Search Contact Site Map Download News Vicharan Home GujaratiSatsangIntroduction
 

'એ યોગીવર જ્ઞાનજીવન તણા પાયે નમું સર્વદા...'(લેખ : ૨)

ગુરુહરિ સ્વામીશ્રી યોગીજી મહારાજની ક્ષણે-ક્ષણની દૈનંદિની, અતિ દિવ્ય અને મંગલકારી સ્મૃતિ માટે, અહીં રજૂ કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. ભક્તોને જરૂર તે આનંદકારી બનશે. યોગીજી મહારાજના સમાધિસ્થાન ઉપર સ્મૃતિ મંદિરના ઉદ્‌ઘાટન પ્રસંગે અને ભક્તોને માટે તો સદાકાળને વિશે આ સ્મૃતિ દુઃખ હરનારી ને સુખ કરનારી નીવડશે. કારણ, યોગીબાપા ઘણી વાર કહેતા કે 'સ્મૃતિ છે તે દુઃખની હરનારી છે' એમ કહી તેઓ શાસ્ત્રીજી મહારાજની અને મંદિરોની-તીર્થોની સ્મૃતિ કરતા અને એ જ રીતે આપણને પણ સ્મૃતિ કરવાનો આદેશ આપતા.
ˆ
યોગીજી મહારાજ સ્નાન કરીને બહાર પધારે અને એક સ્વચ્છ આસન ઉપર ધોતિયું કેડે બાંધીને, કૌપીનની દોરી બાંધી, કૌપીન પહેરી લે. પછી ધોતિયું પહેરે. એટલે એક સેવક બગલમાં હાથ ટેકવે એટલે પાછળનો છેડો ભેગો કરીને નાખી દે અને કહેતા જાય (આંખનો અલૌકિક ઇશારો પણ કરતા જાય) 'આમ શીખી જાવું, હોશિયાર થાવું... (સેવામાં)' પછી આગળનો છેડો પણ જરા બાજુ માં સારી રીતે ખોસે અને લટકતો છેડો પણ જરા બાજુ માં સારી રીતે ખોંસે. જેથી ધોતિયું મોટું હોવા છતાં ઘણું ઊંચું આવી જાય. એક પગે ઘૂંટી સુધી માંડ ઢંકાય, પણ બીજા પગે તો ગોઠણ નીચે જ આવીને ઊભું રહે. સ્વામીશ્રી પાટલી કોઈ દિવસ વાળતા જ નહિ અને હંમેશાં જાડાં ધોતિયાં જ પહેરતા. ]પાછળથી અવસ્થાને લઈને, સેવકોના પ્રેમને વશ થઈને સહેજ પાતળાં પણ ખૂબ જ ઘટ્ટ ધોતિયાં પહેરતા.[
પછી ગરમ પાણીથી હાથ ધૂએ અને સેવક રૂમાલ આપે તેનાથી હાથ લૂછે અને ગાતરિયું પહેરે. યોગીજી મહારાજ ગાતરિયું વ્યવસ્થિત ભાગ્યે જ પહેરતા. શરીર ઉપર બે હાથની ફરતું, ખભા ઉપર બે છેડા નાખી દે. એટલે બંને છેડા ગમે એમ લટકતા હોય. ]શિયાળામાં ગાતરિયું ગાંઠ મારીને-બાંધીને પહેરતા. પાછળથી ગરમ ગાતરિયાં પહેરતા.[
પૂજા આગળથી સેવકે પાથરી રાખી હોય તે આસન ઉપર બેસે, સામે હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ-ઠાકોરજીને નવરાવીને સેવકે પધરાવ્યા હોય, ચંદન તૈયાર કરેલું હોય તે ઠાકોરજીને અર્ચે. ]વર્ષો પહેલાં પોતે જાતે જ ઠાકોરજીને સ્નાન-ચંદનાદિ કરતા અને ઠાકોરજીની આત્મનિવેદી ભક્તિ સંપૂર્ણપણે કરતા.[ પછી પોતે જમણા હાથે કપાળમાં તિલક કરે અને ડાબા હાથમાં કાચ પકડી રાખે. ક્યારેક કપાળમાં તિલક બે વાર કરે, જેથી જરા ઘાટું થાય. ઘણીવાર ખેંચીને તિલક કરે એટલે ઠેઠ મસ્તક સુધી તિલક તાણે. એટલે તો પોતે ઘણીવાર સૌને કહેતા કે 'તિલક તાણવું!' ('કરવું' નહિ પણ 'તાણવું.' એટલે પ્રેમથી સૌને દેખાય તેવું કરવું.) પછી ચાંદલિયાથી મોટો લાલઘૂમ ચાંદલો કરે. કેટલીક વાર આજુ બાજુ  મોટેરા હરિભક્ત કે નાના બાળકો બેઠા હોય અને જો એમણે કપાળમાં તિલક ન કર્યું હોય તો સ્વામીશ્રી એમને સૌને જાતે તિલક-ચાંદલો કરી આપતા અને સૂચવતા કે આમ હંમેશાં તિલક કરવું.
પછી ધ્યાન કરી, આહ્‌વાન કરી, પૂજાની મૂર્તિઓ પાથરે. પુષ્પો ચઢાવે તે પણ કલાત્મક રીતે. ઘણુંખરું મોગરો અને ગુલાબ હોય તો એક પછી એક પુષ્પો ગોઠવી આકૃતિ અને રંગમાં સુંદર સજાવટ કરે. શાસ્ત્રીજી મહારાજની મૂર્તિ વચમાં હોય તેથી તે મૂર્તિને ફરતાં, ચારેય બાજુ પુષ્પો ગોઠવી, પોતાના ગુરુ પ્રત્યેની વિશિષ્ટ ભક્તિ અદા કરે.
એક ધ્યાનથી માળા ફેરવતા, ઘણી વાર સ્વામીશ્રી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિમાં નિમગ્ન થઈ જતા લાગતા. પછી એક પગે ઊભા રહી માળા કરતા. પ્રદક્ષિણા-દંડવત્‌ કરી, પ્રાર્થના કરી, પ્રસાદ ધરતા. પછી ભક્તોનાં દુઃખ નિવારણને માટે હરિકૃષ્ણ મહારાજને સ્નાન કરાવેલાં જળમાં, શ્રીજીમહારાજનાં અસ્થિ, વસ્ત્ર અને માળાનો મણકો ઝબોળી, પૂજાનાં પ્રસાદીનાં પુષ્પોની પાંખડીઓ પણ તેમાં ખાસ નાખતા. આ જળથી હજારો મનુષ્યોના અસાધ્ય રોગો નાબૂદ થયા છે અને અકલ્પ્ય મનોરથો સિદ્ધ થયા છે. પછી સ્વામીશ્રી પ્રસાદીનાં પુષ્પો સૌને ઉછાળી ઉછાળીને વહેંચતા અને અલૌકિક સુખ આપતા. ત્યાર બાદ શણગાર આરતી કરવા પધારતા.
શણગાર થતા હોય ને આરતીને સમય હોય તો ગોખમાં બેસી સંતોને વાતો કરતા. તે પહેલાં નિજમંદિરમાં પધારી બધી મૂર્તિઓને ધારી ધારી નીરખતા, શણગાર જોતા અને મૂર્તિઓની અલૌકિક શોભાનાં વખાણ કરતા. ખાસ કરીને ઘનશ્યામ મહારાજની મૂર્તિ પાસે પધારે ત્યારે અચૂક ચરણસ્પર્શ કરતા અને ક્યારેક ઘનશ્યામ મહારાજને પૂછતા પણ ખરા કે 'મજામાં છો ને...' સવારના થાળ બરાબર ભરાય છે કે નહિ તે પણ તેમની દૃષ્ટિ બહાર જતું નહિ. પછી ઘણું કરીને મધ્ય મંદિરમાં ક્યારેક ઘનશ્યામ મહારાજ પાસે બે હાથમાં આરતી ઝાલી, સુંદર રીતે હાથ ડોલાવતા, વિવિધ મુદ્રામાં આરતી ઉતારતા. અદ્‌ભુત દર્શન આપતા.
આરતી શરૂ કરતાં પહેલાં ઘંટારવ કરાવે. ક્યારેક પોતે પણ ઘંટ વગાડે. 'ડંકો મારવો છે!' એ સૂત્રના ધારક સ્વામીશ્રીને ઘંટારવ ખૂબ પ્રિય. ઠાકોરજીનાં દર્શન કરતાં પણ ઘણી વાર ઘંટડી ખખડાવી લે અને મહાપૂજા કે બીજી કોઈ પૂજાવિધિ પ્રસંગે તો વારંવાર ઘંટડી ખખડાવી ભક્તોને આનંદ પમાડવાનું ચૂકતા નહિ.
