|
વ્યક્તિગત જીવનમાં સુવિધાઓની અપેક્ષા વિનાનું સાદગીભર્યું જીવન...
સાધુ વણીરાજદાસ
સને ૧૯૩૯નું વર્ષ હતું. ૭૫ વર્ષીય શાસ્ત્રીજી મહારાજ અમદાવાદમાં પધરામણીઓ કરી બબુભાઈ કોઠારીની મેડીએ આવ્યા. આ જ એમનો કાયમી ઉતારો હતો. એ વખતે નિર્ગુણ સ્વામીએ બબુભાઈને કહ્યું: 'અહીં માથાની પાઘડી ભટકાય એવું નીચું ઘર અને સ્વામીશ્રીને પણ નીચું વળવું પડે, માટે હવેથી હવેલીની પોળમાં ભાઈશંકર સોલિસિટરને ઘેર ઉતારો રાખવો.' હજુ વાક્ય પૂરું થાય એ પહેલાં જ સ્વામીશ્રી નિર્ગુણ સ્વામીને કહે : 'શ્રીજીમહારાજ આના કરતાંય નાના ઘરમાં રહેતા, આ તો અક્ષરધામ છે !' અગવડતાને સગવડ નહીં, પરંતુ સર્વ શ્રેષ્ઠ ભગવાનનું ધામ માનીને જીવવાનો સ્વામીશ્રીનો રણકાર સૌને દંગ કરી ગયો.
ગોંડલ સ્ટેટના વિદ્વાન વિદ્યાધિકારી ચંદુભાઈ પટેલ શાસ્ત્રીજી મહારાજની ૮૧મી જન્મ જયંતીએ બોચાસણમાં શાસ્ત્રીજી મહારાજની સાદગીને ધન્યાંજલિ આપતાં બોલેલા કે 'હું સોગંદપૂર્વક કહું છું કે, સર્પ હોય, વીંછી હોય અનેક પ્રકારનાં ઝેરી જીવજંતુ હોય તેવી ભૂમિમાં દેહની પરવા વગર સૂઈ રહેતા મેં તેમને જોયા છે. પાનેલીની ખાણમાંથી પથ્થર કઢાવતા ને અસહ્ય તાપમાં ખાવાપીવાની દરકાર વગર મંદિરના કામ માટે ગમે ત્યાં હરતાં-ફરતાં કે સૂઈ રહેતાં મેં નજરે દીઠા છે.'
શાસ્ત્રીજી મહારાજની સાદાઈના સાક્ષી સારંગપુરના હકાભાઈ ખાચર એક પ્રસંગમાં કહે છે કે 'એક વાર શાસ્ત્રીજી મહારાજ પોતાની જોડના સંત અને હું ગણોદ જવા નીકળ્યા, એ વખતે ટ્રેનમાં જવું પડતું, ટ્રેન પકડવા લાઠીદડ જવું પડતું. અમે લાઠીદડ પહોંચ્યા. ટ્રેન આવવાને વાર હતી. ત્યાં મેં બાજુ માં જોયું તો શાસ્ત્રીજી મહારાજ સ્ટેશન ઉપર નીચે સૂઈ ગયા હતા. એટલું જ નહીં એ વખતે શાસ્ત્રીજી મહારાજને શરીરે કીડી ને મંકોડાઓએ ચટકા ભર્યા હતા, છતાં પણ — 'मही रम्या शय्या विपुलमुपघानं भुजलता वितानं आकाशम्...' જેને પૃથ્વી સુંદર પથારી છે, પોતાને હાથરૂપી લતા જ વિશાળ ઓશીકું છે, આકાશરૂપી ચંદરવો છે — એવી રીતે શાસ્ત્રીજી મહારાજને સૂતા મેં જોયા છે.'
આમ, સાદગીમાં સમ્રાટ તરીકે આનંદ માણતા શાસ્ત્રીજી મહારાજના જીવનમાં વ્યક્તિગત સુવિધાઓની અપેક્ષાઓને સ્થાન જ ક્યાંથી હોય? અને સતત આવતી અગવડો અને અડચણો સંસ્થાના સર્જન અને વિકાસની આગેકૂચમાં તેમને રોકી પણ કેવી રીતે શકે?
|
|