Search Contact Site Map Download News Vicharan Home GujaratiSatsangIntroduction
 
કોઈ મૂંઝાશો મા.. હું તમારી રક્ષા કરીશ..
ભગવાન સ્વામિનારાયણના અભયવચનો

'અમે આ સંત સહિત જીવોના કલ્યાણને અર્થે પ્રગટ થયા છીએ. તમે જો અમારું વચન માનશો તો અમે જે ધામમાંથી આવ્યા છીએ તે ધામમાં તમને સર્વને તેડી જાશું અને તમે પણ તેમ જ જાણજો જે, અમારું કલ્યાણ થઈ ચૂક્યું છે. અને વળી અમારો દૃઢ વિશ્વાસ રાખશો, અમે કહીએ તેમ કરશો તો તમને મહા કષ્ટ કોઈક આવી પડશે. અથવા સાત દકાલી(દુષ્કાળ) જેવું દુઃખ પડશે, તો તે થકી રક્ષા કરશું. અને કોઈ ઊગર્યાનો આરો ન હોય એવું કષ્ટ આવી પડશે, તોય પણ રક્ષા કરશું.' (વચનામૃત જેતલપુર પ્રકરણ ૫)
'પાકા સત્સંગીની ઓળખાણ એ છે કે સુખદુઃખમાં એક રંગ રહે. સત્સંગ વિનાનું ગમે તેવું સુખ હોય તેને નકામું માને. સત્સંગથી વિમુખ કરાવે એવી રિદ્ધિ-સિદ્ધિનો ત્યાગ કરે. દેહમાં દુઃખ આવે તોપણ સત્સંગ મોળો ન પડે. સત્સંગ થતાં પુત્ર કે ધનનો નાશ થાય કે માતા-પિતા દ્વેષ કરે, ઘર બળી જાય, કુળ-કુટુંબ રૂઠે તોપણ સત્સંગ મોળો ન પડે, પણ સત્સંગમાં વિરોધ કરનારાઓને તૃણ સમાન ગણે. સત્સંગ કરતાં દીર્ઘ રોગ થાય, મૃત્યુ થાય - એમ ગમે તેવું વિઘ્ન આવે તોપણ સત્સંગની દૃઢતા ઘટે નહિ. તેવો હરિભક્ત સત્સંગિ-શિરોમણિ અને શૂરવીર છે. તેની વાત સાંભળીને પણ બીજા ભક્તો શૂરવીર બને છે. વિપત્તિમાં પણ પાકો સત્સંગ રાખે તે ભક્ત હરિશ્ચંદ્ર અને પ્રહ્‌લાદની પેઠે વિખ્યાત થાય છે. સત્સંગને માટે દુઃખ સહે તેને ભગવાન સર્વોપરી સુખ આપે છે.' (૧૦/૫૪/૧૭-૩૬)
'બલિરાજાને વામન ભગવાને બહુ તાવી જોયા, છતાં તે ગુણ જ લેતા રહ્યા, ત્યારે ભગવાન તેમને વશ થયા. અમારી રીત પણ એવી છે. જેને અમારો વિશ્વાસ છે, તેને દુઃખ દઈએ છતાં સુખ માને, તેને અમે તજી શકતા નથી. અમે દુઃખ દઈએ તે તેના સુખને માટે હોય. વિપરીત મતિવાળાને તે સમજાય નહિ. જે મન અમને સોંપી દે છે તે ક્યારેય દુઃખી થતો નથી. પાંડવોએ ભગવાનનો વિશ્વાસ રાખ્યો તો આજ સુધી તેમની કીર્તિ ગવાય છે ને ભગવાને તેમનો પક્ષ રાખ્યો.' (૧૭/૪૪/૫-૧૭)
'બલિરાજાનું રાજ ભગવાને છીનવી લીધું, પણ તેને આધીન થઈ ગયા. સુવર્ણને ભઠ્ઠીમાં તપાવે પછી જ તેનો રંગ આવે છે. ભક્તની કસોટી પણ ભગવાન કરે છે ત્યારે તેની પ્રીત પરખાય છે. દુનિયાદારીનું અભિમાન હોય તો તે તાપ ખમી શકતો નથી, ને તે વિના શાંતિ પણ પામતો નથી.(૬/૧૦૨/૧-૪૦)
'ભક્ત-અભક્ત સૌને દુઃખ આવ્યાં કરે છે. પરંતુ હરિભક્ત કાચો છે કે પાકો તે કષ્ટ આવે ત્યારે જણાય છે. કષ્ટમાં જે ધીરજ રાખે તેની કીર્તિ યુગોયુગ ગવાય છે. માટે જેનાં મોટાં ભાગ્ય હોય તેને જ સત્સંગ કર્યાથી કષ્ટ આવે. સત્સંગ નિમિત્તે કષ્ટ સહે તેટલું અધિક સુખ મળે છે. કષ્ટ વિના સુખ નથી. ત્રિલોકીના રાજા પ્રહ્‌લાદ, ધ્રુવ, અંબરીષને સત્સંગ કરતા અપાર કષ્ટ આવ્યાં. ભગવાન જેના પતિ છે એવાં સીતાજીને પણ અપાર કષ્ટ સહન કરવાં પડ્યાં છે. ભગવાનનાં માત-પિતા હોવા છતાં વસુદેવ-દેવકીને દુઃખ આવ્યાં છે. આ કાંઈ નવી વાત નથી. કષ્ટ આવે ત્યારે સહન કરવાં જ જોઈએ. સહન કર્યા વિના અતિ દુર્લભ મોક્ષ કેવી રીતે મળે? હરિભક્તને તો કષ્ટ છે જ નહિ, પણ સમજણમાં ફેર છે, તેથી કષ્ટ દેખે છે. સત્સંગ નિમિત્તે દુઃખ આવે તેને સુખ માને તે જ સાચો સત્સંગ છે. સત્સંગમાં જ જ્યાં સુધી કષ્ટ જણાય છે ત્યાં સુધી સત્સંગ કાચો છે, અને તેને વિઘ્ન છે. સત્સંગ કરવામાં કષ્ટ આવે તેને સુખકર સમજે તે સૌ હરિભક્તોમાં મુખિયો છે.' (૧૨/૩૬(૩૫)/૩-૨૪)
'ભક્તનું દુઃખ દેખીને ભગવાન પ્રગટ થાય છે. ભક્તને બીજું આલંબન હોય ત્યાં સુધી ભગવાન સહાય કરતા નથી.' (૧૮/૪૩/૨૩,૩૧-૩૩)
'જ્યારે કોઈ જન સત્સંગને તજે છે, ત્યારે અમે પણ તેને તજી દઈએ છીએ. સત્સંગ કરતાં તમે નિર્ભય રહી શકશો. તમે સૌ બીજાનો વિશ્વાસ ત્યજી અમારા હરિભક્ત થયા તે અન્ન-વસ્ત્રે કરીને તમને કોઈ દુઃખ નહિ આવે. સત્સંગ છોડશો તો દુઃખ આવશે.' (૪/૧૫/૨૯-૩૨)
'સત્સંગ કરે, પણ વિવેક વગર સુખ આવતું નથી. વિવેક ખડગની ધાર જેવો રાખવો. જેટલો વિવેક એટલું સુખ. વિવેક ન હોય એટલું દુઃખ. નિયમ-મર્યાદાવાળો હોય તેને વિવેકી કહ્યો છે. અનંતકોટી બ્રહ્માડનાં ભોગ-સુખ, દુઃખ વિનાનાં જણાતાં નથી. એવું જાણી ભગવાન જેટલું આપે તેમાં સંતોષ માની મગન રહેવું.' (૧૨/૪૯/૩-૧૨)
'અમારું વચન જે માને છે તેને ક્યારેય લેશ પણ દુઃખ આવતું નથી. જેમ જરાસંધે અપાર રાજાઓનાં પુર કબ્જે કર્યાં હતાં, પરંતુ જે શ્રીકૃષ્ણના શરણમાં આવ્યા તે સૌની રક્ષા તેમણે કરી. તે રીતે જે મારો વિશ્વાસ રાખે છે, તેની હું રક્ષા કરું છું. તેનાં પાપમાત્ર ટાળી દઉં છું, એમાં સંદેહ રાખવો નહીં. હું ધર્મનો લાલ છું; જ્યાં ધર્મ ત્યાં મારો નિવાસ છે. જે મારાં વચન પાળે છે તેની સંગે હું નિવાસ કરું છું. મારા ભક્તોને મારા પ્રાણ કરીને માન્યા છે. હું મારા ભક્તને સદાય આધીન રહું છું. ભક્ત મને ભક્તિએ કરીને બાંધી લે છે. જે જન મારી સાથે પ્રીતિ કરે છે તેનાથી કોટિ ગણી પ્રીતિ હું તેની સાથે કરું છું. જે નિષ્કપટપણે વર્તે છે તેની સાથે મારી પ્રીત ક્યારેય ટળતી નથી. જેનામાં રંચમાત્ર કપટ દેખું તો તે મારી સાથે પ્રીતિ કરવા જાય તોપણ મારે તેની સાથે પ્રીતિ થતી નથી. આ મારો સહજ સ્વભાવ છે તે મેં આજે કહી દેખાડ્યો.' (૩/૬૦/૧૫-૨૨)
'વિચાર્યા વિના જેટલું કરે તેને તેટલો ક્લેશ આવે છે. ક્લેશ આવે પછી ધીરજ રાખે તો શાંતિ રહે. ધીરજ વિના પાર ઊતરવું મુશ્કેલ છે. આ લોક જ એવો છે જેમાં મહા સમર્થને પણ દુઃખ આવ્યાં છે ને આવે છે. ધીરજરૂપી મનવારમાં બેસી ગયો તે દુઃખમાત્રને ઉલ્લંઘી જાય છે. ધીરજ જેવી બીજી કોઈ સમજણ નથી જેટલી જેને ધીરજ તેટલો તે મરદ કહેવાય. ધીરજ ખોઈ તો બધું ખોયું. ધીરજ મોટું ધન છે. ક્ષત્રિયને યુદ્ધ વેળાએ ધીરજ પરખાય. સંતની ધીરજ સાધુતામાં પરખાય છે. હરિભક્તની ધીરજ આશરો ન ફરે ત્યારે દેખાય છે. વળી, આધિ, વ્યાધિ, ઉપાધિમાં પણ તેનો આશરો ન છૂટે ત્યારે ધીરજ કળ્યામાં આવે.' (૧૬/૬૯/૯-૧૩)
'ભગવાનની મરજીમાં રહે છે તે જ ભગવાનનો ભક્ત કહેવાય છે. જે ભક્ત નથી તે ચાહે તેટલું રોગનું દુઃખ સહે, પણ તેની વાસના નિર્મૂળ થતી નથી, તે તો તેના પ્રારબ્ધનું ભોગવે છે ને ભક્તને રોગ આવે છે તે અંતર શુદ્ધ કરાવવા ભગવાન રોગને પ્રેરે છે. જે સાધુ છે તે તનના રોગને ઉપદેશ સમજી મગન રહે છે. ભગવાને પ્રેરેલો રોગ સૂક્ષ્મ જેટલી પણ રહેલી દેહાસક્તિનો નાશ કરી નાખે છે. અને તેના વાસનાલિંગ દેહનું બીજ ટાળી દે છે. હરિભક્ત અને વિમુખમાં બહુ ફેર છે. સમજુ  હરિભક્ત શરીરના દુઃખને ગણતો નથી.' (૧૯/૩૭/૧૩-૩૨)
'સુખમાત્ર સમજણમાં છે. સમજણ વિના તો ફાવે તેવી મોટી સ્થિતિમાં પણ દુઃખ જણાયા વિના રહે નહિ. અનંત સુખ સમજણમાં જ રહ્યું છે.
ખરું સુખ તો ભગવાન ભજવામાં જ છે, જેટલા ભજાય તેટલો લાભ. દુઃખ થાય તેવું સુખ દેતા અમને આવડતું નથી. ફરી ક્યારેય દુઃખ ન આવે એવું સુખ દેતાં અમને આવડે છે.' (૭/૩૫/૪-૧૨)
'કોઈક મારે અથવા ગાળ દે તો સહન કરવું. હોળી ઉપર ને વસંતોત્સવમાં લોકો જેમ રાજીખુશીથી ગાળો અને મારામારી સહન કરે છે, તેમ સંત-હરિભક્તે નિર્વૈર રહેવું. વિવાહમાં પુત્ર નિમિત્તે બાપ, ગીત ગાનારીની ગાળો સાંભળીને રાજી થાય છે, પણ દ્વેષ રાખતો નથી, તે અજ્ઞાનથી સહન કરે છે તેમ હરિભક્તે જ્ઞાને કરીને વર્તવું. એ અમારી આજ્ઞા છે. તેને પાળશો તો કોઈ દિવસ દુઃખી નહિ થાઓ. સૌથી મોટી પૃથ્વી છે તે અપાર પાપ કરનારાને પણ ક્ષમા કરે છે, માટે જેટલી મોટાઈ છે તેટલી ક્ષમા જોઈએ. અને નિર્દંભ હોય તે જ મોટાઈને પામે છે.' (૧૦/૨૩/૧૫-૨૧)
'જેને પ્રગટ હરિ મળ્યા છે તે દુઃખમાત્રથી તરી ગયા છે. તેમાં તો વિશ્વાસ રાખી તેમના વચનને જ ખીલો માની, તે ખીલે મનને બાંધી દેવું. મનનું રાજ્ય હોય ત્યાં સુધી મોક્ષ થાય નહિ. જેણે અમને વશ કરવા હોય, તેણે તો પ્રથમ અમને વશ થવું પડે.' (૯/૪૦(૪૧)/૩૪-૪૦)

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |