|
સમસ્યાઓના સમાધાનની જડીબુટ્ટી (લેખાંક-૯)
સાચી સમજણમાં સુખ
'સુખી જીવન'ની વ્યાખ્યા કરવી અતિ મુશ્કેલ છે.
કોઈ પણ વ્યક્તિના જીવનના - જન્મથી મૃત્યુ પર્યંતના બધા જ તબક્કાઓ સુખમય વીત્યા હોય એવું ભાગ્યે જ બને છે. શૈશવ સુખમાં વીત્યું હોય, યુવાની ઍશ-આરામમાં વીતાવી હોય અને પાછલી અવસ્થા દુઃખકારી બની જાય - એના કહેવાતા સ્વજનો ય હવે એની ભાળ લેવા આવતા ન હોય ! લૌકિક દૃષ્ટિએ જેમાં સુખ મનાયું છે - પુત્ર-પરિવાર, વ્યવસાય, ધન, સંપત્તિ, સત્તા ઇત્યાદિ પ્રાપ્ત કર્યું હોય, પરંતુ જો શારીરિક સ્વાસ્થ્ય લથડે તો આ સુખનો આસ્વાદ માણવાની ક્ષમતા જ ન રહે. શરીરસુખ સારું હોય, દ્રવ્યાદિક વિષે કોઈ મણા ન હોય અને છોકરો કહ્યામાં ન રહે અને વંઠે તો અજંપાનો - ઉદ્વેગનો વિષાદ છવાઈ જાય. વિવિધ પડળોની બનેલી છે આ જિંદગી - જો પ્રારંભનાં પડળોમાં સુખ તો પછીનાં પડળોમાં દુઃખ !
અલમસ્ત, ગુણાતીત સ્થિતિમાં નિશદિન રત સત્પુરુષ સિવાય કોઈ એવી વ્યક્તિ નહિ હોય જેનું જીવન સાંગોપાંગ સુખથી ભર્યું હોય. જગતે પેદા કરેલા ધનિકો, સમ્રાટો, સત્તાધીશો અરે તજજ્ઞોએ પણ જીવનના અંતિમ તબક્કામાં 'અધુરપ'ની 'ખાલીપા'ની ફરિયાદ કર્યા કરી છે. સર્જનહારે જીવનનો આ જામ પૂરો ભરેલો રાખ્યો નથી. તેને અર્ધો ભરેલો કે અર્ધો ખાલી કહેવો એ, જે તે વ્યક્તિની દૃષ્ટિ અને તેના વલણ પર નિર્ભર છે. નિષેધાત્મક વલણ ધરાવતી વ્યક્તિ એને અર્ધો ખાલી માની સુખની ઝડીઓ વચ્ચે પણ કોરી રહી જાય છે. જ્યારે વિધેયાત્મક વલણ ધરાવતી વ્યક્તિ તેને અર્ધો ભરેલો માની જિંદગીની પ્રત્યેક ક્ષણને આસ્વાદે છે.
ઘટનાઓ પ્રત્યેનું આવું વિધેયાત્મક વલણ જ જીવનની વિષમતાઓ સામે ઝઝૂમવામાં મદદરૂપ બને છે. વિશ્વમાં ઘણી વ્યક્તિઓ એવી થઈ ગઈ જેને પ્રકૃતિએ જન્મથી જ આંધળી, બહેરી, અપંગ સર્જી હોય અને છતાંય ઈશ્વરેચ્છાને શિરોધાર્ય માની, વિધેયાત્મક વલણ દાખવી, સાચી સમજણ દાખવી સફળ જીવન જીવી ગઈ હોય. હેલન કેલર એનું ઉત્કૃષ્ટ દૃષ્ટાંત છે. પ્રકાંડ પંડિત એવા સુખલાલજીએ પણ ચર્મચક્ષુ ગુમાવેલાં હતાં.
એક ભાઈનો ડાબો હાથ અકસ્માત્માં કપાઈ ગયો. કોઈકે પૂછ્યું : 'તમને તમારા હાથની ખોટ સાલતી નથી ?'
