Search Contact Site Map Download News Vicharan Home GujaratiSatsangIntroduction
 

માનસિક તાણ : ઈલાજ ક્યાં છે ? બહાર કે આપણી અંદર ?
સાધુ કેશવજીવનદાસ(મહંત સ્વામી)

યોગીજી મહારાજના ખૂબ પરિચયમાં આવનાર, તેમના  માટે પરમ સ્નેહ ધરાવનાર, તેમને ઓળખનાર, જાણનાર, સમજનાર પરમ પૂજ્ય રણછોડદાસજી મહારાજ યોગીજી મહારાજ માટે ખૂબ મહિમાપૂર્વક કહેતા, 'યોગીજી મહારાજ ફક્ત યોગી નથી પણ યોગીરાજ છે, યોગીઓના યોગી છે.'
યોગીઓની આધ્યાત્મિક સ્થિતિ ઘણી ઊંચી હોય છે, પરંતુ યોગી બાપાની વાત કંઈ જુ દી જ હતી. સામાન્ય સિદ્ધ કે સાધક જેમ જેમ મનોનિગ્રહ કરવા જાય તેમ તેમ મન વધુ ઉછાળા મારે, વધારે લબ લબ કરે. એવું એક ઉદાહરણ આપતાં ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં કહ્યું છે, 'નારદજીને પરણવાનું મન થયું!'
યોગીજી મહારાજની સ્થિતિ કંઈક નિરાળી હતી. એમને મનોનિગ્રહ એટલે કે મન પરનો સંયમ સહજસિદ્ધ હતો.
સને ૧૯૭૦માં લંડન ટાઇમ્સના પ્રેસ રિપોર્ટરે તેઓને પૂછ્યું, 'આપને ક્યારેય મૂંઝવણ થઈ છે?' યોગીજી મહારાજ ક્ષણના વિલંબ વિના નિશંકપણે ખુમારીથી, હાથનું લટકું કરી બોલ્યા હતા, 'જિંદગીમાંય નહીં!'
પૃથ્વી ઉપર કોઈ વ્યક્તિ, યોગી કે સંત-મહંતમાં કોણ એવા હશે કે જે આવી રીતે નિઃશંક બોલી શકે!
અનેક કષ્ટોમાં અને આપત્તિઓમાં જ ઊછરેલા યોગીજી મહારાજના જીવનનો અભ્યાસ કરતાં અને એમના સાક્ષાત્કારના આવા ઉદ્‌ગારો વાંચતાં એક સિદ્ધાંત નિઃશંકપણે ફલિત થાય છે, 'મૂંઝવણનું કારણ મન જ છે, બીજુ _ અન્ય કાંઈ જ નહીં.' શરીરના કોઈ ભાગ - હાથ, પગ, પેટ, હૃદય, અરે! બુદ્ધિ, ચિત્ત, અહંકાર પણ મૂંઝવણનું કારણ નથી. કોઈ પદાર્થ, વ્યક્તિ, વાતાવરણ અને સંજોગો પણ મૂંઝવણનું કારણ નથી.
મન એ જ મૂંઝવણનું કારણ છે.
જો શરીર મૂંઝવણનું કારણ હોય તો યોગીજી મહારાજ તો સાત રોગ લઈને ફરતા! શરીરના ડૂચા થઈ ગયેલા, વૃદ્ધત્વ આવી ગયું હતું, અંગો શિથિલ થઈ ગયેલાં, પણ યોગીજી મહારાજને ક્યારેય મૂંઝાયેલા જોયા જ નથી! ૨૪ કલાક દિવ્ય કેફમાં હોય!
જો વ્યક્તિ મૂંઝવણનું કારણ હોય તો તો, યોગીજી મહારાજને એવી વિચિત્ર સ્વભાવવાળી કેટલીય વ્યક્તિઓ મળી છે, કે જે સમજે નહીં, બધું ઊંધું જ કરે, પોતાનું મનધાર્યું કરે, સ્વામીનું માને જ નહીં, કોઈ કોઈ તો જાણીને જ તેમને દુખવવા મૂંઝવવા ઊંધું કરે, પણ યોગીજી મહારાજ તો અલમસ્ત આનંદમાં જ રહ્યા છે! તેઓ દરેક પરિસ્થિતિમાં સવળું જ લે, ગુણ જ ગ્રહણ કરે! તેમના ચિત્તની પ્રસન્નતા એક ક્ષણ પણ તેમનાથી અળગી રહી નથી.
રાજકોટના એક હરિભક્તને જોતાં યોગીજી મહારાજે કહ્યું: 'અમે મહિનાથી અહીં (ગોંડલ) છીએ. તમે કેમ દર્શન દેતા નથી? કેટલીવાર બોલાવ્યા ત્યારે માંડ આજે આવ્યા!'
તે હરિભક્તે કહ્યું, 'હું ચોખવટ કરવા આવ્યો છુ _, દર્શન - સમાગમ માટે નહીં!' શાની ચોખવટ કરવાની હતી? તે હરિભક્તના સગા નાના ભાઈ ગોંડલ મંદિરમાં ખૂબ જ ભક્તિભાવ અને મહિમાથી ભીડો વેઠી સેવા કરતા હતા. આ હરિભક્ત યોગીજી મહારાજને આગ્રહ કરી કહેવા લાગ્યા કે એને કાઢો તો જ હું મંદિરે આવું! યોગીજી મહારાજે ઘણું સમજાવ્યા પણ ન માન્યા. એકના બે ન થયા. છેવટે સ્વામીશ્રીએ કહ્યું, 'અમે એમને નહીં કાઢી શકીએ, પણ આપ રાજી રહેજો!'
શરૂઆતનાં વર્ષોમાં યોગીજી મહારાજની સેવામાં રહેલા એક પાર્ષદ તેઓની પથારી ખુલ્લામાં જ કરે! યોગીબાપા તેમને વિનંતી કરે કે 'ભાઈ'સાબ, હવે શરીર નથી ખમતું, માટે પથારી અંદર ઓરડામાં કરો તો સારું.' પણ પેલા પાર્ષદ સામે બોલતાં કહે, 'પહેલાં તો માટલાંના ઠંડા પાણીથી નહાતા, તો અત્યારે શરીર કેમ ન ખમે? પથારી તો બહાર જ કરીશ અને તમારે બહાર જ સૂવું પડશે.' ગુરુ કોણ? ચેલો કોણ? આવા સંજોગોમાં પણ યોગીજી મહારાજને તેમનો અવગુણ ન આવ્યો. ગુણ લીધો : 'અહોહો! પાર્ષદ તો બહુ મોટા! એમણે શાસ્ત્રીજી મહારાજનાં દર્શન કર્યાં છે!'
આવી વિચિત્ર વ્યક્તિઓ વચ્ચે પણ યોગીજી મહારાજ મૂંઝાયા નથી. આવા તો કેટલાય માથાભારે એમને મળ્યા છે! કેટલાય કોઈ કારણ વગર, વાંકગુના વગર યોગીજી મહારાજ માટે દ્વેષ રાખતા. આવું તો કેટલુંય ચાલતું. પણએ બધા જ તેમને મૂંઝવવામાં ધરખમ રીતે નિષ્ફળ ગયા છે. લેશમાત્ર મૂંઝવી શક્યા નથી! યોગીજી મહારાજે તો ઊલટું આવી વ્યક્તિઓને રાજી કરી છે, રાજી રાખી છે! આવા સંજોગોમાં આપણું શું થાયઞ?
મૂંઝવણનું કારણ વાતાવરણ પણ નથી. તે હોય તો યોગીજી મહારાજે તો અગ્નિ વરસાવતા ધોમધખતા વૈશાખ મહિનાના તાપમાંય વિચરણ કર્યું છે. તેમણે કાતિલ ઠંડીને દોષ દીધો નથી. એક વાર યોગીજી મહારાજે કહ્યું કે 'ગરમીની ૠતુમાં ગરમી ન પડે તો ક્યારે પડશે? ઠંડીમાં ઠંડી ન પડે તો પછી ક્યારે પડશે? વરસાદમાં વરસાદ પડે. એ બધાં એનું કામ કરે. આપણે આપણું કામ ભજન, ભક્તિ, સેવાનું કરીએ.'
એક હરિભક્તે કહ્યું, 'પણ બાપા, ગરમી પડે એ તો બરાબર છે, પણ બહુ પડે તેની વાત કરીએ છીએ.'
સ્વામીશ્રીએ હસતાં હસતાં કહ્યું, 'ગરમી બહુ પડે તો બહુ સેવા કરવી. ભજન બહુ કરવું. એમ ભજન-ભક્તિ બહુ કરવાનો વિચાર આવે છે? ઠંડી-ગરમી માપ બહાર તો ભજન-સેવા પણ માપ બહાર કરવું.'
યોગીજી મહારાજ તો ધોમધખતા તાપમાં પણ નિર્જળા ઉપવાસ ખૂબ જ પ્રેમથી, શ્રદ્ધાપૂર્વક કરતા. ૧૦૦ માણસની રસોઈ બનાવતા. સૌનાં એઠાં વાસણ ઊટકી નાંખતા. ઠાકોરજીની સેવામાં પોતાના દેહનું બધું ભૂલી જતા.
એમને ઠંડી-ગરમી મૂંઝવણ કરાવી શકે નહીં.
એટલે કે મૂંઝવણનું કારણ વાતાવરણ નહીં, આપણું મન છે.
એક વાર તો અડવાળમાં બાપુભાના ઓટે વૈશાખ મહિનાના ભરતાપમાં બપોરના સાડા ત્રણ વાગે ધકધકતી રેતાળ જમીનમાં દંડવત્‌ કરતા યોગીબાપાને મેં જોયા છે. ઇષ્ટદેવ અને ગુરુ અને તેમના સંબંધમાં આવનારા સૌ કોઈના અપરંપાર મહિમાને કારણે સ્ટેÿસ, સ્ટ્રેઈન, ટેન્શન, ડિપ્રેશન (stress, strain, tension, depression)તો એમની સામે ઊભી પૂંછડીએ ભાગતાં ફરે, હજાર ગાઉ જતાં રહે! પાસે ફરકીય ન શકે. દેન છે એ બધાંની?
