|
'એક સાધુએ પ્રાર્થનાના ઊંડાણમાં ડૂબકી મારતાં કહ્યું છે :
'ભગવાન પાસે મૌન વિના બીજી કોઈ ભાષા નથી, અને ભગવાનની આ ભાષા શાંતિનું સત્ત્વ છે.'
આપણે જ્યારે શારીરિક રોગ અને માનસિક સંતાપ ભોગવતાં હોઈએ છીએ, ત્યારે ભગવાનને પોકારી ઊઠીએ છીએ. પ્રાર્થના, યાચના, માનતા, આર્તભાવે વંદના અને દુઃખમાંથી મુક્ત કરવાની માગણી. બીજા કોઈ ઉપાયો જ્યારે કામ ન આવે ત્યારે આપણે આ ભાંગેલાં શકોરાં લઈ ભગવાનની પાછળ પડી જઈએ છીએ અને જ્યારે આપણી માગણીનો કાંઈ પણ જવાબ ન મળે ત્યારે ક્રોધથી શકોરું પટકી ઈશ્વરનો જ ઇનકાર કરી બેસીએ છીએ.
મનુષ્ય માટે આ સ્વાભાવિક છે. કોઈ અકસીર ઇલાજ તરીકે ભગવાનનો આપણે ઉપયોગ કરવા જઈએ છીએ પણ એને જાણે આપણી યાચના અને યાતનાની પડી જ નથી. પેલા સાધુએ તો ભગવાન પાસે કેવળ, મૌન ધરીને જ હાજર થવાનું કહ્યું છે. આગળ એ કહે છે :
'અને જે લોકો ભગવાન પાસે માત્ર મૌનને પગલે જાય છે તેમનું એ સાંભળે છે અને તેમને જવાબ મળી રહે છે.'
આ એક વિલક્ષણ અનુભવની વાણી છે. એવા મનુષ્યો પણ આ જગતમાં છે, જેમની પ્રાર્થના વ્યર્થ નથી ગઈ; જેમને પોતાનો જવાબ મળી ગયો છે અને એ જવાબ મેળવી જેઓ શાંતિ પામ્યા છે.
મારી આસપાસનું જગત તો કોલાહલથી ભર્યું છે, પણ મારી પ્રાર્થનાના ખંડમાં પણ અવાજોનો પાર નથી. આ અવાજોને બહાર રાખી મારે અંતરની પ્રાર્થનામાં પ્રવેશ કરવો રહ્યો. જે સર્વજ્ઞ છે તેને ચરણે તે કાંઈ નિવેદન કરવાનું હોય ? એ મારી પીડા, વ્યથા અને તેમાં બહાર નીકળવા માટેની વ્યાકુળતા જાણે જ છે. મારે આ વ્યાકુળતાને જ જરા કહેવું પડશે કે 'તું આ પ્રાર્થનાખંડની બહાર થોડી વાર થોભી જા. મારા અંતરમાં શાંતિ, કેવળ નીરવ શાંતિ પથરાઈ જવા દે.' થોડી ક્ષણો પણ આવી શાંતિમાં મારું મન પ્રવેશ કરે તો તેથી મારી પીડા મટી જશે એમ નહિ, પણ પીડાનો કંઈ અર્થ તો જરૂર જડશે.
મનુષ્યના હૃદયમાં રહેલો અંતર્યામી મનુષ્યનો ખેલ જોયા કરે છે. એ નિર્દય, નિષ્ઠુર બની ફક્ત નિહાળ્યા નથી કરતો, પણ અપાર શાંતિથી પોતાના બાળકની વાટ જુ એ છે. પોતાની અંદર તે આવે તેની વાટ અને વાણી તેમજ વિચારનું છેલ્લું બિંદુ પણ મનુષ્ય જ્યારે ખંખેરી નાખે છે ત્યારે પૂર્વે કદી ન અનુભવેલી શાતાનો તેને અનુભવ થાય છે. કોઈ ચમત્કાર બહાર દેખાતો નથી, પણ મૌનના ખંડમાં જેણે મૌન સામે મીટ માંડી હોય છે તેમની જાતમાં અજબ પલટો આવી જાય છે.
આપણે શરીર અને મનની પીડાનો જે તરફડાટ અનુભવીએ છીએ એ તો બહારના આંગણમાં જ મચેલી હલચલ હોય છે. પણ સંપૂર્ણ સ્વસ્થતા અને સમૃદ્ધિની વચ્ચે થઈને જે પીડા દાવાનળની જેમ પ્રવેશ કરે છે તે આપણા અંતરખંડને પ્રજાળી મૂકે છે. માત્ર ભગવાન માટેનો જ પ્રેમ પ્રગટે ત્યારે શું ભગવાનને કાને પણ ધા ન નાખવી? ત્યારે પણ હોઠ બંધ, જીભ બંધ? હૃદયમાં ઘોળાતી વેદનાને મુખે તાળાં? આ અંતર્દાહ જેમણે વેઠ્યો છે તેમને માટે શાંતિજળ ક્યાં?
સ્વામી સહજાનંદના શિષ્ય નિષ્કુળાનંદનો એક પ્રસંગ છે. નિષ્કુળાનંદ તેમના વૈરાગ્યનાં પદો વડે પ્રખ્યાત છે. તે ધોલેરાના મંદિરમાં રહેતા અને સહજાનંદ સ્વામીની આજ્ઞાથી ધોલેરા મંદિરનો વહીવટ સંભાળતા. પણ તેમનું હૃદય તો ગઢડાની અક્ષર ઓરડીમાં બિરાજતા શ્રીજીમહારાજ પાસે રહેતું. નિષ્કુળાનંદને કોઈક વાર મહારાજને મળવાની એટલી તો ઉત્કંઠા થતી કે તેમનાથી રહેવાતું નહિ. તેમના શરીરમાં લોહીના ટશિયા ફૂટી નીકળતા. આ જોઈ હરિભક્તો કહેતા :
'સ્વામી, આટલી બધી વ્યાકુળતા થાય છે તો મહારાજને કાગળ લખી મોકલો ને! તમને તરત બોલાવશે.'
