|
'જોગી આવો' પિતાશ્રીના આ એક જ રટણથી નિરૂપાય બનતા પુત્રે યોગીજી મહારાજની મૂર્તિ પિતાના ખોળામાં મૂકી. પિતાશ્રીએ ઇનકાર કરી કહ્યું કે 'પ્રગટ રોટલા વગર ભૂખ ભાંગે નહિ.' પુત્ર આ વાક્યનો અર્થ સમજી ગયા અને યોગીજી મહારાજને તેડવા ઊપડ્યા.
ફૂલચંદભાઈ સ્વામીશ્રીને રાજકોટમાં મળ્યા અને પિતાની અંતિમ પરિસ્થિતિના સમાચાર આપ્યા. સ્વામીશ્રીએ આવવા હા કહી. પ્રેમપ્રકાશ સ્વામીને 'કદાચ રસ્તામાં મોટર તૂટે ફૂટે' એમ કહેતાં પૂજા પણ સાથે લઈ લેવા કહ્યું. સ્વામીશ્રી આરામ કરવા ગયા અને કહેતા ગયા કે 'મોટર આવે એટલે એક મિનિટ પણ રોકાયા વગર મને ઉઠાડજો.' સ્વામીશ્રીએ નહિ જેવો આરામ લીધો, ત્યાં ભાનુભાઈ પોતાની મોટર સાથે આવી પહોંચ્યા. તરત જ સૌ તૈયાર થઈ દાડમા જવા ઊપડ્યા. રસ્તામાં કથાવાર્તા ચાલુ હતી. વળી, ડ્રાઇવરને કહેતા જાય કે '૩૦ માઈલની ઝડપે મોટર હંકારજો' એમ રમૂજ કરતા હતા. આ વાક્યમાં મર્મ પણ હતો. ગોંડળ આવ્યું એટલે દેરીએ દર્શન કર્યાં. મુસાફરી લાંબી હોવાથી તુરત જ નીકળી ગયા.
અમે ધીમે ધીમે જઈ રહ્યા હતા. અચાનક મોટર અટકી પડી. સૌ નીચે ઊતર્યા. જોયું તો બફર તૂટી ગયેલું. સ્વામીશ્રી પણ નીચા વળી જોવા લાગ્યા. હવે મોટર આગળ જાય તેમ હતું જ નહિ. સૌ વિચારવા લાગ્યા, 'હવે શું કરવું ?' પરંતુ, સ્વામીશ્રી તો સ્વસ્થ ચિત્તે ઊભા હતા. પછી પાછા જવાનો નિર્ણય કર્યો. ધીમે ધીમે મોટર હંકારી ગોંડળ પહોંચ્યા. મોડું થઈ ગયું હતું.
સ્વામીશ્રીએ ફૂલચંદભાઈને બોલાવી, કેમ કરવું તે પૂછ્યું, તેમજ બધાનો અભિપ્રાય પૂછવા લાગ્યા. પછી કહે : 'તમે દાડમા જાઓ અને અમે આશીર્વાદ આપ્યા છે, એમ બાપાને ખબર આપો કે એમણે નારાયણજી મહારાજનાં દર્શન માટે દાખડો કર્યો, પણ ગાડી ખોટવાઈ ગઈ.' (સ્વામીશ્રી જાણતા હતા કે મેળાપ હવે થઈ શકશે નહિ.) પરંતુ ફૂલચંદભાઈ કહે, 'બાપાનો બહુ આગ્રહ છે તો દશ મિનિટ પધારો.' છેવટે બીજે દિવસે સવારે જવાનું નક્કી કર્યું. સ્વામીશ્રી જાણતા હતા કે બીજે દિવસ ત્યાં જમવું પડશે, એટલે રાજકોટથી પત્તર મંગાવી લીધા.
રાત્રે ભાનુભાઈ ટૅક્સી લઈને આવી પહોંચ્યા અને ભાદરવા સુદિ ૪ ને મંગળવારે સવારે ૫-૩૦ વાગે અમો ગોંડલથી નીકળ્યા. ૮૦ માઈલની મુસાફરી હતી. વળી, આગલા દિવસનો થાક હતો. સ્વામીશ્રી થોડીવાર પોઢી ગયા, પછી કથાવાર્તા કરતા જતા હતા.
રસ્તામાં સરધાર આવ્યું. સ્વામીશ્રી કહે, 'અમે અહીં છ મહિના અમારા ગુરુ સાથે રહી મંદિર ચણેલું અને આ મહારાજ તથા મુક્તાનંદ સ્વામીનું પ્રસાદીનું ગામ છે.' રસ્તામાં બાબરાના હરિભક્તોને દર્શનનો લાભ આપ્યો. અમારી ગાડી સડસડાટ વહી જતી હતી. આકાશ ખુલ્લું હતું. દાડમાથી એક માઈલ દૂર સડક ઉપર અમારી મોટર ઊભી રહી. હવે મોટર રસ્તો નહિ હોવાથી ચાલવું પડે એમ હતું.
પ્રેમપ્રકાશ સ્વામીએ તથા ભાનુભાઈએ એક એક પોટલું ઊંચકી લીધું. ફૂલચંદભાઈ આગળ ખબર આપવા ગયા. સ્વામીશ્રીએ મારા એક હાથનો ટેકો લીધો અને મારા બીજા હાથમાં પોટલું હતું. સ્વામીશ્રી કાંકરા-કાંટા જોયા વગર ચાલવા લાગ્યા. અમે સૌ વિસ્મય પામી ગયા. વચમાં મારા હાથમાંથી પોટલું લેવા તૈયાર થઈ ગયા અને કહે 'અવસ્થા થઈ એટલે સેવક જોઈએ. નહિ તો અમે મણમણના ભાર ઉપાડી ચાલતા જતા!' થોડે દૂર ગયા ત્યાં પાણી અને રેતી હતી એટલે સ્વામીશ્રી બાવળની વાડ ખસેડીને ખેતર ઉપર ચડી ગયા, પણ પુષ્કળ વરસાદને લીધે જમીન પોચી થઈ ગઈ હતી, એટલે પગ ખૂંપતા હતા સ્વામીશ્રી તો હાથ ઝાલીને એક પછી એક મગફળીના છોડવા વટાવતા આગળ ચાલવા લાગ્યા. શું એમની ચાલવાની છટા! પણ અમે જુ દે રસ્તે જતા હોય એમ મને લાગ્યું. એટલે અમે વળી પાણી વાળી ગાડા-કેડીમાં ઊતર્યા. સ્વામીશ્રીએ જોડા કાઢી નાખ્યા અને ધોતિયાનો કછોટો મારી ચાલવા લાગ્યા. પાણી સારું એવું ભરાયું હતું. નીચાણવાળો ભાગ પૂરો થતાં પાણી ઓછુ _ થયું અને કઠણ જમીન આવી. સ્વામીશ્રીએ જોડા ન પહેર્યા અને અડવાણે પગે ચાલવા લાગ્યા. રસ્તામાં કાંકરા પુષ્કળ વાગતા હતા, પણ ભક્તને ખાતર પોતાના દેહની ક્યાં પડી હતી ?
વળી, જે કોઈ રસ્તામાં મળે તેને એમ પૂછતા જાય કે 'ગામ કેટલું છેટું?' ગામડિયો સહજતાથી કહે, 'આ રહ્યું એક ખેતરવા.' એટલે સ્વામીશ્રી હસે. એમ ગમ્મત કરાવતા હતા. કસોટી પૂરેપૂરી થવાની હતી એટલે વરસાદ પડવો શરૂ થયો. સ્વામીશ્રી કહે, 'રહી જા હવે' તોપણ છાંટા તો પડતા જ રહ્યા. હવે કઠણ જમીન પૂરી થઈ અને એકદમ રેતી ને કાંકરાવાળી જમીન આવી. પગ અડધા અંદર ખૂંપી જતા હતા. સ્વામીશ્રી અને હું એકબીજાને આધારે ચાલતા હતા. આ દૃશ્ય પણ જોવા જેવું હતું. સ્વામીશ્રી કહે, 'ભગવાને કસોટી પૂરી કરી, પણ હવે આટલો દાખડો કરીને આવ્યા છીએ. એટલે નારાયણજી મહારાજનાં દર્શન થાય તો સારું.' ખૂબ કીચડમાં ચાલ્યા પછી કેડીને આધારે આશરે અથડાતા-પછડાતા અમે ગામમાં આવ્યા.
