Search Contact Site Map Download News Vicharan Home GujaratiSatsangIntroduction
 
ઉપલબ્ધ સાધનોનો યથાર્થ ઉપયોગ કરવાની નેમ...
સાધુ આત્મચિંતનદાસ

માનવ સંસાધનો અને ભૌતિક સાધનો — એ બે મુખ્ય પરિબળો છે કોઈ પણ સંસ્થાના સફળ સંચાલન અને વિકાસ માટે. આ સાધનોના અભાવની ફરિયાદ એ સામાન્ય માણસની નબળાઈ છે, અને એ સામાન્ય માણસની લાક્ષણિકતા છે. ગમે તેટલી સુવિધાઓ માણસને ઓછી લાગે છે, અધૂરી લાગે છે. પરંતુ જે પરિસ્થિતિમાં જે કાંઈ ઉપલબ્ધ છે, તેનો યથાર્થ ઉપયોગ કરીને ઉત્તમ કાર્ય સિદ્ધ કરવું — એ મહાન સૂત્રધારની નિરાળી વિશેષતા છે.
નહોતાં નાણાં (ધન), નહોતા પાણા (મટિરિયિલ), નહોતા માણા (માનવ-શક્તિ), નહોતા દાણા (ખોરાક) — એ શાસ્ત્રીજી મહારાજના સમયની આ સંસ્થાની તાસીર હતી. અછત, અછત અને અછત ! કોઈ એકાદ સાધન કે વ્યક્તિની નહીં, બધાંની અછત ! પરંતુ એ સંજોગોને જ શાસ્ત્રીજી મહારાજે સાધન બનાવ્યા, શ્રેષ્ઠ સાધન બનાવ્યા. તેનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને સંસ્થાને દિન-બ-દિન ઉત્કર્ષનાં પગથિયાં ચઢાવતાં રહ્યા.
અહીં માનવ સંસાધનને બદલે માત્ર ભૌતિક સાધનોના દૃષ્ટિકોણથી સમજવાનો પ્રયાસ કરીએ.
શાસ્ત્રીજી મહારાજ અટલાદરામાં બેસતા વર્ષમાં ઠાકોરજી સમક્ષ અન્નકૂટ ધરાવી, સંપ્રદાયની પ્રથા પ્રમાણે હરિભક્ત મથુરભાઈ મકનભાઈના ઘરે પધરામણી કરી, મંદિરે પાછા પધારી રહ્યા હતા. અહીં ચોરાવાળા દરવાજે આવ્યા ત્યારે ત્યાં જૂનાં(દેશી) નળિયાંનાં મકાન હતાં. નવાં સંચારેલાં નળિયાંના ટુકડા જ્યાં ત્યાં વેરાયેલા જોયા. સ્વામીશ્રી ધીરે રહીને ત્યાં બેસી ગયા ને તે ઠીકરાં વીણવા લાગ્યા. હરિભક્તો કહે : 'સ્વામી ! હવે તો આ ઠીકરાં મકાન પર કામ ન આવે.'
સ્વામીશ્રી કહે : 'મને ખબર છે.' એમ કહી વીણવાનું ચાલુ રાખ્યું. સાથેના હરિભક્તોએ પણ સ્વામીશ્રીની રુચિ જાણી ઠીકરાં વીણવાનું ચાલુ કર્યું. બે ગાડાં ઠીકરાં ભેગાં કરી મંદિરના ખૂણે નંખાવ્યાં. પછી સ્વામીશ્રી કહે : 'હજુ  આપણે સાધુની ધર્મશાળા બનાવવાની છે. તે વખતે આ ઠીકરાંને કોંકરેટ તરીકે પાયામાં ઉપયોગ કરશું.' પછી કહે : 'મોટા મોટા અવતારોને સેવા ન મળે તે મહારાજ-સ્વામીની સેવા આપણને બેસતા વર્ષે મળી ગઈ!' વસ્તુના યથાર્થ ઉપયોગની સાથે સ્વામીશ્રીએ સેવા માટેની મહિમાદૃષ્ટિ પણ શીખવી દીધી.
સારંગપુરમાં ઉગમણી જમીન (હાલ જ્યાં સ્મૃતિ મંદિર છે તે) બહુ ખાડા-ટેકરાવાળી હતી. શાસ્ત્રીજી મહારાજ જાતે બેસીને જમીન સાફ કરાવે ને ખાડા પુરાવે. કોઈ કહે : 'સ્વામી! આટલી મહેનત ને આટલા પૈસા આમાં ખરચશો તે કરતાં બહાર ખેતરમાં જમીન લ્યો તો સારું.' ત્યારે સ્વામીશ્રી કહે : 'આ ઠાકોરજીના ઢોરને કાયમ લીલું ઘાસ મળી રહે અને વાડી થાય તે માટે કરીએ છીએ. તમોને એમાં ખબર ન પડે.'