પછી દરેક મંદિરમાં દંડવત્‌, મંદિરને ફરતી પ્રદક્ષિણા, હનુમાન-ગણપતિનાં દર્શન વગેરે નિત્યક્રમ કરી નીચે પધારે.
શણગારમાં જતાં પહેલાં નીચે અક્ષરદેરીમાં દર્શન, ચરણારવિંદ ઉપર ગુલાબનાં પુષ્પોથી પૂજા, પ્રદક્ષિણા, શાસ્ત્રીજી મહારાજની આરસની પ્રતિમાનાં દર્શન અને પુષ્પોથી પૂજા વગેરે વિધિ કરીને જ ઉપર મંદિરમાં જતા.
ત્યાર પછી ઉકાળા-પાણી કરવા પધારે. સામે કેટલાક સંતો-હરિભક્તો તો હોય જ. પોતે સાધારણ રીતે એકથી બે નાનાં દૂધીનાં થેપલાં અને ૩થી ૪ રકાબી ઉકાળો ગ્રહણ કરે, બાકી વિવિધ વાનગીઓ હોય તે પ્રસાદીરૂપે સામે બેઠેલા ભક્તોને વારંવાર આપીને ખુશ કરે. તે વાનગીઓ પોતે ચાખી પણ ન હોય છતાં તેનાં વખાણ કરતા જાય ને સૌને વહેંચતા જાય. સૌને વહેંચવામાં જ એમને અનેરો આનંદ આવતો. પછી થૂંકદાનીમાં હાથ ધૂએ અને કોગળા કરે.
પછી સભામંડપમાં પધારી કથાવાર્તા શરૂ કરે, ગમ્મત સાથે જ્ઞાન સૌને પીરસે. સૌને બ્રહ્માનંદનો અલૌકિક અનુભવ કરાવે. બ્રહ્મવિદ્યાના ગહન પાઠો પણ હસતાં રમતાં સૌને સમજાવે. કોઈને જ્ઞાનનો ભાર ન લાગે છતાં જ્ઞાનનો પ્રત્યક્ષ અનુભવ પણ થાય. પછી બીજા ભક્તો પાસે કથા કરાવે અને પોતે પત્રલેખન કરે. ઘણું કરીને જમણા પગને વાળીને તે ઉપર ટેકો ગોઠવી, પેડ મૂકીને, જમણા હાથથી ઠેઠ સુધી પેન બરાબર પકડીને ભારે હાથે લખવાની ટેવ. અક્ષરો અલૌકિક. જો લખતાં લખતાં પોતે વાંચે અને ક્યારેક પોતાના જ અક્ષરો પોતાને ન ઊકલે તો તેના ઉપર ખૂબ ચેકા મારીને ફરીથી તે લખે.
]ઈ.સ. ૧૯૫૯ પહેલાં તેઓ શણગાર આરતી પછી મંદિરમાં રસોડે, ભંડારમાં, કારખાનાના કામ ચાલતા હોય ત્યાં ફરતા અને સૌ સેવાની સોંપણી કરતા. પછી ઉકાળો-નાસ્તો કરવા પધારતા. તેમજ ઈ.સ. ૧૯૬૫ પછી ઉકાળા-પાણી કરીને સ્વામીશ્રી આરામમાં જતા અને દસ વાગે બહાર પધારી કથાવાર્તા કરતા.[
બરાબર ૧૧-૩૦ના રાજભોગ આરતીના ડંકા થાય ત્યાં સુધી પોતે કથાવાર્તા અને પત્રલેખન કરે. પછી સૌને આરતીમાં મોકલે અને પોતે રસોડે પધારે, મહેમાનોને બેસવાને માટે આસન, પાટલા, થાળી, વાટકા પ્યાલા વગેરે મુકાવે. અગાઉથી સૂચના પ્રમાણે બધું તૈયાર તો કરે. સૌ હરિભક્તોને ખૂબ તાણ કરીને જમાડે. વળી, સૌની રુચિ પણ સાચવે. કોઈને દૂધ, દહીં, છાશ વગેરે પણ પીરસાવે. પછી પોતે સંતો સાથે જમવા પધારે અને સાધારણ રીતે ૩થી ૪ ફૂલકા તથા દૂધીનું-પરવળનું મોળું શાક, મગની દાળ પાતળી અને ગળી ગયેલા થોડા ભાત. ભાતની સાથે ક્યારેક મોળા મગના પાપડ જમે. આંબાહળદર હોય તે ખાસ જમે. મિષ્ટાન્ન ક્યારેય લે નહિ. કોઈ બહુ આગ્રહ કરે તો ચપટીમાં આવે એટલું લઈ લે, પણ દાળમાં ચોળી નાખે. ખીર, ગળી રોટલી ક્યારેક જમે. પાછળથી થૂલી અને મગની દાળ વિશેષ જમતા, પણ સાથે બેઠેલા સંતોનાં પત્તર તો પોતે ખૂબ હોંશે હોંશે ભરી દે, છલકાવી દે, ગજા ઉપરાંત સંતોને પીરસે અને સંભારણું રાખવા કહે. જમ્યા પછી થૂંકદાનીમાં જ હાથ ધોઈ કોગળા કરે. બંને હાથ કાંડાના ઉપરના ભાગ સુધી ચોળીને ધોવાની ટેવ. મીઠાના પાણીએ કોગળા કરે. રૂમાલથી હાથ-મોઢું લૂછતાં એવા તો ઓડકાર ખાય કે જાણે ખૂબ જમ્યા છે. જમતાં જમતાં મહારાજ જમો, સ્વામી જમો' એમ બોલવાની ખાસ ટેવ.
પછી સભામંડપમાં પધારી કથા કરાવે. વચનામૃત વંચાવી ખૂબ હળવી વાર્તા કરી સૌને ગમ્મત કરાવે. બપોરની કથામાં બહુ જ્ઞાન-ગમ્મત કરે, બપોરની કથામાં ક્યારેક સભામંડપમાં સૌની સાથે ઘઉં વીણવા બેસે અથવા કોઈ શાક ફોલવાનું હોય તોપણ પ્રેમથી ફોલે.
કથા સમાપ્તિ પછી સૌને આજ્ઞા કરે, 'કરતા હોય તેમ કરો...' અને પોતે આરામમાં પધારે.
સવારના ભાગમાં પાણી ઓછુ _ પીએે. પણ જમ્યા પછી ખૂબ પીએ. એકી સાથે તુંબડી ભરી પી જાય અને તુંબડી ઊંધી કરી, જરા ખંખેરીને જ સેવકને પાછી આપે, જેથી તુંબડીમાં પાણી ન રહે. પછી લઘુ કરી આરામમાં પધારે. (પાછળથી લઘુ કરવાની વ્યવસ્થા પલંગની બાજુમાં જ કરવામાં આવતી.)
આરામમાં જતા પહેલાં સૌ સેવકોને પૂછે 'આજે શેની સ્મરતી કરશું...? એમ કહી ગઢડા, સારંગપુર, બોચાસણ, અમદાવાદ, અટલાદરા, ભાદરા વગેરે મંદિરો અને શાસ્ત્રીજી મહારાજની વારાફરતી સ્મૃતિ કરવાનું નક્કી કરે. પછી સોડ ખેંચી-યોગનિદ્રામાં ભક્તોનાં સુખને અર્થે પધારે.
બપોરે ઉત્થાપન પહેલાં અક્ષરદેરીમાં પધારે. એકાવન પ્રદક્ષિણા કરે. તે પણ ધીરી ચાલે, માળા ફેરવતા. ઉત્થાપન પછી ધ્યાન કરે. પછી અક્ષરદેરીના મહિમાની, સત્સંગની જૂના ઇતિહાસની અદ્‌ભુત વાતો કરે. અક્ષરદેરીનો અપરંપાર મહિમા કહે.
પછી સૌ સંતો-હરિભક્તો સેવામાં મોકલે અને પોતે સભામાં કથા શરૂ કરાવે. પોતે પત્ર વાંચે-લખે. ક્યારેક ઢળતી સંધ્યાએ સંતો-હરિભક્તો સાથે ઘાટ ઉપર કે વાડીમાં પધારે અને સભા કરી, દર્શનનું અલૌકિક સુખ આપે.
]પાછળથી અશક્તિને કારણે ખૂબ વિનંતી પછી માલિશ કરવાની રજા આપી હતી. તેથી રોજ સાંજે પગે માલિશ સુખડના તેલથી-બદામના તેલથી કરતા. જોકે સ્વામીશ્રીને તો સુખડનું તેલ છે એમ જ કહેવામાં આવતું, પણ વૈદ્યોની સૂચનાથી બદામનું તેલ પણ સાથે વાપરતા. યોગીજી મહારાજ આનાકાની બહુ કરે. પૂછે : 'શો ફાયદો પડે ?'