'સાચું કહું' એ માણસે કહ્યું : 'સોયમાં દોરો પરોવવો હોય એ સિવાય ભાગ્યે જ મને તે યાદ આવે છે.'
પોતાનો એક હાથ કપાઈ જાય તો અન્ય હાથને કેળવીને, ઉદ્યમ કરી નિભાવ ચલાવે છે. બન્ને હાથ કપાઈ ગયા હોય તો પગ દ્વારા હાથનું કામ લઈ જીવન ગુજારતી વ્યક્તિઓ સમાજમાં જોવા મળે છે.
ભગવાન સ્વામિનારાયણ વચનામૃત ગઢડા પ્ર.૭૦માં, ભગવાનનો નિશ્ચય કરવો તે એકલો પોતાના જીવના કલ્યાણને અર્થે કરવો એવો ઉપદેશ આપી મુમુક્ષુએ કેવી સવળી સમજણ દાખવવી એ વિષે વાત કરતાં કહે છે કે '...કાં જે ઘરમાં દશ માણસ હોઈએ અને તે દશેનું મૃત્યુ આવ્યું હોય તેમાંથી એક જણ ઊગરે તો શું થોડો છે ? કે હાથમાં રામપત્તર આવવાનું હોય અને રોટલા ખાવા મળે તે શું થોડા છે ? સર્વે જનારું હતું તેમાંથી એટલું રહ્યું તે તો ઘણું છે એમ માનવું. એમ અતિશય દુઃખ થવાનું હોય તો તેમાંથી પરમેશ્વરનો આશરો કરીએ તો થોડુંક ઓછું થાય ખરું. પણ એ જીવને એમ સમજાતું નથી. અને જો શૂળી લખી હોય તો કાંટેથી ટળી જાય એટલો તો ફેર પડે છે...' એમ કહીને પછી શૂળીનું દુઃખ કાંટે ટળ્યું એવા એક ચોરનું દૃષ્ટાંત આપે છે. અને ત્યારબાદ, વિશ્વના સાંસ્કૃતિક ઇતિહાસમાં કદીય જેનો જોટો ન જડે એવાં બે વિરલ વરદાનો તેમણે તેમના ગુરુ રામાનંદ સ્વામી પાસે, પોતાના આશ્રિતોના યોગક્ષેમના વહન માટે માંગ્યાં કે '...તેને એક વીંછીનું દુઃખ થવાનું હોય તો તે મને એક એક રૂંવાડે કોટિ કોટિ વીંછીનું દુઃખ થાઓ, પણ તમારા સત્સંગીને તે થાઓ નહિ. અને તમારા સત્સંગીને પ્રારબ્ધમાં રામપત્તર લખ્યું હોય, તે રામપત્તર મને આવે પણ તમારા સત્સંગી અન્નવસ્ત્રે કરીને દુઃખી થાય નહિ...' આ વાત પણ ભગવાન સ્વામિનારાયણ પ્રસ્તુત વચનામૃતમાં કરે છે.
માણસ પોતે માનેલાં સુખ માટે વલખાં મારે અને કદાચ એ તમામ તેને પ્રાપ્ત થાય તોય તે અતૃપ્ત જ રહેવાનો. સાઇકલમાંથી સ્કૂટર, મોટર, બંગલો, જર-ઝવેરાત, નોકરચાકર, સંતતિ, સત્તા... અંત જ નથી એની એષણાઓનો !! તે ગમે તેટલું કેમ ન મેળવે તોય તે સીમિત જ રહેવાનું. તેણે હજુ જે નથી મેળવ્યું તે અસીમ, અમાપ રહેવાનું. પ્રકૃતિનો આ અફર નિયમ છે. તો પછી શા માટે તેણે દુઃખી થવું જોઈએ ? જેટલું મળ્યું છે તે ઈશ્વરની ઇચ્છાથી મળ્યું છે એમ માની સ્વસ્થ શાંત, સંતોષી જીવન ન જીવાય ? આશાવાદી અભિગમ કેમ ન કેળવાય ?
