|
'એ યોગીવર જ્ઞાનજીવન તણા પાયે નમું સર્વદા...'(લેખ : ૧)
ગુરુહરિ સ્વામીશ્રી યોગીજી મહારાજની ક્ષણે-ક્ષણની દૈનંદિની, અતિ દિવ્ય અને મંગલકારી સ્મૃતિ માટે, અહીં રજૂ કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. ભક્તોને જરૂર તે આનંદકારી બનશે. યોગીજી મહારાજના સમાધિસ્થાન ઉપર સ્મૃતિ મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે અને ભક્તોને માટે તો સદાકાળને વિશે આ સ્મૃતિ દુઃખ હરનારી ને સુખ કરનારી નીવડશે. કારણ, યોગીબાપા ઘણી વાર કહેતા કે 'સ્મૃતિ છે તે દુઃખની હરનારી છે' એમ કહી તેઓ શાસ્ત્રીજી મહારાજની અને મંદિરોની-તીર્થોની સ્મૃતિ કરતા અને એ જ રીતે આપણને પણ સ્મૃતિ કરવાનો આદેશ આપતા.
આવો, હરિભક્તો! અક્ષરમંદિરના સભામંડપના ખૂણામાં યોગીજી મહારાજના ઓરડા તરફ...
સ્વામીશ્રી કોઈ દિવસ ઓરડામાં એકલા તો સૂએ જ નહિ. એક-બે સંતો અને એક-બે યુવકો-સેવકોને સાથે જ સુવાડે. ક્યારેક કોઈક આઘુંપાછુ _ થાય તો તેમને સવારે ઊઠીને મીઠો ઠપકો આપે કે 'સાથે કેમ નહોતા સૂતા?'
યોગીજી મહારાજને પવન બિલકુલ ફાવતો નહિ, તેથી ઓરડાની બધી બારીઓ બંધ રખાવે. ફક્ત એક અરધી બારી ખુલ્લી રખાવે અને કહે, 'નહિ તો ગૅસ થાશે!' બાકી બધાં જ વેન્ટિલેશન, બારીઓ ઉપર પડદા નંખાવે, જેથી જરા પણ પ્રકાશ આવે નહિ. ઝાંખો દીવાનો પ્રકાશ હોય તોપણ તેમને ઊંઘ ન આવે.
આમ, બારીબારણાં બંધ હોય, પવન બિલકુલ ન હોય એટલે સાથે સૂતેલા સેવકોને ખૂબ જ ગરમી અને ગૂંગળામણ થાય. તેથી કદાચ કોઈ વાર રાત્રે કોઈ સેવક બહાર જઈને સૂઈ જાય તો સવારે તેઓનો મીઠો ઠપકો તેને અવશ્ય સાંભળવો જ પડે. સેવકોને માટે પણ આ એક વિશિષ્ટ પ્રકારનો યોગ હતો.
પાછળનાં વર્ષોમાં સ્વામીશ્રીને ઊંઘ ઓછી આવતી. કારણ, રાત્રે વખતોવખત લઘુ કરવા ઊઠવું પડે. વળી, માંદગી દરમ્યાન ઊંઘ બહુ ઓછી થઈ ગઈ હતી. રાત્રે ઊંઘની ગોળી લે પછી જ ઊંઘ આવે, તે છતાં રાત્રે લઘુ કરવા તો ઊઠવું જ પડે. સવારે લગભગ ચાર વાગ્યા પછી ઊંઘ ઊડી જાતી. જો રાત્રે ઊંઘ મોડી આવે, તો વહેલી સવારે ૫-૦૦થી ૫-૩૦ વાગ્યા સુધી પોઢી રહે. કદાચ ચાર વાગે ઊઠી ગયા હોય તોપણ સેવકોને જગાડે નહિ, પોતે પથારીમાં પોઢી રહે. પાંચ વાગે એટલે એક-બે સેવકને ઉઠાડી, નાહીધોઈ પરવારવા મોકલી આપે.
૫-૩૦ વાગે પોતે 'સ્વામિનારાયણ, સ્વામિનારાયણ...' મંત્ર બોલતાં બોલતાં પથારીમાં બેઠા થાય એટલે બાકીના સેવકો તુરત જ જાગી જાય. મચ્છરદાની ઊંચી કરી સૌ આજુ બાજુ ગોઠવાઈ જાય. સ્વામીશ્રી અક્ષરપુરુષોત્તમ મહારાજની ઊભી ચિત્રપ્રતિમા બે હાથમાં લઈ બરાબર નીરખીને દર્શન કરે. ચરણસ્પર્શ કરે અને છાતીએ તેમજ મસ્તકે મૂર્તિ અડાડે. પછી સેવકો હાથ, પગ, કેડ દબાવે. કોઈને ઝોલાં આવતું હોય તો સ્વામીશ્રી તેનો હાથ ખેંચીને જગાડે અને પછી તેનો હાથ દાબવા માંડે અને બોલે, 'ગુરુ! ઝોલાં આવે છે! ઝોલાં ન ખાવાં! તમારે છે કાંઈ દખ? બહુ સુખિયા. હું એકલો જ દુખિયો, તે ઊંઘ આવે નહિ. તમારી ઊંઘ મને આપો ને...!' એમ કહેતા જાય અને સૌને ગમ્મત કરાવતા જાય. પછી સૌ હરિભક્તો ઓરડા બહાર દર્શનની રાહ જોતા ઊભા હોય તે અંદર આવે. સૌ ધીરે ધીરે ચારેય બાજુ ગોઠવાઈ જાય. ઓરડો ચિક્કાર ભરાઈ જાય. કોઈ વયોવૃદ્ધ કે કોઈ મોટેરા ભક્તરાજ પાછળથી આવે તો તેમને આવકાર આપી યોગ્ય સ્થાને બેસાડવાનું સ્વામીશ્રી ક્યારેય ચૂકે નહિ. વયોવૃદ્ધ હોય તેને ખાસ કરીને યોગીજી મહારાજ ભીંતે અઢેલીને જ બેસાડે.
