|
સંસ્થાના સભ્યો, પોતાના સાથીઓ પ્રત્યેની અભિમુખતા...
સાધુ કીર્તનપ્રિયદાસ
अभि - સંસ્કૃત ભાષાના આ ઉપસર્ગનો અર્થ છેઃ સામે, તરફ. અભિમુખ થવું એટલે સામે મુખ કરવું, એટલે કે તેનું ધ્યાન રાખવું. સફળ નેતા સતત પોતાના સાથીઓ પ્રત્યે અભિમુખ હોવો જોઈએ. એટલે કે તેણે સતત સાથીઓના હિત માટે તત્પર રહેવું જોઈએ.
શાસ્ત્રીજી મહારાજની ભક્તો પ્રત્યે અભિમુખતામાં હરિભક્તોની રક્ષા, ચિંતા અને સતત ખેવનાનાં દર્શન થાય છે.
સતત રક્ષા
આણંદના મોતીભાઈ શાસ્ત્રીજી મહારાજના ચુસ્ત હરિભક્ત. સંવત ૧૯૭૫માં તેમના ઘરમાં આગ લાગી. અથાગ પ્રયત્નોના અંતે આગ કાબૂમાં આવી. આગની ભયાનકતા જોતાં બધાને લાગ્યું કે હવે ઘરમાં કાંઈ નહિ બચ્યું હોય. પણ આશ્ચર્ય! ઘરનું ફક્ત છાપરું જ સળગ્યું હતું. મોભ, વળીઓ અને અન્ય વસ્તુઓ બચી ગઈ હતી.
મોતીભાઈ બધી વિગત જણાવવા શાસ્ત્રીજી મહારાજ પાસે પહોંચ્યા, પણ ત્યાં સ્વામીશ્રીના કોણી સુધી દાઝી ગયેલા હાથ જોઈને દિગ્મૂઢ થઈ ગયા. કારણ તેમને ત્યારે જ સમજાયું ! દિવ્યદેહે તેમનું ઘર ઓલવવામાં વ્યસ્ત સ્વામીશ્રીએ સ્થૂળ દેહને વિસારી દીધો હતો !
સતત ચિંતા
શ્રેષ્ઠ નેતા સાથીઓના હિતની સતત ચિંતા કરતો રહે છે. સાથીઓના હિતની વાત આવે ત્યારે પોતાનું માનીને તેમાં પરોવાઈ જાય છે.
સને ૧૯૨૦-૨૧માં સ્વામીશ્રી સયાજીપરા પધાર્યા હતા. આશાભાઈ તથા ઈશ્વરભાઈ ઘરે ન હતા. બહાર ચોગાનમાં ખહલું અને ગવારનો મોટો ઢગલો પડ્યો હતો. નુકસાન કે ચોરી ન થાય તે વિચારથી સ્વામીશ્રીએ તે ઢગલો જાતે કલાકોની મહેનતને અંતે ઘરમાં ઠેકાણે મૂક્યો અને ત્યાર બાદ જ વિચરણ આગળ ધપાવ્યું !
સતત ખેવના
ગીતામાં શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે 'જે મને જેવા ભાવથી ભજે છે, હું પણ તેમને તેવા જ ભાવથી ભજું છું.' ભગવાન અને સંત પોતાના ભક્તની ઇચ્છાઓ અને સંકલ્પોની પૂર્તિ કરી તેમની સતત ખેવના કરે છે, પોષણ કરે છે. સ્ટીફન કોવિ પોતાના પુસ્તક 'Seven Habits of Highly Effective People'માં આને Emoti-onal Bank Account (લાગણીઓનું ખાતું) સાથે સરખાવે છે. એટલે કે તમે જેટલા પ્રમાણમાં સામેની વ્યક્તિની ઇચ્છાઓ પૂરી કરો, તેટલા પ્રમાણમાં વ્યક્તિ તમારા પ્રત્યે ઢળતી હોય છે.
શાસ્ત્રીજી મહારાજે પોતાના સાથી હરિભક્તો અને સંતોના મનોરથ પૂરા કરવા માટે કેવું કઠોર વિચરણ કર્યું હતું! રાજકોટના કરસનદાસ હોય કે નડિયાદના રામચંદ્રભાઈ હોય, સાધીના આશાભાઈ હોય કે ભાવનગરના કુબેરભાઈ હોય, એવા એકાદ-બે નહીં, સેંકડો હરિભક્તોનો સમુદાય. એક તરફ મંદિરોનાં નિર્માણનાં કાર્યોમાં હોમાવાનું અને બીજી તરફ હરિભક્તોના આવા વિશાળ સમુદાય માટે જાતને ઘસવાની! પ્રત્યેક પરિવાર સાથે તેમને સાચી આત્મીયતા. ક્યારેક કોઈક મુશ્કેલીમાં હોય અને ક્યારેક કોઈના ઘરે સારો અવસર હોય, તેમાં સૌ શાસ્ત્રીજી મહારાજની ઉપસ્થિતિ ઝંખે. અને તેમને રાજી કરવા શાસ્ત્રીજી મહારાજ કઠોર વિચરણ કરે. મહારાષ્ટ્રમાં ખાનદેશથી લઈને સૌરાષ્ટ્રના છેવાડા સુધીનો એ લાંબો પટ્ટો, અને તેના પર શાસ્ત્રીજી મહારાજનું ગાડે ગાડે વિચરણ ચાલે, તો ક્યારેક રૅલવેમાં થર્ડ ક્લાસમાં ભીડ વચ્ચે ભીંસાતું વિચરણ ચાલે. છેલ્લી અવસ્થામાં શાસ્ત્રીજી મહારાજને બંને પગે વા હતો. ચલાતું પણ નહિ. ઊંચકીને ગાડામાં બેસાડવા પડતા. છતાં ખાનદેશના હરિભક્તો આગ્રહભર્યા આમંત્રણ પત્રોનો જવાબ લખતાં તેમણે જણાવ્યું: '...જો સે'જ મટસે, ને પગે ચલાસે, તો જરૂર આવીશ. અકસ્માત થયે નહીં અવાય. તો રાજી રહેશો...'
સોજિત્રાના પ્રખર જ્યોતિષી ઝવેરભાઈ વિઠ્ઠલભાઈનો દેહ તેમની ગણતરી પ્રમાણે ચૌદશની રાત્રે પડવાનો હતો, પણ બે દિવસ બાદ પડવાને દિવસ શાસ્ત્રીજી મહારાજ પધાર્યા અને કહ્યું : 'તમે અમારી પાસે અંતકાળે હાજર રહેવાનું વચન માગ્યું હતું, તમારું વચન રાખવા કાળને પાછો ઠેલ્યો.' શાસ્ત્રીજી મહારાજનાં દર્શન કર્યા બાદ તેઓ ધામમાં ગયા.
વચનામૃત કારિયાણી-૬માં શ્રીજી-મહારાજ કહે છે કે ભક્તો માટે અમે અમારો દેહ કૃષ્ણાર્પણ કરી રાખ્યો છે. શાસ્ત્રીજી મહારાજનું જીવન શ્રીહરિનાં આ વાક્યોનું જાણે પ્રતિબિંબ હતું!
હરિભક્તો પ્રત્યેની આવી અભિમુખતા દ્વારા શાસ્ત્રીજી મહારાજે દૃઢ સિદ્ધાંતનિષ્ઠા,
કાર્યનિષ્ઠા અને સંસ્થા માટે ફના થઈ જવાની કટિબદ્ધતા જન્માવી હતી. ત્યારે જ તો પોતાના વ્યવહારની ફિકર છોડી ફકીરી વહોરવા તત્પર થયેલા તેમના હરિભક્તોએ કીર્તનોમાં ગાયું છેઃ
'જુઓ સૌ મોતીના સ્વામી, ન રાખી કાંઈ તે ખામી;
અમે સૌ સ્વામીના બાળક, મરીશું સ્વામીને માટે!' |
|