બે મિત્રો જીવનની ફિલસૂફીની ચર્ચાએ ચડ્યા હતા. એકે કહ્યું, 'આ જિંદગી તો ચાર દિનની ચાંદની છે.'
બીજાએ કહ્યું, 'ચાર દિન જેટલી ટૂંકી છે, પણ છે તો ચાંદની.' જે કાંઈ છે તે ટૂંકું, અલ્પ, સીમિત એમાં જ સંતોષ કેમ ન માનવો ? જે કાંઈ અને જેટલું આપ્યું હોય તે ઈશ્વરદત્ત છે એમ માની ખરી રીતે તો માણસે પ્રભુનો આભાર માનવો જોઈએ. અનેક પ્રકારનાં દુઃખોમાં સબડતા લોકોને જોઈ ખરી રીતે તો અંતરના ઊંડાણથી ઈશ્વરનો પાડ માનતા કહેવું જોઈએ કે તારી પરમ દયાથી શરીરને હજુ કોઈ જીવલેણ વ્યાધિ નથી થયો,
હજુ નોકરી છૂટી નથી ગઈ, હજુ દેવાળિયા થઈ જવાયું નથી, હજુ રહેવા માટે એક ખોરડું તો છે, પોતાનું કહી શકાય એવું એક સ્વજન હજુ તો છે, કૉર્ટ, કચેરીનાં પગથિયાં તો હજુ ઘસવાં નથી પડ્યા, કોઈ આતંકના ભોગ તો હજુ નથી બનવું પડ્યું. આવી સાચી સમજણ દાખવી સર્જનહારનો ૠણ સ્વીકાર કરવો જોઈએ.
ફિલ બૉસ્મન્સ નામના એક બેલ્જિયમ લેખકે ઈશ્વરનો પાડ માનતાં કહ્યું છે કે :
'ઈશ્વર ! મારી પાસે પર્યાપ્ત છે અમૂલ્ય રત્ન
જેવી બે આંખો,
આનંદની બંસરી બજાવી શકાય એવું મુખ,
પૈસાથી ખરીદી ન શકાય એવી તંદુરસ્તી છે.
હે ઈશ્વર ! મારી પાસે પર્યાપ્ત છે,
આકાશમાં સૂર્ય છે.
માથા પર છાપરું છે.
મારા હાથને કામ મળી રહે છે.
ખાવાપીવાની ખેંચ નથી.
અને પ્રેમ કરી શકું એવાં સ્વજનો છે.
હે ઈશ્વર ! મારી પાસે પર્યાપ્ત છે.
ભગવાન બુદ્ધનો એક શિષ્ય હતો : પૂર્ણ. તેની શિક્ષા પૂરી થઈ. હવે તેણે પ્રચાર અર્થે લોકો સમક્ષ જવાની બુદ્ધે આજ્ઞા કરી. તેણે 'સુખા' નામના એક પ્રદેશમાં જવાનું નક્કી કર્યું. બુદ્ધે કહ્યું : 'પૂર્ણ ! ત્યાંના લોકો દુષ્ટ છે, ગાળો આપે છે અને અપમાન કરે છે.'
પૂર્ણએ કહ્યું : 'એ તો ઘણા સારા કહેવાય, માર મારતા તો નથી ને ?'
'તને માર પણ મારશે, પથ્થરોથી મારશે.' બુદ્ધે કહ્યું.
'પ્રભુ ! હું એમ જ સમજીશ કે તેઓ કેટલા ભલા છે. માત્ર માર મારે છે પરંતુ મારી તો નથી નાખતાને ?'
'ધારો કે તને મારી પણ નાખે તો એ અંતિમ ક્ષણોમાં તું શું વિચારીશ ?'