દરેક સંત-હરિભક્તને સંભારે, કોઈ ન આવ્યું હોય તો તેમને બોલાવવા મોકલે. પછી શ્રીજી-મહારાજનું અષ્ટક બોલાય. ત્યાર પછી જ મંગળ-પ્રવચન શરૂ થાય. ક્યારેક નિષ્કુળાનંદ કાવ્ય, વચનામૃત, સ્વામિનારાયણ પ્રકાશ કે કોઈ નવું પુસ્તક હોય તે વંચાવે અને વાતું કરે અથવા પ્રભાતિયાં બોલાવી વાતું કરે. કથા સાંભળતાં ઘણી વાર બધાને લાગે કે યોગીજી મહારાજને જરા ઊંઘ આવતી લાગે છે, પણ પોતે એટલા બધા તો સાવધાન હોય કે એકદમ 'હરે, હરે...' અને સૌને ખબરદાર કરે.
ઈ.સ.૧૯૬૦ (પ્રથમ માંદગી) પહેલાં સ્વામીશ્રી પોતાની દૈનિક ક્રિયા જાતે જ કરતા. વહેલી સવારે ૩-૩૦ વાગે ઊઠી સ્નાનવિધિ કરતા. પછી અક્ષરદેરીમાં પધારી ચરણારવિંદની પૂજા, આરતી વગેરે કરી, મંદિરમાં મંગળા આરતી કરવા જતા. ત્યાર પછી પોતાની પૂજા આગળના બે થાંભલા વચ્ચે બેસીને કરતા. વચ્ચે મહાપૂજા ચાલતી હોય ત્યાં આરતી કરતા અને સૌને સંકલ્પ મુકાવી રાજી કરતા. તે પછી દેરીમાં કથા કરતા. પ્રભાતીનાં પદો બોલાવી અદ્ભુત વાતો કરતા. ક્યારેક વચનામૃત પણ પોતાની અનોખી શૈલીમાં સમજાવી સૌને બ્રહ્મરસમાં તરબોળ કરી દેતા અને પછી શણગાર આરતી કરવા જતા.[
નાહવા પધારતાં પહેલાં સેવકને બોલાવે. કૌપીન કાઢી, ધોતિયાના એક છેડે બાંધે. ગરમ ધાબળી ઓઢી શૌચ જાય. પછી સેવક હોય તે હાથ ધોવરાવે. એક લાકડાના પાટિયા ઉપર ધૂડ પલાળીને તૈયાર રાખી હોય, તેનાથી ગરમ પાણીથી હાથ ધોવરાવતા - ડાબો હાથ દસવાર અને બંને હાથ નવવાર, એમ બરાબર ઓગણીસ વાર હાથ ધૂએ. ધૂડ થોડી વધી હોય તો વધારે વાર હાથ ધોઈને વાપરી નાંખે, પણ પાટિયા ઉપર ધૂડ રહેવા દે નહિ. જોકે સેવકને માપની જ ધૂડ પલાળવાની આજ્ઞા ખરી અને જો કોઈ નવો સેવક વધારે ધૂડ પલાળે તો અગાઉથી થોડી કાઢી નાંખે. પછી પોતાની કૌપીન પણ જાતે જ ધૂએ અને ફરી ધૂડથી હાથ ધોઈ નાખે.
પછી પાણી રેડાવી તે જગ્યા ચોખ્ખી કરાવે. પછી સ્વચ્છ ગાળેલા-હૂંફાળા પાણીથી હાથ ધોઈ, કોગળા કરે અને સેવક કચરેલું દાતણ ધોઈને આપે તે પાટલા ઉપર બિરાજી કરવા લાગે. બીજા હાથમાં દાંતે ઘસવાનો પાઉડર (શુદ્ધ આયુર્વેદિક દંતમંજન) ઝીણા કાગળમાં મૂકેલો પકડી રાખે. તે દાતણ ઉપર પાઉડર લઈ દાંત, દાઢ વગેરે બરાબર ઘસીને સાફ કરે. પછી દાતણ પકડેલા હાથે વાટકામાં મીઠાવાળું ગરમ પાણી લઈ બેથી ત્રણ કોગળા કરે. તે પ્રમાણે થોડી થોડી વારે કોગળા કરતા જાય, વળી, દાતણ પણ બરાબર બે દાંત વચ્ચે ચાવતા જાય. એ પ્રમાણે બંને દંતપંક્તિ બરાબર ખુલ્લી રાખીને દાતણ ચાવતા જાય ને ઘસતા જાય અને 'ચપ-ચપ' એવો મધુર ધ્વનિ કરતા જાય.