સંજોગો પણ માનસિક તાણનું કારણ નથી.
જો એમ જ હોય તો, યોગીજી મહારાજને તો સંજોગો હંમેશાં પ્રતિકૂળ જ રહ્યા છે, પણ એમને ક્યારેય માનસિક તાણ ક્યાં થઈ જ હતી! ગોંડલમાં મંદિર બની રહ્યું હતું તે વખતે યોગીજી મહારાજને અનેક મોરચે લડવું પડતું હતું. માણા(માણસ), પાણા(પત્થર), નાણાં અને દાણાની સખત ખેંચ. મજૂરો પગાર માટે જીવ ખાઈ જાય. એ સમયે યોગીજી મહારાજની તબિયત પણ નાજુ ક રહેતી. ઘણા સમયથી હરસ-મસાની ભયંકર તકલીફ. ઝાડામાં લોહી પડે. દવા લાવવાના પણ પૈસા નહીં! વળી, દવા કરાવવાનો સમય પણ નહીં! આવા સંજોગોમાં પણ ઠાકોરજીની સેવામાં, રસોડાની સેવામાં, માંદા સંતોની સેવામાં, મંદિરના પાયા ખોદવા-પૂરવા વગેરે સેવામાં તો ઝંપલાવવું જ પડે. આવી પરિસ્થિતિમાં બીજા બધા મૂંઝાય. ત્યારે તેમને અને મજૂરોને સમજાવી શાંત રાખવા, બધાને થાળે પાડવા, આ બધું (one-man-show) તેમને એકલાને જ કરવું પડે. આવું તો કેટલુંય, કેટલા મોરચે લડવાનું. પરંતુ આવા તદ્દન વિપરીત સંજોગોમાં ક્ષણમાત્ર પણ તેમના બ્રહ્મના આનંદમાં લેશમાત્ર ઝાંખપ આવી નથી. ઊલટાનું તેઓ વધારે ચમક્યા છે.
પદાર્થ પણ માનસિક તાણનું કારણ નથી.
જો એમ જ હોત તો યોગીજી મહારાજ ખૂબ માનસિક તાણ(tension)માં હોત કારણ કે, તે વખતે તો પદાર્થ હતા જ નહીં! હતા તે પણ કંટાળો લાવે તેવા હતા. જો કે સ્વામીશ્રી તો પદાર્થો મળતા તેનો પણ ત્યાગ જ કરતા. ન હોય કે ન મળે ત્યારે તો તેઓ ખૂબ બળમાં આવી જતા! પદાર્થો ન મળે તેમાં એમને ખુમારી ચઢી જતી!
યોગીજી મહારાજનું જીવન જોતાં સ્પષ્ટ થાય છે, એક નિશ્ચિત સિદ્ધાંત સ્થપાય છે કે, માનસિક મૂંઝ વણ, પ્રેશર, ટેન્શન, ડિપ્રેશનનું મૂળ કારણ મન જ છે. આ સ્પષ્ટતાથી ઘા ક્યાં કરવો તે સ્થાન પકડાય છે. પ્રશ્નો અંદર છે, ઉત્તર બહાર શોધાય છે! જો મન મજબૂત, સ્થિર, ધીર હોય, ગંદું ન હોય, દિવ્ય હોય તો ટેન્શન માટે બહારનાં કારણો, કારણો બની જ ન શકે. પણ મન જ્યારે ગંદું હોય, કમજોર હોય, અસ્થિર હોય તો બાહ્ય કારણો, વ્યક્તિ, પદાર્થ, વાતાવરણ, સંજોગો અવશ્ય ટેન્શનનું કારણ બને છે.
મન અને શરીરની રોગપ્રતિકારક શક્તિને ગાઢ સંબંધ છે. મન ઢીલું પડતાંની સાથે શરીરની પ્રતિકારક શક્તિ (immunity) ઢીલી પડે છે. ત્યાર પછી જ સૂક્ષ્મ જીવાણુ (bacteria, virus) શરીર પર હુમલો કરવામાં સફળ થાય છે, રોગ પેદા કરી શકે છે, અને ક્યારેક તો વ્યક્તિ મરી જાય ત્યાં સુધી અસર કરે છે. ક્યારેક મુંબઈની માહિમની ખાડીમાં, ગટરની ગંદકીમાં રહેનારને મચ્છર, માંખી, બેકટેરિયા, વાઇરસ કાંઈ ન કરી શકે અને ખમ્ભાલા હિલ્સના સમૃદ્ધ વિસ્તારમાં રહેનારને મેલેરિયા થાય! ત્યાં મચ્છર જ નથી છતાંય મચ્છરદાની બાંધીને સુનારને મેલેરિયા થાય! કારણ? મન ઢીલું પડ્યું, એટલે પ્રતિકાર શક્તિ ઢીલી પડી, અને એટલે માણસ માંદો પડ્યો!
આજે ગરમીનો સામનો કરવા માટે એરકન્ડિશન મશીનનો ઉપયોગ થઈ રહ્યો છે. આ એક બાહ્યોપચારછે. એરકન્ડિશન્ડ  રૂમ, સાઉન્ડપ્રૂફ રૂમ, ડનલોપીલોનું ગાદલું હોય, આઈસક્રીમ ખાવા માટે તૈયાર અંદર રૂમમાં હાજર છે, પણ સ્ટ્રેસ, સ્ટ્રેઈન, ડિપ્રેશન હોય તો આ બધી સગવડ કે આ બાહ્યોપચાર સુખ શાંતિ કાંઈ નહીં આપી શકે. આંતરિક ઉપચાર એટલે કે મનને દૃઢ અને સ્થિર કરવાથી કાર્ય થશે. શરીરને એરકન્ડિશનની સગવડ આપી છે પણ મન તો હોટ કન્ડિશન ભોગવેછે! મન એર કન્ડિશન ભોગવે તો બહાર ગમે તેટલો ટાઢ-તડકો, ઘોંઘાટ હોય પણ સુખ શાંતિ રહેશે.
મન નબળું હોય, અસ્થિર હોય, વિકારવાન હોય, ગંદું હોય તો ઉપર જણાવ્યા મુજબ બધાં બાહ્ય કારણો નડશે જ. બાહ્ય કારણો નડે ત્યારે મૂળ કારણમાં અંદર(મનમાં) જવાને બદલે બહાર ઉપચાર કરાય છે, તે સાવ ઊંધો રસ્તો છે.
પગે ચાલી જનારને સ્કૂટર કે મોટરબાઇકની ઇચ્છા થાય. અને મોટરબાઇક આવી, પછી તો તે માણસ સુખી થવો જોઇએ! ના, હવે મારુતિ ગાડી હોય તો સુખ થાય, એમ વિચારાય છે. ચાલો, મારુતિ આવી ગઈ, હવે તો સુખી થઈ જવો જોઈએ ને! ના, એમ કંઈ સુખી થઈ જવાય? હવે તો મર્સિડીસ ગાડી આવશે તો જ ઠીક પડશે. પણ મર્સિડીસ ગાડી આવે એટલે સુખી થઈ જવાય? ના, તૃષ્ણાનો કોઈ અંત જ નથી તેને સુખનો કોઈ છેડો જ નથી.
આવા સમયે બાહ્ય ઉપચારને બદલે અંદર ગયા હોઈએ તો ?
કેવી રીતે અંદર જવાય?
એક સમયે આપણે ચાલીને જતા હતા તે વખતે મોટરબાઇકની ઇચ્છા થઈ અને ઘણું કમાયા, સમય પણ ઘણો લાગ્યો પછી મોટરબાઇક મળી. પણ હવે, મારુતિની ઇચ્છા થઈ. તો હવે મારુતિ બાજુ  જોવાને બદલે જે લોકો ચાલીને જાય છે, તેની સામે જુ ઓ. એ બધા ચાલીને જાય છે, ટાંગા તોડે છે તેના કરતાં હું કેટલો સુખી, એમ વિચારો તો તત્કાળ(Instant) સુખી થવાય કે નહીં? મનમાં આ વિચાર કરવાથી હંમેશ માટે સુખી થવાય. ટૂંકમાં અંદર ડોકિયું કરવું પડે, બહાર નહીં. બહાર ડોકિયું કરવું એટલે કે મારુતિ માટે પૈસા કમાવા અને ત્યાં સુધી ટેન્શન-પ્રેશરમાં પટકાયા રહેવાનું, મનનો માર ખાવાનો? મારુતિની ઇચ્છા ભલે થઈ, પણ જુ ઓ પગે ચાલનાર સામું.
આજે મનને દૃઢ બનાવવાને બદલે, મૂળમાં જવાને બદલે આખી દુનિયા બાહ્યોપચારમાં લાગેલી છે. લોકો વ્યસન-કુસંગથી સુખી થવા જાય છે. સિનેમા, ટીવી, પર્યટન, પિક્‌નિક,  આનંદ-પ્રમોદનાં સાધનોથી સુખી થવા જાય છે. પણ ગપ્પાં કેટલા કલાક મારી શકો? એમાંય થાક લાગે છે! વિષયવાસનાની તૃપ્તિ છે જ નહીં, થતી જ નથી. ક્યારેક દવા-દારૂથી ડિપ્રેશન, ટેન્શન, પ્રેશર, ચિંતા, સ્ટ્રેસ, સ્ટ્રેઇનને કાબૂમાં લેવા માટે ડૉક્ટરો પ્રયત્ન કરે છે. તેમાં ક્યારેક ટૅમ્પરરી સારી સફળતા મળે છે. પણ ધીરે ધીરે ડોઝ વધતો જાય, ગોળીઓ બદલવી પડે છે, અને જિંદગીના અંત સુધી રોજ ગોળીઓ લેવી પડે છે. તેની આડ-અસર( Side effects) પણ ઘણી હોય છે. ઊલમાંથી ચૂલમાં પડ્યા જેવું. બકરું કાઢતાં ઊંટ પેસે છે! ખોદવો ડુંગર અને કાઢવો ઉંદર!
