|
સંસ્થાના હેતુની સ્પષ્ટતા અને તેનું ગૌરવ...
સાધુ દેવવલ્લભદાસ
એક ધૂંધળું દેખાતું ચિત્ર અને એક સ્પષ્ટ દેખાતું ચિત્ર.
એક નિરામય આંખે દેખાતું દૃશ્ય અને એક મોતિયાવાળી આંખે દેખાતું દૃશ્ય.
આ બધામાં કેટલો મોટો ફર્ક છે!
સંસ્થાના હેતુની સ્પષ્ટતા સાથે કરાતું કાર્ય અને તે વિના કરાતું કાર્ય તેમાં એટલો ફર્ક છે. એક ધૂંધળી નજર સાથે શરૂ થતી સામાન્ય સંસ્થા અને એક ઉચ્ચ હેતુની સ્પષ્ટતા સાથે સ્થપાયેલી ઉચ્ચ સંસ્થા વચ્ચે કેટલો મોટો ફર્ક છે!
એક સમુદ્રજહાજનો કપ્તાન નિશાનની સ્પષ્ટતા વિના તેના સુકાનને નિયમનમાં ન રાખે તો જહાજ ક્યાં જઈને રહે? હવાઈ જહાજને ઉડાડ્યા પછી તેનો સૂત્રધાર નિશાનની સ્પષ્ટતામાં સહેજ પણ બેદરકાર રહે તો તેનું ગંતવ્ય સ્થાન કેટલું દૂર રહી જાય?
અને એક સંસ્થાનો સુકાની હેતુની સ્પષ્ટતા વિના સંસ્થાનું સુકાન સંભાળે તો સંસ્થાના શા હાલ-હવાલ થાય?
શાસ્ત્રીજી મહારાજ ખૂબ સ્પષ્ટ હતા, નિશ્ચિત હતા, દૃઢ હતા — પોતાના હેતુઓ વિશે, સંસ્થાના હેતુઓ વિશે, એટલે સંસ્થાના ગંતવ્ય પથ વિશે. ન પોતે ગેરમાર્ગે દોરવાય, ન સંસ્થા બીજે માર્ગે દોરવાય — તે તેમની ચીવટ હતી. હમણાંય નહીં અને આવનારા ભવિષ્યમાંય નહીં — એ એમની દૃઢતા હતી.
ઘણી વાર વિશાળ જનસમાજને કોઈ કાર્યમાં જોડ્યા પછી એવું જોવા મળે છે કે કાર્યના આરંભ વખતે નિર્ધારિત કરેલો હેતુ કાર્યના અંત સુધી જળવાતો નથી.
ઘણી વાર દેશસેવાના હેતુ માટે શરૂ કરેલી કારકિર્દીમાં સત્તાના શિખરે પહોંચ્યા પછી નેતા પોતાના હેતુ ભૂલી જાય છે. ઘણી વાર વિદ્યાદાનના હેતુ સાથે શરૂ કરેલા શિક્ષણની કારકિર્દીમાં ટેબલ નીચેથી મળતી પૈસાની થોકડીઓ શિક્ષકને પોતાનો હેતુ ભુલાવી દે છે. માટે હેતુની અસ્પષ્ટતા એ જ અંતે હેતુની નિષ્ફળતામાં પરિણમે છે.
શાસ્ત્રીજી મહારાજ વરતાલથી નીકળ્યા એ કાંઈ પ્રતિશોધ લેવાની ભાવનાથી નહીં અથવા તો પોતાનાં કોઈ માન-પ્રતિષ્ઠા વધારવા માટે નહીં, પરંતુ માત્ર પોતાના હેતુને સિદ્ધ કરવા.
સદ્ગુરુ નિર્ગુણદાસ સ્વામી શાસ્ત્રીજી મહારાજનો એ હેતુ જણાવતાં એક પત્રમાં કહે છેઃ 'શ્રીજીમહારાજે પોતાનો અભિપ્રાય બતાવ્યો છે કે શ્રીજીમહારાજ સર્વોપરિ સર્વ અવતારના અવતારી અને ગુણાતીતાનંદ સ્વામી એ અક્ષરનો અવતાર છે. તેની પુષ્ટિ માટે શાસ્ત્રીજી મહારાજે મધ્યમંદિરમાં અક્ષરપુરુષોત્તમ પધરાવ્યા છે. આ બાબતમાં અમો કોઈ પક્ષાપક્ષીથી, અગર કોઈને દબાવવા, અગર અભિમાને કરતા હોઈએ અગર કોઈને પાછા પાડવા અગર વરતાલ-ગઢડાથી મોટા થવાના સબબથી કરતા હોઈએ તો કોટાનકોટી પરમહંસને માર્યાનું પાપ છે!'
ભગવાન સ્વામિનારાયણના વૈદિક સિદ્ધાંતનું પ્રવર્તન — એ જ હેતુ! એમાં કોઈ બાંધછોડ નહીં.
