|
તણાવથી મુક્ત રહીને બીજાને પણ તણાવમુક્ત રાખવાનું કૌશલ્ય...
સાધુ સેવાનિષ્ઠદાસ
જેને ખીચડીમાં ઝેર આપી મારી નાખવા પ્રયત્ન થતા હોય; શરીરમાં સોયો ભોંકી, મરચાંની ધૂણી કરી, જેને દુઃખ દેવામાં કંઈ બાકી રખાયું ન હોય; જેમનું કાસળ કાઢી નાખવાની યોજનાઓ ઘડાતી હોય, તેમ છતાં એ બધું જ જોયા-જાણ્યા-અનુભવ્યા પછી પણ વ્યક્તિ સ્થિર અને તણાવમુક્ત રહી શકે ખરી?
જેમની પાસે સિલકમાં ત્રણ આનાની મૂડી હોય અને લાખો રૂપિયાનાં મંદિરોના નિર્માણનાં કાર્યો ઉપાડ્યાં હોય એ વ્યક્તિ તણાવમુક્ત હોઈ શકે ખરી ? જેમને માથે અત્ર-તત્ર-સર્વત્ર ઉપાધિઓનાં વાદળ વરસતાં હોય અને એક સંસ્થાના મહાન સર્જનનું લક્ષ્ય લઈને અહોરાત્ર પ્રચંડ પુરુષાર્થ કરતા હોય, તે તણાવ સિવાય રહી શકે ખરા ? હા, રહી શકે ! ઇતિહાસ સાક્ષી છે. શાસ્ત્રીજી મહારાજ એવું હળવુંફૂલ સમું ઉદાહરણ છે !
વરતાલમાં ઉપાધિઓ વચ્ચે કાર્ય ચાલુ રાખવાનો તેમનો ઉત્સાહ જોઈને વરતાલના કોઠારી ગોરધનદાસે શાસ્ત્રીજી મહારાજને ખાનગીમાં બોલાવી કહ્યું હતું : 'ભેખધારી કોશ અને કોદાળો લઈને તમારું મૂળ ઉખેડવા કટિબદ્ધ થયા છે, તેથી મને મૂંઝવણ અને અજંપો થાય છે !'
કોઠારીનો પોતા પ્રત્યેનો ભાવ જોઈ શાસ્ત્રીજી મહારાજે પોતાની સમજણ જણાવતાં કહ્યું હતું : 'આપણે કોઈ ક્રિયાના ધણી થઈશું તો તેનો ભાર આપણને વળગશે, પરંતુ 'શ્રીજીમહારાજ કર્તાહર્તા છે' એમ સમજશું, તો શ્રીજીમહારાજ આપણને કોઈ આંચ આવવા દેશે નહિ.'
ગમે તેવા કપરા સંજોગોમાં તણાવ-મુક્ત રહેવું એ કોઈ પણ નેતા માટે આવશ્યક છે, પરંતુ હકીકતે એ સંભવિત છે? અતિશય તંગ પરિસ્થિતિ સર્જાય ત્યારે તણાવમુક્ત રહેવા લૌકિક સમજણ અને કૌશલ્ય કામ આવતાં નથી. એવે સમયે તો ઉચ્ચ આધ્યાત્મિક સમજણ જ વ્યક્તિને તણાવમુક્ત રાખી શકે છે! શાસ્ત્રીજી મહારાજ પાસે એ અધ્યાત્મની કૂંચી હતી, એ જ તેમની તણાવ-મુક્ત પ્રતિભાનું રહસ્ય છે ! ૭૩ વર્ષની ઉંમરે શાસ્ત્રીજી મહારાજે નિર્ગુણદાસ સ્વામીને લખેલા આ પત્રમાં તેઓની તણાવમુક્ત સ્થિતિ અને તે પાછળની અલૌકિક આધ્યાત્મિક સમજણનું દર્શન થાય છે :
'આપણી સામર્થિમાં કશું થવાનું નથી. એ તો શ્રીજી-સ્વામી દયા કરી ભળે ને પોતે અનુકૂળતા કરી આપે તો બને... મારું બનતું બુદ્ધિને અનુસરીને કર્યું છે, ને જે વારે ગૂંચવણમાં પડું છુ _ ત્યારે તેઓને (મહારાજ-સ્વામીને) માથે નાંખું એટલે કામ પતે. તેમ શ્રીજીપરાનું ને જૂનાગઢનું શ્રીજી-સ્વામીને માથે નાંખ્યું છે, તેમની ઇચ્છાનુસાર થશે. મંદિર છે, તેમની મિલકત છે, એટલે (તે) સાચવશે, તેમાં અતિ દુઃખી થવાની જરૂર નથી. ગોંડલમાં પણ તેમને આગળ રાખીને કામ કર્યું હતું, સારંગપુરમાં પણ તેમને માથે નાંખ્યું હતું. બોચાસણમાં તો બધા હરિભક્તોની હિંમત હતી, છતાં બધી આંટીઓ શ્રીજી-સ્વામી ઉકેલે છે... એમ જાણી હિંમત રહે છે... તો આનંદમાં રહી ભજન કરશો...'
