|
વિઘ્નોને સોનેરી તકમાં રૂપાંતરિત કરવાનું સામર્થ્ય...
સાધુ પ્રિયજીવનદાસ
વિઘ્નો દરેક મનુષ્યના જીવનનો એક અનિવાર્ય ભાગ છે. આ વિઘ્નોમાં સામાન્ય માનવીથી મહાપુરુષો જુદા તરી આવે છે — તેમના વલણથી, તેમના પ્રતિસાદથી. વિઘ્ન આવતાં કનિષ્ઠ પુરુષો કાર્ય મૂકી દે છે. શૂરવીર હોય તે વિઘ્ન સામે ઝઝૂમે છે, જ્યારે શ્રેષ્ઠ પુરુષ તો વિઘ્નોને સુવર્ણતકમાં સફળતાપૂર્વક રૂપાંતરિત કરી દે છે.
વરતાલના એક વિદ્વાન અને ઉચ્ચ કુળના નવયુવાન ત્યાગી શાસ્ત્રી યજ્ઞપુરુષદાસજી, એક નિમ્ન ગણાતા કુળના અને અભણ ગૃહસ્થ પ્રાગજી ભક્તનું શિષ્યત્વ સ્વીકારે, તે જ ઘણા લોકોને મન તેમનો વિરોધ કરવાનું મોટું કારણ હતું. તેમાંય વળી, અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીનો અક્ષર તરીકે અને ભગવાન સ્વામિનારાયણનો પૂર્ણ પુરુષોત્તમ તરીકે તેઓ છડે ચોક મહિમા ગાય, તે તો બળતામાં ઘી હોમવા જેવું ! કારણ ? કારણમાં બીજું ખાસ તથ્ય નહીં, પરંતુ બસ, અજ્ઞાન !
એવા અનેક લોકોમાંના એક, ડભોઈના પુરાણી મોરલીધરદાસ એવા જ અજ્ઞાન-અગ્નિથી પીડાતા હતા.
ડભોઈમાં એક પારાયણમાં કથા પ્રસંગે શાસ્ત્રીજી મહારાજે એવું અદ્ભુત નિરૂપણ કર્યું કે તેમની કથાની શૈલીમાં અને તેમના સાધુતાસભર વ્યક્તિત્વમાં બધા જ ઉપસ્થિત સંતો-હરિભક્તો તણાયા. એવામાં શાસ્ત્રીજી મહારાજને થોડાક સમય માટે નજીકના મંડાળા ગામે હરિભક્તોના આગ્રહથી જવાનું થયું. આથી, પોતાનો ભાર નહિ રહે તેવા ભયથી, પુરાણી મોરલીધરદાસે તેમની ગેરહાજરીમાં હરિભક્તોને શાસ્ત્રીજી મહારાજના ગુરુ ભગતજી મહારાજ વિરુદ્ધ વાતો કરી, શાસ્ત્રીજી મહારાજ પ્રત્યે અસદ્ભાવ ઊભો કરવા પ્રયત્નો કર્યા. ભોળા હરિભક્તો ભરમાયા.
શાસ્ત્રીજી મહારાજ થોડાક સમયમાં પુનઃ ડભોઈ આવ્યા ત્યારે આ હરિભક્તોએ શાસ્ત્રીજી મહારાજ પાસે જઈને તેમના ગુરુ કોણ છે? એ અંગે પૂછવા લાગ્યા. અત્યંત ચકોર અને વિચક્ષણ બુદ્ધિવાળા શાસ્ત્રીજી મહારાજ સમજી ગયા કે તેમની ગેરહાજરીમાં પુરાણીએ વિઘ્ન ઊભું કરવા પ્રયત્નો કર્યા છે. આ વિઘ્નને પોતાના ગુરુનો અપ્રતિમ મહિમા કહેવાની સુવર્ણતકમાં રૂપાંતરિત કરી, શાસ્ત્રીજી મહારાજે રાત્રિ કથાપ્રસંગે ગુણાતીતાનંદ સ્વામી અને પોતાના ગુરુ ભગતજી મહારાજનો શાસ્ત્ર સંદર્ભો આપીને એવો મહિમા સમજાવ્યો કે સર્વે હરિભક્તોનાં અંતર ડોલી ઊઠ્યાં. એટલું જ નહિ, જે પુરાણીએ આ વિઘ્ન ઊભું કરવા પ્રયત્નો કર્યા હતા તે વૃદ્ધ સાધુ મોરલીધર-દાસજીનું અંતર પણ સ્ફટિકસમ નિર્મળ થઈ ગયું અને આંખોમાં હર્ષાશ્રુ સાથે ગદ્ગદિત કંઠે બોલ્યાઃ 'વાહ, યજ્ઞપુરુષદાસ ! વાહ, તેં તો આજે વાતો કરીને મારું અંતર ઠારી દીધું.'
શાસ્ત્રીજી મહારાજનું જીવન એક પછી એક અસાધારણ વિઘ્નોની પરંપરા સમું રહ્યું હતું. છતાં, દરેક વિઘ્નને એક તકમાં ફેરવી તેમણે ઊંડી ખાઈઓને જીવનના રાજમાર્ગ બનાવ્યા છે.
અભ્યાસમાં તેજસ્વી એવા તેમને અભ્યાસ પડતો મૂકી, રાજકોટથી જૂનાગઢ જવાની ફરજ પાડી તો ત્યાં જઈને સંતો-ભક્તોને જાગા સ્વામી અને ભગતજી મહારાજનો મહિમા સમજાવ્યો.
વરતાલની ઉપાધિથી દૂર સારંગપુર મોકલ્યા તો ત્યાં જઈને સૌરાષ્ટ્રના ભક્તોને વાતો કરી, શુદ્ધ ઉપાસના સમજાવી. સાથે સાથે હનુમાનજી મંદિરની આવક દસ ગણી વધારી દીધી. મંદિરનો વિસ્તાર અને પ્રતિષ્ઠામાં વધારો કર્યો. આથી, ઈર્ષ્યાથી પીડાતા દ્વેષીઓની ફરિયાદથી પાછા વરતાલ બોલાવ્યા, તો વરતાલમાં રહ્યા રહ્યા વઢવાણમાં અક્ષરપુરુષોત્તમ મહારાજને પધરાવવા પ્રવૃત્તિ કરી. એટલું જ નહીં, ચરોતર, કાનમ અને ભરૂચ વિસ્તારમાં વિચરણ કરી અક્ષર-પુરુષોત્તમની નિષ્ઠાવાળા ભક્તોની ફોજ ખડી કરી દીધી.
અંતે જ્યારે તેમનો પ્રભાવ અને તેજ અસહ્ય બનતાં સદાને માટે વરતાલ છોડવાની ફરજ પડી, તો ફક્ત છ જ માસના ગાળામાં મહારાજના પ્રસાદીભૂત બોચાસણમાં ભવ્ય મંદિર ખડું કરી દીધું !
જીવનના અંત સુધી સર્વ પ્રકારે વિરોધ સહન કરી ઉપાસના-પ્રવર્તનનું પોતાનું કાર્ય ચાલુ રાખ્યું.
તેમની અંત અવસ્થામાં જ્યારે વરતાલ સાથેના સમાધાનની વાતો ચાલતી હતી ત્યારે એક ભક્તે ચિંતિત સ્વરે પૂછ્યું કે 'સ્વામી! વરતાલના અધિકારીઓ આપણાં બધાં મંદિરો લઈને આપણને કાઢી મૂકશે તો?'
ત્યારે તેજસ્વી આંખોમાં બ્રહ્મ-ખુમારીના ચમકારા સાથે મલકાતાં ૮૫ વર્ષની ઉંમરના શાસ્ત્રીજી મહારાજ બોલ્યા હતા કે 'એમાં શું? એ જ મોઈ ને એ જ દંડો, ફરીથી બધું કરશું !'
દરેક વિઘ્નને તકમાં રૂપાંતરિત કરવાની કળા જે મહાપુરુષને હસ્તગત હોય તેમને કયું વિઘ્ન નડી શકે? કયું વિઘ્ન તેમની વિકાસની કૂચને અવરોધી શકે ? |
|