તેઓના આ ઉદ્ગારો એમના સ્ફટિક શા જીવન-હેતુનો કેવો પ્રતીતિકર પડઘો પાડે છે!
'આ મૂંડાવ્યું છે તે અક્ષરપુરુષોત્તમ સારુ જ મૂંડાવ્યું છે.'
'હું તો અક્ષરપુરુષોત્તમનો બળદિયો છું.'
'અક્ષરપુરુષોત્તમ માટે મારે શ્વપચના ઘરે વેચાવું પડે તોય ઓછું છે.'
'અક્ષરપુરુષોત્તમની વાત કોઈ મારા માથે બેસીને કરે તોપણ ઓછું છે.'
સને ૧૯૩૮માં સંસ્થાની એક નવી પ્રવૃત્તિનો પ્રારંભ થયોઃ પ્રકાશન પ્રવૃત્તિનો. 'સ્વામિનારાયણ પ્રકાશ' સામાયિકનો આરંભ થયો. પરંતુ એના હેતુમાં કોઈ દ્વિધા નહોતી, કોઈ અસ્પષ્ટતા નહોતી. 'પ્રકાશ'ના પ્રથમ અંકમાં જ તંત્રીને સંબોધીને તેના હેતુની સ્પષ્ટતા કરતાં તેઓ લખે છેઃ 'શ્રીજીમહારાજ ને સ્વામીના અદ્ભુત મહિમાનો પ્રચાર કરવા સારુ 'સ્વામિનારાયણ પ્રકાશ' નામનું માસિક બહાર પાડી હજારો શુદ્ધ ઉપાસનાવાળા હરિભક્તોને સમાસ તથા આનંદ કરાવવા સારુ પ્રયાસ લેવા નક્કી કર્યું તેને માટે અમોને બહુ આનંદ થાય છે. 'સ્વામિનારાયણ પ્રકાશ' એટલે 'સ્વામી' મૂળ અક્ષર ગુણાતીતાનંદ સ્વામી, 'નારાયણ' એટલે પૂર્ણ પુરુષોત્તમ સહજાનંદ સ્વામી, તેમનો પ્રકાશ-જ્ઞાન. તેનો દિગ્વિજય આખા બ્રહ્માંડમાં થાય અને દિનપ્રતિદિન ઉપાસનાનો ડંકો વાગે એટલા સારુ જ આ છાપું કાઢવા નક્કી કર્યું છે, તેથી ઘણો સમાસ થશે... શ્રીજીમહારાજ અને સ્વામી ને ભગતજી મહારાજ તથા સ્વામી જાગા ભગત રાજી થશે. તેમનો પણ આવો જ અભિપ્રાય — ઉપાસના, આજ્ઞા, સદ્ભાવ ને પક્ષ વધારવાનો હતો. તેમનું કામ આપે ખાસ ઘણા ઉત્સાહથી અને ખંતથી વધાવી લીધું છે તો તમોને હજાર વાર ધન્ય છે, ધન્ય છે, ધન્ય છે !'
ભારતની આઝાદી બાદ સને ૧૯૪૭માં સંસ્થાનું રજિસ્ટર્ડ બંધારણ બનાવ્યું, ત્યારે એમણે હેતુની ચોખવટ દીવા જેટલી સ્પષ્ટ કરી આપી.
સને ૧૯૫૦માં પ્રમુખસ્વામી મહારાજને પોતાના સ્થાને નિયુક્ત કરતો નિમણૂક પત્ર લખ્યો, એમાંય તેમણે સંસ્થાના, પોતાના જીવનધ્યેયના અને આ નિમણૂક કરવા પાછળના હેતુને એવી રીતે શતશઃ સ્પષ્ટ કર્યો છે કે ભવિષ્યમાં ક્યારેય કોઈના હૈયે દ્વિધા જન્મવાનો અવકાશમાત્ર ન રહે.
આજે સો સો વર્ષોનાં વહાણાં વાઈ ગયાં પછી પણ સંસ્થા પોતાના હેતુઓ માટે એટલી જ દૃઢ છે, એટલી જ સ્પષ્ટ છે, એટલી જ દ્વિધામુક્ત છે, જેટલી તેના આરંભ સમયે હતી.
એક નાના બુંદમાંથી મહાસરોવરની જેમ સર્વત્ર વિસ્તરી ગયા પછી પણ, સો સો વર્ષ સંસ્થાનો હેતુ વિસરાય નહીં, હેતુ ચુકાય નહીં, હેતુ બદલાય નહીં, હેતુ ચોળાય નહીં, હેતુ વિકૃતિ થાય નહીં, એ શાસ્ત્રીજી મહારાજનું અદ્ભુત અને અજોડ સામર્થ્ય નહીં તો બીજુ શું છે? જો કે એ જ એમના સ્પષ્ટ હેતુની સિદ્ધિ અને સફળતા નથી, કારણ કે હજુ આ હેતુની સ્પષ્ટતા અને સિદ્ધિના ખરાં આંક તો આવી અનેક શતાબ્દીઓ પછી જ નીકળશે... |
|