|
(સદ્ગુણસાગર પ્રમુખસ્વામી...)
આ સાધુતાના સાગરને નીરખું છું, ૧૯૫૧થી.... (ભાગ-૧)
સાધુ કેશવજીવનદાસ (મહંત સ્વામી)
સને ૧૯૫૧ની આ વાત છે.
તે સમયે મારી ઉંમર ૧૬ વર્ષની હતી. એક બાજુ શાસ્ત્રીજી મહારાજના પ્રભાવ હેઠળ પહેલેથી જ વડીલો દૃઢ સત્સંગી. બીજી બાજુ મારે અંગ્રેજી સ્કૂલ(જબલપુર), ખ્રિસ્તી શિક્ષકો અને તે પણ બધા જ અંગ્રેજ. તેથી મારે કોઈ મોટા ભારતીય સંતો કે મંદિરોનો સંસર્ગ થયેલો નહીં. શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજનાં ગુણગાન ઘરમાં ગવાય ખરાં, પણ અન્ય બાવાઓ જેમ તેમને ગણી કાઢેલા.
એવામાં અચાનક એક દિવસ સમાચાર આવ્યા : 'શાસ્ત્રીજી મહારાજ ધામમાં ગયા છે !' બધાં જ સંબંધીઓ સારંગપુર જવાના હતા. આખું ઘર, અરે ! (આણંદની) આખી ખડકી ખાલીખમ થઈ રહી હતી. આથી મારે નહોતું જવું તો પણ સારંગપુર જવું પડ્યું. હું પહોંચ્યો ત્યારે શાસ્ત્રીજી મહારાજના અગ્નિ-સંસ્કાર થઈ ચૂક્યા હતા. તે પછી ગઢડામાં પ્રતિષ્ઠા હતી. સૌની સાથે હું પણ ઊપડ્યો. હું સ્વાભાવિક રીતે જ નિરુત્સાહ હતો.
આવી વિપરીત મનોદશા સાથે ગઢપુરમાં પ્રતિષ્ઠાને આગલે દિવસે પ્રમુખસ્વામી મહારાજ સાથે મારી પ્રથમ મુલાકાત થઈ.
એમની ઉંમર તે સમયે ૨૯ વર્ષની, મારી ઉંમર ૧૬ વર્ષની... આણંદના મોતીકાકા(મોતીભાઈ ભગવાનદાસ)એ પ્રમુખસ્વામી સાથે મારી ઓળખાણ કરાવી. મુંડન પહેલાંના ઘટાદાર કાળા ભમ્મર વાળ, ચપળ અને પારદર્શક નિર્દોષ આંખો, ઝડપથી આંખોના થતા પલકારા... સૌમ્ય, ગોળ મુખારવિંદ... પાતળી કેડ... પાતળા હતા તેથી ઊંચા લાગતા હતા. સ્વામીશ્રીની એ વખતની મૂર્તિ હજી યાદ આવે છે. શરીર થોડું શ્યામ હતું. નાસિકાના અગ્ર ભાગે લાલ આછાં ચાઠાં દેખાતાં હતાં. સ્વામીશ્રી મારી સાથે હિંદીમાં વાત કરતા હતા. એમણે શું પૂછ્યું ને મેં શો જવાબ આપ્યો એ બિલકુલ યાદ નથી. પરંતુ પ્રથમ દર્શને જ આકર્ષણ જરૂર થયું હતું. સંકલ્પો જાણે બંધ થઈ ગયા હતા ! તેઓ મને ઓળખતા હોય તેમ લાગ્યું. સ્વામીશ્રીને હું પણ ઓળખતો હોઉં તેવું લાગ્યું !! સ્વામીશ્રીની નિકટમાં આવતાં થોડી ક્ષણોમાં જ અદ્ભુત અને દિવ્ય અનુભવ થયો. વૈશાખની લૂમાંથી ઊંચકાઈને હિમાલયની ગુલાબી ઠંડકમાં મુકાયો હોઉં એવી ટાઢક થવા લાગી. ત્યાં તો એક મોટા હરિભક્ત આવ્યા, સ્વામીશ્રીને તેમની સરભરામાં જવાનું થયું. પલકારામાં તેઓ સ્મિત કરતાં જતા રહ્યા. કોઈએ કીંમતી વસ્તુ આંચકી લીધી હોય તેમ હું હેબતાઈ ગયો. આજુબાજુ હજારો લોકો હતા, બૂમાબૂમ અને કલશોર હતો, પણ છતાં હું એકલો પડી ગયો હતો...