'હું તેમને ધન્યવાદ આપીશ કે કેટલા સારા લોકો છે જેમણે મને જીવનમાંથી મુક્તિ અપાવી.' પૂર્ણએ જવાબ આપ્યો.
'જા, પૂર્ણ હવે તું ગમે ત્યાં જઈ શકે છે. તું પરીક્ષામાંથી પસાર થઈ ગયો.' બુદ્ધે કહ્યું.
પૂર્ણએ સાચી સમજણ દાખવી તો બુદ્ધની કસોટીમાંથી પાર ઊતરી ગયો.
પોતાની ઇચ્છાઓની પરિપૂર્તિમાં જ માણસ ઈશ્વરની કૃપાનું દર્શન કરે છે. પોતાનું ધાર્યું થાય, સંકલ્પો ફળે તો ઈશ્વરકૃપા ઊતરી એમ માને છે. અને જો પાસા પોબાર ન પડ્યા કે અવળા પડ્યા, તો જે વેગથી સત્સંગમાં જોડાયો હોય તેના બમણા વેગથી તે પાછો પડે છે. જો સમજણે કરીને તે ઈશ્વરનો આશ્રિત બન્યો હોય, તો ગમે તેવી વિપદામાં પણ તેનું વલણ વિધેયાત્મક જ રહેશે. તેની શ્રદ્ધા અચળ રહેશે. આપત્તિમાં ફસાય ખરો પરંતુ આશરાના બળે ધીમે ધીમે તેમાંથી મુક્ત થાય.
સાચી સમજણ કેળવવી એટલે વિવેક, વિચાર, નિશ્ચય, લક્ષ્ય તરફ નજર, મૌન, ધીરજ, તટસ્થતા, ઈશ્વરનું સર્વોપરીપણું જેવા ગુણો કેળવવા. સમજવું અને જાણવું એ બેમાં ભેદ છે. માત્ર જાણકારી પ્રાપ્ત કરવાથી સાચી સમજણ પ્રાપ્ત થતી નથી.
સાચી સમજણ એટલે ભગવાન જ કર્તા-હર્તા છે. ભગવાન જ સર્વજ્ઞ, સર્વશક્તિમાન અને સર્વવ્યાપક છે અને પોતે તો નિમિત્તમાત્ર છે એવું દૃઢપણે માનવું. આવી સમજણ કેળવાય તો તે પ્રમાણે આચરણ થાય. આવા આચરણમાં સ્થિરતા હોય, ભગવાન પરત્વેની પૂર્ણ શ્રદ્ધા હોય, ગમે તેવા દેશકાળનો સ્વીકાર કરવાની તૈયારી હોય. જે કાંઈ કરે છે તે ભગવાન આપણા ભલા માટે જ કરે છે. સુખ નહિ આપવા પાછળનું કારણ આગળ જતાં એ દુઃખમય બનવાનું હશે.
પ્રમુખસ્વામી મહારાજ કહે છે, 'સુખ ભગવાને આપ્યું છે, દુઃખ પણ એણે જ આપ્યું છે. એવું સમજે તો કોઈ ઉપર રાગ-દ્વેષ થાય નહિ... અનંતકોટિ બ્રહ્માંડોનું નિયંત્રણ કરનાર પરમાત્મા છે તો બધું બરોબર ચાલે છે. જગતના કર્તા પરમાત્મા છે તેમ માની કાર્ય કરીએ તો શાંતિ રહે. ભગવાન આકાશમાંથી યે રોટલા આપશે...'
કેટલાય મહાન ભક્તોએ તો ભગવાન પાસે સામેથી દુઃખ માંગ્યું છે. કુંતીએ શ્રીકૃષ્ણ પાસે દુઃખ માંગ્યું હતું, કારણ કે દુઃખને કારણે ભગવાનનું સ્મરણ રહેતું, તેમનું સાન્નિધ્ય અનુભવાતું. નરસિંહ મહેતાએ ગાયું :
'ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રીગોપાળ.'
મીરાંએ કહ્યું :
'રામ રાખે તેમ રહીએ ઓધવજી, આપણે ચિઠ્ઠીના ચાકર છઈએ...'
ભગતજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામી પાસે સંસારના કોઈ સુખને માંગ્યું જ નહિ, તેને તો તેમણે 'નકામું' અને 'ક્ષણિક' કહ્યું. 'જ્ઞાન દો ગુરુ આપનું' એવું માંગ્યું.
ટાગોરના પરિવારમાં પાંચ અતિ નજીકનાં સ્વજનોનાં મરણ થયાં, પરંતુ તેઓ ભાંગી નહોતા પડ્યા. એક ભાઈએ તેમને પૂછ્યું, 'આ તો આશ્ચર્ય કહેવાય !!'
'મને એ સ્વાભાવિક લાગે છે.' ટાગોરે કહ્યું. 'તમારી જગ્યાએ અમે હોઈએ તો જરૂર ભાંગી પડીએ.'
'આપણે પોતાના બાહુબળ ઉપર જ મદાર બાંધીએ છીએ પણ અનેક બળ એવાં છે જેમનો સ્પર્શ પણ નવી ચેતના જન્માવે.' સમજણથી ભરેલો એવો ટાગોરનો આ જવાબ હતો.
ઘણી વખત મુખે પ્રભુનું નામસ્મરણ ચાલતું હોય પરંતુ યથાર્થ એવી સમજણના અભાવે તેમનું નિરંતર સાન્નિધ્ય નથી અનુભવાતું.
ઈશુનો શિષ્ય પીટર વારંવાર અકળાતો.
ઈશુએ તેને ટોક્યો, 'આવું કેમ ચાલે ?' 'તો શું કરું ?!'
'તારે પ્રભુનું કામ કરવાનું છે એમાં આવો કંટાળો ચાલે ?' 'રસ્તો બતાવો.'
'રસ્તો સાવ સરળ છે. માત્ર તારી પોતાની શક્તિ ઉપર આધાર ના રાખીશ. પ્રભુની શક્તિ તારી સાથે છે એટલું યાદ રાખી ઉત્સાહથી ચાલતો જા.'
ટોલ્સટોય કહે છે કે 'સુખની દરેક કથા સામાન્ય અને એક સમાન હોય છે, પરંતુ દુઃખની દરેક કથા જુદી જુદી હોય છે.'
ફ્રાંસની ખ્યાતનામ લેખિકા કોલેટને પારાવાર દુઃખ પડ્યાં ! ૧૮ વર્ષની વયે વીલી નામના પુરુષને પરણી. એ વિલાસી અને નિષ્ઠુર નીવડ્યો. તેણે તેનું ભયંકર શોષણ કર્યું. તેનું સમગ્ર લેખનકાર્ય તે પોતાના નામે બળજબરીથી છપાવતો. એ રીતે મબલખ પૈસા અને કીર્તિ કમાઈ તે એશ આરામ કરતો. તેના ચક્કરમાંથી બહાર આવતાં તેનાં બાવીસ વર્ષ વહી ગયાં ! ૧૯૫૩માં ૮૨ વર્ષની ઉંમરે તે મૃત્યુ પામી. સમગ્ર જીવન દરમ્યાન જે દુઃખ સહન કર્યાં તે વિષે તે પોતે જ કહે છે કે 'મેં શું શું જોયું નથી ? શું શું અનુભવ્યું નથી ? ઈર્ષ્યાનો ભભૂકતો અગ્નિ, કારમી ભૂખ, અપમાન, તિરસ્કાર, બદનામી, કાંઈ બાકી રહ્યું નથી. મારે મારું ઘર ક્યાં શોધવું ? મારી અંદર જ મારી યાતનાઓના પોપડા હું ખોદું છું.'
