમિતિ સમાનીઃ સમાના હૃદયાનિ વઃ'
સુહૃદભાવ હોય તો આપણો મંત્ર-ધ્યેય, ચર્ચા, હૃદય-બધું સરખું જ રહે. નહિતર ભારતની વિધાનસભાઓ અને લોકસભામાં જેમ મારામારી થાય છે તેમ ઘરોઘર તેવું થઈને ઊભું રહે.
અંગ્રેજીમા _કહેવત છે, 'A Family that prays together, stays together.' સ્વામીશ્રીએ પ્રવર્તાવેલ ઘરસભા નિયમિત કરવામાં આવે તો કૌટુંબિક કલેશો સાવ નાશ પામી જાય.
પારાયાપણાના વ્યાધિથી પીડાતો, એકલવાયું અને અતડું જીવન જીવતો પશ્ચિમનો સમાજ હવે સમૂહમાં રહીને મનની શાંતિ ઝંખી રહ્યો છે.
'કોઈ કહે તે ખમવું ને બીજાને તે વાત જણાવવી પણ નહિ કે ફલાણે મુને આમ કહ્યું. 'અહોહો! મારાં મોટાં ભાગ્ય કે આવા કે'નારા ક્યાંથી મળે?' એમ કહેનારાનો ગુણ લેવો. સુહૃદપણું હશે તો જબરા ગુણ આવશે. માટે અવશ્ય સુહૃદપણું રાખવું.'
યોગીગીતાનો આ એક એક શબ્દ યોગીબાપાના જીવનમાં ચરિતાર્થ થયેલો છે. તેમના એક વખતના ગુરુએ તેમને ઢોરમાર મારવામાં કાંઈ મણા રાખી ન હતી. સત્તર વર્ષ સુધી આવી ભયંકર યાતનાઓ સહી, છતાં કોઈ દિવસ તેમણે એ વાત કાઢેલી જ નહિ કે 'ગુરુએ મને આવો મારેલો.' તેમણે તો તે ૧૭ વર્ષના આ ભયંકર ઇતિહાસ ઉપર પડદો જ પાડી દીધેલો. અન્ય દ્વારા કંઈક આ વિગતો પ્રાપ્ત થયેલી જે વાંચતાં આપણને કમકમા આવી જાય. એકવાર યોગીબાપા બોલેલા : 'ગુરુ મારે તો અમે ખસી ન જોઈએ. ગુરુ રાજી થાય ને! ગુરુએ ટોક્યા તો આપણે આગળ વધ્યા.'
- સાધુ વિવેકસાગરદાસ |
|