Search Contact Site Map Download News Vicharan Home GujaratiSatsangIntroduction
 

એક વિરાટ પ્રતિષ્ઠાનના નિર્માતા શાસ્ત્રીજી મહારાજ (લેખ : ૧)
ડૉ. એ. સી. બ્રહ્મભટ્ટ (પ્રૉફેસર, ઇન્સ્ટિટ્યૂટ ઓફ મૅનેજમેન્ટ, નિરમા યુનિવર્સિટી)

કોઈ પણ ક્ષેત્રે પ્રભાવશાળી અને સફળ નેતૃત્વ શાનાથી શોભે છે?
દીર્ઘદૃષ્ટિ, અદમ્ય હિંમત, નિર્ણય-શક્તિ, પ્રત્યાયન કૌશલ્ય અને માર્ગદર્શન, પાયાનાં નૈતિક મૂલ્યોનું જતન વગેરે અનેકવિધ લક્ષણોથી. આ નેતૃત્વનું નૂર તેના દ્વારા સર્જાયેલા અને વિકસિત થયેલા કોઈ પ્રતિષ્ઠાન(Institution)માં પ્રતિબિંબિત થાય છે. દેશ અને વિદેશમાં સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક, શૈક્ષણિક, આર્થિક, સરકારી અને બિનસરકારી કે વ્યાપારી ક્ષેત્રે લાખો સંસ્થાઓ અસ્તિત્વ ધરાવે છે. આ સંસ્થાઓ મોટે ભાગે તેમના સદસ્યોના હિતમાં ઉપકારક કામગીરી કરતી હોય છે, પોતપોતાના મૂળભૂત હેતુઓને બર લાવવાના પ્રામાણિક પ્રયાસોમાં કાર્યરત હોય છે. તેમના સદસ્યો કે આશ્રિતોને તે દ્વારા આર્થિક જ નહિ, મનોવૈજ્ઞાનિક લાભ પણ થતો હોય છે. પરંતુ એવી સંસ્થા કરતા અધિક છે પ્રતિષ્ઠાન. કોઈ પ્રતિષ્ઠાનનું નિર્માણ, તેનું જતન, તેનાં વિકાસ અને વૃદ્ધિ, સંસ્થાઓના વિકાસ-વૃદ્ધિથી તદ્દન અલગ પડી જતાં હોય છે. મેનેજમેન્ટના આધુનિકતમ સંશોધનોની નજરે જોતાં ચોક્કસ લાગે છે કે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા, ભલે 'સંસ્થા' તરીકે ઓળખાતી હોય, પરંતુ તે સંસ્થા નહીં, તેના બદલે એક મહાન પ્રતિષ્ઠાન છે. કોઈ સંસ્થાના નિર્માણ અને કોઈ પ્રતિષ્ઠાનના નિર્માણ વચ્ચેનો આ તાત્ત્વિક ભેદ તેના નિર્માતાની કાર્યશૈલી, કૌશલ્યગણ (Skill Set) અને કેટલાક વિશિષ્ટ ગુણધર્મોમાં સ્પષ્ટ દૃષ્ટિગોચર થતો હોય છે. અહીં એક મહાન પ્રતિષ્ઠાન બી.એ.પી.એસ.ના નિર્માતા બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજને એ દૃષ્ટિએ નીરખવાનો એક પ્રયાસ છે.
કોઈ આદર્શ સંચાલક(મેનેજર) સંચાલન(મેનેજમેન્ટ)ના તમામ સિદ્ધાંતોનો અમલ કરી જે તે સંસ્થા(Organization)ને વિકાસની કેડી પર સફળતાપૂર્વક મૂકી શકે છે, પરંતુ આવા સફળ સંચાલક સફળ નેતા ન પણ બની શકે, કારણ કે નેતૃત્વમાં એથીય અદકેરાં લક્ષણો સમાવિષ્ટ હોય છે. એમ કહી શકાય કે સફળ નેતા સફળ સંચાલક હોય જ, પરંતુ સફળ સંચાલક, સફળ નેતા ન પણ હોઈ શકે.
