|
મુશ્કેલીઓ - તકલીફોમાં પોતાની ગુણવત્તા જાળવવાની દૃઢતા...
સાધુ આદર્શચિંતનદાસ
મુશ્કેલીઓ, તકલીફો અને વિઘ્નો — એ કોઈ પણ મહાપુરુષની મહાનતાની પારાશીશી છે. સામાન્ય સંજોગોમાં ગુણિયલ રહેતી વ્યક્તિ વિપરીત સંજોગોમાં કેવો અભિગમ અપનાવે છે — એ તેનો સાચો પરિચય બની રહે છે.
એક સંસ્થાના સંસ્થાપક તરીકે કોઈ પણ વ્યક્તિ અમુક ગુણવત્તાના ધારક હોય જ. પરંતુ એક મહાન પ્રતિષ્ઠાનના મહાન સંસ્થાપક, મુશ્કેલીઓમાં અને કષ્ટોમાં વધુ ગુણવત્તાનું ઉજ્જ્વળ દર્શન કરાવે છે. બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ તેવું એક ઉદાહરણ છે. સુવર્ણની જેમ પ્રત્યેક કસોટીએ એમની ગુણવત્તાનો ચળકાટ દિન દિન વધતો ચાલ્યો છે. જેની કાંઈક તેજ-લકીરો અહીં પ્રસ્તુત છે.
સને ૧૯૦૫, વિક્રમ સંવત ૧૯૬૨નો એ કાર્તિક મહિનો હતો. વરતાલમાં રહીને ભગવાન સ્વામિ-નારાયણ દ્વારા પ્રબોધિત અક્ષરપુરુષોત્તમ સિદ્ધાંતને અનુસરતા શાસ્ત્રી યજ્ઞપુરુષદાસજી માટે વિરોધનો વંટોળ જાગ્યો હતો. તેમના સાધુત્વભર્યા વ્યક્તિત્વથી તેમનામાં આકર્ષાતો ભક્ત સમુદાય જોઈને કેટલાકે તેજોદ્વેષથી બળતા હતા. અને હવે એ તેજોદ્વેષ વિરોધની આગ બની ગયો હતો.
કાર્તિક વદ પડવાને દિવસે, આખરે એ ઉપાધિ ચરમ સીમાએ પહોંચી. હરિભક્તોના આગ્રહથી સ્વામીશ્રી તિરસ્કારની જ્વાળાઓ વચ્ચેથી પસાર થતાં વરતાલની બહાર નીકળી ગયા. હજુ તો તેઓ માંડ ગોમતી તળાવને રસ્તે સંઘ સાથે પહોંચ્યા હશે એટલામાં ગામના પોલીસ પટેલ કિશોરભાઈ મળ્યા. તેમને સ્વામીશ્રી પ્રત્યે અપાર પ્રેમ હતો. મંદિરમાં સ્વામીશ્રીને જાનથી મારી નાખવા સુધી થયેલી ઉપાધિની વાત જાણી તેઓ મંદિરે આવવા નીકળ્યા હતા. રસ્તામાં જ તેમને સ્વામીશ્રીનાં દર્શન થયાં. દંડવત્ કરી તેઓ બોલ્યાઃ 'સ્વામી! આપ પાછા ચાલો. આપને જે ઉપાધિ કરતા હોય તેનાં નામ આપો. હું તેમને નડિયાદ જેલમાં પહોંચતાં કરું.'
આ સાંભળી સ્વામીશ્રી બોલ્યાઃ 'આપણે એવું કાંઈ કરવું નથી. આપણે તો સાધુનો માર્ગ છે. એટલે અપમાન, તિરસ્કાર, સહન કરવાં જોઈએ.'
સ્વામીશ્રીની મક્કમતાભરી વાત સાંભળીને સૌ સ્તબ્ધ થઈ ગયા.
અક્ષર મંદિર ગોંડલની જગ્યાનો શાસ્ત્રીજી મહારાજે કબજો લીધો તે અગાઉ એ જગ્યા જૂના મંદિરના કબજામાં હતી. તેમણે તે વખતે અક્ષર દેરીના સ્થાન ઉપર ફરસ તથા હાલ જે ગૌશાળા છે તે કરાવ્યાં હતાં. તેની કિંમત વસૂલ કરવા જૂના મંદિરના મહંત કૃષ્ણજીવન સ્વામીએ શાસ્ત્રીજી મહારાજ પાસે વાત મૂકી. કેટલાકનો મત હતો : 'એક ફદિયુંય આપવું નથી.'
પરંતુ શાસ્ત્રીજી મહારાજ કહે : 'જૂનું મંદિર પણ આપણું જ છે. આપણે અહીં લાખો રૂપિયા ખર્ચ કરીશું તો આટલા વધુ!' એમ કહીને ચારસો રૂપિયા નક્કી કર્યા. પછી કૃષ્ણજીવનદાસને પૂછ્યું : 'તમે રાજી?' ત્યારે તેઓએ પણ માન્ય રાખ્યું. શાસ્ત્રીજી મહારાજે તેમને તરત જ પૈસા અપાવી દીધા. શાસ્ત્રીજી મહારાજનું ન્યાયપ્રિય વલણ જોઈ જૂના મંદિરના હરિભક્તોને ખૂબ ભાવ થયો.
આમ, એક બાજુ ન મળે દાણા, ન મળે પાણા જેવી સ્થિતિ, સિલકમાં માત્ર ૩ આના જેવી રકમ હોય ને બીજી બાજુ દસ લાખ રૂપિયાનો ખર્ચ કરવાનો ગોંડલ નરેશને આપેલો વાયદો, આવી આર્થિક ભીડમાં લેવાયેલો આ નિર્ણય પણ કેટલો નિઃસ્વાર્થ અને ઉદારતાસભર હતો!
જેમ કાદવકીચડ અને કાંટાઓ વચ્ચે રહીને ગુલાબની સુગંધમાં કોઈ ફેરફાર થતો નથી તેની ગુણવત્તા જળવાઈ રહે છે, તેમ ગમે તેવી મુશ્કેલી કે તકલીફોમાં પણ શાસ્ત્રીજી મહારાજની ગુણવત્તા જળવાઈ રહી છે. |
|