|
ભગવાન નિરંતર આપણી રક્ષામાં છે...
યોગીજી મહારાજ
ભગવાન ભક્તોની રક્ષામાં...
ભગવાન કહે છે કે મારી દૃષ્ટિએ બ્રહ્માંડ હલાવુð_ છું અને ખેંચી લઉં છું, મારી શક્તિએ તમને સાજા નરવા રાખું છું. ભગવાન ભક્તની રક્ષા કરવા બેઠા છે. ચકલી સારું બ્રહ્માંડ બુડાડે. સહાય કરી બચાવે. ભગવાન પોતે સર્વ શક્તિમાન છે તે આખા દેશને સમજાવી દીધું. ભગવાન ભક્તની રક્ષામાં છે. નહિ તો આપણે ક્યાંય ઊભા ન રહીએ.
પાંપણ આંખની રક્ષા કરે છે, હાથ કંઠની રક્ષા કરે છે, માવતર છોકરાની રક્ષા કરે છે. રાજા પ્રજાની રક્ષામાં છે. તેમ ભગવાન ભક્તની રક્ષા કરે છે. કર્તા શ્રીજીમહારાજ છે. ભજન કરવું તો મહાકાળ ઊડી જાય. ભગવાનને સંભારવા. ભગવાને કહ્યું છે. મારો આશરો હોય તો સાત દુકાળ પડે તોપણ દુઃખ ન આવે.
નિર્ગુણ સ્વામી 'બાનાની પત રાખજો રાજ' એ કીર્તન બહુ ગવડાવતા.
અત્યારે જમાનો બદલાયો તે ભગવાનમાં ન માને. લોયામાં ખિસકોલી ચડ ઊતર કરે. ચક ચક બોલે. સભામાં સુખ આવવા ન દે. મહારાજે ચપટી મારી. સમાધિ થઈ ગઈ. સુરા ખાચર કહે છે : 'ક્યારની ચક ચક કરતી હતી તે ઠરીને બેઠી. સભા સુધી સમાધિમાં બેસાડી રાખી પછી ચપટી વગાડી તે જાગીને વડ ઉપર ચડી ગઈ. મહારાજે સમજાવ્યું કે 'અમારી શક્તિથી બ્રહ્માંડ સચેતન છે. અમારા હાથમાં લગામ છે પણ વાપરતા નથી.'
આપણે ભગવાનનો આશરો છે. ભજન કરીએ છીએ. તેથી આપણે બીવા જેવું નથી. સંતને લઈને મુંબઈ નગરી બચી ગઈ. ધર્મ-નિયમ પાળે તો ગમે તેવું દુઃખ બ્રહ્માંડ ઉપર આવવાનું હોય પણ ઊડી જાય. ભજન કીર્તન કરીએ છીએ. ભગવાનની છાયામાં બેઠા છીએ તે રક્ષા કરશે. એક વહાણમાં તેંત્રીસ માણસ હતા. વહાણ બૂડતું હતું પણ એક ભક્ત હતો તે બધા બચી ગયા. આપણે કોઈથી બીવાનું નથી.
શરણાગત તણા લાડ...
'શરણાગત તણા લાડ પાળો સદા' સદ્ગુરુ મુક્તાનંદ સ્વામીએ આ કડી કહી તેનો અર્થ શો ?
અનંતકોટિ બ્રહ્માંડના ભગવાન આપણા મહોલમાં-હૃદયમાં બિરાજમાન થયા. આપણે ભક્તવત્સલ ભગવાનના શરણાગત થયા. લાડ શું પાળે ? તો શેઠનો વહાલો દીકરો હોય તે જે વસ્તુ બાપા પાસે માગે તે મળે. બાપા તેને ધખે વઢે નહીં. પ્રેમથી, ગમ્મતથી કે રીસથી દીકરો જે માગે તે દિયે. જે જીવ સ્વામિનારાયણ ભગવાનના શરણાગતથયા તેને ભગવાન ખવરાવે, પીવરાવે, લૂગડાં આપે એમ બધી વસ્તુ પૂરી કરે. તેના ભાવ પૂરા કરે, એ લાડ. પૂર્ણપુરુષોત્તમ નારાયણશ્રી સહજાનંદ સ્વામી અને મૂળઅક્ષરમૂર્તિ શ્રી ગુણાતીતાનંદ સ્વામીનો આશરો છે, તેના શરણાગત છીએ. તો જે સંકલ્પ કરીએ તે પૂરા કરે. ભક્ત હોય તેના લાડ પાળે.
સંસારમાં કેટલા સુખી છે ? નોકરી ન મળે. એક સાંધે ને તેર તૂટે તોય સંસારની વાસના ન તૂટે. રાજગાદીએ બેસાડીએ તોય કહે : 'ના, મારે તો મૂળા વેચવા છે.' રાજા કહે : 'નથી વેચવા, રાજગાદી ભોગવ.' પણ માને નહીં અને બકાલી થાય. જીવનો સ્વભાવ જ સનેપાતિયો છે. એક જણાને સનેપાત થયો હતો. કોઈકે તેને પૂછ્યું : 'કેમ ડોસા કેમ છો ?' ત્યારે તેણે કહ્યું : 'બહુ સારું છે; પણ ગિરનારને કૂતરા તાણી જાય છે.' આમાં શું સારું થયું ? આમ કરું, તેમ કરું, એસા કરું, તેસા કરું, એમાં ક્યાંય સુખ ન મળે. આપણે આપણી સ્થિતિમાં રહેવું. ત્યાગી થયા હોય તેણે પોતાનો ધર્મ પાળવો. ભક્તિ કરવી. અમે દેશ બધો જોયો પણ ક્યાંય સુખ નથી. આપણે ભગવાનને શરણે બેઠા તો એને ફિકર છે. તે અંતર્યામી છે તે બધું જાણે છે.
'મન કી જાણે, તન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી;
ઇસકે આગે ક્યા છિપાવે, જિસકે હાથ દોરી.
શરણાગતપણું સ્વીકાર્યું તે કાયમ રાખવું. સ્નેહ એવો ને એવો રાખવો. તો સુખ શાંતિ રહે. આવો જોગ ફરી ક્યાં મળે છે ? આ તો કલ્પવૃક્ષ છે.
કલ્પતરુ
મુક્તાનંદ સ્વામી કીર્તનમાં કહે છેઃ
'કલ્પતરુ સર્વના સંકલ્પ સત્ય કરે, પાસ જઈ પ્રીતશું સેવે જ્યારે.'
તે ઉપર એક દૃષ્ટાંત છે.
'એક જંગલમાં એક કલ્પવૃક્ષ હતું. ત્યાં એક શેઠ રસ્તે જતાં થાક્યા હતા. આ ઝાડને જોઈ રાજી થયા : 'અહોહો! ઝાડ સારું છે. લાવ આરામ કરું. તાપ બહુ છે. જો સેજ, પલંગ ને મચ્છરદાની મળે તો સારું પડે.' આવો તેમને સંકલ્પ થયો. આ તો કલ્પવૃક્ષ હતું. તરત જ બે માણસો સેજ, પલંગ ને બધું લઈને આવ્યા અને ખાટલો ઢાળવા લાગ્યા. શેઠે પૂછ્યું: 'આ કોના માટે કરો છો?'
'તમારા માટે.'
શેઠ સૂઈ ગયા. ઘડીક આરામ કરીને પછી પોતાને રસ્તે ગયા. થોડીવાર પછી એક ત્રણ દી'નો ભૂખ્યો બ્રાહ્મણ ત્યાં ફરતો ફરતો આવ્યો. ઝાડને જોઈ રાજી થયો.
'આની નીચે જમવા જેવું સ્થાન છે. પણ આ જંગલમાં રસોઈ ક્યાંથી મળે?' આમ સંકલ્પ કરે છે ત્યાં તો બે બ્રાહ્મણો અબોટિયાં પહેરીને હાથમાં લાડુ, દાળભાતનો થાળ લઈને આવ્યા.
બ્રાહ્મણને કહ્યું : 'જમી લ્યો. અહીં શેઠનું સદાવ્રત ચાલે છે. જે જોઈએ તે મળે.' બ્રાહ્મણ તો રાજી થઈ ગયો, જમીને જતો રહ્યો.
થોડીવારે ત્યાં એક દરબાર આવ્યા. પાંચદસ ગાઉથી ચાલ્યા આવતા હતા. 'અહોહો! ઝાડ બહુ સારું છે.' થોડીવાર આરામ કરીને પછી વિચાર્યુઃં 'હું ઘોડી ઘેર ભૂલી ગયો. જો ઘોડી હોત તો રાત પહેલાં ઘેર પહોંચી જાત.' આમ વિચારે છે ત્યાં એક જણ બે હજારની ઘોડી લઈ હાજર થયો અને કહ્યું : 'તમે ઘોડીનો સંકલ્પ કર્યો તે લ્યો આ ઘોડી.'
દરબાર રાજી થઈ ગયા અને કહ્યું : 'પાછી મોકલાવું?'
'ના, જરૂર નથી. ઘેર લઈ જાઓ.'
દરબાર તો ઘોડીએ ચડીને વહ્યા ગયા.
ચોથો એક સુતાર ત્યાં આવ્યો. 'સુતારનું મન બાવળિયે.' ઝાડ જોઈ રાજી થઈ ગયો. ઝાડ નીચે સૂતો. તેણે નવાં ઘર બનાવેલાં પણ તેને લાકડાના આડસર નહિ મળેલા. ઉપર ઝાડની સીધી ડાળી જોઈ વિચાર થયોઃ 'આ ડાળ આડસર (પાટડો) થાય તેવી છે. જો આ કાપી લઈએ તો વેચાતી લેવી ન પડે. પણ કુહાડો ઘેર રહી ગયો.
આમ જ્યાં સંકલ્પ કરે છે ત્યાં કુહાડો ડાળ ઉપર દેખ્યો. આ જોઈ સંકલ્પ થયોઃ'આ પડે ને રખે ગળું કાપી નાખે.' ત્યાં તો કુહાડો તરત પડ્યો અને સુતારનું ભોડું (માથું) કાપી નાંખ્યું.
'છેટો પડો' એમ ચિંતવ્યું હોત તો છેટો પડત. એમાં કાંઈ કલ્પવૃક્ષનો વાંક નથી. ભગવાન કલ્પવૃક્ષ છે. તેમની પાસે સારું ચિંતવીએ તો સારું મળે. બધાનું હિત કરવું; અહિત ન કરવં; પરોપકાર કરવો. ગરીબની સેવા કરવી. ન થાય તો હાથ જોડવા પણ કોઈનું વાકું ન બોલવું.
જેમ કૃષ્ણ ભગવાનની ગીતા તેમ સ્વામિનારાયણની શિક્ષાપત્રી. અંબરીષની સેવામાં ભગવાને એક સુદર્શન ચક્ર મૂક્યું હતું. કોઈ મારવા આવે તો રક્ષા કરે. શ્રીજીમહારાજે ૨૧૨ સુદર્શન ચક્રરૂપી શિક્ષાપત્રી સત્સંગીઓની રક્ષામાં મૂકી. જો તે બરાબર પાળીએ તો આપણે લંડન, અમેરિકા, જાપાનમાં રહીએ તો પણ અન્નવસ્ત્ર મહારાજ આપે. સાત દુકાળ પડે તોય મહારાજ રક્ષા કરે.
'જેને જેનો આશરો તેને તેની લાજ.' ગમે તેવો દેશકાળ કે આફત આવે ત્યારે શ્રીજીમહારાજને સંભારીએ, ધૂન કરીએ : 'હે મહારાજ, મારી રક્ષા કરો.' તો મહારાજ તરત રક્ષામાં આવીને ઊભા રહે. સંભાળવા પડે.
|
|