|
એક વિરાટ પ્રતિષ્ઠાનના નિર્માતા શાસ્ત્રીજી મહારાજ (લેખ : ૩)
ડૉ. એ. સી. બ્રહ્મભટ્ટ (પ્રૉફેસર, ઇન્સ્ટિટ્યૂટ ઓફ મૅનેજમેન્ટ, નિરમા યુનિવર્સિટી)
પોતાની નિર્ણયપ્રક્રિયામાં, આવા વિરલ પુરુષો ઠેકઠેકાણે જે અદમ્ય હિંમત દાખવે છે તેનો જોટો જડવો મુશ્કેલ છે — ધ્યેય પ્રાપ્તિ માટે દાખવેલી હિંમત, સત્યનો પક્ષ રાખવા દાખવેલી હિંમત.
જીભાઈ કોઠારીએ કેટલાક સાધુઓની કાન-ભંભેરણીથી જાગા ભગતને ઓરડે જવાની સૌને બંધી ફરમાવી. આ સમાચાર જ્યારે શાસ્ત્રીજી મહારાજે સાંભળ્યા તો તાબડતોડ રાજકોટથી જૂનાગઢ પહોંચી, ઠાકોરજીનાં દર્શન કરી સીધા જ જાગા ભગતને ઓરડે દર્શન કરવા તત્પર થયા. ત્યાં કેટલાકે અટકાવીને કહ્યું : 'ત્યાં જવાની બંધી છે.' ત્યારે અદમ્ય હિંમત દર્શન કરાવતો તત્કાળ પ્રત્યુત્તર હતો : 'મારે માટે બંધી નથી.' અને ત્યાં પહોંચ્યા જ. જાગા ભગતને આશ્વાસન આપતાં કહ્યું કે 'ઉદાસ ન થતા, હું હાલ જ કોઠારીને સમજાવું છું.' એમ કર્યું પણ ખરું. જીભાઈ કોઠારી પાસે જઈ, સવારના ચાર વાગ્યા સુધી એકધારી, અસ્ખલિત જાગા ભગતના મહિમાની એવી તો વાતો કરી કે કોઠારી ગદ્ગદિત થઈ ગયા. તેઓ નાહી-ધોઈ સીધા જાગાસ્વામીના આસને ગયાં, માફી માગી, ને કાયમને માટે બંધી તોડી.
સારંગપુર મંદિરનું બાંધકામ પુરજોશથી ચાલતું હતું. ઠાકોરજીના મધ્ય મંદિરના તરઘટનો આશરે ૧૫૦ મણનો પથ્થર, જાડા રાંઢવાના સાત બંધથી બંધાયેલો ઉપર ચઢી રહ્યો હતો, એટલામાં એક બંધ તૂટ્યો અને પલવારમાં તો બીજો, ત્રીજો એમ... છયે બંધ તૂટી ગયા, આખો પથ્થર એક જ બંધ પર લટકી રહ્યો હતો, જો એ નીચે પડે તો ઘડેલા તમામ પથ્થરોને તોડી નાખે. સમાચાર મળતાં ત્યાં ઉપસ્થિત શાસ્ત્રીજી મહારાજ સહસા સ્થળ પર દોડી આવ્યા, અને એક હાથ ઊંચો કરી જાણે પથ્થરને પડકારતા હોય એમ બોલ્યા, 'પથ્થર હવે નહિ પડે.' એથી વિશેષ તો બાજુ માં ઊભેલા સોમા ભગતને પથ્થર ઉપર ચડીને તૂટેલા બંધો બાંધી દેવા આજ્ઞા કરી; સોમા ભગત છલાંગ મારી ચઢી ગયા, તૂટેલા બંધો બાંધી દીધા. સ્વામીશ્રીએ અદમ્ય હિંમત તો દાખવી જ, પરંતુ સોમા ભગતમાં પણ અદમ્ય હિંમતનો સંચાર કર્યો. તેને ઊની આંચ ન આવી.
આવા દુર્લભ સંસ્થાપક પોતાના પ્રતિષ્ઠાન નિર્માણકાર્યમાં જે સહ કાર્યકરોની પસંદગી કરે તે પણ સર્વશ્રેષ્ઠ પ્રકારની હોય. તેમાં પણ તેમની પરીક્ષણશક્તિનાં દર્શન થાય. સહકાર્યકરો સંનિષ્ઠ, પ્રામાણિક, ધ્યેયની સ્પષ્ટતાવાળા, કાર્ય પ્રત્યે પ્રતિબદ્ધ, સંઘ-ભાવના(Team Spirit)માં માનતા, નીતિમત્તા ભર્યું સાત્ત્વિક જીવન જીવતા, ધ્યેય પ્રાપ્તિ માટે ફના થઈ જવાની વૃત્તિવાળા, પ્રતિષ્ઠાન, પોતાના નેતા અને કાર્ય પ્રત્યે સંપૂર્ણ વફાદારી (Loyalty) ધરાવતા હોય. અક્ષરપુરુષોત્તમના સિદ્ધાંતને મૂર્તિમંત કરવા, તેનો પ્રચાર અને પ્રસાર કરવામાં શાસ્ત્રીજી મહારાજે જે સંતો અને હરિભક્તોને તેમની પરીક્ષણશક્તિથી ચૂંટ્યા તે સર્વેની અલગ અલગ આખ્યાયિકાઓ રચાય એવાં તેમનાં સેવા, સમર્પણ, પુરુષાર્થ અને પ્રતિબદ્ધતા હતાં. નિર્ગુણદાસ સ્વામી, નારાયણચરણદાસ સ્વામી, પુરુષોત્તમદાસ સ્વામી, મહાપુરુષ સ્વામી, અક્ષરપુરુષદાસ સ્વામી, ભક્તિવલ્લભદાસ સ્વામી, શ્રી યોગીજી મહારાજ, હરિજીવનદાસ સ્વામી, નાપાડવાળા બાલમુકુંદદાસ સ્વામી, સંતવલ્લભ સ્વામી, શ્રીજીસ્વરૂપ સ્વામી, શાસ્ત્રી નારાયણસ્વરૂપદાસ સ્વામી, આફ્રિકાનું મુક્તમંડળ — મુક્તરાજ શ્રી મગનભાઈ, હરમાનભાઈ, ત્રિભોવનદાસ, સી. ટી. પટેલ, અંબાલાલ પટેલ, પ્રભુદાસ લાલાજી, વિનાયકરાવ ત્રિવેદી, ચંપકભાઈ બૅંકર, શ્રી નંદાજી, શંકરલાલ ઠાકર, હર્ષદભાઈ દવે, ખેંગારજીભાઈ ચૌહાણ, બબુભાઈ કોઠારી, રસિકભાઈ અને અન્ય સેંકડો શ્રદ્ધાળુ યુવકો અને સંતો આ મહાન પ્રતિષ્ઠાનની પાયાની ઈંટો સમા હતા. સ્વામીશ્રી આ સૌના જીવનપ્રાણ હતા.
આવી વિભૂતિઓ પ્રતિષ્ઠાનના ધ્યેયને દૃઢવત્તર કરે એવી પ્રવૃત્તિઓના પોષક, પ્રેરક અને રાહબર બનતી હોય છે.
આ પ્રવૃત્તિઓમાં કાર્યરત સૌ કોઈની જવાબદારીઓને, તેમની ભૂમિકાઓને પણ પોતે જ સુવ્યાખ્યાયિત કરે. એમનું એવું માર્ગદર્શન પૂરું પાડે જેથી ઊંચી ગુણવત્તાવાળાં પરિણામો પ્રાપ્ત થાય; પ્રતિષ્ઠાન ગુણાત્મક અને સંખ્યાત્મક રીતે પાંગરી ઊઠે.
તેમના નેતૃત્વમાં કાર્યાભિમુખતા(Task Orientation)ની સાથે સાથે લોકાભિમુખતા(People Orientation), સાહસિકતા, કૌશલ્ય અને કાબેલિયત — આ સઘળા ગુણોનું અદ્ભુત સપ્રમાણ મિશ્રણ જોવા મળતું હોય છે. શાસ્ત્રીજી મહારાજના જીવનમાં પ્રસંગે પ્રસંગે પ્રત્યાયન કૌશલ્ય, સંચાલન કૌશલ્ય, કૃષિકલાથી માંડી રસોઈ-કલામાં પણ નૈપુણ્ય જોવા મળે છે.
આવા પ્રતાપી પુરુષો પોતાના લક્ષ્યને હાંસલ કરવા ભવ્ય બલિદાનો આપી, જીવનના અંતિમ શ્વાસ સુધી અથાગ પરિશ્રમ કરી દેહના ચૂરેચૂરા કરી નાખે છે; દેહને ઘસી નાખે છે (Self effacement). શાસ્ત્રીજી મહારાજે ભગતજી મહારાજ દ્વારા પ્રાપ્ત કરેલા બ્રહ્મજ્ઞાનને - અક્ષરપુરુષોત્તમના સિદ્ધાંતને મૂર્તિમંત કરવા જીવનની અંતિમ ક્ષણ સુધી, પ્રચંડ પુરુષાર્થ કરી દેહને સાવ ક્ષીણ કરી નાખ્યો. તેઓ કહેતા કે, 'દેહ તો કૃતઘ્ની છે, જેટલી કમાણી દેહથી કરીએ તેટલો આપણને હાથ દે છે, તે બુદ્ધિનું કામ છે.'
પ્રતિષ્ઠાનની સ્થાપના માટે તેઓ જે સ્થળ પર પસંદગી ઉતારે તે પસંદગીમાં પણ લાંબા ગાળાનાં શક્ય ઉમદા પરિણામો પ્રાપ્ત કરવાની ક્ષમતા (Strategic Choice) હોય છે.
શાસ્ત્રીજી મહારાજે વડતાલના મહાપ્રસ્થાન પછી પ્રથમ રાત બોચાસણ આવી વિતાવી અને જાણે મંદિરના સ્થળનો પૂર્વસંકેત આપી દીધો. પછી તો ગણતરીના દિવસોમાં જ આણંદના સમૈયામાં બોચાસણ મંદિર કરવાનો નિર્ણય પણ લઈ લીધો. આણંદ જિલ્લાના બોરસદ તાલુકાનું આ નાનકડું ગામ, અક્ષર-પુરુષોત્તમ મહારાજને પોતાના ખોળલે પધરાવી તીર્થરાજ બની ગયું!! સંસ્થાનું તે આદિતીર્થ બની ગયું. ત્યાર પછી ઉપરાઉપરી પાંચ મંદિરોનાં સર્જન માટેનાં સ્થળોની પસંદગી પણ, શ્રદ્ધાનાં કેવાં મહાન કેન્દ્રો સમી બની રહી!
પોતાના અનુયાયીઓને કોઈ પણ પ્રવૃત્તિમાં સ્વદૃષ્ટાંતથી પ્રેરવાની તેમનામાં લાક્ષણિકતા હોય છે. શાસ્ત્રીજી મહારાજ પોતે સર્જેલાં ગગનચુંબી મંદિરોના બાંધકામમાં નાનામાં નાની સેવામાં પ્રથમ પોતે જોતરાયા છે. સારંગપુરમાં કામ કરતા કડિયાઓ સુધી પહોંચાડવા માટે જાતે જ ચૂનાની ગાડીઓ ખેંચતા. ગોંડલમાં અક્ષર મંદિરના નિર્માણકાર્ય માટે ઊંડા પાયામાં ઊતરી કામ કરતા. ઉનાળાના અસહ્ય તાપમાં પાનેલીની પથ્થરની ખાણોમાંથી મંદિર માટે પથ્થર કઢાવતા, ત્યાં ઝેરી જીવજંતુઓ વચ્ચે ગમે ત્યાં સૂઈ જતા.
પોતે સ્થાપેલા મહાન સંસ્થાનનો સંપૂર્ણ કાર્યભાર સંભાળે અને પ્રસ્થાપિત કરેલાં ધોરણો, મૂલ્યો, તેને પોષણ આપતી પ્રવૃત્તિઓ, આહ્નિકો, શિસ્ત અને સભ્યતાનું પેઢીઓ સુધી સુપેરે પરિપાલન થતું રહે, તેનું Enculturation થતું રહે તે માટે વ્યક્તિની પસંદગી સૌથી વધુ અગત્યની છે. તેમાં તેનાં આવશ્યક ગુણધર્મોની સાથે સાથે તે વ્યક્તિનું વ્યક્તિત્વ માનવીય ગુણોથી સભર છે કે નહિ, તેના અનુયાયીઓના એ સાચા સ્વજન-સુહૃદ બની કેવું વાત્સલ્ય વરસાવે છે એ બાબત પર તેઓ ખાસ ધ્યાન આપે — એ પ્રતિષ્ઠાન નિર્માતાનું મહત્ત્વપૂર્ણ લક્ષણ છે.
શાસ્ત્રીજી મહારાજે જ્યારે ધામમાં સિધાવવાનો સ્વતંત્રપણે સંકલ્પ કર્યો, ત્યારે સારંગપુર મંદિરની કળશવિધિ હજુ બાકી હતી. ગઢપુરનું મંદિર નિર્માણાધીન હતું. એ અરસામાં અટલાદરામાં એક પ્રસંગે સંનિષ્ઠ હરિભક્ત મણિલાલ ભટ્ટે સ્વામીશ્રીને કહ્યું કે 'ગઢપુરમાં મૂર્તિપ્રતિષ્ઠા અને સારંગપુરમાં કળશ, બન્ને સાથે કરવા અને આરતી આપે ઉતારવી, એવું વચન આપો.'
ત્યારે સ્વામીશ્રીએ હસીને જે વચન ઉચ્ચાર્યાં તેમાં તેમના આધ્યાત્મિક વારસદારની પસંદગીનો નિર્દેશ આપી દીધો તેમણે કહ્યું કે 'હું આરતી નહિ ઉતારું તો જોગી ઉતારશે. મારા ઉતાર્યામાં અને તેમના ઉતાર્યામાં કોઈ ફેર નથી. ગઢડાની પણ આરતી એ ઉતારશે. એથી તો દીક્ષા આપવાનું, સાધું કરવાનું મેં હવે જોગી મહારાજને સોંપ્યું છે...'
એવા જોગી મહારાજ(યોગીજી મહારાજ)ના અનંત કલ્યાણકારી ગુણોમાંનો તેમનો એક ગુણ હતો — હરિભક્તો એ જ એમનું જીવન, તેમની સેવા-સંભાવના એ જ એમની દિનચર્યા હતી. તેનું સ્વમુખે વર્ણન કરતાં એક પ્રસંગે શાસ્ત્રીજી મહારાજ બોલી ઊઠેલા કે '...અહો! જોગી તે જોગી, સાક્ષાત્ ગુણાતીત સ્થિતિ, પહેલેથી એક જ રહેણી, રોજ ચાર વાગે ઊઠે અને પ્રભાતિયાં ગાય. હરિભક્તો ઉપર બહુ જ પ્રેમ. રોજ રોજ હરિભક્તોની વાટ જોયા જ કરે. અત્યારે જે કાંઈ છે તે જોગી જ છે. હું તો હવે સૂતો. નિર્ગુણદાસ ગયા, માટે સૌને હવે તેમનો જ આધાર છે...'
એવી જ એક સર્વોત્તમ પ્રતિભાની નિમણૂક કરવાની શકવર્તી ઘટના ઘટી ૨૧મી મે, ૧૯૫૦ના એ પરમ પવિત્ર દિવસે. આ દિવસે શ્રી શાસ્ત્રીજી મહારાજે સર્વના લાડીલા, અપ્રતિમ વહીવટી કૌશલ્ય ધરાવતા, સાધુતાથી ભર્યા ભર્યા, સેવાના ભેખધારી, અદનામાં અદના હરિભક્તના સાચા સુહૃદ એવા ગુણિયલ યુવાન સંત શ્રી શાસ્ત્રી નારાયણસ્વરૂપદાસજી (પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ)ની અમદાવાદમાં આંબલીવાળી પોળ(હાલ શાસ્ત્રી યજ્ઞપુરુષ પોળ)ના પ્રસાદીના મંદિરમાં, સંસ્થાના પ્રમુખપદે વરણી કરી, પ્રતિષ્ઠાનના પાયા પાતાળે નાખ્યા. તે સમયે સભાને સંબોધતાં સ્વામીશ્રીએ કહ્યું : '... તેમની ઉંમર નાની છે છતાં ગુણ ભારે છે. ...અત્યાર સુધી તમો જે મારી આજ્ઞા પાળતા હતા, તેમ જ હવેથી આ સદ્ગુરુ શાસ્ત્રી નારાયણસ્વરૂપદાસજીની આજ્ઞામાં સૌ રહેજો.' વળી, ત્યાં ઉપસ્થિત યોગીજી મહારાજ તરફ દૃષ્ટિ કરીને કહ્યું, 'જોગી મહારાજ! આ નારાયણ સ્વામીને જાળવજો. આજે તેમને આશીર્વાદ આપો કે તમારા જેવા ગુણ તેમનામાં આવે.'
શાસ્ત્રીજી મહારાજે ચૂંટેલા આ બન્ને મહાપુરુષો આજે તો દેશ-વિદેશના કરોડો હરિભક્તોના હૃદયસમ્રાટ સમા બની ગયા છે. સો વર્ષ પહેલાં બોચાસણમાંથી ઉદ્ભવેલી અક્ષરપુરુષોત્તમ ઉપાસનાની એ આહ્લેકનાં દિવ્ય આંદોલનો, આ બે મહાપુરુષોએ સાત સમંદર પાર પહોંચાડીને, આજે તો લાખો મુમુક્ષુઓને અર્ચિમાર્ગના અધિકારી કરી દીધા છે.
અને બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા, સાચા અર્થમાં એક મહાન પ્રતિષ્ઠાન સ્વરૂપે વિશ્વને આદર્શ પૂરો પાડી રહી છે. સંસ્થાનાં શત વર્ષોનાં સરવૈયા સામે નજર કરીએ છીએ ત્યારે બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજમાં એવા પ્રતિષ્ઠાન નિર્માતાનાં વિરલ અને દિવ્ય ગુણોનું દર્શન થાય છે, જે જગતભરના પ્રતિષ્ઠાન નિર્માતાઓ કે સંસ્થા-સંસ્થાપકોને માટે આદર્શરૂપ બની રહે તેમ છે.
|
|