|
સંતોની ઐતિહાસિક કલમે - ભગવાન સ્વામિનારાયણના રંગોત્સવો...
ગઢપુરમાં વસંતોત્સવે રંગની વર્ષા... - આષાઢી સંવત ૧૮૭૧
૨૦૦ વર્ષ પહેલાં ભગવાન સ્વામિનારાયણ પ્રતિ વર્ષે ગુજરાતના જુદા જુદા ખૂણે અને જુદાં જુદાં ગામોમાં હજારો ભક્તો અને સંતોને એકત્રિત કરીને રંગોત્સવો ઊજવતા હતા, ત્યારે કેવો માહોલ રચાતો હશે ? ભગવાન સ્વામિનારાયણના સમકાલીન પરમહંસ સંતોએ નજરે જોયેલા એ રંગોત્સવની અદ્ભુત દસ્તાવેજી સ્મૃતિઓ પોતાની વાતોમાં, ગ્રંથો તેમજ કીર્તન-કાવ્યોમાં ચિત્રાત્મક રીતે ગૂંથી લીધી છે. નિષ્કુળાનંદ સ્વામી, શતાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, આધારાનંદ સ્વામી, માધવદાસ સ્વામી, અદ્ભુતાનંદ સ્વામી, ભાયાત્માનંદ સ્વામી, પ્રસાદાનંદ સ્વામી વગેરે સંતોનાં ગદ્ય-પદ્ય તેમજ તેમની વાતોના ગ્રં_થોમાં ઠેર ઠેર ભગવાન સ્વામિનારાયણના રંગોત્સવોનું અદ્ભુત દર્શન માણવાં મળે છે.
આ બધામાં આધારાનંદ સ્વામીની નોંધ અનન્ય છે. 'હરિચરિત્રામૃતસાગર' ગ્રંથમાં તેમણે વરતાલ, ગઢપુર, અમદાવાદ, સારંગપુર, લોયા, પંચાળા, ધરમપુર, ડભાણ, કરિયાણા વગેરે સ્થળોએ ભગવાન સ્વામિનારાયણે ઊજવેલા રંગોત્સવોનો આંખે દેખ્યો અહેવાલ પ્રસ્તુત કર્યો છે. તેમાં જાણે ગઈ કાલે જ એ ઉત્સવો ઊજવાયા હોય તેવી તાજગી છે. આવો, આધારાનંદ સ્વામીની કલમે ૨૦૦ વર્ષ પહેલાંના એ જુદા જુદા રંગોત્સવોમાંથી થોડાકનું આચમન કરીએ...
ગઢપુરમાં વસંતોત્સવે રંગની વર્ષા... - આષાઢી સંવત ૧૮૭૧
ગઢપુરના નાથા ભાવસાર અને બોટાદના એક ભક્ત રંગના રંગેડા લાવ્યા અને આખી રાત્રિ રંગ બનાવ્યો. શ્રીહરિએ આવીને રંગ જોયો. બધો રંગ ઘાટો હતો તેથી કહ્યું, 'રંગ જેટલું બીજું પાણી મગાવી રાખો. અમે રંગ રમીએ ત્યાં સુધી કઢાયાં ભરી દો અને ખૂટે તેમાં ઉમેરતાં જવું. રંગ ઉડાડતાં અને રસોઈ પીરસતાં ખૂટે ત્યારે અમને આનંદ રહેતો નથી. કોઈ પણ વસ્તુ આપવામાં ખૂટતું અમને ગમતું જ નથી.' એમ કહી સંતો સાથે સ્નાન કરી આવ્યા અને રસોઈ તૈયાર થઈ. અનેક પ્રકારનાં પકવાન મંડપમાં બેસી શ્રીહરિ જમ્યા. સંત-હરિભક્તોનાં દર્શન કરતા. પછી કેડે પીતાંબર કસીને માથે તોરા સાથે ફૂલની ટોપી ધરી તથા હજારીના હાર પહેરી સંત પાર્ષદો અને રાજાઓની પંક્તિ કરાવીને દરેકને જોઈએ તેટલું પીરસ્યું. પાંચ વાર ફરી હાથ ધોઈ સંતોને કહ્યું કે, 'સાધુઓ અને વિધવાઓએ રંગ રમવો ઘટિત નથી, એ સદાચાર રાખવો. સંસારી હોય તે રંગે રમે.' ત્યારે સંતો હાથ જોડી બોલ્યા કે 'જગતમાં જે ત્યાગી છે તે બીજી પ્રવૃત્તિ કરતા નથી, ત્યારે ભક્તિ પણ તજી દીધી છે. અમારે તો તમને પ્રસન્ન કરવા છે. તમે કહો તેમાં જ અમે હિત માન્યું છે અને તે પ્રમાણે જ કરવું છે. ભક્તિ, ધર્મ, વૈરાગ્ય વગેરે શ્રેષ્ઠ સાધનો, શાસ્ત્રનું રહસ્ય તથા રંગ રાગ, એ બધું તમારા વચનમાં અમે માન્યું છે. આજ્ઞા વિના કરવામાં દુઃખમાત્ર રહેલાં છે.'
પછી સંતો શ્રીહરિને કહે કે 'તમારી સાથે રંગ રમવામાં કાંઈ ખોટું નથી. રામાનંદ સ્વામી પણ રંગ રમતા. સાધનમાત્રનું ફળ ભગવાનની પ્રસન્નતા છે. ભગવાન પ્રસન્ન થાય ત્યારે ક્યારેક દર્શન દે છે. એવા અતિ દુર્લભ ભગવાન તમે છો. તેવા તમારી સાથે રંગ રમવો તેથી કોઈ અધિક ફળ નથી. તમને જે ભગવાન જાણતા નથી તેઓ ફાવે તેવી બુદ્ધિવાળા હોય, તોપણ તે બુદ્ધિ જીવની સહાય માટે થતી નથી.'
ત્યારે શ્રીહરિ કહે, 'બાધ ન હોય તો રમો. અમારી બાજુ હરિભક્ત અને પાર્ષદો રહેશે. તમે બધા સાધુ, વણી એક બાજુ રહો. રંગની રમત જે કોઈ સાંભળે તેને સારી લાગે, એવું રમતાં જેને ફાવે, તે ત્યાગી ઊઠો. ઘરડા અને રોગી હોય તેને દૂરથી દર્શન કરવા. બાઈઓમાં પણ જેને અલૌકિક મતિ હોય અને માહાત્મ્ય હોય તેણે રમવું. માહાત્મ્ય વિના રમે તે જગતના લોકો જેવું ગણાય. આ જે રંગ છે તે બ્રહ્માને પણ દુર્લભ છે. એવી મતિ ન હોય તેને કાંઈ ફળ થતું નથી. તેવાએ તો દર્શન કરવાં. ગુજરાતની બાઈઓનું એક જૂથ થાય અને આ દેશની બાઈઓનું બીજું જૂથ થાય. એક બીજાનું માહાત્મ્ય જાણી સામ સામે રંગે રમવું. જગતની રીતે રમે તેને કોટિ બ્રહ્મહત્યા સમાન પાપ લાગે છે. ભગવાનના ધામમાં જેવા ભક્ત છે તેવા આ ભક્ત અલૌકિક સમજવા. પ્રાકૃત મતિ રાખે તેને તેવું ફળ ન થાય. અમે રંગ રમ્યા પછીથી બાઈઓએ રમવું. સંતની પ્રસાદીનો રંગ તથા ગુલાલ તમારે જોઈએ તેટલો રાખી લ્યો.' રંગના બે હોજ ભર્યા છે તે રંગ મંડપમાં આવે એવી રીતે ખાળ બનાવી હતી. તે લાંબી કુંડીઓ કરી હતી. પશ્ચિમની કુંડી પર શ્રીહરિ ઊભા અને પૂર્વની કૂંડી પર સંતો ઊભા.
શ્રીહરિ કહે કે 'અમારા એકના ઉપર જ તમારે બધાને રંગ નાખવાનું તાન છે, પણ કોઈ વિચારતા નથી. તમારામાંથી કોઈ એકના ઉપર નાખીએ તો શું થાય ? તે તમારી મેળે સમજીને અમારા પર રંગ નાખો, પણ વિવેક રાખજો. પાર્ષદોએ અમારી ચારે બાજુ કોટની પેઠે રહેવું ને પાસે ઢાલ રાખવી. ના કહ્યાં છતાં રંગ નાંખે તો માથા ઉપર ઢાલનું છત્ર ધરવું.' તેથી પદાતિઓ તાંબાની ઢાલ લાવ્યા. સંતનો વિશ્વાસ તેમને રહ્યો નહિ. શ્રીહરિએ બોકાની વાળી, કાન અને મુખ બંધ કર્યાં. શ્રીહરિએ હરિભક્તોને કહ્યું કે, 'અમારા ઉપર જે સંત પિચકારી નાખે તેનો ખ્યાલ રાખીને તમે એમના મોઢામાં ને નેત્રમાં પિચકારી ભરી અમારા વચનથી ધક્કો મારજો, જેથી તમને દોષ નહિ લાગે. રંગ નહિ નાખે તેને દોષ લાગશે. જે રંગની કુંડી ઉલ્લંઘીને આવશે તે ગુનેગાર ગણાશે અને સત્સંગથી એક વર્ષ પર્યંત દૂર કરીશું'. એમ હરિભક્તોને પ્રથમ ચેતવ્યા. ગુલાલના ત્રણ ભાગ કરી એક ભાગ સંતને આપ્યો. એક ભાગ બાઈઓને આપ્યો અને એક પોતા માટે રખાવ્યો. દસ દસ મણ ગુલાલ ભાગે આવ્યો. બે કુંડી વચ્ચે પાંચ હાથ જગ્યા હતી. શ્રીહરિ જે જે સમૈયા કરે તેમાં પ્રથમ જનોનું હિત વિચારતા, છતાં ડાહ્યા સંતોને પૂછતા ને પછી આરંભ કરતા. 'પાંચ ડાહ્યા માણસોને પૂછીને અમે આરંભ કરીએ છીએ. પછી કુબુદ્ધિ લોકો ફાવે તેમ કહે, તેમાં અમારે માથે દોષ નથી.' એમ કહી શ્રીહરિએ પિચકારી ચલાવી ને સંતોએ પણ શ્રીહરિ પર ચલાવીને હો હો બોલતા. સિંધુ રાગનાં ઢોલ ને શરણાઈ વાગવાં લાગ્યાં. જીવાખાચરના ચોકમાં રંગની ભારે ધૂમ મચી. બધો રંગ ઉડાવી દીધો. પછી ગુલાલ ઉડાડ્યો. સંત, હરિભક્તો ને શ્રીહરિ ગુલાલમાં લપેટાઈ ગયા. ભવન તથા રંગમંડપ બધું રંગ અને ગુલાલમય બની ગયું ને રંગ ગુલાલનો કાદવ ચોકમાં થયો. એક પહોર સુધી રંગ રમ્યા. જીવાખાચરના ભાઈ બાવાખાચરે શ્રીહરિને પોતાને ઘેર લઈ જઈ ચોકમાં લીમડાના વૃક્ષે હિંડોળો બાંધી તેમાં ઝુલાવ્યા.
સૌ સંતો તથા હરિભક્તો ત્યાં આવ્યા. શ્રીહરિ હિંડોળા પર બેઠા હતા તેમનાં દર્શન કર્યાં. ગુજરાતી બાઈઓમાં ગંગાબા સૌથી વૃદ્ધ હતા. પશ્ચિમની બાઈઓમાં રાઈબાઈ ને સુરબાઈ અતિ વૃદ્ધ હતાં. તેમને શ્રીહરિએ પડખે બેસાડ્યાં હતાં. બીજા સૌ રંગ રમ્યા હતાં. શ્રીહરિ હિંડોળાના બે દંડા પકડીને ઊભા રહ્યા અને મંદ મંદ હાસ્ય કરતા હતા. ગુજરાતની પ્રેમી બાઇઓને તે જોઈ સમાધિ થઈ દેહનું ભાન ભૂલી ગઈ, શ્રીહરિએ એમને બાલસ્વરૂપે તેજોમય દર્શન દીધાં. તેમનાં મન એવા આકર્ષાયાં કે જાણે શ્રીહરિને ઉઠાવી લઈએ! અને તો જ આપણી જીત થાય. વૃદ્ધોએ ના પાડી છતાં મર્યાદા રાખી નહિ. શ્રીહરિએ દંડમાં ચરણની આંટી પાડી તેથી દંડો બેવડો થયો ને આંટી ખોલી નહિ, તેથી બળ કરીને થાકી ગઈ. તેમનો પ્રેમ દેખી શ્રીહરિ પ્રસન્ન થઈ બોલ્યા, 'તમારી ઇચ્છા હોય તે માગો, મયારામને અમે જામીન રાખીએ છીએ.' તોય એમણે છોડ્યા નહિ. ત્યારે શ્રીહરિ તેમને દેહમાં લાવ્યા તેથી મનમાં ડરી ગયાં ને પગે લાગ્યાં. શ્રીહરિને કહે, 'અમને દેહનું ભાન ન રહ્યું. અમે ભૂલી ગયાં.' શ્રીહરિ કહે, 'તમારો દોષ નથી. બાવાખાચર અમને હિંડોળે બેસાડવા લાવ્યા, ન આવીએ તો એમને દુઃખ લાગે, કોઈકને દુઃખ લાગે તેનું અમને દુઃખ છે. અમારા દુઃખને અમે ગણતા નથી. તમે ગુજરાતની બાઈઓ દૂરદૂરથી આવ્યાં છો. અમે તમારા પર રાજી છીએ. તો કાંઈક ગોઠ માગો.'
બાઈઓ વિચારીને બોલી કે 'તમારી વિકટ માયા અમને બંધન કરે નહિ ને તમારા ચરિત્રમાં મોહ થાય નહિ. સત્સંગમાં ને સંત-હરિભક્તમાં નિત્ય નવો નવો ભાવ રહે ને દ્રોહબુદ્ધિ ક્યારેય ન થાય. દેહ ઇંદ્રિયો ને અંતઃકરણનો ફરીથી સંગ રહે નહિ અને અચ્છેદ્ય, અભેદ્ય જીવના જેવો દેહ તમે આપજો, વાસનામાત્ર ટાળજો. બ્રહ્માંડના કોઈ પણ ભોગમાં અમારું મન લોભાય નહિ. તમારી મૂર્તિ હોય ત્યાં જ અમારો વાસ થાય. તમારી મરજી પ્રમાણે જ વર્તાય. સત્સંગથી મન ક્યારેય જુદું પડે નહિ. તમારી અને તમારા ભક્તની સેવામાં નવી શ્રદ્ધા રહે અને ક્યારેય અમને વિસારશો નહિ. શ્રીહરિએ તેમને પ્રસન્ન થઈને માગેલા વર આપ્યા.'
|
|