નિષ્કુળાનંદ જવાબ આપતા : 'જેમને માટે હૃદય તલસે છે એ શું માત્ર કાગળથી જ જાણે છે? તેમને પોતાને શું એની ખબર નથી?'
'પણ તમારી આ પીડા જોઈ નથી શકાતી, સ્વામી!'
'પણ પ્રભુ તો જાણે છે ને! જુ એ છે ને! તેમને યોગ્ય લાગશે ત્યારે અચૂક બોલાવશે મને. તમે મારી ચિંતા ન કરો. ભગવાનનાં કીર્તન કરો.'
નિષ્કુળાનંદના શરીરમાં વિરહના ડામ દેવાતા હોય, લાલ ચકામા ઊપસી આવતાં હોય ત્યારે પણ ભગવાનને પોતે સંદેશો કહેવડાવવાનો નહિ! કયા બળના આધાર પર આ સાધુ અસહ્ય વ્યથા વચ્ચે પણ અડોલ રહી શકેલા?
પરમ નિષ્ઠા, અનંત ધૈર્યઃ આ બે ઉજ્જ્વળ આંખો જ્યારે ભગવાન પ્રત્યે મૂક મીટ માંડે છે ત્યારે ક્યાંકથી વણલખ્યો, વણકથ્યો જવાબ મળી જાય છે. પેલા લોહીના લાલ ટશિયાની લિપિમાં જ કદાચ શ્રીજીમહારાજે કંઈક લખી મોકલ્યું હશે. અને એ લિપિ ઉકેલીને જ નિષ્કુળાનંદ નિશ્ચિંત બની ગયા હશે. મૌનની ભાષામાં જે અક્ષરો અંકાય છે, તે મૌનમાં પ્રવેશ્યા વિના કેમ વાંચી શકાય?
પોતાએ જે મળ્યું તેને તો નિષ્કુળાનંદે એક સરસ શબ્દ પોતાના પદમાં કહ્યો છેઃ
'આજ આનંદ વધામણાં હૈયે હરખ ન માય,
અમળતી વસ્તુ આવી મળી, શી કહું સુખની સીમાય!'
'અમળતી વસ્તુ' - આ જગતમાં ક્યાંય ન મળી શકે એવી અલભ્ય વસ્તુ મળી ગઈ. અને નિષ્કુળાનંદ આ છલકતો આનંદ વ્યક્ત કરતા જાય છે ત્યારે સુખની એ સીમા માટે તેમને શબ્દ જડતો નથી.
આ મહામૂલ્યવાન, મહિમાવાન પ્રાપ્તિ છે, કારણ કે આપણામાં કોઈ ને કોઈ ખૂણે માગણપણું રહ્યું જ હોય છે. આપણામાં રહેલો કંગાલ સદાય કાંઈ ને કાંઈ માંગ્યા કરે છે. દુઃખ માત્ર દૂર થઈ જાય, સદા સુખ જ સુખ વરતે એવી અવસ્થા તો ભગવાનનો મેળાપ થાય ત્યારે જ અનુભવી શકાય ને?
એ જ પદમાં નિષ્કુળાનંદ કહે છે :
'કંગાલપણું કે'વા ન રહ્યું, સદા મનાણું સુખ,
મસ્તી આવી રે અતિ અંગમાં, દૂર પલાણાં દુઃખ-
ભાગ્ય જાગ્યાં રે આ જ જાણવાં.'
નથી કંગાલિયતની વાત કહેવાની રહેતી, નથી સુખની સીમાની રેખા આંકી શકાતી. ભગવાન સાથે વાત કરવા જે ભાષા જોઈએ તેનો કક્કો પણ આવડી જાય તો આપણા ચિત્તની પાટી પરના બધા આંકડા ભૂંસાઈ જાય. જે મળે છે તે, વાણીમાં તો શું, વિચારમાંય નથી પકડી શકાતું. આવા ભગવદ્ જીવનનો ઢાળો જ જુ દો ઢળી જાય છે. જ્યાં પ્રગટની, પ્રત્યક્ષની મુલાકાત છે, ત્યાં એવો દીવો થાય છે કે એને અજવાળે કાંઈ ન સૂઝવા છતાં બધું જ સૂઝે છે.
નિષ્કુળાનંદની વાણીઃ
'કોણ જાણે આ કેમ થયું,
આવ્યું અણચિંતવ્યું સુખ,
ઢાળો અલૌકિક ઢળી ગયો,
મળ્યા હરિ મુખોમુખ.'
- મકરંદ દવે
-----------------------------------------------------------------------------------------------------------------
(૧) દુઃખમાત્ર દૂર થઈ જાય, સદા સુખ જ સુખ થઈને વરતે એવી અવસ્થા તો ભગવાનનો મેળાપ થાય ત્યારે જ અનુભવી શકાય ને?
(૨) જ્યાં પ્રગટની, પ્રત્યક્ષની મુલાકત છે, ત્યાં એવો દીવો થાય છે કે એને અજવાળે કાંઈ ન સૂઝવા છતાં બધું જ સૂઝે છે.
|
|