આજે સમજાય છે કે સ્વામીશ્રીનું કેવું વ્યક્તિત્વ હતું - એ સમયે ! પ્રભાવ પાડી દેવો, આંજી નાખવા, એવું કાંઈ જ નહીં. સીધા, સાદા, સરળ, નિખાલસ! છતાં હું અંજાઈ ગયો. મને તે સમયે થયેલું : 'વાહ ! આ સાધુ સાચા !' એ છાપ આજ સુધી વિકસતી ગઈ છે. હૈયાના ઊંડાણમાં તેવી અનુભૂતિ થતી રહી છે.
સૌપ્રથમ વાર મને સાધુ થવાની વાત જો કોઈએ કરી હોય તો એ પ્રમુખસ્વામી હતા.
૧૯૫૧, અટલાદરામાં કૃષ્ણાષ્ટમીના ઉત્સવ પછી યોગીજી મહારાજથી છૂટા પડીને અમે યુવકો પોતપોતાના ઘરે જવા રેલવે સ્ટેશને આવ્યા. સવારની ટ્રેઈન હતી. શ્રાવણ વદ ૧૧નો દિવસ હતો. સ્વામીશ્રી પણ જોડના સાધુ સાથે અમદાવાદ જઈ રહ્યા હતા. બધા જ યુવકો જગ્યા મળી તે ડબ્બામાં ચડી ગયા. હું દોડીને સ્વામીશ્રી સાથે જ થર્ડ કલાસના ડબ્બામાં ચડી ગયો. સ્વામીશ્રી અને જોડના સંત સાથે હું એકલો યુવક હતો. સ્વામીશ્રી બહુ રાજી થયા, ટ્રેઈન ઊપડી. સ્વામીશ્રી મને અભ્યાસ અંગે પૂછવા લાગ્યા. પછી એકદમ પૂછ્યું : 'ગળામાં કંઠી છે ?'
કંઠી હતી નહીં. સ્વામીશ્રીએ મને હેતથી સમજાવ્યું ને કહ્યું : 'યોગીબાપા પાસે પહેરી લેજો.' એવામાં તો જોડના સંતે સ્વામીશ્રીના હાથમાં કંઠી આપી દીધી, તે સ્વામીશ્રીએ મને પહેરાવી. પછી ધીરે ધીરે વાતનો દોર આગળ ચાલ્યો. સ્વામીશ્રી તૂટીફૂટી હિંદીમાં એકધારું બોલ્યે જતા હતા. વાતવાતમાં કહે, 'તમે સાધુ બની જાવ. બહુ સેવા થશે.' એમ કહી વાતો શરૂ કરી. એમાં આગ્રહ નહોતો, આજ્ઞા નહોતી. બસ, સંસારનાં દુઃખોનું, ભગવાનના અને ગુરુના સુખનું સચોટ વર્ણન હતું. સ્વામીશ્રી એવી રીતે વર્ણવતા હતા કે પસંદગી મારે કરવાની હતી.
સ્વામીશ્રીએ જે મીઠાશથી, નમ્રતાથી, પ્રેમથી વાતો કરેલી તેનાથી મને નવી જ દિશા મળેલી. બહુ જ શાંતિ થયેલી... આ પછી સાધુજીવન જીવવા માટેની મારી સુષુપ્ત અભિલાષા જાગ્રત થવા લાગી...
થોડી વારે સ્વામીશ્રીએ યોગીબાપાના મહિમાની વાતો ઉપાડી. ત્યારે તો એટલી ટાઢક થયેલી કે એમ જ થયું કે જાણે સ્વામીશ્રીએ મને પોતાના ખોળામાં લઈ લીધો હોય ને શું ! આમ, ધરબી ધરબીને જીવમાં મહિમા ઉતારી રહ્યા હતા. સ્વામીશ્રી એક નિરાળા-અસલી સાધુ લાગતા જ ગયા... લાગતા જ ગયા...
ઉનાળુ વૅકેશન કે દિવાળીની રજાઓ પડતી ત્યારે યુવકો બાણમાંથી તીર છૂટે તેમ યોગીજી મહારાજની પાસે દોડી જતા.