અત્યંત પરિશ્રમ પડ્યો હતો. હાથ-પગ ધોયા. ત્યાં ખબર મળ્યા કે નારાયણજી મહારાજ સવારે ચાર વાગે દેહ મૂકી ગયા. આ સમાચારથી સ્વામીશ્રી એકદમ ઉદાસ થઈ ગયા. અમે સૌ મંદિરમાં ગયા. મંદિરમાં કેશવ ભક્ત માયાળુ હતા. ત્યાં દર્શન કરી અમે સ્મશાન તરફ પ્રયાણ કર્યું. હજુ અંતિમ ક્રિયા નહોતી કરી. નારાયણજી મહારાજના બધા પુત્રો અને હરિભક્તો દર્શને દોડ્યા. એ વખતે વરસાદ પડવો શરૂ થયો. શ્રીજીમહારાજ, પાંચસો પરમહંસ, શ્રી અદા વગેરેને સંભારીને ધૂન કરવા લાગ્યા, પરંતુ વરસાદ જોરથી પડવા લાગ્યો અને સૌને પલાળી દીધા. ખેતરમાં ઝાડ, કાંટા વટાવતા, નાળુ ઓળંગીને મૂળ સ્થાને આવ્યા. નારાયણજી મહારાજને પાલખીમાં બેસાડ્યા હતા.
સ્વામીશ્રીએ પૂજા-આરતી કરી સૌને શાંતિ આપતાં કહ્યું કે 'નારાયણજી મહારાજ તો ગયા જ નથી. એ તો છે, છે ને છે જ. અને મારે દર્શનનો ઉમંગ હતો તે પૂરો થયો.'
પછી સૌને વિધિ કરવાનું કહી ગામ તરફ ચાલ્યા. વરસાદ ચાલુ હતો. સૌને પલાળી દીધા. સ્વામીશ્રી વરસાદને કહે. 'હમણાં રહી જા. અમને કનડ મા. તું સેવા કરવા આવ્યો હોય તો ભલે આવ્યો; પણ હવે રહી જા. મહારાજ તારી ઉપર રાજી થશે.' પછી પોતે કહેવા લાગ્યા કે 'મને નારાયણજી મહારાજે લાડુ ખવરાવીને (સાધુ થવા) મોકલ્યો હતો અને આશીર્વાદ આપ્યા હતા કે 'સુખી થઈશ અને હજારો મુક્તો તારા શિષ્યો થશે.' આજે ૫૦ વર્ષ થયાં. એટલે મારે એમનાં દર્શનની ઇચ્છા હતી તો દર્શન થઈ ગયાં. એક મહાન પુરુષ સત્સંગમાંથી ગયા. બહુ સમર્થ હતા. તેમની યાદશક્તિ જબરજસ્ત, દાદાખાચરના વિવાહનું તો આબેહૂબ વર્ણન કરે. મારા જીવનપ્રાણ હતા.' એમ ગુણગાન ગાતા મંદિરે આવ્યા. અમારે પાછા જવાનું હતું.
અચાનક સ્વામીશ્રી કહે, 'સાથે ઠાકોરજી છે તે ભૂખ્યા રહેશે ?' શું એમની ભક્તિ!! અમે ખીચડી, શાક અને રોટલીની રસોઈ બનાવી. ઠાકોરજીને થાળ જમાડીને સ્વામીશ્રી જમ્યા અને કહે, 'આવી રસોઈ રોજ હોય તો મજા પડે. આ તો રોજ મિષ્ટાન્ન.' એમ પોતાની રુચિ બતાવી. અડધો કલાક આરામ કરી જવા તૈયાર થયા. જતાં જતાં નારાયણજી મહારાજે જ્યાં દેહ મૂક્યો હતો તે પ્રસાદીનાં સ્થાને દર્શન કરવા ગયા. નારાયણજી મહારાજે એક મહિના અગાઉ કહેલું કે 'શાસ્ત્રીજી મહારાજ જે તિથિએ ધામમાં ગયા તે જ તિથિએ મારે દેહ મૂકવો છે.' અને છેવટના દિવસોમાં પોતાની પથારી સામે એક યોગીજી મહારાજની જ મૂર્તિ રખાવી હતી. ભાઈશંકરભાઈએ નારાયણજી મહારાજનો ખાટલો અને એ મૂર્તિ દૂરથી સ્વામીશ્રીને બતાવી. સ્વામીશ્રી કહે, 'આ તો શ્રીજીમહારાજ.' એમ બે વાર બોલ્યા, કારણ કે 'જ્યાં જુ એ ત્યાં રામજી બીજુ _ ન ભાસે રે.' અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીએ આપેલા લાલજીનાં દર્શન કર્યાં. સ્વામીશ્રી કહે, 'આ ગામ તો ગોકુળિયું છે.' ગાડામાં બેસી સડકે આવ્યા અને ભાવિક હરિભક્તોની વિદાય લઈ રસ્તામાં કથાવાર્તા કરતાં સાંજે ચાર વાગે રાજકોટ પહોંચ્યા.
|
|