વળી, એક કદમ આગળ જઈએ તો, આવા સફળ નેતા જે તે સંસ્થાનું સ્થાપન, સંવર્ધન કરી શકે; પરંતુ કોઈ સંસ્થાથીયે એક કદમ ઉપર કોઈ પ્રતિષ્ઠાન(Institution)નું સર્જન, સંવર્ધન અને પોષણ તો તેનાથીય જેની ભૂમિકા મૂઠ્ઠી ઊંચેરી છે એવા 'પ્રતિષ્ઠાન નિર્માતા' (Institution Builder) જ કરી શકે. સંસ્થા અને પ્રતિષ્ઠાનનો તાત્ત્વિક ભેદ, તેમના અનુયાયીઓ, પાયાનાં નૈતિક મૂલ્યો અને ઉસૂલોને પોતામાં કેટલી ગંભીરતાથી અને તીવ્રતાથી આત્મસાત્‌ (Internalize) કરી, 'સ્વ'ના સમગ્ર અસ્તિત્વને તેમાં કેવા એકાકાર કરી રહ્યા છે તે ઉપર રહેલો છે. પ્રતિષ્ઠાન નિર્માતા તેના અનુયાયીઓમાં જ નહિ, અન્ય બૌદ્ધિકો અને મુમુક્ષુઓમાં પણ આવાં મૂલ્યોને આત્મસાત્‌ કરાવી શકે છે. એટલું જ નહિ, તેમને એવા તો ઊર્જાન્વિત કરી મૂકે છે કે તેઓ સ્વકેન્દ્રિત ખ્યાલોથી ઉપર ઊઠીને પોતાના સમગ્ર અસ્તિત્વને, જે તે પ્રતિષ્ઠાનના અંતિમ લક્ષ્યની પ્રાપ્તિ માટે વણથંભ્યા પુરુષાર્થ અને પ્રયાસોમાં જોતરી દે છે. અને એટલે તો આપણે સમાજમાં જોતા આવ્યા છીએ કે, કોઈ સફળ નેતૃત્વ હેઠળ, નેતાના જીવનકાળ દરમ્યાન તેમણે સ્થાપેલી સંસ્થા ફાલતી-ફૂલતી દેખાય, પરંતુ જેવો તેમનો જીવનદીપ બુઝાય, એ સંસ્થાનાં નૂર ઝડપભેર ઓસરતાં જાય, અંધકાર પ્રસરે અને તેનું નામોનિશાન ભૂંસાઈ જાય.
બહુરત્ના વસુંધરાએ જુદાં જુદાં ક્ષેત્રે આવા પ્રતિષ્ઠાન - સ્થાપકોને જન્મ આપ્યો છે. સ્વાતંત્ર્યપૂર્વે અને સ્વાતંત્ર્ય પ્રાપ્તિ બાદના દાયકાઓમાં ભારતમાંય આવી ઘણી પ્રતિભાઓએ વિવિધ ક્ષેત્રે ગૌરવવંતાં પ્રતિષ્ઠાનોની સ્થાપના કરી છે.
બ્રિટિશ સલ્તનતના અનેકવિધ અંતરાયો વચ્ચે, ઔદ્યોગિક ક્રાંતિનું મહત્ત્વ સમજીને પશ્ચિમ જેવી જ પ્રગતિ અહીં શક્ય બને તે માટે જમશેદજી તાતાએ, પ્રથમ વિશ્વયુદ્ધ દરમ્યાન એક મહાકાય (Steel Plant) આપ્યો. તેમણે બૅંગલોરમાં ખ્યાતનામ 'Indian Institute of Science'ની સ્થાપના કરી, સ્વાતંત્ર્યપૂર્વેના કાળમાં શિક્ષણક્ષેત્રે બહુ મોટું પ્રદાન કર્યું. વિશ્વેશ્વરૈયાએ જૂના મૈસુર રાજ્યમાં હાઇડ્રોઇલેક્ટ્રિસિટીનો મોટો પ્લાન્ટ નાખ્યો; તાતા કુટુંબના પ્રયાસોથી જ'સર દોરાબજી તાતા ટ્રસ્ટ' હેઠળ ખ્યાતનામ પ્રતિષ્ઠાનો જેવાં કે હોમીભાભાની વૈજ્ઞાનિક સૂઝબૂઝ થી સ્થપાયેલા 'Tata Institute of Fundamental Research (TIFR), Tata Institute of Social Sciences' કેન્સર માટેની વિશ્વની પ્રખ્યાત હૉસ્પિટલોમાંની એક 'ટાટા મેમોરિયલ હૉસ્પિટલ,' 'નેશનલ સેન્ટર ફૉર પર્ફોમીંગ આટ્‌સ'ની સ્થાપના થઈ. પંડિત નહેરુ અને રાજકુમારી અમૃતકૌરના સ્વપ્નસમી 'ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મૅડિકલ સાયન્સ'(AIIMS)ની ૧૯૪૨-૪૩માં સ્થાપના થઈ. લંડન સ્થિત રૉયલ ઇન્સ્ટિટ્યૂશનની સમાકૃતિસમું 'Indian Association for Cultivation of Sciences' (IACS) શ્રી મહેન્દ્રલાલ સરકારે સ્થાપ્યું, જ્યાં સર સી. વી. રામને તેમનું નૉબેલ ઈનામ જીતી લાવનારું સંશોધન હાથ ધરેલું. સન ૧૯૪૪માં ટિસ્કોના ડાયરેક્ટર શ્રી અરદેશર દલાલે અમેરિકાની મુલાકાત લઈ પાછા આવ્યા બાદ એમ.આઈ.ટી.ની સ્પર્ધા કરે એવી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (IIT) સ્થપાય એ વિચાર વહેતો મૂક્યો, ભારત સરકારે ૧૯૬૧માં તેની સ્થાપના કરી તેને પરિપૂર્ણ કર્યો. અમદાવાદમાં ઘરઆંગણે શ્રી ડૉ. વિક્રમ સારાભાઈએ તો કમાલ કરી; ત્રણ વિશ્વવિખ્યાત પ્રતિષ્ઠાનોની સ્થાપના કરી — 'Ahmedabad Textile Industry's Research Association (ATIRA), Physical Research Laboratory (PRL), અને Indian Institute of Management, Ahmedabad (IIMA).'
વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર, તીરુઅનન્તપુરમમાં તેમના પગલે તેમના જ સમકાલીન યુવાન વૈજ્ઞાનિકો શ્રી સતીશ ધવન, શ્રી બ્રહ્મપ્રકાશ અને ડૉક્ટર અબ્દુલકલામનો ભારતીય અણુ ઊર્જા ઉત્પાદન ક્ષેત્રે અનન્ય ફાળો રહ્યો.
વીસમી સદીના ઉષઃકાળે, સમાજનાં ઉપર કરેલાં અન્ય ક્ષેત્રોને જે ઓક્સિજન પૂરો પાડે છે એવા આધ્યાત્મિક ક્ષેત્રે એક વિરલ, પ્રતાપી વ્યક્તિત્વનાં દિવ્ય કરકમલો દ્વારા એક અદ્વિતીય પ્રતિષ્ઠાનની સ્થાપના થઈ. ભગવાન સ્વામિનારાયણે સ્થાપેલા મહાન સંપ્રદાયની ગુણાતીત ગુરુપરંપરાના ત્રીજા આધ્યાત્મિક વારસ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજે, ૫-૬-૧૯૦૭ના શુભ દિવસે, આણંદ જિલ્લાના એક નાનકડા ગામ - બોચાસણમાં અનંતના ઓવારા સુધી અક્ષરપુરુષોત્તમની શુદ્ધ ઉપાસનાના આહ્‌લેક જગવતા એક મહાન પ્રતિષ્ઠાનની સ્થાપના કરી. એક ભવ્ય મંદિર રચી તેમાં અક્ષરપુરુષોત્તમ મહારાજની પ્રાણપ્રતિષ્ઠા કરી. અમદાવાદમાં શ્રી નરનારાયણદેવની મૂર્તિપ્રતિષ્ઠા વેળાએ એ મૂર્તિ વિષે શ્રીજીમહારાજે સ્વયં કહેલું કે 'આ નરમાં અક્ષરનો અંશ છે અને નારાયણ અમારો અંશ છે.'
ભગવાન શ્રી સ્વામિનારાયણે પ્રબોધેલા આ અક્ષર-પુરુષોત્તમનો મૂળ સિદ્ધાંત તેના અસલ સ્વરૂપે પ્રગટે અને શુદ્ધ ઉપાસનાનું નિરંતર પ્રવર્તન થાય એ હેતુસર, યુગપુરુષ શાસ્ત્રીજી મહારાજે આ પ્રતિષ્ઠાનનું નિર્માણ કર્યું. નડિયાદના સાક્ષરરત્ન દોલતરામ પંડ્યાના શબ્દોમાં કહીએ તો, 'તેમણે જો આ કાર્ય ન કર્યું હોત તો ભગવાન સ્વામિનારાયણને અવતાર ધરીને પાછા આવવું પડત.' પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના શબ્દોમાં કહીએ તો, 'શાસ્ત્રીજી મહારાજ પ્રગટ થયા ન હોત તો આપણે કદીયે અક્ષરપુરુષોત્તમની આ વાત પામી શક્યા ન હોત. એમનાં દાખડા અને ઐશ્વર્ય-પ્રતાપ - શક્તિ આગળ બીજા કોઈની બુદ્ધિ કામ આવે એવી નથી. શ્રીજીમહારાજ જે સિદ્ધાંત લઈને આવેલા એ જીવનમાં દૃઢ કર્યો અને આ સંસ્થા ઊભી કરી મુઠ્ઠીભર હાડકાંનો દેહ હતો, પણ અંદર શ્રીજીમહારાજની શક્તિ હતી...'

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |