|
સંતોની ઐતિહાસિક કલમે - ભગવાન સ્વામિનારાયણના રંગોત્સવો...
કરિયાણામાં વસંતોત્સવ... - આષાઢી સંવત ૧૮૬૫
૨૦૦ વર્ષ પહેલાં ભગવાન સ્વામિનારાયણ પ્રતિ વર્ષે ગુજરાતના જુદા જુદા ખૂણે અને જુદાં જુદાં ગામોમાં હજારો ભક્તો અને સંતોને એકત્રિત કરીને રંગોત્સવો ઊજવતા હતા, ત્યારે કેવો માહોલ રચાતો હશે ? ભગવાન સ્વામિનારાયણના સમકાલીન પરમહંસ સંતોએ નજરે જોયેલા એ રંગોત્સવની અદ્ભુત દસ્તાવેજી સ્મૃતિઓ પોતાની વાતોમાં, ગ્રંથો તેમજ કીર્તન-કાવ્યોમાં ચિત્રાત્મક રીતે ગૂંથી લીધી છે. નિષ્કુળાનંદ સ્વામી, શતાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, આધારાનંદ સ્વામી, માધવદાસ સ્વામી, અદ્ભુતાનંદ સ્વામી, ભાયાત્માનંદ સ્વામી, પ્રસાદાનંદ સ્વામી વગેરે સંતોનાં ગદ્ય-પદ્ય તેમજ તેમની વાતોના ગ્રંથોમાં ઠેર ઠેર ભગવાન સ્વામિનારાયણના રંગોત્સવોનું અદ્ભુત દર્શન માણવાં મળે છે.
આ બધામાં આધારાનંદ સ્વામીની નોંધ અનન્ય છે. 'હરિચરિત્રામૃતસાગર' ગ્રંથમાં તેમણે વરતાલ, ગઢપુર, અમદાવાદ, સારંગપુર, લોયા, પંચાળા, ધરમપુર, ડભાણ, કરિયાણા વગેરે સ્થળોએ ભગવાન સ્વામિનારાયણે ઊજવેલા રંગોત્સવોનો આંખે દેખ્યો અહેવાલ પ્રસ્તુત કર્યો છે. તેમાં જાણે ગઈ કાલે જ એ ઉત્સવો ઊજવાયા હોય તેવી તાજગી છે. આવો, આધારાનંદ સ્વામીની કલમે ૨૦૦ વર્ષ પહેલાંના એ જુદા જુદા રંગોત્સવોમાંથી થોડાકનું આચમન કરીએ...
કરિયાણામાં વસંતોત્સવ... - આષાઢી સંવત ૧૮૬૫
શ્રીહરિ કરિયાણા પધાર્યા ત્યારે ત્યાંના રાજા તથા ભક્તો સન્મુખ આવ્યા અને બહુ આનંદ પામ્યા. આખા ગામમાં સત્સંગ વિનાનું કોઈ નહોતું. શ્રીહરિને વાજતે ગાજતે ગામમાં લઈ ગયા. અને બુરજમાં ઉતારો આપ્યો.
રાજાઓ સૌ પોતપોતાને ઘેર ગયા. જીવાખાચર તથા બીજા વીશ પાળા શ્રીહરિની સાથે રહ્યા. મુકુંદાનંદ અને જયાનંદ વણી પણ સાથે રહ્યા. હરિભક્તો ત્યાં વારાફરતી આવતા અને રસોઈ આપતા.
શ્રીહરિએ ત્યાં માગશર અને પોષ એમ બે માસ રહીને બુરજ ઉપર માળ કરાવ્યો. શ્રીહરિ ત્યાં ભુજના દવે પ્રાગજી પુરાણી પાસે ભાગવત સાંભળવા લાગ્યા. બે માસમાં સાત વખત ભાગવત પૂરું કરાવ્યું. શ્રીહરિએ ત્યાં વસંત પંચમીનો સમૈયો કર્યો ત્યારે કેટલાક સંત-હરિભક્તો આવ્યા. મુક્તમુનિ તથા બ્રહ્મમુનિને પણ મંડળ સાથે બોલાવ્યા. હરિભક્તો બહુ રંગ લાવ્યા. વસંતી વાઘા પહેરાવીને શ્રીહરિને ઊંચા પલંગ ઉપર બેસાર્યા. સંતો ઝાંઝ, મૃદંગ લઈને કીર્તન ગાવા લાગ્યા. વસંત વધાવવા માટે કુંભ સ્થાપન કર્યો. પછી વસંત વધાવી, વસંતનાં પદો ગાવા લાગ્યા. હરિભક્તો ખજૂર, શ્રીફળ અને ફગવા લાવ્યા અને રંગનાં મોટાં મોટાં વાસણ ભરાવ્યાં. વસંતનો સમય થયો ત્યારે શ્રીહરિ તૈયાર થયા. રાજાઓની અને સંતની સભા જુદી જુદી બેસાડી. શ્રીહરિ કેસરના ઘડા ભરી ભરીને નાખવા લાગ્યા. રામદાસભાઈએ પણ શ્રીહરિ ઉપર કેસરના રંગનો ઘડો નાખી ગુલાલથી કપડાં ભરી દીધાં. મુક્તમુનિએ પણ તે પ્રમાણે કર્યું. શ્રીહરિની તેવી રંગીલી મૂર્તિ જોઈ સૌ આનંદ પામ્યા.
પછી મહારાજ કહે, 'સૌ બેસી જાઓ, હું રંગ નાખું છું. કોઈએ ધીંગામસ્તી કરવી નહિ. આ તો બ્રહ્મસભા છે.' એમ કહીને શ્રીહરિએ સૌ સંતને રંગથી રસબસ કરી દીધા. અને હરિભક્તો તથા રાજાઓ ઉપર પણ રંગના ઘડાઓ નાંખી ગુલાલથી રંગી નાખ્યા. શ્રીહરિએ કહ્યું કે 'આ અમારો રંગ છે તેને ગંગાજળ સમાન સમજવો. તે વિનાના રંગનો છાંટો માત્ર પણ સંતોએ લેવો નહિ. અમારો રંગ છે તે જગતનો રંગ નાશ કરવા માટે છે. જગતનો રંગ તો પુણ્યનો નાશ કરે છે અને અમારો રંગ વિષયનો નાશ કરે છે એમ સમજવું.' એમ શ્રીહરિની વાત સાંભળી સૌ રાજી થયા.
રંગે રમી રહ્યા ત્યારે પ્રથમ સંતને, પછી રાજાઓને અને હરિભક્તોને ફગવા આપ્યા. બાઈઓ માટે પણ ફગવા જુદા આપ્યા. પછી શ્રીહરિ સંત-હરિભક્તો સાથે નાહવા પધાર્યા. રંગથી નદી પણ લાલ લાલ થઈ ગઈ અને પ્રસાદીનો રંગ સમુદ્ર સુધી પહોંચ્યો. |
|