|
સદ્ગુણસાગર પ્રમુખસ્વામી...(ભાગ-૨)
સાધુ કેશવજીવનદાસ (મહંત સ્વામી)
ઉનાળુ વૅકેશન કે દિવાળીની રજાઓ પડતી ત્યારે યુવકો બાણમાંથી તીર છૂટે તેમ યોગીજી મહારાજની પાસે દોડી જતા.
આવા એક વિચરણમાં હું યોગીજી મહારાજ સાથે પેટલાદ ગયો હતો. ભાદરણવાળા ભાઈલાલભાઈના ઘરે ઊતર્યા હતા. સાથે મોટાસ્વામી તથા પ્રમુખસ્વામી પણ હતા.
એ જ દિવસે સાંજે સ્વામીશ્રીને જોડના સંતની સાથે અમદાવાદ જવાનું થયું. યોગીજી મહારાજની આજ્ઞાથી હું તેમની સાથે જોડાયેલો. અમે ત્રણે આંબલીવાળી પોળમાં આપણું નાનું મંદિર હતું ત્યાં ઉતારે આવ્યા. અહીં કોઠારી તરીકે બબુભાઈ સોમનાથ હતા. તેમને સંસ્થાનું મમત્વ ઘણું, વળી કરકસરિયો જીવ, તેથી રસોઈનું સીધું પણ માપમાં જ આપે. સ્વામીશ્રી તો રાજી થતા. સ્વામીશ્રી જાતે જ રસોઈ બનાવે. કોણ જાણે સ્વામીશ્રીએ કેવી રીતે જાણી લીધું હતું કે મને રોટલીમાં વધુ રુચિ છે, હું ભાત ખાતો નથી. આથી સ્વામીશ્રી રોજ પોતાના ભાગની રોટલી મને આપી દેતા ! તેઓ માત્ર દાળ-ભાત જમી લેતા. ઘી બધું રોટલી પર ચોપડી દે. પોતાના માટે કશું રાખે નહીં. આ બધી વાતની મને જરા પણ જાણ થવા દીધી નહોતી. તે સમયે નાની ઉંમર એટલે મને પણ ભૂખ બહુ લાગે. બીજી બાજુ શરમ પણ આવે. સહેજે માગવા-કરવાની બાધા. પણ સ્વામીશ્રીએ સામેથી અંતરાય તોડ્યો ! હું જેટલું જમું તેટલું પીરસતા જ રહે ! સ્વામીશ્રી માટે કંઈ વધે છે કે કેમ એ જોવાની મને સૂઝ પણ નહીં. ખરેખર ! આવો નિખાલસ, દિવ્ય, સાધુતાભર્યો પ્રેમ આજે સાંભરે છે. એ પાતાળ ઝરો આજે પણ વણખૂટ્યો વહ્યા કરે છે.
એવા એક પ્રસંગે યોગીજી મહારાજ ભાવનગર પધાર્યા હતા અને મને સ્વામીશ્રી સાથે અમદાવાદ રહેવાની આજ્ઞા કરી હતી. તે સમયે સ્વામીશ્રીને અમદાવાદથી અટલાદરા (વડોદરા) જવાનું થયું. હું યુવક તરીકે સેવામાં સાથે હતો. સ્વામીશ્રીએ ટ્રેઈનમાં બેઠક લીધી, પણ નિયમ-ધર્મની મર્યાદા સચવાય તે માટે સ્વામીશ્રી વધારે સારી બેઠક ક્યાં મળે તેમ છે, તેની તપાસ કરવા ઊતર્યા. મને કહે : 'તમે બેસો.' થોડી વારે આવ્યા ને કહે : 'ચાલો, આગળ સારી જગ્યા છે.' એમ કહેતાં એમણે પોતાનું પોટલું લીધું ને હું પણ તેમની પાછળ ચાલવા લાગ્યો !
કોણે જગ્યા શોધવાની હતી ? મારે કે સ્વામીશ્રીએ ? પણ ગુરુએ સેવકધર્મ બજાવ્યો ! યોગ્ય જગ્યાએ અમે ગોઠવાઈ ગયા. એવામાં સ્વામીશ્રીએ મને પૂછ્યું : 'તમારી થેલી ક્યાં ?' થેલી તો હું પેલા ડબ્બામાં ભૂલી જ ગયેલો ! હું મૌન રહ્યો. ને હજુ તે લેવા ઊભો થાઉં તે પહેલાં તો સ્વામીશ્રી કશું જ કહ્યા વિના મારી થેલી લેવા ઊપડી ગયા ! ગાડી ઊપડવાનો સમય થઈ ગયો હતો. ગિરદી એટલી હતી કે સ્વામીશ્રીને ઉપવાસ પડવાનો ભય પૂરેપૂરો હતો. પણ સ્વામીશ્રી થોડી ક્ષણોમાં તો થેલી લઈને આવી ગયા ! હું હતો તો ૧૭ વર્ષનો, પણ મારી બે વર્ષના બાળકની જેમ સંભાળ રાખી. તેમણે મને કશું જ કહ્યું નહીં. સલાહ-સૂચન પણ નહીં કે 'ધ્યાન રાખવું... પોતાનો સામાન તો સાચવવો જોઈએ ને !' હું તો તે સમયે એમની સેવા માટે સાથે મુકાયેલો. તેને બદલે તેમણે મારી સેવા કરી ! ગુરુ જ સેવકની સેવા કરે, ધ્યાન રાખે તે કેવી અવળી ગંગા ! મારી સેવા કે દેખરેખથી શું એમની પ્રસિદ્ધિ થવાની હતી ? કે બીજો કોઈ લાભ મળવાનો હતો ? એમને તો મારા જેવા કેટલાય યુવકો હતા ! પણ આ નાતો તો કેવળ આત્મીયતાનો !
આવા અનેક સદ્ïગુણોથી ભરેલી સ્વામીશ્રીની સાધુતાએ મારા હૈયે એક અમીટ છાપ પાડી દીધી. ૧૯૮૩માં સ્વામીશ્રીને હૃદયરોગનો ગંભીર હુમલો થયો તે જ દિવસે અમે બધા ચાલુ વિચરણે સુંદલપુરા ગામે સ્વામીશ્રીની ખબર જોવા આવ્યા હતા. સ્વામીશ્રી એ સમયે માંદગીને બિછાનેથી સંતોને બોલાવીને મારી ચિંતા કરવા લાગ્યા હતા : 'મહંત સ્વામી આવ્યા છે, તેમને માટે મગ કરી આપજો...'
જ્યારે જ્યારે હું સ્વામીશ્રીનાં દર્શન કરું છું, ત્યારે ત્યારે એ જ દેખાઈ આવે છે કે એમણે પોતાના બદલે હંમેશાં બીજાનું જ વિચાર્યું છે. પોતાના શરીરના કૂચા બોલાવી નાખ્યા છે. મને થઈ જાય છે કે આપણે એમને માટે શું કરીએ છીએ ? કાંઈ જ નહીં. હું ઘણી વાર દેશ-વિદેશમાં પધરામણી અને વિચરણમાં એમની સાથે રહ્યો છું. બધાને સ્વામીશ્રીને જ મળવું હોય ! કેટલાય પોતાના જીવનના પ્રશ્નો-ફરિયાદો-તકલીફો ઠાલવે. બધી જવાબદારી એમના શિરે ! દૈહિક અને માનસિક બંને ભીડા તેમણે વેઠવાના ! વિચિત્ર માણસો, જડ અને દાવો કરનાર પણ આવે. હક જમાવનાર અને ફરજ પાડનાર પણ આવે. આપણા શબ્દોમાં કહીએ તો ત્રાસ જ લાગે. સંતો-હરિભક્તોની જવાબદારી, સંસ્થાકીય વહીવટની જવાબદારી, દરેકનું મન સાચવીને કામ કરવાનું. રાત હોય કે દિવસ, ગમે તેવી તબિયત હોય કે ગમે તેવી ૠતુ હોય, પ્રવૃત્તિઓ તો એકધારી ચલાવ્યા જ કરવાની ! એમાં ગામોગામ ને ઘરોઘર એમનું દિવસ-રાત બારે મહિના વિચરણ ચાલું હોય ! કેટલો ભીડો - કેટલી મુશ્કેલીઓ હસતાં હસતાં સહી લે ! આવું તો કેટકેટલુંય આંખ સામે તરવરે છે. એ વિચાર કરતાંયે ધ્રુજી જવાય... છેલ્લા કેટલાય સમયગાળામાં, સંપ્રદાયમાં કે સંપ્રદાય બહાર, વિપરીત સંજોગોમાં ને મુશ્કેલીઓમાં આવો ભીડો વેઠનાર બીજા કોઈ નહીં હોય કે ભવિષ્યમાં પણ કોઈ વેઠશે નહીં !
વડોદરા પાસે બામણગામના વિચરણની વાત યાદ આવે છે. અહીં ખોરડે ખોરડે સ્વામીશ્રી લોકોના ઘરે ઘૂમ્યા છે. એકવાર વૈશાખ મહિનાના સખત તાપમાં સ્વામીશ્રી બપોરે ત્રણ વાગે પધરામણીઓ કરી રહ્યા હતા. વિચરણમાં હું સાથે હતો. એ ગામ ઊંચાણ-નીચાણના ઢોળાવોવાળું છે. પધરામણીઓમાં ઢોળાવો ચઢવા-ઊતરવામાં કસ નીકળી જતો. સ્વામીશ્રી એક ટેકરો ચઢી રહ્યા હતા. તેમને હાંફ ચડ્યો હતો. પગની પિંડીઓમાં કળતર થતું હોય તેવું મને લાગ્યું. એટલે મને દયા આવી, આટલો ભીડો શા માટે ? હવે એમણે આરામ કરવો જોઈએ...
ત્યાં તો તરત સ્વામીશ્રીએ મારી સામું જોયું ને જરા હસ્યા. મને થયું : આ કાંઈ હસવાની વાત છે ? એવામાં સ્વામીશ્રી કહે : 'અહીં બધે યોગીબાપાએ પધરામણી કરેલી છે !!'
હું ચકિત થઈ ગયો. ક્ષણે ક્ષણે એમણે પોતાના ગુરુને જ નજર સમક્ષ રાખ્યા છે, પોતાને ક્યારેય નહીં, એમને રાજી કરી લેવાનો જ એમનો વિચાર છે. પોતાના દેહની કોઈ દયા જ નથી ! સ્વામીશ્રીએ બીજાનું ભલું કરવા પોતે ભીડો વેઠ્યો. પોતાના વર્તનથી સૌને રાજી કર્યા. પ્રેમ અને વર્તનનો અલૌકિક જાદુ તેમનામાં સહેજે જોવા મળે. વિરોધીઓની પણ સેવા કરી છે - ક્યારેક ક્યારેક નહીં, એકધારી - એક જ ભાવથી ! તેઓ ઘસાઈ છૂટ્યા છે, જે કાંઈ સ્વાસ્થ્ય હજુ ટકી રહ્યું છે, તે પણ હજુ ભક્તોને માટે ઘસી નાખવું છે. ઘણી વાર આપણને લાગે છે કે તેમને દેહ છે કે નહીં ?
સારંગપુરમાં ક્વિઝના એક કાર્યક્રમમાં સ્વામીશ્રીને પૂછ્યું હતું : 'આપને શું થવું ગમે ?'
સ્વામીશ્રી ધાણી ફૂટે તેમ બોલ્યા હતા : 'સેવક !'
હા, સ્વામીશ્રી સદાના સેવક રહ્યા છે. ક્યારેય 'હક' (Rights) માટે મકર સરખો કર્યો નથી, ફરજ ઉપર જ ગયા છે. ફરજને જ પોતાનો હક માને છે અને આનંદ લૂંટે છે. તેથી જ તેમને ક્યારેય થાક, આળસ કે કંટાળો કાંઈ જ નથી ! હળવા ને હળવા !
આ લખું છું એ નક્કર અનુભવેલી હકીકત છે... જેના લાખો હરિભક્તો સાક્ષી છે. એમણે વેઠેલો ભીડો એ ભવિષ્યની પેઢી માટે તો કલ્પના કે દંતકથાનો વિષય બની રહેશે. એમની સાથે મારે છેલ્લાં ૬૦ વર્ષનો સંપર્ક છે. તેમનો લાભ લઈએ છીએ. તેમાં અવશ્યપણે અનુભવ્યું છે કે સ્વામીશ્રી અસલી સંત છે. નિરાળા સાધુ છે. એમના અનંત ગુણો કેળવેલા કે મેળવેલા નથી. શીખેલા કે જાણેલા નથી. પોતે પણ ઘડાઈ-ઘડાઈને ગુણિયલ થયા તેવું નથી. એમને ભગવાનનો અખંડ અને અનાદિ સંબંધ છે. એટલે જ તેઓ સર્વ સદ્ગુણોનું નિવાસસ્થાન છે.
સૌથી અગત્યનું અને આંખે ઊડીને વળગે એવું સ્વામીશ્રીનું જો કોઈ પાસું હોય તો તે છે પંચવર્તમાનની દૃઢતા. વર્ષોથી જોઉં છું, તેમની એક રહેણીકરણી...
એક રહેણીકરણી અને પંચવર્તમાનમાં દૃઢતા એ વર્તનનું પહેલું મહત્ત્વનું પાસું છે. અને બ્રહ્મરૂપે રહી પરબ્રહ્મની ઉપાસના કરવી એ બીજું મહત્ત્વનું પાસું છે. સ્વામીશ્રી પાસે બંને પાસાં ઝળહળતાં છે ! ક્યાંય ડાઘ નથી, કલંક નથી, દેહભાવ જ નથી, અને આ જ સૌથી મોટું વર્તન છે. એમનો આત્મભાવ જોઈને આપણને પ્રેરણા મળે કે દેહ સાચવવા જેવો નથી ! ભગવાન અને ભક્તો માટે ખપી જવા જેવું છે. એમના જીવનથી આપણું જીવન ઘડાયા કરે છે. જે પુસ્તકો કે પોતાના બળથી નથી થતું તે સ્વામીશ્રીને જોવામાત્રથી થાય છે. કારણ કે સ્વામીશ્રી શુદ્ધ છે, નિર્મળ છે, નિષ્કલંક છે.
બીજું, વર્ષોથી અમે જોતાં આવ્યા છીએ, ધર્મધુરા સંભાળી ત્યારથી આજ સુધી એમની આટલી પ્રવૃત્તિમાં એમનો આદર્શ ક્યારેય બદલાયો નથી. એમનો આદર્શ છે — આત્મારૂપ થઈ ભગવાનની ભક્તિ કરવી. ગુરુ શાસ્ત્રીજી મહારાજ અને યોગીબાપાને રાજી કરવા. આજે કેટલાય ધર્મનેતાઓને જોઈએ છીએ, દર વર્ષે - ક્યારેક તો દર છ મહિને ગુરુની ફિલોસૉફી અને પ્રાયોરિટી બદલાયા કરે... સિદ્ધાંતો અને નિયમો બદલાયા કરે... સ્વામીશ્રી પાસે ધ્યેયની આટલી સ્પષ્ટતા અને એકસૂત્રતા વ્યવહારમાં એમના અનુયાયીઓને પણ સલામતી બક્ષે છે. ધ્યેય હાંસલ કરવામાં મદદરૂપ બને છે. તેમણે આધ્યાત્મિકતાને સાંગોપાંગ રોમરોમમાં ઉતારી છે.
|
|