પરંતુ દુઃખો સામે એ ખડક સમી ઊભી રહી છે. ડગી નથી. તેનામાં પડેલા સર્જકને તેણે ઊની આંચ આવવા દીધી નથી. તે લખે છે કે, 'હૈયું ગભરાટથી છાતીનું પિંજરું તોડીને ભાગી છૂટવા પાંખો પછાડતું રહ્યું હશે. મસ્તિષ્ક ક્યારેક ધડ પરથી છૂટું પડી કૂદકો મારી સંતાઈ જવાના રસ્તા શોધવા લાગ્યું હશે, પગ ઓગળતી મીણબત્તીની જેમ ફસકાઈ પડ્યા હશે; પણ જિંદગીની કોઈ રૌદ્રતા, કોઈ ભયાનકતા સામે મેં આંખો બંધ કરી નથી. આંખોનું વિસ્મય મરવા દીધું નથી. વીંછીના હજાર ડંખ લઈને લાગણી મારા હૈયામાં સગપણ કાઢીને આવી ત્યારે તેને પિછાણવાની અને તેનું સ્વાગત કરવાની મેં કદી ના પાડી નથી.'
ભયાનક યાતનાઓ પ્રત્યેનો પણ તેનો અભિગમ તો જુઓ. તે લખે છે, 'દુઃખ તો બધાંને પડે છે પણ દુઃખનો સૌથી વધુ ભાર સંવેદનશીલ હૈયું ઉપાડે છે. સર્જકનું સંવેદનશીલ હૈયું ગમે તે દુઃખ સહન કરવાની ના કઈ રીતે પાડી શકે ? ડૉક્ટર ગમે તે જખમને ખોલવાની અને કાપવાની ના કઈ રીતે પાડી શકે ? વેદનાનું વર્ણન કરવાની સર્જક ના કઈ રીતે પાડી શકે ? વેદના ! નજીક આવ, મને તારું રૂપ-અરૂપ જોવા દે, મારે તારું વર્ણન કર્યા વિના તો છૂટકો જ નથી.'
માનવીનું સમગ્ર જીવન એ સમય અને સંસાર સાથેનો સતત સંઘર્ષ છે. પરંતુ ઈશ્વરનું શરણું પકડી તેનું સર્વકર્તા-હર્તાપણું સ્વીકારી આ સંઘર્ષને, સમજણ કરીને કોઠે પાડ્યા સિવાય બીજો કોઈ રસ્તો નથી. સર્જનહારે જીવન એવું તો વણ્યું છે કે નિષ્ફળતા કે નિરાશાના દર દસ ટાંકે એક ટાંકો સફળતાનો કે આશાનો જોવા મળે. નિષ્ફળતાના ખુલાસા આપવા પડે, સફળતાનું માત્ર રહસ્ય જ પૂછવામાં આવે. અનેક મહાન વ્યક્તિઓનાં જીવન કષ્ટોથી ભરેલાં હોવા છતાં તેઓ સફળ રહ્યા. તેનાં કારણોમાં મહત્ત્વનું કારણ તેમનો ઈશ્વર પર ભરોસો - સંપૂર્ણ શરણાગતિ - એ રહ્યું છે. દુઃખોના પ્રગાઢ અંધકાર વચ્ચે, પ્રભુ પરના આશરાની આ જ્યોત જલતી જ રહે છે.
સામી ભીંતને પછવાડે શું હશે એની પણ ખબર ન પડે એવો માણસ, પોતાને સૂઝે એવાં પૂર્વાનુમાનો કરે છે, આગાહીઓ કરે છે, અંદાજો બાંધે છે અને તેને આધારે નિર્ણયો લે છે. સમયનાં આવરણોને ભેદી અનંત સુધી પહોંચતી ભગવાનની દિવ્ય દૃષ્ટિથી તે અજાણ છે. વચનામૃત જેતલપુરના ૫ માં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે '...હું તો ભૂત, ભવિષ્ય ને વર્તમાન એ ત્રણે કાળને વિષે સર્વ ક્રિયાને જાણું છું...'
તેથી કોઈ પણ વિષમ દેશકાળમાં ધીરજ ગુમાવ્યા સિવાય, 'ઈશ્વર જે કરશે તે બરાબર જ હશે' એવો દૃઢ વિચાર રાખે તો ટકી શકાય.
ભગવાનને સમ્યક્ પ્રકારે જેણે ધાર્યા છે એવા પ્રમુખસ્વામી મહારાજ પાસે આપણે બહુધા, વ્યવસાય અને વ્યવહારના ભાવીને લગતા પ્રશ્નો લઈને જઈએ છીએ. તેઓશ્રી શ્રેષ્ઠ માર્ગદર્શન પૂરું પાડે છે. સ્વામીશ્રીની મુલાકાત પછી પણ આપણા મનની હાલકડોલક અને અધીરાઈભરી સ્થિતિ હોય છે કે 'હવે આ બાબતે સમય તો વીતી ગયો - કેમ થશે ?' અથવા તો 'આ બાબતે નિર્દિષ્ટ સમયરેખાને કેમ પહોંચી વળાશે ?' વગેરે અનંતકાળ સુધીના ભાવીની ભીતરમાં જેની દૃષ્ટિ પૂગે છે એવા આ દિવ્યપુરુષ જે કહે છે તે આપણા માટે શ્રેયસ્કર જ હોય એવી સમજણ એ જ સાચી સમજણ. જો એમનું શરણું સ્વીકારીએ તો મદદ મળે જ છે, રક્ષા થાય જ છે. લંડનનો હિતેશ પટેલ નામનો એક યુવક એક વર્ષ સુધી સ્વામીનો સમાગમ કરી પરત જઈ રહ્યો હતો. તેણે પાંચમી સપ્ટેમ્બરની પાન-અમેરિકન ઍરલાઇન્સની ટિકિટ બુક કરાવી હતી. રાત્રે સ્વામીશ્રીએ દર્શન દઈ કહ્યું, 'આ તારીખ રદ કરાવીને કોઈ બીજી તારીખનું બુકિંગ કરાવ.'
હિતેશે તે જ દિવસે બુકિંગ રદ કરાવી સાતમીનું કરાવ્યું. પાંચમીના એ વિમાનનું કરાંચીથી અપહરણ થઈ ગયું હતું !! સ્વામીશ્રીએ એની રક્ષા કરી.
સ્થિપ્રજ્ઞતાની સર્વોચ્ચ સ્થિતિએ પોતે તો વિરાજે છે પરંતુ તેમણે પકવેલા એવા હરિભક્તોની સમજણ પણ ઉદાહરણીય હોય છે. કેનેડાના ગુજરાતી સમાજ અને સત્સંગના અગ્રણી ભગવાનજી માંડવિયાને ૧૯૮૫માં પોતાના બ્લડ કૅન્સરની જાણ થઈ છતાં સહેજ પણ વિચલિત ન થયા. અંતિમ દિવસોમાં તેમણે તેમના મિત્રને પાઠવેલા પત્રમાં એમની સાચી સમજણનાં દર્શન થાય છે. 'શારીરિક દુઃખો તો બધાંને આવે છે. રામકૃષ્ણ પરમહંસ જેવા મહાપુરુષોને પણ કૅન્સર થયું હતું. જીવનમાં ઉપાધિઓ તો આવે પણ પ્રમુખસ્વામી જેવા ભગવાનના ધારક સંતનું શરણ ક્યારેય છોડવું જોઈએ નહિ. શ્રીજીમહારાજ અને સ્વામીશ્રીમાં આપણી શ્રદ્ધા અડગ રહેવી જોઈએ.' ઉચ્ચકોટિની આવી સમજણ દાખવી, ભગવાનને સર્વ કર્તાહર્તા સમજી, તેમની ઇચ્છા એ જ આપણું પ્રારબ્ધ એમ સમજી કેવળ સ્વકલ્યાણ અર્થે જ સત્સંગ કરીએ તો વાસ્તવિક સુખ એમાં રહેલું છે, એવો બોધ આ વચનામૃતમાંથી પ્રાપ્ત થાય.
|
|