બાજુ માં સેવક પાણી આપવા બેઠા હોય તેને તરત ટકોર કરતાં કહે, 'વાતો બોલો, નવરા ન રહેવું...' દાતણ સારી રીતે કરે. નાનો લોટો ભરીને ગરમ પાણીના કોગળા સાથે કરતા જાય. પછી દાતણ પાછળથી ચીરેલું હોય ત્યાંથી બે ચીર કરી, ઉલ ઉતારવા લાગે. આખી જીભ બહાર કાઢી સારી રીતે ઉલ ઉતારે. મૂછ ઉપર કે દાઢી ઉપર પણ કાંઈ મેલું ચોટ્યું હોય તે પણ ચીરને આડી કરીને ઘસીને લઈ લે. કોગળા કરતા જાય. પછી બન્ને ચીર પોતે સારા પાણીથી ધોઈ નાંખે અને સેવકને તે નાખી દેવા કહે. કોઈ સેવક પ્રસાદી જાણી દાતણ સંતાડી રાખવા પ્રયત્ન કરે, તો પોતાની સામે જ નંખાવી દેવરાવે. પાટલા ઉપર નીચે દાતણના કૂચા રહી ગયા હોય તે લેવાના સેવક ભૂલી જાય તો પોતે જાતે લઈને વાટકામાં નાખી, કોગળા કરવાનો વાટકો બાજુ માં મૂકે અને લઘુ કરવા પધારે પછી સેવકને બોલાવે.
પાટલા ઉપર બિરાજે અને પાણી રેડાવી આજુ બાજુ ની બધી જગ્યા સાફ કરાવે. સેવક માપનું (સાધારણથી થોડું વધારે) ગરમ પાણી તૈયાર રાખે. ગાતરિયું કઢાવી નંખાવે. સેવક પહેલાં હાથ ધોવરાવે પછી સ્વામીશ્રી સ્ટીલનો લોટો હાથમાં લઈને નાહવાનું શરૂ કરે. પહેલાં કોગળા કરે. ડાબા હાથમાં લોટો રાખી જમણા હાથે જ મુખારવિંદ ધુએ. મુખ બરાબર સાફ કરે. શરદી થઈ હોય તો કોઈક વાર છીંકે. પછી નાક વગેરે સાફ કરી ધોતિયાના છેડા ઉપર લોટાથી પાણી ઢોળે અને જમણા પગ ઉપર પાણી રેડી, જમણો પગ ધૂએ, પછી ડાબો પગ, પછી પાછળ વાંસામાં-કેડ ઉપર પાણી રેડે. નાહતી વખતે કોઈ પાછળથી આવીને શરીર ચોળે તો તુરત પાછુ _ જોઈને રોકે અને દૃષ્ટિથી (ઇશારાથી) કહે, 'ગુરુ! રાખો, મહારાજ ધખે.' પછી તેના બંને હાથ પકડી પાણીથી ધોવરાવે અને તેને બાજુ માં ઊભા રહેવાનું કહે.
પાછળનાં વર્ષોમાં ઈ.સ.૧૯૬૫ પછી અવસ્થાને કારણે સ્વામીશ્રી સ્નાન કરતી વખતે સેવકો પાસે શરીર ચોળાવતા. તે સેવાનીયે તેમણે ફી રાખી હતી. જે યુવક અથવા સંત ઉપવાસ કરવા તૈયાર થાય તેને જ નવરાવવાની ને શરીર ચોળવાની સેવા મળતી.
નાહી રહે એટલે બે સેવકો સ્વામીશ્રીના બગલમાં હાથ નાંખી ઊભા કરે. સ્વામીશ્રી ધોતિયાનો આગળનો છૂટો છેડો ભેગો કરી નિચોવે અને ડિલ લૂછે. બીજો સેવક વાંસાનો ભાગ ઝોળીથી (લૂગડાનો કકડો) લૂછે અને પછી તે ઝોળી યોગીજી મહારાજના હાથમાં આપે એટલે તેઓ મોઢું લૂછે. છાતી તથા પેટનો ભાગ લૂછે. પછી પાછળથી સ્વચ્છ ધોતિયું પહોળું કરીને સેવક આપે એટલે સ્વામીશ્રી ધોતિયું પેટ ફરતું ગોળ વીંટી, એક હાથે પકડી રાખે, બીજા હાથે શરીર બરાબર લૂછી ભીનું ધોતિયું નીચે છોડી દે. ઝોળી પણ નીચે પડતી મૂકી દે એટલે સેવક હોય તે પગમાંથી ભીનું ધોતિયું અને ઝોળી ખેંચી લે અને ઝોળીથી પગ-ચરણારવિંદ વગેરે લૂછી નાંખે.
|
|