કેટલાક બીજા ઉપાયો પણ બતાવે છે. જેમ કે
Talk Therapy. મન સાથે વાતો કરવાની થેરાપી! પણ લોકોને ધીરજ રહેતી નથી. કારણ કે આ થેરાપીમાં ચિંતન કરવું પડે. Thinking is hard work. ક્યારેક આધુનિક સાધનોની મદદથી પણ માનસિક તાણ દૂર કરવાના પ્રયાસો કરાય છે. જેમ કે electroconvulsive therapy. ક્યારેક ઈલેક્ટ્રિક શોક આપવાથી ટેમ્પરરી રાહત અપાય છે.
આ બધા ઉપાયો થીગડાં મારવાં જેવી વાત છે. Effect is treated, not the cause. રોગની નહીં, તેનાં બાહ્ય લક્ષણોની સારવાર થાય છે! પણ બહારથી તો આનો અંત જ નહીં આવે. મૂળમાં એટલે કે મનમાં સુધારા કરો, તો વધારે ટકાઉ અને હંમેશાં માટે મટશે. બહારના ઉપાયોની વચ્ચે પણ દુનિયાના વિકસિત દેશો માનસિક તાણની ટોચ પર બેઠા છે. જાપાનના સાઇકિયાટ્રિસ્ટ કે મનોચિકિત્સકો કહે છેઃ વિશ્વના કોઇ પણ દેશ કરતાં જાપાનના લોકો સૌથી વધારે ચિંતાગ્રસ્ત છે અને આ ચિંતાનો સ્વભાવ હવે ડિપ્રેશનની હદે એક રોગ બની ગયો છે.
ચિંતા, ટેન્શન, સ્ટ્રેસ, સ્ટ્રેઇન વગેરે ડિપ્રેશનમાં પરિણમે છે. જેમ કમળામાંથી કમળી થઈ જાય તેમ ડિપ્રેશન અંતિમ ખાડો છે.
‘Depression is a terminal illness. As a matter of fact, 'People kill themselves because of it. Depression saps sufferers of the will to do anything capable of articulating their feelings.’
જીવતાં મરેલા જેવા.
Depression has been dubbed the bubonic plague of the 21st century. At any one time, there are 340 million people worldwide struggling with this paralysing mental illness. Every year, 10 to 20 million sufferers attempt suicide.
WHO predicts that by 2020, depression will be second only to heart disease as the most common disease worldwide.
મનોચિકિત્સકના કથન પ્રમાણે સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, બધા કેવા ચક્કરમાં પડ્યા છે! આધુનિક લોકો ઉકેલ લાવવાને બદલે વધારે ગૂંચાતા જાયછે. સૌ ક્યાં જઈ રહ્યા છે? કોને ખબર!
એક ભ્રમ છે કે સારવાર, દારૂ-દવા જેટલી મોંઘી એટલી વધારે સારી. પરંતુ સૌથી સોંઘી એટલું નહીં, સાવ મફત અને સૌથી શ્રેષ્ઠ મળતી સારવાર સત્સંગ છે. જે અસલી ઉપાય છે તે મફત છે એટલે એમાં પ્રતીતિ નથી. દેશ-વિદેશમાં સંતો-મહંતો સુંદર સમજણ આપતા રહે છે. તેને ઉપાય કે સારવાર ન માનતાં લોકો બાહ્યોપચારોમાં પડ્યા છે, બહારની સારવારમાં પડ્યા છે અને બહારની સારવાર જેમ જેમ વધુ કરે છે તેમ તેમ વધારે નિરાશા થાયછે. એમ વિષ-ચક્ર ચાલ્યા જ કરે છે. અંતે, નિષ્ક્રિય થાય અથવા આપઘાત કરે, ત્યારે જ છુ ટકારો થાય છે.
માનસિક તાણ સરળ રીતે સમજાવી શકાય છે. તમે ડાબા હાથની મુઠ્ઠી વાળો, હવે જોરથી મુઠ્ઠી દબાવીને બીડેલી રાખો. કેટલા સમય સુધી મુઠ્ઠી બીડેલી રાખી શકો? આ દરમ્યાન મુખ, માથા, ગળા વગેરે કેટલાય સ્નાયુ પણ ભેગા તણાય છે. વ્યક્તિ હસે ત્યારે મુખના ૧૩ સ્નાયુ તણાય છે, અને ગુસ્સે થાય ત્યારે ૬૩! હસતી વખતે જે ૧૩ સ્નાયુઓ તણાય છે એને માલિશ(massage)  કર્યા જેવો લાભ થાય છે અને ગુસ્સે થતી વખતે ટેન્શનને કારણે જે ૬૩ સ્નાયુ તણાય છે તેને તો મચકોડ જેવું નુકસાન થાય છે. જેમ શરીર મુઠ્ઠી વાળવાથી તણાયેલું રહે છે, એમ જ તણાવ વખતે મન આ પરિસ્થિતિ ભોગવે છે.
હવે એક બીજો પ્રયોગ જુ ઓ. તમે ડાબા હાથે મુઠ્ઠી વાળેલી છે અને જોરથી બીડેલી રાખો. હવે જમણો હાથ જે ખુલ્લો છે તેના વડે આઈસક્રીમ ખાઓ. આઈસક્રીમનું કેટલું અને કેવું સુખ આવે? જો એક હથેળીને તાણમાં રાખવાથી સુખ ન આવતું હોય તો મનને તાણમાં રાખવાથી કેવી રીતે આવી શકે?
રમતાં રમતાં બાળકો એક બાળક બીજા બાળકનો હાથ સારી પેઠે મરોડીને બરડા પાસે લઈ જાય છે. બાળકને ત્રાસ ત્રાસ થાયછે. હવે બાળકના મોઢામાં કોઈ ચોકલેટ કે મનગમતી વાનગી મૂકે તો બાળકને તેનું કેટલું સુખ આવેઞ?
એમ માણસ માનસિક તાણમાં હોય તે વખતે સિનેમા, ટી.વી., વ્યસન, કુસંગ, ખાન-પાન, માન-પાન વગેરે બાહ્યોપચાર કેટલું સુખ આપે? મરોડાયેલો હાથ છોડી દે, જોરથી બીડેલી મુઠ્ઠી યથાવત્‌ કરવામાં આવે તો બીજા કોઈ ઉપચારની જરૂર જ નથી. પ્રકૃતિના કારણે મન વિકૃત થયું છે. હવે સંસ્કૃતિની સારવારથી જ છુ ટકારો થશે. સંસ્કૃતિ એટલે સત્સંગ, સવળી સમજણ. નેગેટિવ વિચાર, નેગેટિવ આચાર, નેગેટિવ આહારવિહારથી મન બગડ્યું છે. વિચારોથી મનના પ્રશ્નો થયા છે, તો હવે વિચાર સુધારવાથી જ મન સુધરશે.
પ્રશ્નો મનના, મનમાં છે. ઉત્તર, ઉકેલ પણ મનમાં જ છે.
બાળક બીજા બાળકનો હાથ મરોડીને તે હાથને પાછળ લઈ ગયો છે એટલે સ્નાયુ (hand muscles) તો ખૂબ તણાય. આ સ્થિતિમાં બાળકને હાથમાં જ્યાં દુખે છે ત્યાં મલમ-પટ્ટી કરો. પેઇન કિલર(pain-killer) મલમ લગાડો, પેઈન કિલર ગોળીઓ ખવડાવો તો થોડી રાહત થાય, પરંતુ બે ચાર કલાક પછી તેની અસર પૂરી થાય એટલે ફરીથી બધું કરવાનું. ફરીથી મલમપટ્ટી કરવાની કે ગોળીઓ ખવડાવવાની. પરંતુ હાથ છોડી દે તો પૂર્વવત્‌ સ્થિતિ થઈ જાય. ખેલ ખતમ! મલમ ગોળીની અસર થોડા સમય માટે. પરંતુ મરડેલો હાથ છોડી દો, તો હમેંશ માટે રાહત!
દુનિયામાં અસલ આવું જ થઈ રહ્યું છે. મન તંગ છે, તણાવ ચાલુ ને ચાલુ છે, અને તે જ સ્થિતિમાં મલમપટ્ટી કરીએ છીએ. પણ મન તંગ છે તે છોડોને! મન શાનાથી તંગ છે? અવળા વિચારો, ઘૃણા, પૂર્વગ્રહ, હતાશા-નિરાશા, બાંધછોડનો અભાવ, 'મારો એકડો સાચો' જેવી દૃષ્ટિ, અમુક માન્યતા, શંકા, અવિશ્વાસ વગેરેથી મન પ્રેશર, ટેન્શન, ખેંચતાણ, દબાણ ભોગવે છે. ત્યારે મનને પૂર્વવત્‌ સ્થિતિમાં લાવવાને બદલે લોકો અવળે રસ્તે ચઢે છે. દારૂ, સિગારેટ, તમાકુ, ગુટખા વગેરે વ્યસનો, સિનેમા, નાટક, કુસંગ, પર્યટન, ખાન-પાન-તાન-માન-ગપ્પાં-સપ્પા-ટેલ-ટપ્પા, એવા બાહ્યોપચારથી વધુ કથળે છે.
આ બધાની અસર ટૂંકા સમય માટે છે. વળી, તેનાથી ઘણી આડ અસર થાશે.
પરંતુ મનને પૂર્વવત્‌ બનાવો, એ ઉકેલ હમેંશ માટે છે! અને તે પણ કોઈ જ આડઅસર વિના!
પણ મનને સારુ કરવું કેવી રીતે?
અહીં આધ્યાત્મિકતાની જરૂર છે. જે ઉપાય મનને ઘડે, મનને દૃઢ બનાવે, ગંદવાડ કાઢી મનને પવિત્ર અને સ્વચ્છ કરે, મન સુંદર બનાવે એ બધું જ અધ્યાત્મ છે.
મનગમતું, મનધાર્યું, સ્વૈચ્છિક આચરણ એ સ્વચ્છંદતા કહેવાય, સ્વતંત્રતા નહીં. આજે સ્વતંત્રતાના નામે સ્વચ્છંદતા ચાલી રહી છે. Free sex, freedom of speech  વગેરે freedom ુૃં નીતિનાશનો માર્ગ છે. તેમાંથી ટેન્શન, પ્રેશર, ડિપ્રેશન, બધું જન્મે છે. આ વિષ-ચક્ર છે, જેમ જેમ ફરે એમ બધું બગાડે છે, અંતે ખુવાર થવાય છે.
ધીરજ, ક્ષમા,(forgive and forget) પ્રેમ, શાંતિ, દયા, પરોપકાર વગેરે મૂલ્યો જીવનમાં દૃઢ થાય તે જ માનસિકતાણ કે દબાણનો ઉકેલ છે. What happens to you is only 10%. How you take it is 90%. તમારા જીવનમાં જે તકલીફ આવી તે માત્ર ૧૦ ટકા જ છે, પરંતુ તમે તેને મન પર કેવી રીતે લો છો તેના ૯૦ ટકા છે.
એક વખત રેલવે મુસાફરી વખતે યોગીજી મહારાજ ભજન ગાઈ રહ્યા હતા. સામે કેટલાક યુવકો પત્તાં રમી રહ્યા હતા. પત્તાં રમનારા એ નબીરાઓને યોગીજી મહારાજનું ભજન ગમ્યું નહીં. એમણે તોછડાઈથી સ્વામીશ્રીને ભજન બંધ કરવાનું કહ્યું. સ્વામીશ્રીએ તો તરત જ એમ કર્યું. તેમના સ્થાને આપણે હોઈએ તો 'તારા બાપની ગાડી છે? મફત બેઠા છીએ?' એમ કહી ડબલ અવાજથી ગાઈએ. પરંતુ યોગીજી મહારાજને જે કરવાનું હતું એની સંપૂર્ણ સ્પષ્ટતા હતી. ગાઈને કે ધ્યાન કરીને કરવાનું હતું તો ભજન જ. તેથી સ્વામીશ્રીએ જીભાજોડી ન કરી. મનમાં ભજન કરવા લાગ્યા. બીજી બાજુ  પેલા પત્તાં રમનાર તો રમવામાં એટલા મશગૂલ બની ગયા હતા, કે તેમનું સ્ટેશન આવ્યું, તેમણે ઊતરવાનું હતું, તે રહી ગયું. પરંતુ યોગીજી મહારાજે એ લોકોમાંથી પણ ગુણ લીધો કે 'એ લોકો પત્તાં રમવામાં કેવા મશગૂલ થઈ ગયા હતા કે સ્ટેશન ચૂકી ગયા ! આપણે પણ ભજનમાં એવા મશગૂલ થઈ જવું. હજી આપણે કાચા છીએ.' જીભાજોડી કરીને, અવગુણ લઈને એમણે પોતાનું મન વિકૃત ન કર્યું. મનની સ્થિતિ અકબંધ રાખી. પોતાનું ધ્યેય ચૂક્યા નહીં.
યોગીજી મહારાજને કોઈ ગાળો દે તો તેઓ માથે લેતા ન હતા. આપણે ગાળો માથે લઈ લઈએ છીએ એટલે તકલીફ થાય છે. આપણને જરાક કાંઈ થાય, નાની વાત હોય પણ કેટલા અપસેટ થઈ જઈએ છીએ! મન કેટલું હલી જાય, ખાટું થઈ જાય! યોગીજી મહારાજ તેમના પર ત્રાસ ગુજારનાર વિજ્ઞાનદાસ સ્વામી ભેગા ૧૭ વર્ષ રહ્યા, પણ એક હરફ ઉચ્ચાર્યો નથી! કોઈને જણાવવા દીધું નથી કે કોઈને કહેવા પણ દીધું નથી કે વિજ્ઞાનદાસે આમ કર્યું કે તેમ કર્યું!
 માન-અપમાન, તિરસ્કાર, ગાળોથી મનને ચોટ લાગે. શરીરને નહીં. એટલે તેમાં બાહ્યોપચાર કેવી રીતે કામ કરે?
યોગીજી મહારાજને ચોટ લાગતી જ નહોતી.
૧૯૬૦માં સ્વામીશ્રી આફ્રિકા વિચરણથી પાછા મુંબઈ આવ્યા. ત્યારે એક દ્વેષીએ એક છાપામાં યોગીજી મહારાજની વિરુદ્ધમાં બહુ ખરાબ લખ્યું હતું. સ્વામીશ્રી કહે, 'આપણે તપાસવું. એવા છીએ? એવા હોઈએ તો સુધરવું. અને ન હોઈએ તો ભવિષ્યમાં એવા ન થઈએ તે માટે આપણને એ ચેતવે છે. માટે આપણે રાજી થવું.'
યોગીજી મહારાજ ઘણી વખત ગાતાઃ
'રાજા ભી દુખિયા, રંક ભી દુખિયા, ધનપતિ દુખિત વિકારમેં,
વિના વિવેક ભેખ સબ દુખિયા, જુઠા તન અંહકારમેં...
ભેખ એટલે કે સાધુ થયા હોય તોય શું થયું! ઠીક છે બધું! શરીરના મામલામાં જ્યાં સુધી પડ્યા રહીશું ત્યાં સુધી બધું વૃથા. મન દૃઢ કરવું પડે, આ જ સાચો વિવેક.
ઠંડી- ગરમી મનમાં છે. થાક-ઊંઘ મનમાં છે. યોગીબાપા અનેક વખત બોલતા કે 'ઊંઘ ને થાક તો માર્યા ફરે.' બોલો, આમાં ટેન્શન, પ્રેશર, તાણ, દબાણ ક્યાં ઊભા રહે!? ઊભી પૂંછડીયે ભાગે! 
લાગણી ઉપર સંયમ રાખો. નહીં તો મન આકુïïળ-વ્યાકુળ, અસ્થિર થઈ જશે. ભૂલ હોય તો કબૂલ કરો. હારીને રાજી થતાં શીખવું પડે. પોતાનો એકડો જ સાચો નહીં, અભાવ-અવગુણ કોઈનોય નહીં, કુસંગીનો પણ નહીં! નહીંતર મન તાણ-ખેંચ ભોગવી અસ્થિર થશે.
એક વખત મુંબઈમાં દાદરમાં અક્ષર ભવન મંદિરે યોગીજી મહારાજ એક હરિભક્તને પત્ર લખી આપતા હતા. હરિભક્તને ગાડી પકડવાની હતી. અમદાવાદ જવાનું હતું. સમય એકદમ થઈ ગયો હતો. તેવામાં ત્રણ હરિભક્તો હાર પહેરાવવા વચ્ચે આવ્યા. ચાર વખત સ્વામીશ્રીને દખલ થઈ. ચોથાએ ભીનો હાર પહેરાવી દીધો. તે સ્વામીશ્રીએ લખેલા કાગળ પર પડ્યો અને ઇન્ક પેનથી લખેલું બધું ધોવાઈ ગયું. પણ સ્વામીશ્રીએ જરાય અકળાયા વિના સ્થિર મનથી બીજો પત્ર આખો ફરીથી લખી આપ્યો! કોઈનો વાંક કાઢ્યો નહીં! અવગુણ નહીં, ક્ષમાવૃત્તિ. સહનશક્તિ અને અપાર ધીરજ. આપણને ધીરજ,  ક્ષમાવૃત્તિ અને સહનશક્તિના અભાવના કારણે મન ઘણું ઘણું ગૂંચાય છે. યોગીજી મહારાજને કેટલી ધીરજ! પ્રેશર, ટેન્શન ક્યાં ઊભા રહે? 'પાંવ ધરન કો ઠીકાનો' એટલે કે પગ મૂકવાનું ઠેકાણું તો મળવું જોઈએ ને!
આવું હતું યોગીજી મહારાજનું મન. કઠણમાં કઠણ સ્ટીલ તૂટે પણ સ્વામીશ્રીનું મન ન તૂટે. અકબંધ અને અણનમ રહે.
જો કે એમને તો મન જ ક્યાં હતું! એમણે તો ગુરુમુખી થઈને મન અમન કરી દીધું હતું. ગુરુભક્તિથી મન પુરુષોત્તમરૂપ કરી દીધું હતું. એટલે જ એમને ભગવાન સ્વામિનારાયણની પ્રાપ્તિનો કેફ અખંડ હતો. ભગવાનનું કર્તાપણું એટલે કે જે કરે તે સારા માટે - આવી અનન્ય સવળી સમજણ હતી. એટલે જ એમણે અનેક મુશ્કેલીઓ અને કષ્ટો વચ્ચે અનંત અપાર સુખ ભોગવ્યું છે. આજે પ્રમુખસ્વામી મહારાજ એ જ સ્થિતિ માણે છે. યોગીજી મહારાજ ગયા જ નથી. પ્રમુખસ્વામી મહારાજમાં વિચરે છે. તેઓ આપણો આદર્શ છે. તેમની પાસેથી આવું ઘણું ઘણું શિખાય એમ છે.
તેમાંથી શીખીએ તો અંદરનો ઉપચાર થાય અને પછી ટેન્શન, પ્રેશર, સ્ટ્રેસ એ બધું તો આપણાથી હજાર ગાઉં છેટું રહે!

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |