|
લોકોનું જીવનપરિવર્તન કરીને તેમનો વિનિયોગ કરવાનું કૌશલ્ય...
સાધુ ભક્તિકીર્તનદાસ
સંસ્થાના કાર્યને અનુરૂપ કૌશલ્ય ધરાવતી વ્યક્તિઓને એકત્રિત કરીને સંસ્થાનું સંચાલન અને તેનો વિકાસ કરવો એ સાધારણ બાબત નથી. પરંતુ જીવનના અધમ છેડા પર જઈને જીવન-મૂલ્યોથી વિમુખ થયેલા લોકોનાં જીવન-પરિવર્તન કરી, તેમને સંસ્થાના રચનાત્મક કાર્યમાં જોડવા એ તો અતિ અસાધારણ સામર્થ્ય છે. શાસ્ત્રીજી મહારાજ એવા વિરલ સામર્થ્યના ધારક હતા.
બોચાસણ ગામના હીરામુખી બધી વાતે પૂરા હતા. વ્યસન-દૂષણ અને તમામ દોષોથી ભરપૂર, બેફામ વર્તનાર. કોઈ એમની વિરુદ્ધ ફરિયાદ પણ ન નોંધાવી શકે! આ હીરામુખીએ ગામમાં સંતો પધાર્યા, તેથી સંતોની રસોઈની આર્થિક સેવા કરી. બધા સંતો જમ્યા, પરંતુ શાસ્ત્રીજી મહારાજ ન જમ્યા. હીરામુખીએ વિનંતી કરી ત્યારે શાસ્ત્રીજી મહારાજે તેમની આંખોમાં આંખ પરોવીને કહ્યું : 'તમારાં એકેય વર્તમાન ચોખ્ખાં નથી. ધર્મભ્રષ્ટનું અન્ન અમે ન ખાઈ શકીએ! તમે વર્તમાન ધરાવી સત્સંગી થાઓ તો અમે જમીએ!'
શાસ્ત્રીજી મહારાજની સાધુતા અને આંખોના તેજથી મુખીનું અંતર વલોવાઈ ગયું! તરત આંખોમાં પ્રાયશ્ચિત્તનાં આંસુ સાથે કંઠી પહેરવા તૈયાર થયા! શાસ્ત્રીજી મહારાજે પણ તેમને કંઠી પહેરાવી અને કહ્યું : 'અત્યાર સુધીનાં બધાં પાપ ભગવાને માફ કર્યાં હવે, નવાં પાપ કરશો નહિ!'
આ હીરામુખીએ ગોરધનદાસ કોઠારીને ખાતરી આપી હતી કે જીવનના છેલ્લા શ્વાસ સુધી શાસ્ત્રીજી મહારાજના કાર્યમાં સહકાર આપીશ! અને એ અનુસાર શાસ્ત્રીજી મહારાજના કાર્યમાં છેવટ સુધી તેઓનો સહકાર શિરસાટે હતો!
વ્યક્તિના આચરણ, માન્યતાઓ અને વિચારધારાઓનું ધરમૂળથી પરિવર્તન કરી તેને પોતાના સિદ્ધાંતના પ્રવર્તનના કાર્યમાં પણ જોડી શકવાનું અજોડ સામર્થ્ય શાસ્ત્રીજી મહારાજમાં હતું. આવું એક ઉદાહરણ છે — પ્રૉ. જેઠાલાલ સ્વામિનારાયણ. ગુજરાતના પ્રખર ગણિતશાસ્ત્રી, આઝાદીની ચળવળના પ્રખર લડવૈયા, અને પ્રખર બુદ્ધિવાદી! તેઓ પોતાનો અનુભવ વર્ણવતાં પત્રમાં લખે છે કે —
'અત્યારના પાશ્ચાત્ય કેળવણીના યુગમાં નાસ્તિક બની ગયેલા મારા જેવાઓને પણ શાસ્ત્રીજી મારફત શ્રીજી-મહારાજના માહાત્મ્યનો પ્રત્યક્ષ પરિચય થયો છે અને નાસ્તિકોમાંથી આસ્તિક બનાવવાનું અઘરું કામ શાસ્ત્રીજી જેવા મહાસંત જ કરી શકે છે. ત્યારબાદ શાસ્ત્રીજીની આજ્ઞાનુસાર મેં 'અક્ષર-પુરુષોત્તમ ચરિત' નામનો ગ્રંથ સંસ્કૃતમાં રચવા માંડ્યો છે. તે ગ્રંથના ૬,૦૦૦ શ્લોકો રચાયા છે. મારો મુખ્ય અભ્યાસ ગણિતશાસ્ત્રનો હોવા છતાં, મારી પાસે પ્રેરણા કરી પોતાનાં દિવ્ય ચરિત્રોનું ગાન ગીર્વાણ ભાષામાં કરાવી રહ્યા છે. આ ચમત્કાર જેવો તેવો નથી.'
આવા તો ગુલઝારીલાલ નંદા, ચંપકભાઈ બેંકર, હર્ષદભાઈ દવે જેવા કંઈક બુદ્ધિમંતો તથા નાના ગામડાની અભણ વ્યક્તિઓનું માનસ-પરિવર્તન કરી, એ સૌને શાસ્ત્રીજી મહારાજે સંસ્થા વિકાસના કાર્યમાં જોડ્યા હતા. અનેકનું જીવન-પરિવર્તન કરનાર શાસ્ત્રીજી મહારાજ માટે 'વિરલ' નહિ પરંતુ 'દિવ્ય' વિશેષણ વાપરવું ઘટે! |
|