'બાપા ! થાક ઊતરી જાય, શક્તિ આવે.'
'શક્તિ તો આવતી નથી.'
'બાપા ! શક્તિ ધીરે ધીરે આવે.'
'ઠેક, ત્યારે કરી લ્યો.'
આવી રોજની ગડમથલ પછી, નાના બાળક જેવો વાર્તાલાપ કરતાં કરતાં, સ્વામીશ્રી છેવટે પરવાનગી આપે. આવી આનાકાની ઘણી બાબતોમાં થતી. શરૂઆતમાં વહેલી સવારે માલિશ કરતા. ત્યારે પગે, કેડે, બાવડે વાંસામાં એમ માલિશ કરતા. પાછળથી પગે જ માલિશ કરતા.[
સાંજે સંધ્યા આરતી પછી સ્નાનવિધિ, ઉકાળા-પાણી કરી, કથામાં પધારતા. રાત્રે સૂતાં પહેલાં મસ્તકે, તાળવામાં અને પગનાં તળિયાંમાં વૈદકીય સૂચનાથી ગાયનું ઘી ઘસવામાં આવતું. પછી 'ભગવાન ભજી લેવા, ભગવાન સૌનું ભલું કરો...' સૂત્રો બોલી, સૌ સેવકોને યાદ કરી, ફરીથી યોગનિદ્રામાં પોઢી જતા.
યોગીજી મહારાજ શિયાળામાં અને ચોમાસામાં ૭થી ૮ ઓઢવાનાં ઓઢતાં, તેમાં ગરમ સોડ, શાલ, ધાબળા, રજાઈ ઓઢતાં. ઉનાળામાં પણ ગરમ સોડ, ધાબળા હોય જ. રાત્રે ઘણુંખરું પડખાભેર સૂવાની ટેવ. તેમજ ઘણું કરીને જમણો પગ ડાબા પગના સાથળમાં ગોરખ આસન વાળીને પણ સૂવાની ટેવ અને થોડી થોડી વારે પડખું ફેરવવાની અને પગ હલાવવાની ટેવ એટલે આપણને સદા જાગ્રત જ લાગે.
શિયાળામાં અને ચોમાસામાં અખંડ સગડી પાસે રખાવે. શરૂઆતમાં હીટર મૂકતા, પણ તેની તેઓ ના પાડતા અને કહેતા કે હીટરથી માથું ચઢી જાય છે, પણ આફ્રિકામાં (ઈ.સ. ૧૯૬૦માં, ખાસ કરીને રોડેશિયામાં) સગડીનો અભાવ તેથી પોતાની ના-મરજી છતાં હીટર વાપરવું પડતું. ત્યારે હીટરની આગળ પાણીની થાળી ખાસ મુકાવતા અને કહેતા કે એનાથી તાપ ઓછો લાગે છે.
ઈ.સ. ૧૯૬૦ની પ્રથમ માંદગી પહેલાં યોગીજી મહારાજ હંમેશાં નીચે જ પથારીમાં સૂતા. આ માંદગીમાં સૌ હરિભક્તોના અત્યંત આગ્રહથી એમણે પાટ-પલંગ ઉપર સૂવાનું શરૂ કર્યું.
આ માંદગીમાં ઊંઘ ઓછી આવે છે એવી યોગીજી મહારાજની ફરિયાદથી તે માટેના ઉપાયો શરૂ થયા. બાકી મોટા પુરુષ તો ભક્તોના સુખને અર્થે યોગનિદ્રા ગ્રહણ કરે અને મૂકે. એમને સુષુપ્તિ અવસ્થા જ ન હોય. છતાં લૌકિક રીતે સ્વામીશ્રી બહુ મનુષ્યભાવ જણાવતા અને ઊંઘ અંગે ઘણી ફરિયાદ કરતા. તે માટે વિવિધ ગોળીઓ લેતા. બીજા પણ શિરોબસ્તિના, તક્રધારાના, તૈલધારાના, Infra Red Raysના વિવિધ ઉપચારો કરવામાં આવેલા, પણ કોઈ ઉપાય સ્વામીશ્રી માટે સફળ નીવડતો નહિ. ત્યારે સૌને જણાતું કે આ તો આપણને કેવળ સેવા-સ્મૃતિ આપવા માટે જ યોગીજી મહારાજ આવી લીલા કરે છે. શરૂઆતમાં વૈદ્યોએ તાળવામાં દૂધીનું તેલ ઘસવાની સલાહ આપી, તે આનાકાનીથી શરૂ થયું. પાછળથી તાળવામાં અને પગના તળિયામાં ગાયનું ઘી ઘસતા. આમ, અલૌકિક સુખ આપતા. ઉનાળામાં યોગીજી મહારાજને વાંસામાં, બાવડામાં, માથામાં, ક્યાંક તાપોલિયાં થતાં. તેથી બહુ આનાકાની પછી ગરમીનો પાઉડર(preakly Heat) લગાડવાની છૂટ આપતા અને થોડા વખતમાં તે બેસી પણ જતાં.
ખૂબ કાગળો લખવાને કારણે સ્વામીશ્રીને ખાસ કરીને જમણા હાથનો બાવડાનો-ખભાનો ભાગ ઘણી વાર બહુ દુખતો. તે એટલી હદ સુધી કે પોતે ક્યારેક નાહવાનો લોટો પણ ઉપાડી ન શકતા. ત્યારે ન છૂટકે સેવકો પાસે બાવડા ઉપર માલિશ કરાવતા. એવી જ રીતે હંમેશાં પૂજામાં, મંદિરોમાં અને તીર્થોમાં ખૂબ દંડવત્‌ કરવાથી યોગીજી મહારાજને બંને ઘૂંટણની નીચે ચામડી સોરાઈ જતી અને ખરજવા જેવું થઈ જતું, ત્યારે રોજ રાત્રે ચેષ્ટા પછી તે જગ્યાએ દવા ઘસવા દેતા. અને પગના અંગૂઠાના નખ પણ ખૂબ ચાલવાથી અને સેવાના પરિશ્રમથી જાડા-કોકડી જેવા થઈ ગયા હતા. તે કાપવાની બહુ તકલીફ પડતી. તેમાં ઘણી વાર અંદરના નૈયા સુધી નખ લેવાઈ જાય તો નૈયું પાકતું અને યોગીજી મહારાજને બહુ પીડા થતી. તેથી બે વાર તો અંગૂઠામાં-નૈયાનું આૅપરેશન પણ કરાવવું પડેલું.
ક્યારેક પરિશ્રમથી પિચોટી ખસી જતી, ત્યારે જૂના માણસો પાસે 'જૂની પદ્ધતિ' પ્રમાણે પિચોટી બેસાડતા, ઘણી વાર મોટા સ્વામી(યજ્ઞપ્રિયદાસ સ્વામી)એ પણ સ્વામીશ્રીની પિચોટી બેસાડી છે.
તેવી જ રીતે શિયાળામાં કફની તકલીફ થઈ જતી, ત્યારે છાતીએ શેક પણ કરાવતા. ક્યારેક બાજરાની રાબ પણ પીતા. કબજિયાતની તકલીફને કારણે શરૂઆતમાં લિક્વિડ પેરાફીન લેતા અને પાછળથી મિલ્ક આૅફ મેગ્નેસિયાની ગોળી લેતા.
પાછળનાં વર્ષોમાં આવા અનેક પ્રસંગોએ, અનેક નાના-મોટા રોગ ધારણ કરી, યોગીજી મહારાજે કેવળ કૃપા કરી ભક્તોને અપાર સેવા-સુખ આપ્યાં છે.
શરૂઆતનાં વર્ષોમાં ગામડાંઓમાં યુવકોને સાથે ફેરવતા ત્યારે વહેલી સવારે ૪-૦૦ વાગે અને રાત્રે ચેષ્ટા પછી ૧૨-૦૦ વાગે ત્યાગ, વૈરાગ્ય, નિયમ, ધર્મ, અને પંચવિષયના ખંડનની, સંસારની અસારતાની, નિષ્ઠાની કલાકો સુધી વાતો-ગોષ્ઠિ કરી, કરાવી અદ્‌ભુત દાખડો કર્યો છે.
વળી, આખા દિવસમાં પધરામણી, પત્રલેખન, ખાનગી વગેરે ઇતર પ્રવૃત્તિઓ તો ખરી જ. આવો ભગીરથ પુરુષાર્થ કરી યોગીજી મહારાજે આબાલવૃદ્ધ સૌને ય સત્સંગાભિમુખ કરી, સંપ્રદાયના કલેવરને વજ્રનું બખ્તર ઘડી આપ્યું છે! યાવત્‌ચંદ્રદિવાકરૌ સુધીનું સંપ્રદાયનું આયુષ્ય વધાર્યું છે!

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |