|
એક સાથે અનેક ભૂમિકાઓ નિભાવવાની ક્ષમતા...
સાધુ જયતીર્થદાસ
એક વિરાટ સંસ્થાના નિર્માતાએ ક્યારેક અનેક રૂપ ધારણ કરવાં પડે છે. એકલપંડે અનેક ભૂમિકાઓ નિભાવવાનું સામર્થ્ય કેળવવું તે અલગ વાત છે, અને તે જન્મજાત સિદ્ધ હોવું તે કંઈક વિશેષ બાબત છે. શાસ્ત્રીજી મહારાજને અનેક ભૂમિકાઓ સમાંતરે નિભાવવાનું એક સહજ કૌશલ્ય જન્મજાત વર્યું હતું. એટલું જ નહિ, પરંતુ તેઓએ પોતાની દરેક ભૂમિકામાં ઉચ્ચતમ શિખરો સર કર્યાં હતાં.
એક સંસ્થાના સિદ્ધાંતનિષ્ઠ સ્થાપક તરીકે તેઓ પ્રકાંડ વિદ્વત્તાસભર સિદ્ધાંત-પુરુષ હતા !
તેઓની વિદ્વત્તા માટે વિદ્યાગુરુ રંગાચાર્ય કહેતા : 'अस्मिन् संप्रदाये एकमेव।' તેઓ પોતે પણ ઘણી વાર કહેતાઃ 'બીજા જે અભ્યાસ ૫૦ વર્ષમાં કરે તે મેં છૂટક છૂટક ભણતાં ત્રણ વર્ષમાં પૂરો કર્યો હતો!' આવી તેમની મેધાશક્તિ હતી.
તેઓ પુસ્તકિયું જ્ઞાન ધરાવતા પોથી પંડિત ન હતા. તીક્ષ્ણ બુદ્ધિ ધરાવતા અદ્વૈત સિદ્ધાંતના પ્રકાંડ વિદ્વાન જીવણરામ શાસ્ત્રી પાસે તેઓ અભ્યાસ કરવા રોકાયા ત્યારે પોતાના આ વિદ્યાગુરુને પણ સ્વામીશ્રીએ ગોપાળાનંદ સ્વામી લિખિત 'ભગવદ્-ગીતા ભાષ્ય' સમજાવીને ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંતમાં અભિરુચિ કરાવી દીધી હતી.
તેઓના મુખેથી શ્રીમદ્ ભાગવતની કથાનું રસપાન કરીને ગુજરાતના પ્રખર ભાગવત-વિદ્વાન વિશ્વનાથ શાસ્ત્રી પણ બોલી ઊઠેલા કે 'સ્વામીશ્રીએ જેવું ભાગવત સમજાવ્યું તેવું તો સ્વયં શ્રીધર સ્વામી પણ ન સમજાવી શકે.'
વિદ્વત્તા અને સાધુતામાં સર્વોચ્ચ શિખરે વિરાજતા એવા સ્વામીશ્રી સંસ્થાના રસોડા-ક્ષેત્રના પણ તજ્જ્ઞ હતા.
અનેક પ્રકારનાં પકવાનો, શાક વગેરે બનાવવામાં માહેર અન્નકૂટની સામગ્રી જાતે બનાવતા. એક સાથે દસ-દસ શાક જાતે બનાવે. તેમ છતાં વઘારમાં_ નાંખેલી મેથી કાળી પડવા ન દે. વળી, પૂરણપુરી અને સુરતી દૂધપાકમાં તો તેમની આગવી હથોટી હતી.
કોઈ પણ કાર્યમાં ખામી રહેવા દેવી નહીં, સર્વત્ર પૂર્ણતા ભરી દેવી, તે તેઓનો સહજ સ્વભાવ હતો. મહામંદિરોના નિર્માતા સ્વામીશ્રી સ્થાપત્યકળામાં પણ એક ઉત્તમ સ્થપતિની ભૂમિકા નિભાવતા, ત્યારે મોટા મોટા આર્કિટેક્ટ્સ અને ઇજનેરો પણ ચકિત થઈ જતા. જયપુરમાં શિલ્પકાર ગિરધારીના કારખાનામાં એક વાર તેઓ પધારેલા. અહીં પડેલી બાલકૃષ્ણની મૂર્તિનાં બંને ચરણ માપસર ન હતાં. સ્વામીશ્રીએ આવતાંવેંત તે બાબતનું ધ્યાન દોર્યું ત્યારે શિલ્પીએ પણ પોતાની ભૂલ સ્વીકારી. સારંગપુરના હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પણ સ્વામીશ્રીની આગવી શિલ્પ-કળાનું એક ઉત્તમ શિલ્પ છે.
મંદિરોના નિર્માણમાં પથ્થરનાં ઘડતરકામ તેમજ નકશી-કામમાં પણ એમને જ સૂક્ષ્મ સૂઝ. મંદિરનાં થાંભલા, શિખર, રમણાં, પ્રદક્ષિણા, કોળી, બેઠક, ઘુમ્મટ, જાળી, દરવાજા, પગથિયાં, બારસાખ વગેરેમાં નકશી કેવી રીતે થવી જોઈએ તેની ઊંડી સમજ આપતા ત્યારે શિલ્પીઓ નતમસ્તક થઈ જતા.
સંસ્થાની અનેક પ્રવૃત્તિઓમાં એક હતી — કૃષિ અને ગૌશાળા. સ્વામીશ્રી એક કુશળ પશુપાલકની પણ ભૂમિકા નિભાવતા. બળદની પરખ કરવામાં તેઓ કુશળ હતા. તેઓ કહેતા કે વાઘ મોઢાનાં શીંગડા, ધોળો વાન, ટૂંકું અને પાતળું પૂંછડું, પાણીના રેલા જેવી ચાલ અને બે ધરીનો હોય તે બળદ સારો!
જમીનોમાં પણ એક ભૂસ્તર શાસ્ત્રી જેવું જ્ઞાન તેઓ ધરાવતા હતા. એક ઉત્તમ કૃષિ નિષ્ણાતની રુએ તેઓ કહેતા કે 'ડાંગર કરવી હોય તો કાળી જમીનમાં સારી ને મીઠી થાય. તુવેર ગોરાટ જમીનમાં મીઠી થાય. કાળી નહિ ને ગોરાટ પણ નહીં તેવી જમીનમાં ઘઉં સારા થાય, અને કપાસ કરવો હોય તો કાળી ને કાંકરાવાળી જમીનમાં કરવો.'
સારંગપુરની પથરાળ જમીનમાં પણ તેમણે ડાંગરનો પાક લીધો હતો. વળી, શ્રીજીપુરા, સ્વામીપુરા તેમજ પુરુષોત્તમ-પુરા વગેરે સ્થળોની હજારો એકર જમીનમાં સ્વામીશ્રીએ ધૂળમાંથી સોનું ઊભું કર્યું હતું.
એક સંસ્થાના શિલ્પી તરીકે, સંસ્થાના સંચાલક તરીકે, સંસ્થાની આર્થિક બાબતોના નિષ્ણાત તરીકે, સંસ્થાના આર્કિટેક્ટ તરીકે, સંસ્થાના કૃષિનિષ્ણાત તરીકે, સંસ્થાના કોષાધ્યક્ષ તરીકે, એવી કેટકેટલી ભૂમિકાઓ તેઓ નિભાવતા હતા ! કવિત્વ હોય કે સંગીત, આયુર્વેદ હોય કે અધ્યાત્મ — કેટકેટલાં ક્ષેત્રમાં તેઓ શિરોમણી હતા!
વરતાલ મંદિરના કોઠારી ગોરધનદાસ પણ રાજી થઈ બોલી ઊઠ્યા હતા : 'સ્વામી! તમે તો શાસ્ત્રમાં પ્રવીણ, ત્યાગ-વૈરાગ્યમાં પ્રવીણ, ભક્તિમાં પ્રવીણ, વ્યવહારમાં પ્રવીણ અને ખેતી નથી કરતા છતાં બળદની પરખમાં પણ પ્રવીણ! હવે કોઈ વાત બાકી રાખી છે કે નહીં?'
તેઓને આ બહુવિધ કળાઓ અને ભૂમિકાઓ સ્વતઃસિદ્ધ હતી.
સાચે જ, શાસ્ત્રીજી મહારાજ મુક્તાનંદ સ્વામીના શબ્દોમાં કહીએ તો 'સબ ગુણ પૂરણ' હતા, સર્વકળાકોવિદ હતા.
|
|