આવા એક વિચરણમાં હું યોગીજી મહારાજ સાથે પેટલાદ ગયો હતો. ભાદરણવાળા ભાઈલાલભાઈના ઘરે ઊતર્યા હતા. સાથે મોટાસ્વામી તથા પ્રમુખસ્વામી પણ હતા.
એ જ દિવસે સાંજે સ્વામીશ્રીને જોડના સંતની સાથે અમદાવાદ જવાનું થયું. યોગીજી મહારાજની આજ્ઞાથી હું તેમની સાથે જોડાયેલો. અમે ત્રણે આંબલીવાળી પોળમાં આપણું નાનું મંદિર હતું ત્યાં ઉતારે આવ્યા. અહીં કોઠારી તરીકે બબુભાઈ સોમનાથ હતા. તેમને સંસ્થાનું મમત્વ ઘણું, વળી કરકસરિયો જીવ, તેથી રસોઈનું સીધું પણ માપમાં જ આપે. સ્વામીશ્રી તો રાજી થતા. સ્વામીશ્રી જાતે જ રસોઈ બનાવે. કોણ જાણે સ્વામીશ્રીએ કેવી રીતે જાણી લીધું હતું કે મને રોટલીમાં વધુ રુચિ છે, હું ભાત ખાતો નથી. આથી સ્વામીશ્રી રોજ પોતાના ભાગની રોટલી મને આપી દેતા ! તેઓ માત્ર દાળ-ભાત જમી લેતા. ઘી બધું રોટલી પર ચોપડી દે. પોતાના માટે કશું રાખે નહીં. આ બધી વાતની મને જરા પણ જાણ થવા દીધી નહોતી. તે સમયે નાની ઉંમર એટલે મને પણ ભૂખ બહુ લાગે. બીજી બાજુ શરમ પણ આવે. સહેજે માગવા-કરવાની બાધા. પણ સ્વામીશ્રીએ સામેથી અંતરાય તોડ્યો ! હું જેટલું જમું તેટલું પીરસતા જ રહે ! સ્વામીશ્રી માટે કંઈ વધે છે કે કેમ એ જોવાની મને સૂઝ પણ નહીં. ખરેખર ! આવો નિખાલસ, દિવ્ય, સાધુતાભર્યો પ્રેમ આજે સાંભરે છે. એ પાતાળ ઝરો આજે પણ વણખૂટ્યો વહ્યા કરે છે.
એવા એક પ્રસંગે યોગીજી મહારાજ ભાવનગર પધાર્યા હતા અને મને સ્વામીશ્રી સાથે અમદાવાદ રહેવાની આજ્ઞા કરી હતી. તે સમયે સ્વામીશ્રીને અમદાવાદથી અટલાદરા (વડોદરા) જવાનું થયું. હું યુવક તરીકે સેવામાં સાથે હતો. સ્વામીશ્રીએ ટ્રેઈનમાં બેઠક લીધી, પણ નિયમ-ધર્મની મર્યાદા સચવાય તે માટે સ્વામીશ્રી વધારે સારી બેઠક ક્યાં મળે તેમ છે, તેની તપાસ કરવા ઊતર્યા. મને કહે : 'તમે બેસો.' થોડી વારે આવ્યા ને કહે : 'ચાલો, આગળ સારી જગ્યા છે.' એમ કહેતાં એમણે પોતાનું પોટલું લીધું ને હું પણ તેમની પાછળ ચાલવા લાગ્યો !
કોણે જગ્યા શોધવાની હતી ? મારે કે સ્વામીશ્રીએ ? પણ ગુરુએ સેવકધર્મ બજાવ્યો ! યોગ્ય જગ્યાએ અમે ગોઠવાઈ ગયા. એવામાં સ્વામીશ્રીએ મને પૂછ્યું : 'તમારી થેલી ક્યાં ?' થેલી તો હું પેલા ડબ્બામાં ભૂલી જ ગયેલો ! હું મૌન રહ્યો. ને હજુ તે લેવા ઊભો થાઉં તે પહેલાં તો સ્વામીશ્રી કશું જ કહ્યા વિના મારી થેલી લેવા ઊપડી ગયા ! ગાડી ઊપડવાનો સમય થઈ ગયો હતો. ગિરદી એટલી હતી કે સ્વામીશ્રીને ઉપવાસ પડવાનો ભય પૂરેપૂરો હતો. પણ સ્વામીશ્રી થોડી ક્ષણોમાં તો થેલી લઈને આવી ગયા ! હું હતો તો ૧૭ વર્ષનો, પણ મારી બે વર્ષના બાળકની જેમ સંભાળ રાખી. તેમણે મને કશું જ કહ્યું નહીં. સલાહ-સૂચન પણ નહીં કે 'ધ્યાન રાખવું... પોતાનો સામાન તો સાચવવો જોઈએ ને !' હું તો તે સમયે એમની સેવા માટે સાથે મુકાયેલો. તેને બદલે તેમણે મારી સેવા કરી ! ગુરુ જ સેવકની સેવા કરે, ધ્યાન રાખે તે કેવી અવળી ગંગા ! મારી સેવા કે દેખરેખથી શું એમની પ્રસિદ્ધિ થવાની હતી ? કે બીજો કોઈ લાભ મળવાનો હતો ? એમને તો મારા જેવા કેટલાય યુવકો હતા ! પણ આ નાતો તો કેવળ આત્મીયતાનો !
આવા અનેક સદ્ïગુણોથી ભરેલી સ્વામીશ્રીની સાધુતાએ મારા હૈયે એક અમીટ છાપ પાડી દીધી. ૧૯૮૩માં સ્વામીશ્રીને હૃદયરોગનો ગંભીર હુમલો થયો તે જ દિવસે અમે બધા ચાલુ વિચરણે સુંદલપુરા ગામે સ્વામીશ્રીની ખબર જોવા આવ્યા હતા. સ્વામીશ્રી એ સમયે માંદગીને બિછાનેથી સંતોને બોલાવીને મારી ચિંતા કરવા લાગ્યા હતા : 'મહંત સ્વામી આવ્યા છે, તેમને માટે મગ કરી આપજો...'
જ્યારે જ્યારે હું સ્વામીશ્રીનાં દર્શન કરું છું, ત્યારે ત્યારે એ જ દેખાઈ આવે છે કે એમણે પોતાના બદલે હંમેશાં બીજાનું જ વિચાર્યું છે. પોતાના શરીરના કૂચા બોલાવી નાખ્યા છે. મને થઈ જાય છે કે આપણે એમને માટે શું કરીએ છીએ ? કાંઈ જ નહીં. હું ઘણી વાર દેશ-વિદેશમાં પધરામણી અને વિચરણમાં એમની સાથે રહ્યો છું. બધાને સ્વામીશ્રીને જ મળવું હોય ! કેટલાય પોતાના જીવનના પ્રશ્નો-ફરિયાદો-તકલીફો ઠાલવે. બધી જવાબદારી એમના શિરે ! દૈહિક અને માનસિક બંને ભીડા તેમણે વેઠવાના ! વિચિત્ર માણસો, જડ અને દાવો કરનાર પણ આવે. હક જમાવનાર અને ફરજ પાડનાર પણ આવે. આપણા શબ્દોમાં કહીએ તો ત્રાસ જ લાગે. સંતો-હરિભક્તોની જવાબદારી, સંસ્થાકીય વહીવટની જવાબદારી, દરેકનું મન સાચવીને કામ કરવાનું. રાત હોય કે દિવસ, ગમે તેવી તબિયત હોય કે ગમે તેવી ૠતુ હોય, પ્રવૃત્તિઓ તો એકધારી ચલાવ્યા જ કરવાની ! એમાં ગામોગામ ને ઘરોઘર એમનું દિવસ-રાત બારે મહિના વિચરણ ચાલું હોય ! કેટલો ભીડો - કેટલી મુશ્કેલીઓ હસતાં હસતાં સહી લે ! આવું તો કેટકેટલુંય આંખ સામે તરવરે છે. એ વિચાર કરતાંયે ધ્રુજી જવાય... છેલ્લા કેટલાય સમયગાળામાં, સંપ્રદાયમાં કે સંપ્રદાય બહાર, વિપરીત સંજોગોમાં ને મુશ્કેલીઓમાં આવો ભીડો વેઠનાર બીજા કોઈ નહીં હોય કે ભવિષ્યમાં પણ કોઈ વેઠશે નહીં !
|
|