આમ, સંસ્થાની નાની-મોટી કોઈ પણ વસ્તુનો યથાર્થ ઉપયોગ કરવો એ પણ ભગવાનની ભક્તિ છે — એવો વિવેક શીખવ્યો. રગરગમાં વ્યાપેલો શાસ્ત્રીજી મહારાજનો આ ગુણ તેમના જીવનમાં અવારનવાર વ્યક્ત થાય છે. જેમ કે —
- શાક સમારતાં ભીંડાનાં ડીંટાં અડીને કપાવે,
- તુરિયાંની નસો જુદી રખાવે ને કઢીમાં નંખાવે,
- લીલાં શાકભાજીમાં છાલ ઉતારવાની હોય તો ઓછો બગાડ થાય એમ પાતળી છાલ લેવડાવે,
- ભાજીનાં એકે એક પાન અને કૂણાં ડાળખાં પણ વિણાવે,
- ફૂલહારના તથા પડીકાને વીંટાળેલા દોરા રાખી મુકાવે અને તેનો ફરીથી ઉપયોગ કરાવે,
- શૌચ જઈને હાથ ધોવાની ધૂળ વધારે હોય તો પાછી નંખાવે,
- દાંતે ઘસવાનું મીઠું વધારે હોય તો બીજા દિવસ માટે રાખી મુકાવે,
- દાતણ કરે કે સ્નાન કરે ત્યારે પાણી વેડફવાને બદલે વૃક્ષ-છોડને મળવું જોઈએ તેવી તકેદારી રાખે,
- ગાડાને ઊંજણ કરવાનું હોય તો દીવેલનું એક ટીપું પણ નીચે ન પડવા દે,
- તપેલાને કંટેવાળો કરાવીને જ ચૂલા પર મૂકવા આગ્રહ રાખે.
અને આવા અનેક અનુભવો ! વિષય ખેતીનો હોય કે રસોઈનો, કામ બાંધકામનું હોય કે પ્રવાસનું, હેતુ પત્રલેખનનો હોય કે સત્સંગ સભાનો, પ્રત્યેક વેળાએ ક્યાંક ને ક્યાંક એમના અંગત અને જાહેર જીવનમાં આવો પ્રેરક બોધ મળે જ ! આધુનિક મંદીના સમયમાં વિશ્વની ટોચની કંપનીઓએ અને તેના નિષ્ણાતોએ સાધનોના ઉપયોગ અંગે ખૂબ ટકોર કરીને વિવેકથી તેનો ઉપયોગ કરવા ભારોભાર શીખ આપી છે. ત્યારે એમ નથી લાગતું કે શાસ્ત્રીજી મહારાજની આ શૈલી વિશ્વને સદાય માર્ગ ચીંધે છે !?
શ્રીજીપુરાની જમીનમાં સોમા ભગત પાણી વાળતા હતા. નીકમાં નીચાણ તરફના ધોરિયે ધસતા પાણીને રોકી, ક્યારામાં વાળવાનું હતું. ધૂળ તણાઈ જતી. શાસ્ત્રીજી મહારાજ આ જોઈ કહેઃ 'હું આડો સૂઈ જઉં છું. મારા શરીર પર માટી નાખ.' અને એમ ક્યારામાં પાણી પહોંચાડ્યું. જે મહાપુરુષ પોતાના દેહ માટે જ એમ કહેતા હોય કે 'દેહ પાસેથી તો સૂંઢેલિયા બળદની જેમ સતત કામ લઈ લેવું...' એ મહાપુરુષ અન્ય સાધનોના ઉપયોગ માટે કેવો યથાર્થ દૃષ્ટિકોણ રાખતા હશે એ સમજવા માટે વધુ નિરૂપણની ક્યાં આવશ્યકતા છે ! 

આ રીતે વિરાટ સંસ્થાના સર્જક શાસ્ત્રીજી મહારાજે નાનામાં નાની વસ્તુનો ઉપયોગ કેવી રીતે થાય તે શીખવી, એક મહાન સૂત્રધારનો અનેરો આદર્શ પૂરો પાડ્યો છે.                                                                                     
 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |