Search Contact Site Map Download News Vicharan Home GujaratiSatsangIntroduction
 
(સદ્ગુણસાગર પ્રમુખસ્વામી...)
આ સમત્વના સાગરને પીછાણું છું, ૧૯૭૦થી....

સાધુ ત્યાગવલ્લભદાસ

૧૯૫૭-૫૮ના અરસામાં યોગીજી મહારાજ મુંબઈ પધારતા અને કપોળવાડીમાં ઊતરતા ત્યારે પ્રમુખસ્વામી મહારાજ પણ તેમની સાથે મુંબઈ પધારતા. તે સમયે હું યુવક તરીકે કૉલેજમાં અભ્યાસ કરતો. ત્યારે પ્રમુખસ્વામી મહારાજના પ્રથમ દર્શન થયેલાં. પરંતુ મને એમનો બહુ ખાસ પરિચય નહીં. યોગીજી મહારાજ પ્રત્યે વિશેષ હેત હતું, તેથી પ્રમુખસ્વામી મહારાજ પ્રત્યે બહુ ધ્યાન આકર્ષિત થયું ન હતું. ગુરુની ઉપસ્થિતિમાં, પોતાના પ્રત્યે કોઈ આકર્ષાય નહીં, એવો એમનો હરહંમેશ અભિગમ રહ્યો હતો.
પરંતુ જ્યારથી તેઓનો પરિચય થવા માંડ્યો ત્યારથી એક અનુભવ થવા લાગ્યો : એમને સર્વત્ર સર્વ સ્થિતિમાં સમત્વ છે. એટલે તેઓ સર્વત્ર સાનુકૂળ થઈ શકે છે.
પરંતુ ૧૯૭૦માં યોગીજી મહારાજ સાથે આફ્રિકા અને લંડન જવાનું થયું હતું ત્યારે પ્રમુખસ્વામી મહારાજ પણ વિચરણમાં સાથે હતા. ત્યારે એમને નિકટથી ઓળખવાની તક મળી. તે સમયે હું રસોઈની સેવામાં હતો. પરદેશમાં વિચરણ હોય એટલે ઓછા સંતો હોય એટલે એકબીજાનો પરિચય વધે. અમે બધા જુવાનિયા અને સ્વામીશ્રીની તો ઉંમર કહેવાય, છતાં પણ તેઓ અમારી સૌની સાથે ભળી જાય. પધરામણીએ જવાનું હોય તો સ્વામીશ્રી અમને વિનંતી કરે કે પધરામણીએ સાથે આવશો ? આવી નિર્દોષ વિનંતી સાંભળીને લાગે કે તેઓ આટલા મોટા સંત છે છતાં પણ આટલી વિનમ્ર વાણી ! આ રીતે હેત વધતું ગયું.
અમે આફ્રિકા ગયા ત્યારે પ્રમુખસ્વામી મહારાજની સેવામાં દેવચરણ સ્વામી અને પ્રગટ ભગત હતા. અહીંથી અમારે લંડન જવાનું હતું. આફ્રિકાથી લંડનની આ યાત્રામાં સંતોની સંખ્યા ઓછી કરવાની હતી, તો સ્વામીશ્રીએ પોતાના સેવકો દેવચરણ સ્વામી અને પ્રગટ ભગતને જ સાથે ન લીધા, પોતે સેવક વગર ચલાવી લીધું, પરંતુ તેને બદલે બીજા સંતોને લંડન આવવાનો લાભ અપાવ્યો ! મારા મનમાં તેની ઊંડી છાપ પડી ! અમે લંડન ગયા ત્યાં વિશેષ પરિચય થયો. કારણ કે યોગીબીપાનો ઉતારો ડોલીસ હિલમાં હતો અને પ્રમુખસ્વામી મહારાજ, મહંત સ્વામી બધા સંતોનો ઉતારો અલગ હતો. ત્યારે હરિભક્તોને ગાડીઓ ઓછી, તેથી અમે ટ્રેઈનમાં ઉતારે જઈએ, ત્યારે સ્વામીશ્રી પણ અમારી સાથે ટ્રેઈનમાં મુસાફરી કરે. સંસ્થાના પ્રમુખ અને યોગીજી મહારાજ પછી તેમનું સ્થાન હોવા છતાં, કોઈ પ્રકારની માગણી કે માન-મરતબા-મોભાની ઇચ્છા રાખ્યા સિવાય ખૂબ નમ્રતા અને સાદાઈથી અમારી સાથે વર્તે. આથી મને સહજપણે તેમનામાં આકર્ષણ અને હેત થતું ગયું.
આ વિચરણ દરમ્યાન પધરામણી અર્થે જુદા જુદા હરિભક્તોને ત્યાં જમવાનું થતું. યોગીબાપાને પધરામણીમાં હંમેશા મોડું જ થાય. બપોરે યોગીબાપાની રસોઈ યોગેશ્વર સ્વામી બનાવે તે પછી બધા સમુદાયની રસોઈ કરવાનો મારો વારો આવે. મોટા ભાગે યોગીજી મહારાજ મોડા આવે એટલે રસોઈમાં પહોંચી વળાતું. પણ એક વખત તેઓ વહેલા આવી ગયા. મારે તો હજુ કામ ચાલતું હતું. હોલમાં બિછાવેલી કારપેટ બગડે નહીં એટલે છાપા પાથરવાનાં અને ડિશો ગોઠવવાની એ બધું બાકી હતું. બધા આવી ગયાં. હું ગભરાયો શું કરું ? શું ના કરું ? ખબર પડતી નહોતી. ઘડીકમાં રસોડામાં જાઉં ઘડીકમાં બહાર આવું. મારી આ મુંઝવણ પ્રમુખસ્વામી મહારાજ જોઈ ગયા અને મારી સ્થિતિનો તાગ મેળવી લીધો. મને કહે, તમે રસોડાનું_ પતાવો હું આ બધું કરું છું. બીજા સંતો પણ હતા, પણ સ્વામીશ્રીએ જાતે જ બધું પાથર્યું. ડિશ ગોઠવીને બધાને હેતથી જમાડ્યા. બીજા પ્રસંગમાં પણ  હરિભક્તો માટે ડિશ-વાટકી ગોઠવવાની પૂર્વતૈયારી હું કરી શકેલો નહીં અને સ્વામીશ્રી પોતે જાતે વ્યવસ્થા કરવા મંડી પડ્યા. સેવાભાવ સાથે તેમની આ વિનમ્રતા મને સ્પર્શી ગઈ.
૧૯૭૧માં યોગીજી મહારાજ ધામમાં ગયા પછી પ્રમુખસ્વામી મહારાજે મને આજ્ઞા કરી કે હવે તમે ગામડાંઓમાં વિચરણ કરો. મારા માટે આ સાવ નવું જ હતું. આ મારી રુચિ અને આવડત બહારની પ્રવૃત્તિ હતી, કારણ કે અત્યાર સુધી કેવળ રસોઈની સેવામાં જ રહેલો એટલે કથાવાર્તા કરવી કે એવી કાંઈ આવડત ન હતી. પરંતુ સ્વામીશ્રી મારી પાસે બેસે, મને માર્ગદર્શન આપે, ગામડાના બધા રૂટ બનાવ્યા હોય તે હરિભક્તોનું લિસ્ટ બનાવી આપે, એમ હૂંફ આપે. વળી, તેમની સાથે ગામડામાં વિચરણમાં જવાનું થાય ત્યારે જે ગામમાં જાય ત્યાં તેઓની સ્વાગતયાત્રા થાય. તેમાં કે પધરામણીએ ગયા હોય ત્યાં મને આગ્રહ કરીને તેમની સાથે સોફા ઉપર બેસાડે. ઘણી વાર ટ્રેકટરમાં પોતાના આસન પર સાથે બેસાડે. હું સાવ સામાન્ય અને તેઓ મારી આટલી સંભાવના કરે ! મને થાય કે આ કેવા વિરલ ગુરુ છે ! એમને જરાય પોતાનો મોભો કે મોટપની પડી નથી. આ રીતે તેમની સાધુતાની એક દિવ્ય છાપ મારા મન ઉપર પડી.
૧૯૭૫માં એમણે મને અટલાદરામાં કોઠારી તરીકે મૂક્યો. ત્યારપછી સ્વામીશ્રી જ્યારે અટલાદરા પધારતા ત્યારે બધા કાર્યક્રમો મારે ગોઠવવાના રહેતા. ખાસ તો તે વખતે પધરામણીનું ચલણ ખૂબ જ હતું. એટલે વડોદરા શહેરમાં ઘણી પધરામણીઓ થતી. એક વખત સ્વામીશ્રીનો વડોદરા પધારવાનો સાંજનો સમય હતો. જે હરિભક્તને ત્યાં ઠાકોરજી જમાડવાના હતા ત્યાં જ સીધા તેઓશ્રી પધારવાના હતા. અને વાળુપાણી પતાવીને આરામ માટે અટલાદરા જવાનું હતું. તે વિસ્તારના હરિભક્તોને સ્વામીશ્રીના કાર્યક્રમની જાણ થઈ એટલે અટલાદરા પધારતાં પહેલાં તેઓને ત્યાં પધરામણી કરીને પછી અટલાદરા જવાનું મેં ગોઠવ્યું. પહેલાં હંમેશાં જેમ બનતું તેમ સ્વામીશ્રીને વડોદરા પધારતાં જ સારું એવું મોડું થયું. આવતાં પહેલાં રસ્તામાં જ ઘણી પધરામણીઓ પતાવીને પધાર્યા હતા. સ્વામીશ્રી ઠાકોરજી જમાડીને બેઠા હતા, પરંતુ તેઓશ્રીને પધરામણીએ જવાનું છે તેમ કહેવાની મારી હિંમત ચાલી નહીં. મનમાં મૂંઝાયા કરતો હતો, કારણ કે બીજી તરફ હરિભક્તોએ તૈયારી કરી રાખી હતી. એવી પરિસ્થિતિમાં સૌ ઊભા થઈને ચાલવા લાગ્યા અને પગથિયાં આગળ આવીને એકાએક સ્વામીશ્રી મારા તરફ જોઈને બોલ્યા, 'શું કાર્યક્રમ છે ?' મેં જણાવ્યું, 'આ વિસ્તારમાં પધરામણીઓ કરીને પછી અટલાદરા જવાનું છે.' સહેજપણ કંટાળો, થાક કે અનિચ્છા દર્શાવ્યા વિના ઉમંગભેર બોલ્યા, 'ચાલો.' તે વખતે મને અંતરમાં તેમની સરળતા ખૂબ સ્પર્શી ગઈ. મેં વધુ નિકટતા અનુભવી.
આમ, ઘણી વાર પધરામણી ગોઠવી હોય અને મોડું થાય પણ કોઈ દિવસ ઊંચે સાદે બોલવાનું નહીં કે ઠપકો આપવાનો નહીં. તેમના કોઈ સમય જળવાય નહીં, તેઓ પોતાના શરીર સામું કે જમવાના ટાઇમ સામું જુએ નહીં. કાનમનાં ગામડાંઓના વિચરણમાં પણ આવું જ બનતું. તે વખતે તો વિચરણ ધમધોકાર ચાલતું. એટલે દિવસમાં ત્રણ-ચાર ગામો સહેજે જ ગોઠવાતાં. ઘણી વાર બપોરે ઠાકોરજી જમાડતાં મોડું થતું. પરિણામે બપોરે આરામમાં જવાનું પણ મોડું થતું. સાંજના જે ગામોમાં જવાનું હોય તેનો કાર્યક્રમ હોય જ. પરંતુ આરામમાં જતાં પહેલાં સ્વામીશ્રી કાર્યક્રમ મને પૂછી લેતા અને બપોરે ગમે તેટલા મોડા આરામમાં ગયા હોય, પરંતુ સમયસર જાગી જતા. તે વખતે સહેજે તેઓશ્રી પ્રત્યે મનમાં અહોભાવ પ્રગટ થતો. બીજાને રાજી કરવા, પોતાના દેહની બિલકુલ પરવા ક્યારેય કરી નથી. તેનાથી હું તેઓ પ્રતિ વધુ ખેંચાયો.
વળી, અટલાદરામાં તો ગામડેથી તો કેટલાય તો ગરીબ અને નીચલી કોમના હરિભક્તો આવે, ઠીકરિયા ગામેથી હરિજન છગન ભગત કે ડાહ્યા ભગત આવે, પરંતુ સ્વામીશ્રી એમને ખૂબ પ્રેમથી બોલાવી એમની સાથે વાતચીત કરે, ત્યારે મને થતું કે સ્વામીશ્રીને સૌમાં કેવો અદ્‌ભુત સમભાવ છે. તેમના માટે કોઈ ઊંચ કે કોઈ નીચ નથી. તેમની આ સાધુતાની મારા મન પર ઊંડી છાપ પડી.
એ સમયને આજે દાયકાઓ વીતી ગયા છે. આજે સ્વામીશ્રી  અને તેમની આ બી.એ.પી.એસ. સંસ્થા આખા જગતમાં ફેલાઈ ગઈ છે. સ્વામીશ્રીએ વિશ્વની અજાયબી સમાં બે અક્ષરધામો, દેશ-વિદેશમાં અજાયબી સમાં અનેક શિખરબદ્ધ મંદિર રચી દીધાં, સમાજસેવાનાં અપાર કાર્યો કર્યાં. દુનિયાભરના મહાનુભાવો તેમની પ્રશંસા કરતા રહે છે, પરંતુ એમની નિર્માનિતા આ કક્ષાએ પહોંચ્યા પછી પણ એવી ને એવી જ તાજી રહી છે. તાજ્જુબની વાત એ કે પોતાના અનેક સિદ્ધિ સમાં કાર્યોનો લેશમાત્ર યશ સ્વામીશ્રી પોતાને માથે લેતા નથી. બધું સર્જન કરનાર પોતે છે છતાં પણ તેના યશથી અલિપ્ïત રહેવું, એ સ્વામીશ્રી જ કરી શકે. ૫૦ વર્ષોથી એમની એ સાધુતા એવી ને એવી અનુભવાય છે. સાંકરીમાં એક સંત શિબિર વખતે અમે સંતો આંબાવાડિયામાં બેઠા હતા. ત્યાં વાતચીત દરમ્યાન કોઈ સંતના માથા ઉપર કેરી પડી. આ વાત સ્વામીશ્રીને જનમંગલ સ્વામીએ કરી કે આજે અમે બેઠા હતા અને માથે કેરી પડી, તમારા માથે આવું કંઈ પડેલું ? આમ તો રમૂજ ચાલતી હતી, અને રમૂજમાં જ પ્રિયદર્શન સ્વામી હસતાં હસતાં બોલ્યા : 'આપણે બધા તેમના માથે પડેલા જ છીએ ને !' પરંતુ એ સાંભળતાં જ સ્વામીશ્રી એકદમ ગળગળા થઈ ગયા. બધા તો ગમ્મતના મૂડમાં હતા, પણ સ્વામીશ્રી સાચે જ ગળગળા થઈ ગયા, એમની આંખોમાં પાણી ભરાઈ આવ્યાં, અને માંડ બોલી શક્યા : 'તમે ક્યાં માથે પડ્યા છો ? તમે બધા કેવી ભક્તિ કરો છો ?' સ્વામીશ્રી જે ભાવમય થઈને આ બોલતા હતા, તે વર્ષો પછી આજેય વીસરાતું નથી. તે વખતે એમના મુખારવિંદ અને આંખોમાં સૌ પ્રત્યેનો કેટલો બધો અહોભાવ છલકાતો હતો ! એમના અંતરમાં કેટલી નિર્મળતા છે ! તે મારે મન એક અવિસ્મરણીય અનુભવ હતો.
એક વાર અમે દસ-બાર સંતો સ્વામીશ્રી સાથે બેઠા હતા. હળવી વાતોચીતો ચાલતી હતી. એવામાં પરદેશથી કોઈ હરિભક્તનો ફોન આવ્યો. તેને પોતાના પરિવારની કોઈ સમસ્યા સ્વામીશ્રીને પૂછવાની હતી. બાબત એવી હશે કે જાહેરમાં તેની ચર્ચા યોગ્ય નહોતી. તો સ્વામીશ્રી કૉર્ડલેસ ફોન લઈને જાતે ઊભા થઈને બાથરૂમમાં જતા રહ્યા અને ત્યાં જઈ વાત કરી. વાત પૂરી થયા પછી બહાર આવ્યા ત્યારે અમે કહ્યું, 'આપે કહ્યું હોત કે ઈશારો કર્યો હોત તો અમે બહાર નીકળી જાત, આપને બહાર જવાનું ન હોય.' ત્યારે સ્વામીશ્રી ખૂબ ભાવથી કહેવા લાગ્યા : 'અમારાથી તમને એવું કેમ કહેવાય ? એના કરતાં હું એકલો જ જતો રહું તે જ ઠીક કહેવાય ને !' આટલા મોટા ધર્મગુરુ, સૌના અધિષ્ઠાતા, આટલો મોટો હોદ્દો, આટલી મોટી સંસ્થાના ધુરંધર, છતાં, એમના રોજબરોજના વર્તન-વ્યવહારમાં ક્યાંય એની અસર જ ન જણાય !
૧૯૮૯માં વિદેશયાત્રા દરમ્યાન મારી તબિયત બગડી અને મુંબઈ આવ્યા ત્યારે ખબર પડી કે, મને ડાયાબિટીસની અસર છે. પરંતુ મારી આ બીમારી દરમ્યાન સ્વામીશ્રીએ મારી એટલી બધી સંભાળ લીધી કે હું તેની કલ્પના પણ કરી શક્યો નહીં. મારી દવાથી લઈને તમામ વ્યવસ્થાઓ માટે તેમણે સતત કાળજી લીધી. તેઓ સતત વિચરણમાં હોય, પરંતુ મારી સંભાળ લેવાનું ચૂક્યા નહીં. એ સમયે મને ખ્યાલ આવ્યો કે સ્વામીશ્રીને મારા પ્રત્યે કેટલી બધી લાગણી છે. હું તેઓશ્રીને યાદ કરું છું તે કરતાં તેઓશ્રી મને બહુ યાદ કરે છે. મારે તેઓશ્રી પ્રત્યે હેત છે તે કરતાં અનંતગણું હેત સ્વામીશ્રીને મારી ઉપર છે.
બસ આ પ્રતીતિ થતાં મને અંતરમાં ખૂબ ખૂબ આનંદ વર્તે છે અને એટલી તૃપ્તિ થઈ ગઈ છે કે સ્વામીશ્રીએ મારી લાયકાત કરતાં, આધ્યાત્મિક માર્ગે મારા પુરુષાર્થ કરતાં મને ગજા ઉપરાંતનું આપી દીધું છે.
મારે હવે આનાથી વિશેષ કાંઈ જ જોઈતું નથી.

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |