|
ભગવાન સ્વામિનારાયણ ન પ્રગટ્યા હોત તો... દલિતો અને અંત્યજોના ઉદ્ધારની જ્યોતિ કોણ પ્રગટાવત ?(ભાગ-૨)
- સાધુ અક્ષરવત્સલદાસ
જાતિ નહીં, જાતને બદલવાનો અભિગમ :
ભગવાન સ્વામિનારાયણે અંત્યજોના ઉદ્ધાર માટે રચનાત્મક અભિગમ અપનાવ્યો : જાતિ નહીં, કર્મ બદલો; જાતિ નહીં, જાતને બદલો. ભગવાન સ્વામિનારાયણે સંસ્કાર દ્વારા અંત્યજો-દલિતોની ઉન્નતિ-ઉત્ક્રાંતિનો કેવો રચનાત્મક અભિગમ અપનાવ્યો હતો, એમણે નિમ્ન ગણાતી જાતિઓનું સંસ્કાર આપીને કેવું ઊર્ધ્વીકરણ કર્યું હતું એ કેટલાક ઐતિહાસિક પ્રસંગોથી સમજીએ.
વડોદરા પાસે છાણી ગામમાં વણકર તેજાભાઈ સ્વામિનારાયણી સંતોના પ્રસંગથી સત્સંગી બન્યા હતા. એમની અસર ગામના અન્ય હરિજનો પર પડી. હરિજનોનું સઘળું વૃંદ સ્વામિનારાયણીય શુદ્ધ આચાર-વ્યવહારથી અલંકૃત બન્યું. છાણી ઉપરાંત કરચિયા, બાજવા, સાંકરદા, પોઈચા, ભાદરવા, વાસણા, કોતરિયા વગેરે ઘણાં ગામોમાં સેંકડો હરિજન કુટુંબોમાં સ્વામિનારાયણીય પ્રભાવ આજે પણ સ્પષ્ટતાથી જોઈ શકાય છે. એક વખત ભગવાન સ્વામિનારાયણ સયાજીરાવ બીજાના આમંત્રણથી વરતાલથી વડોદરા જવા નીકળ્યા હતા. રસ્તામાં છાણી ગામનું પાદર આવ્યું. ગામને પાદર હરિજન હરિભક્તોનો સંઘ તેમને વધાવવા માટે ઊભો હતો. એક વૃક્ષ નીચે તેમને પધરાવીને સૌએ સત્કાર કર્યો. ભગવાન સ્વામિનારાયણે તેમનો ભાવ અંગીકાર કર્યો. ભગવાન સ્વામિનારાયણ હરિજનોને સ્વીકારતા હોવાથી ગામના આગેવાનોએ ઢંઢેરો પિટાવી જાહેરાત કરી હતી કે બ્રાહ્મણ, વાણિયા, વૈશ્ય કે ક્ષત્રિય, કોઈ પણ ઉચ્ચ વર્ણના માણસે સ્વામિનારાયણનાં દર્શને જવું નહીં. આથી અહીં એકલા હરિજનો જ દર્શને આવ્યા હતા. ભગવાન સ્વામિનારાયણ હરિજન ભક્તોના શુદ્ધ ભક્તિ-ભાવથી પ્રસન્ન થયા. આશીર્વાદ આપી તેમણે કહ્યું : 'જાઓ, બ્રાહ્મણો જેવી પંડિતાઈ અને સદ્ગુણો તમારામાં આવશે. બ્રાહ્મણો શરમાઈ જાય તેવાં વિશુદ્ધ વર્તન તમારાં થશે.' ભગવાન સ્વામિનારાયણના એ આશીર્વાદને ઇતિહાસે સિદ્ધ કરી બતાવ્યા. સાધના અને શ્રદ્ધાથી કોઈપણ વ્યક્તિ પોતાના જીવનનો સર્વાંગી વિકાસ સિદ્ધ કરી શકે છે - એમ સૂચવવું અને પોતાના ટૂંકા જીવનકાળ દરમ્યાન એ સિદ્ધ કરી આપવું એ આધુનિક ઇતિહાસની એક વિરલ ઘટના છે. ભગવાન સ્વામિનારાયણે એ વિરલ ઘટના સર્જી.
શ્રી સ્વામિનારાયણના વાત્સલ્યપ્રેમથી છાણીના હરિજનોનો સર્વાંગી વિકાસ કેવો થયો હતો ? ઇતિહાસ નોંધે છે કે હરિજનોનાં વાણી-વર્તન સવર્ણોથીય મુઠ્ઠી ઊંચેરાં ચઢિયાતાં સિદ્ધ થયાં હતાં. સને ૧૮૩૦ થી ૧૮૫૦ની વચ્ચેની આ વાત છે. છાણીના વણકર તેજાભાઈ વગેરેની વિરુદ્ધ વડોદરાના કેટલાક ભદ્ર લોકોએ સ્થાનિક ન્યાયાલયમાં ફરિયાદ નોંધાવી કે આ હરિજનો સ્વચ્છતાનું કામ બરાબર બજાવતા નથી, તેમને રાજ્ય દ્વારા સોંપાયેલું સ્વચ્છતાનું કામ કરવા તેઓ આવતા જ નથી. તેજાભાઈને હાજર થવાનો હુકમ કરવામાં આવ્યો. તેજાભાઈ અને અન્ય હરિજનો હાજર થયા. અમલદાર બ્રાહ્મણ હતા. તેમણે પૂછ્યું : 'તમે કેમ સ્વચ્છતા કરવા જતા નથી ?' તેજાભાઈએ નમ્રતાથી પણ મક્કમતાપૂર્વક જવાબ આપ્યો : 'સાહેબ, અમે ભગવાન સ્વામિનારાયણના સત્સંગી છીએ એટલે જૂઠું કદી નહીં બોલીએ. અમારા ભગવાનનો આદેશ છે કે નિત્ય બ્રાહ્મમુહૂર્તે જાગવું, એટલે અમે વહેલાં બ્રાહ્મમુહૂર્તે જાગીને, નાહી-ધોઈને પવિત્ર થઈને ધ્યાન-પૂજાપાઠ કરીએ. અને પૂજાપાઠ કરીને અમે સૂર્યોદય પહેલાં તો ત્યાં સ્વચ્છતા માટેનું કામ બજાવવા પહોંચી જઈએ છીએ ! એ જાગે એ પહેલાં તો અમે અમારું કામ બજાવીને ફરી ઘરે જઈને પવિત્ર થઈને ભગવાનની ભક્તિ કરીએ છીએ. તેઓ મોડા ઊઠે છે પરિણામે અમે એમને ક્યારેય ત્યાં હાજર દેખાયા નથી !'
સાવ ક્ષુદ્ર ગણાતા લોકો, શુદ્ધ બ્રાહ્મણતુલ્ય આટલું પવિત્ર અને આટલું શુદ્ધ, આચારપૂત, ભક્તિપૂત જીવન જીવતા હશે - એ બ્રાહ્મણ અમલદારની કલ્પના બહારની વાત હતી. બ્રાહ્મણ અમલદારે જોયું તો તેજાભાઈના કપાળમાં રહેલો તિલક-ચાંદલો જાણે એમની સત્યતાની ગવાહી પૂરી રહ્યો હતો. અમલદાર હરિજનોની નમ્રતા, પવિત્રતા, કર્તવ્યનિષ્ઠાથી ખૂબ પ્રભાવિત થયો.
એવામાં બીજી ઘટના બની. એ સ્થાનિક અમલદારના પરિવારમાં એક લગ્ન પ્રસંગ હતો. પણ અચાનક કોઈકના મૃત્યુનો પ્રસંગ બની જતાં લગ્ન મોકૂફ રાખવાં પડ્યાં. આથી સેંકડો માણસની બનાવેલી રસોઈ પડી રહી. અમલદારે તેજાભાઈને એ રસોઈ લઈ જવા કહ્યું, પણ તેજાભાઈએ કહ્યું : 'ક્ષમા કરજો, આપની રસોઈ અમને ન ખપે !' એ ઉચ્ચકુળના બ્રાહ્મણ અમલદારને વીજળી શો આંચકો લાગ્યો. એક સાવ ઊતરતી જ્ઞાતિનો સાવ સામાન્ય માણસ કઈ હેસિયતથી એક ઉચ્ચ બ્રાહ્મણ કુળના ઉચ્ચ કક્ષાના અમલદારને કહી રહ્યો હતો : તમારી રસોઈ અમને ન ખપે !
'અરે ! તમે તો અમારી એઠ ખાનારા, તમને અમારી રસોઈ શા માટે ન ખપે ?'
અમલદારે સ્પષ્ટતા માંગી ત્યારે તેજાભાઈએ કહ્યું : 'અમે ભગવાન સ્વામિનારાયણે આપેલ શિક્ષાપત્રીના આદેશ મુજબ પાણી, દૂધ, લોટ વગેરે ગાળી-ચાળી પછી જ તેમાંથી રસોઈ બનાવીએ અને પછી ભગવાનને ધરીને જમીએ. તમારી બનાવેલી રસોઈમાં બધું અણગળ વપરાયું હોય અને તેમાં વળી એ ભગવાનને ધરાવ્યા વિનાનું બધું હોય, તેમાં સ્વચ્છતા-શુચિતા ન હોય, માટે અમારે એ રસોઈ ન ખપે !'
એ અમલદાર નતમસ્તક બની ગયો.
ભગવાન સ્વામિનારાયણે કલ્પના કરતાંય ક્યાંય ઊંચાં કીધેલા શુદ્ધ વર્તનનો આ પ્રભાવ હતો.
આવો જ કંઈક પ્રસંગ જૂનાગઢના નવાબી રાજ્યનો છે. જૂનાગઢના મહેસૂલ ખાતાના એક ઉચ્ચ નાગર અધિકારીએ અનુભવેલો એ પ્રસંગ. તેમનાં પત્નીએ વધી પડેલી કઢી 'ગોવા' નામના એક હરિજનને આપી. ગોવાએ કહ્યું : 'બા ! તમારી કઢી અમને ન ખપે !' 'ન ખપે એટલે શું ? તું વળી અમારા કરતાંય ઊંચો થઈ ગયો?' નાગર ગૃહિણી છંછેડાઈ ગઈ.
ગોવાએ કહ્યું : 'ઊંચનીચમાં તો અમે માનતા નથી, કારણ કે અમે રહ્યા સ્વામિનારાયણ, પણ બા, રાજી રહેજો. તમારું અપમાન કરવા નથી કહેતો, પણ તમે રહ્યા નાગર બ્રાહ્મણ. નાગરો સ્વાદિયા બહુ હોય એટલે કઢીની અંદર લસણવાળી ચટણી નાંખી હોય અને અમારા માટે એ અભક્ષ્ય કહેવાય. અમે લસણ-ડુંગળી ખાતા નથી.' ઘરમાં અંદર બેઠેલા નાગર અધિકારી પોતાનાં પત્ની અને હરિજન ગોવાનો આ વાર્તાલાપ સાંભળી રહ્યા હતા. એ બહાર દોડી આવ્યા. ગોવાને મળીને, તેની વાતો સાંભળીને અવાક્ બની ગયા. એમણે ગોવાનો પરિચય માંગ્યો. ગોવાએ કહ્યું : 'ભગવાન સ્વામિનારાયણના મહાન સંત ગુણાતીતાનંદ સ્વામીનું પ્રસાદીભૂત સ્વામિનારાયણ મંદિર છે, એમાં સ્વચ્છતાની સેવા કરવા જાઉં છું, સંતોને સેવામાં મદદ કરું છું, અને એમની વાણી સાંભળું છું - એનો આ પ્રતાપ છે !' એ અધિકારીએ કહ્યું : 'ગોવા, આજથી તારે મેલું ઉપાડવાનું બંધ. તું સૌનો મુકાદમ. રાજના ખર્ચે તને મકાન આપીશ, તારે એમાં રહેવાનું ને ભજન કરવાનું !'
સ્વામિનારાયણીય સંસ્કારોએ આવાં અનેક ઉદાહરણો સર્જ્યાં છે, જેમાં સવર્ણોથીય ચઢિયાતાં શુદ્ધ આચાર-વ્યવહાર નિમ્ન વર્ણોમાં ઝળહળતાં દેખાય છે.
સૌરાષ્ટ્રના ઝાલાવાડમાં આવેલા લીમલી ગામના સગરામ વાઘરીને સ્વામિનારાયણનો સત્સંગ થયો અને એનું સકલ જીવન સૌને પરમ આશ્ચર્ય ઉપજાવતું રહ્યું. એક વખત સગરામ મુસાફરીએ જઈ રહ્યો હતો. તેને તરસ લાગી. રસ્તામાં નદીએ પાણી પીવા ગયો. એ જ વખતે શિયાણી ગામના શિવરામ ભટ્ટ પણ પાણી પીવા માટે નદીએ આવ્યા હતા. શિવરામ ભટ્ટે સીધું જ ખોબે ખોબે પાણી પી લીધું. અને સગરામે પોતાનો લોટો કાઢ્યો. લોટાને રેતીથી અજવાળ્યો. એના ઉપર ગરણું મૂકી થોડું પાણી ગાળેલું ભર્યું. એનાથી વળી લોટો વીંછળ્યો. પછી ફરીથી ગરણું મૂકી એમાં પાણી ગાળ્યું. અને ત્યારબાદ ભગવાનનું સ્મરણ કરી પાણી પીધું. શિવરામ ભટ્ટ એક વાઘરીની આટલી શુચિતા જોઈને આશ્ચર્યચક્તિ થઈ ગયા. પોતે બ્રાહ્મણ હોવા છતાં જે શુચિતાનું પાલન કરી શકતા નહોતા, તે એક વાઘરી સ્વામિનારાયણીય સંસ્કારથી ઉચ્ચ વર્ણનો બનીને પાળી રહ્યો હતો !
સૌરાષ્ટ્રમાં આવેલા તડ ગામના જેઠા કોળીની વાત પણ સંપ્રદાયમાં પ્રસિદ્ધ છે. જેઠો બ્રાહ્મણ જેવા આચાર રાખે. એક અમલદાર સીમ જોવા નીકળ્યા. છેટેથી પૂછ્યું : 'અલ્યા કોનું સાંતી છે ?' ત્યારે એક પટેલે કહ્યું : 'કોળીનું છે.' એ સમયે સુખી ખેડૂતોને ત્યાં બળદો હોય, પણ નિમ્ન વર્ણના એ ગરીબ લોકોને ત્યાં તો ક્યાંથી હોય ? આથી અમલદારે આશ્ચર્ય પામતાં પૂછ્યું : 'એ કોળી બળદ રાખે છે ?' પટેલે કહ્યું : 'એના જેવા બળદ આખા ગામમાં કોઈની પાસે નથી !'
અમલદારે જેઠા કોળી પાસે જઈને બધું પૂછ્યું. તેની નજર દૂર પડી : 'ઓલ્યું બોરડીના ગળાયા નીચે શું છે ?'
જેઠો કહે : 'પાણીની ભંભલી છે, તે ઉપર કાગડો બેસી ન જાય એટલા માટે પાલેરું માથે રાખ્યું છે.'
'લોટો કેમ છેટે રાખ્યો છે ?'
જેઠો કહે : 'દિશાએ (શૌચાલય) જવું હોય તો પાણી લેવું જોઈએ ને ! ને પાણી પીવાનો લોટો જુદો છે !'
જેઠા કોળીની સ્વચ્છતા-શુચિતાની વાત સાંભળી અમલદાર દિંગ થઈ ગયો.
પટેલે જેઠાની તારીફ કરતાં કહ્યું : 'સાહેબ ! આ ગામમાં આ એકલો જેઠો જ એવો છે કે જે એકાદશી પાળે છે ને અન્નવસ્ત્ર ને આબરૂ એનાં જેવાં કોઈને નથી. તે દર દશમીને રોજ ઊના મંદિરે જાય, એકાદશીનો ઉપવાસ કરે ને ભજન કરે, બારસે પારણાં કરી ઘરે આવે એવો એને નિયમ છે. સવારે નિત્ય ઊઠીને નાહીને પૂજાપાઠ કરે અને તિલકચાંદલો કરે ને ઊજળાં લૂગડાં પહેરે.'
એક સમયે માછલાં મારીને નિર્વાહ કરતી અને ઢોર જેવી જિંદગી ગુજારતી એક ક્ષુદ્ર જાતિના લોકોને સ્વામિનારાયણે કેવા આબરૂદાર કીધા હતા એ સમજવા આ એક દાખલો પૂરતો છે.
પેઢીઓની પેઢીઓથી નર્ક જેવી પરિસ્થિતિમાં સબડતી રહેતી એ સામાન્ય પ્રજાની આટલી ઉચ્ચ કક્ષાની આચારશુદ્ધિ-વિચારશુદ્ધિ કરવામાં ભગવાન સ્વામિનારાયણે કેટલો પુરુષાર્થ કરવો પડ્યો હશે એની કલ્પના કરવાનું મુશ્કેલ છે. જ્યાં પેઢીઓની પેઢીઓથી કોઈ સવર્ણનો પડછાયો પણ નહોતો પડ્યો, એવાં એ લોકોનાં ઝૂંપડાંઓમાં જઈને ભગવાન સ્વામિનારાયણે અને એમના પરમહંસોએ, એ સમયની અત્યંત જડ રૂઢિચુસ્ત કિલ્લેબંધી વચ્ચે કેવી રીતે કાર્ય કર્યું હશે ? એ સમજવું આજેય કઠિન લાગે છે.
'ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ' ભગવાન સ્વામિનારાયણે સંસ્કાર દ્વારા દલિતોની કરેલી ઉન્નતિની પ્રક્રિયાને નોંધતાં વર્ણવે છે કે 'નિમ્ન જાતિઓમાં સંસ્કાર મૂલ્યો સિંચવાનું શ્રી સ્વામિનારાયણનું કાર્ય અદ્વિતીય હતું. નિમ્ન જાતિઓમાં ઉચ્ચ સાંસ્કૃતિક મૂલ્યો સિંચીને તેમને ઉપર ચઢાવવાનું કાર્ય, સહજાનંદ સ્વામીના સુધારાઓમાં કેન્દ્રસ્થાને હતું. દારૂ, માંસ, નશીલાં વ્યસનો, નિત્યસ્નાન અને પૂજા કર્યા સિવાય કાંઈ ખાવું પીવું નહીં, ગાળ્યાં વિનાનાં દૂધ ને પાણી ન લેવાં વગેરે સ્વામિનારાયણીય આદર્શોનું તેમાં સિંચન થયું હતું.'
દુર્ગાશંકર કે. શાસ્ત્રી નોંધે છે કે 'તેઓએ ગુજરાત-કાઠિયાવાડની હલકી જાતિઓ પાસે મદ્યમાંસનો ત્યાગ કરાવી, હિંસાનો પણ ત્યાગ કરાવી, નાહવા-ધોવાનો આચાર શીખવી તેઓનો ઉદ્ધાર કર્યો એ મોટું કામ કર્યું છે. એમના સમયમાં જ અંગ્રેજોએ સ્વામિનારાયણને આ કારણથી જ મોટા કહ્યા છે.'
ભગવાન સ્વામિનારાયણે શૂદ્રોના ઊર્ધ્વીકરણની કરેલી પ્રક્રિયાને યશવંત શુકલ 'સંસ્ક્રિટાઈઝેશન' કહે છે.'
એમના સંસ્કૃતીકરણને નિહાળવા માટે ઇતિહાસ પાસે વિપુલ પ્રમાણમાં ઉદાહરણો છે. ગુજરાતી સાહિત્ય અને ઇતિહાસના જાણીતા સાક્ષર ત્રિભોવન ગૌરીશંકર વ્યાસ સગરામ વાઘરીનો એક કિસ્સો સરસ વર્ણવે છે. લીમડી ગામનો અભણ વાઘરી સગરામ, શ્રીમદ્ ભાગવતના પ્રખર વિદ્વાન શિવરામ ભટ્ટને આધ્યાત્મિક પ્રશ્નોમાં માત કરે અને શિવરામ એનો સત્સંગ કરીને સાધુ થવાની પ્રેરણા મેળવે, એ કેવી અસંભવિત ઘટના ગણાય ! પણ ભગવાન સ્વામિનારાયણના પ્રભાવે એ સંભવિત બન્યું.
ભગવાન સ્વામિનારાયણે શૂદ્રોના માત્ર આચાર શુદ્ધ કર્યા એટલું જ નહિ, તેમનામાં ઉચ્ચ જ્ઞાન-શિક્ષણ સિંચીને તેમનાં મસ્તક ઉન્નત કર્યાં હતાં. ૧૮મી સદીના રૂઢિચુસ્ત સમાજનું વર્ણન કરીને ઈશ્વર પેટલીકર નોંધે છે કે એવા કાળમાં શ્રી સ્વામિનારાયણ પોતે એક બાજુ વર્ણાશ્રમધર્મની જૂની પરંપરા પ્રમાણે માનતા છતાં હલકી ગણાતી વર્ણ-જ્ઞાતિઓ પણ ધર્મભક્તિ અને જ્ઞાનપરાયણ થવી જોઈએ એવા સુધારામાં માનતા હતા. એ લોકોને ઘેર તે પોતાનો મુકામ કરતા હતા. ગરીબ, અભણ અને પછાત વસતીના લોકોનો ભાવ સ્વીકારીને તેમના મહેમાન બનતા હતા. ભક્ત તેમને પૂજ્ય ગણતો હોવા છતાં પોતે એના નિકટના આત્મીયજન હોય તેમ તે એમની સાથે સમાનભાવે વર્તાવ કરતા હતા...' તત્કાલીન અધોગતિ પામેલા સમાજની તાસીર વર્ણવતાં તેઓ આગળ કહે છે : 'લોકજીવનની જ્યારે આ સ્થિતિ હોય ત્યારે જેમની લોકહિતની વ્યાપક દૃષ્ટિ હોય તે સૌથી છેલ્લા માણસનો વિચાર કરીને તેનું હિત લક્ષમાં લે છે. તેમની નજર સમક્ષ લોકસમુદાય છે. કેવળ બ્રાહ્મણ જેવો ઉપલો વર્ગ શિક્ષિત અને સદાચારી બને તેમાં ધર્મનું કાર્ય સમાપ્ત થતું નથી, પરંતુ નીચેના મોટા સમાજ સુધી શિક્ષણ, સ્વચ્છતા અને સદાચાર વ્યાપક બનવાં જોઈએ. સ્વામિનારાયણ વર્ણાશ્રમ ધર્મમાં અને ઉચ્ચતાના ભેદમાં માનતા હતા, પણ એ ઉચ્ચતાવાળો ધર્મ એમાં માનતા હતા કે તેમણે નીચેના વર્ણમાં જ્ઞાન અને સદાચારનો ફેલાવો કરવો જોઈએ. જે પોતે ઊંચો છે તે જો બીજાને ઊંચો ન લાવે તો એની ઉચ્ચતાનો અર્થ શો ? સાચો ઉચ્ચ એ છે કે પોતાની ઉચ્ચતા જોખમાયા વિના, જે નીચે છે તેને ઉપર લાવે... એ જ રીતે જે સાધુ સંતો, બ્રાહ્મણો અને ગુરુજનો છે તેમની ઉચ્ચતાનો રંગ ત્યારે પાકો કહેવાય કે તે છેલ્લામાં છેલ્લા માણસને પોતાનો રંગ બેસાડે.'
ભગવાન સ્વામિનારાયણનું આ આગવું વ્યક્તિત્વલક્ષણ હતું : છેલ્લામાં છેલ્લા માણસને પોતાનો રંગ બેસાડવો. એટલે જ સ્વામિનારાયણીય હરિજનો કે અન્ય નિમ્ન વર્ણના ભક્તોના મુખેથી જ્ઞાનપ્રવાહ વહેતો હોય અને સંપ્રદાયના સાધુ સંતો તથા સવર્ણો એનું પાન કરતા હોય એ દૃશ્ય અહીં નવાઈ ભર્યું નથી. વડોદરા પાસે છાણી ગામે ભગવાન સ્વામિનારાયણે આશીર્વાદ આપ્યા હતા કે 'જાઓ, બ્રાહ્મણો જેવી પંડિતાઈ અને સદ્ગુણો તમારામાં આવશે. બ્રાહ્મણો શરમાઈ જાય તેવાં વિશુદ્ધ વર્તન તમારાં થશે.' એ આશીર્વાદના પ્રતાપે દલિતવર્ણોમાં એવાં અનેક રત્નો પાક્યાં છે કે જેમનું સ્મરણ કરતાં આજે સૌ ધન્યતાનો અનુભવ કરે છે. એવા પુણ્યશ્લોક નામાંકિતોમાં કવિ નારણદાસ પૂંજાભાઈનું નામ અમર છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ હરિજન ભક્તરાજ નારણદાસના અમર ભજનવારસાથી અપરિચિત વ્યક્તિ ભાગ્યે જ મળી આવશે. સંતો-હરિભક્તો આજે પણ નારણદાસનાં ભક્તિપદોને ભાવલીન થઈને ગાય છે ત્યારે, એક અલૌકિક વાતાવરણ ખડું થાય છે. |
|