પ્રત્યેક શબ્દે વ્યક્ત થતી ભગવાનના કર્તાપણાની સમજણથી જ શાસ્ત્રીજી મહારાજ અપાર પ્રશ્નો વચ્ચે જીવનના છેલ્લા શ્વાસ સુધી હળવાફૂલ રહી શક્યા હતા. તેઓ ઘણી વાર કહેતા કે 'આપણે માથે પાણી ભરેલું બેડું લઈએ તો ભાર લાગે; કારણ, પાણી પોતાનું ભરી રાખ્યું છે. પરંતુ દરિયામાં ડૂબકી મારીએ તો માથા ઉપરથી હજારો ટન પાણી વહી જતું હોવા છતાં ભાર નથી લાગતો; કારણ, પોતાનું કરી રાખ્યું નથી! એમ કાંઈ પણ ક્રિયા પોતાની માની તેના ધણી થઈશું તો ભાર લાગશે અને ભગવાનને માથે નાખીશું તો અનેક પ્રવૃત્તિ છતાં હળવા રહેવાશે!'
માનસિક તણાવમાં તણાતા માનવ-જગતને સંબોધતું કેવું અદ્ભુત સમાધાન ! જીવન તો સંઘર્ષોનું સમરાંગણ છે. તેમાં આવા મહાપુðરુષનો યોગ થાય છે ત્યારે અનુભવ થાય છે — અપાર શાંતિનો. અનેક ઉપાધિઓ વચ્ચે શાંતિના મહાસાગરમાં હિલોળતા એ મહાપુરુષનું સાંનિધ્ય અન્યને પણ તણાવથી રહિત કરીને શાંતિનો અનુભવ કરાવે છે. સંસ્થાના સર્જનમાં સ્વામીશ્રીની સાથે જોડાયેલા સૌ કોઈ એ જ અનુભવથી તરબતર હતા અને એટલે જ તો તેઓ શાસ્ત્રીજી મહારાજના કાર્યમાં યાહોમ થઈ શક્યા હતા. ઍડવૉકેટ હરિપ્રસાદ ચોકસી આ બાબતમાં પોતાનો અનુભવ જણાવતાં એક પત્રમાં લખે છે : '...શાસ્ત્રીજી મહારાજના યોગમાં કથા-વાર્તાનું ઘણું સુખ આવ્યું અને હૈયું ખૂબ ટાઢું પડ્યું...!' આવા કેટલાંયનાં હૈયાંને ટાઢક આપી શાસ્ત્રીજી મહારાજે શાંતિના સરોવરમાં ઝબોળ્યા છે!
આવી ઉચ્ચ સમજણ આપી શિષ્યોના મોક્ષની સાથે વ્યવહાર પણ સુધારતા શાસ્ત્રીજી મહારાજ, પોતે તો તણાવમુક્ત હતા, પરંતુ સમસ્ત સંસ્થા-સમુદાયને તણાવ-મુક્ત રાખીને અધ્યાત્મ અને વ્યવહારનો કેવો ઉચ્ચ આદર્શ શીખવી ગયા છે ! |
|