Search Contact Site Map Download News Vicharan Home GujaratiSatsangIntroduction
 
ભગવાન સ્વામિનારાયણ ન પ્રગટ્યા હોત તો... દલિતો અને અંત્યજોના ઉદ્ધારની જ્યોતિ કોણ પ્રગટાવત ?(ભાગ-)
- સાધુ અક્ષરવત્સલદાસ

એ યુગ હતો અંધકારનો. સર્વ ક્ષેત્રે અંધકાર. રાજકીય, સામાજિક, ધાર્મિક, સર્વ ક્ષેત્રે, માત્ર ગુજરાત કે ભારત નહીં, સમગ્ર વિશ્વ અંધકારમાં સંઘર્ષ કરી રહ્યું હતું. એવા સમયે ૧૯મી સદીના પ્રારંભે ગઢડાની સીમમાં બેઠાં બેઠાં નિષ્કુળાનંદ સ્વામીએ સ્વાનુભવ અને પ્રતીતિના જોર સાથે ગાયું, લલકાર્યું :
આનંદ આપ્યો અતિ ઘણો રે, આ સમામાં અલબેલ દુર્બળનાં દુઃખ કાપિયાં રે, ન જોઈ જાત કજાત પુરુષોત્તમ પ્રગટી રે...
હા, એ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ પ્રગટ્યા હતા, સૂર્ય સમ તેજસ્વી, સર્વ ક્ષેત્રે અંધકારને વિદારીને આનંદના અજવાળાં ફેલાવી શકે એવા સમર્થ અને સર્વોપરી ! અને પોતાની નજરે દીઠેલ અનુભવેલ વિરાટ યુગકાર્યને બિરદાવવા નિષ્કુળાનંદ સ્વામીના હૈયેથી આ પંક્તિ સરી રહી હતી.
૧૯મી સદીના અંધકારને વિદારનાર એ સર્વોપરી પરમાત્મા માટે પ્રખર વિદ્વાન અને ભારતના બંધારણના ઘડવૈયા કનૈયાલાલ મુન્શી નોંધે છે : 'બ્રાહ્મણ, બહુશ્રુત વિદ્વાન, ચુસ્ત વૈષ્ણવ અને આદર્શ સંન્યાસી-સાધુ એવા આ સુધારકે પોતાના જીવન અને કાર્યથી સંસ્કાર-ઘડતરમાં નવો પ્રકાશ પાથર્યો. આ રીતે તેમના આગમનથી જાણે એક અંતિમ ધાર્મિક યુગનો પ્રતિનિધિ ઓગણીસમી સદીના ઊંબરે આવીને ઊભો રહ્યો.'
ભગવાન સ્વામિનારાયણના એ દિવ્યકાર્યને અંજલિ આપતાં સાક્ષર યશવંત શુકલ લખે છે : 'જ્યાં અનિશ્ચિતતા હતી, અંધાધૂંધી હતી, અવ્યવસ્થા હતી ત્યાં આવી તેમણે ૩૦ વર્ષ કાર્ય કર્યું. ૧૮૦૧માં તેમનું ગુજરાતમાં આવવું, એટલે કે અઢારમી સદીનું પૂરું થવું ને ૧૯મી સદીનો આરંભ થવો, એટલે કે બરાબર યુગના વળાંક ઉપર ભગવાન સ્વામિનારાયણ અહીં આવ્યા, પોતે એક યુગસર્જક બની ગયા.'
અને કવીશ્વર ન્હાનાલાલના શબ્દોમાં કહીએ તો 'મહાપુરુષો સંસારને સંજીવની છાંટે છે. સ્વામિનારાયણે આપણા ગુજરાતના સંસારને સંજીવની છાંટી સજીવન કીધો હતો. સ્વામિનારાયણે શું કર્યું ? એ ઇતિહાસ પ્રશ્નનો ઉત્તર એક જ સૂત્રમાં પૂછો તો એટલો જ છે કે શ્રીજીમહારાજે ગુજરાતને સરયૂનીરથી ધોઈ બ્રહ્મભીનો કીધો. નવ યુગના પ્રભાતના સ્વામિનારાયણ પ્રભાતસૂર્ય હતા.'
જાણીતા સમીક્ષક ઈશ્વર પેટલીકરે તત્કાલીન સમાજ સંદર્ભના પરિપ્રેક્ષ્યમાં લખ્યું છે : '૪૯ વર્ષની ઉંમરે લીલા સંકેલી લેનાર શ્રી સ્વામિનારાયણે લાગલગાટ ૩૦ વર્ષ એ કાળનો સર્વક્ષેત્રનો અંધકાર ઉલેચાય તેટલો ઉલેચીને પ્રકાશ પાથરવા સતત ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પરિભ્રમણ કર્યે રાખ્યું હતું. આમ શ્રી સ્વામિનારાયણે નવયુગના પ્રભાત-સૂર્યનો પ્રકાશ પાથરવાનું ગુજરાતમાં અવતાર કાર્ય કર્યું છે. આધુનિક ગુજરાતના એ પહેલા જ્યોતિર્ધર.'
ભગવાન સ્વામિનારાયણની હયાતીમાં જ સને ૧૮૨૩માં લંડનથી પ્રકાશિત થયેલ 'એશિયાટિક જર્નલ'માં, ભગવાન સ્વામિનારાયણે કરેલાં આમૂલ પરિવર્તનોની નોંધ લેતાં લખ્યું છે : In his lifetime, the most intelligent people in the province, while they regretted (as Hindus) the levelling nature of his system, acknowledged their belief that his preaching had produced great effect in improving the morals of the people.
અર્થાત્‌ પ્રાંતના શ્રેષ્ઠ બુદ્ધિશાળી માણસો માને છે કે શ્રી સ્વામિનારાયણના ઉપદેશે લોકોની નૈતિકતાને સુધારવામાં ખૂબ મહાન અસર પાડી છે. અને રિપોર્ટર અંતે ઉમેરે છે કે 'મતલબ કે મારો પોતાનો સ્થાનિક દેશવાસીઓ સાથેનો અનુભવ-વાર્તાલાપ પણ મને એ જ અભિપ્રાય બાંધવા પ્રેરે છે.'
એ અંધકારયુગમાં માત્ર ત્રણ જ દસકામાં ભગવાન સ્વામિનારાયણે, પોતાના કલ્યાણકાર્યનો જે અનરાધાર અમૃતમેહ વરસાવ્યો હતો, એના અનેક આયામોને આવરી લેતાં પ્રખર ગાંધીવાદી ચિંતક અને લેખક કિશોરલાલ મશરૂવાળા લખે છે : 'પોતાના પ્રકાશથી અનેકનાં હૃદયોને પ્રકાશ પમાડનાર... એવા સહજાનંદ સ્વામી હતા.'
પરંતુ એ સહજાનંદી સૂર્યનાં અજવાળાં આ ધરતી પર ન પ્રસર્યાં હોત તો ? સેંકડો વર્ષોથી સમાજમાં કચડાતા, ભીંસાતા પછાત, અંત્યજ અને નિમ્ન જ્ઞાતિના ગણાતા અને લોકોના ઉદ્ધારની શાંત ક્રાંતિ કેવી રીતે થાત ?
ભગવાન સ્વામિનારાયણના અનેક આયામી જન-ઉદ્ધારના મહાકાર્યમાં, એમણે કરેલો અંત્યજોનો ઉદ્ધાર, એમના વ્યક્તિત્વનું એક વિશિષ્ટ પાસું છે. એમણે અંત્યજોના ઉદ્ધાર માટે કેવો વિશિષ્ટ શાસ્ત્રીય અને મજબૂત અભિગમ અપનાવ્યો હતો ?
તોડફોડ નહીં, નવસર્જનનો માર્ગ :
શાસ્ત્રીય પરંપરા પુનર્જીવિત કરી...
ક્રાંતિ એટલે જૂનું હોય તે ઉખેડી દેવું, નવું રોપવું.
અને જૂનું ઉખેડવામાં આવે એટલે સંઘર્ષની પ્રચંડ જ્વાલાઓ જલે અને અનેક તેમાં ભુંજાઈ જાય.
દલિતો-અંત્યજો-પછાતોના ઉદ્ધારની ભગવાન સ્વામિનારાયણે કરેલી ક્રાંતિ શાંત હતી. તેમાં આક્રોશ નહોતો, ઉગ્રતા નહોતી, પરંતુ એક શાંત અને શાસ્ત્રીય અભિગમ હતો. એમણે વર્ણાશ્રમ વ્યવસ્થા તોડવાને બદલે, એમણે સમાજને નવો માર્ગ ચીંધ્યો : જન્મથી નિમ્ન હોય એને કર્મથી શ્રેષ્ઠ ન બનાવી શકાય ? 
પ્રાચીન ભારતમાં શાસ્ત્રોમાં આવાં કેટલાં ઉદાહરણો છે ? જન્મથી બ્રાહ્મણ ન હોય, પરંતુ કર્મથી ઉત્ક્રાંતિ કરીને બ્રાહ્મણત્વ પામેલાં કેટલાંક પ્રાચીન ભારતીય ઉદાહરણો આ રહ્યાં : વૈદિકકાળમાં શૂદ્ર કન્યા ઈલુષાનો પુત્ર કવષ કર્મથી બ્રાહ્મણ પદ પામ્યો અને યજ્ઞમાં પુરોહિત પણ બન્યો. (ઐતરેય બ્રાહ્મણ, ૨.૧૯). પૌરાણિક યુગમાં અજમીઢ અને પુરુમીઢ બંધુઓ તો ક્ષત્રિય હતા, પરંતુ એમણે પવિત્ર કર્મ કરીને પોતાના વંશજો સહિત બ્રાહ્મણ પદ પ્રાપ્ત કર્યું. (વાયુપુરાણ : ૯૧.૧૧૬). નિમ્નકુળમાં જન્મેલા શંતનુ અને દેવાપિ બે સગા ભાઈઓએ કર્મથી ઉત્ક્રાંતિ કરી. એક ક્ષત્રિય બન્યો અને બીજો બ્રાહ્મણ પુરોહિત બન્યો. (મહાભારત, શૈલ્યપર્વ, ૩૯.૧૦) અને શ્રીમદ્‌ભાગવત ધૃષ્ટક જાતિનો નિર્દેશ કરે છે, જે સમગ્ર નિમ્ન જાતિ ઉન્નતિ કરીને બ્રાહ્મણત્વ પામી ગઈ ! (ભાગ. ૯.૨.૧૭)
આ બધાં ઉદાહરણોનો સાર એ છે કે પ્રાચીન ભારતમાં આનુવંશિકતા છોડીને કોઈપણ વ્યક્તિ બ્રાહ્મણત્વ પ્રાપ્ત કરી શકતો. પ્રાચીન ભારતીય ૠષિઓએ સંસ્કારો દ્વારા વર્ણવ્યવસ્થામાં ઉત્ક્રાંતિની એ સુંદર વ્યવસ્થા વિચારી હતી. વજ્રસૂચિકોપનિષદ્‌ કહે છે કે જેમનો જન્મ બ્રાહ્મણ કુળમાં નહોતો એવા કેટલાય બ્રાહ્મણ મુનિના પદ સુધી પહોંચ્યા હતા.
સંસ્કાર દ્વારા બ્રાહ્મણત્વ પામવાની આ પ્રાચીન ભારતીય પરંપરા મધ્યકાળમાં વિલુપ્ત થઈ ગઈ હતી. એને ભગવાન સ્વામિનારાયણે નવા અભિગમ સાથે અપનાવી. વર્ણવ્યવસ્થામાં પેસી ગયેલા અમાનવીય દોષની શુદ્ધિ એમણે વર્ણવ્યવસ્થાને તોડ્યા સિવાય કરી - એ એમની આગવી વિશેષતા રહી છે. ફ્રેન્ચ વિદુષી ફ્રાન્ઝવાં મેલીસાંએ ભગવાન સ્વામિનારાયણની આ સફળતાને નોંધપાત્ર ગણાવી લખ્યું છે : 'આ સંપ્રદાયને હિન્દુ સમાજમાં સુધારાનો પ્રથમ પ્રયાસ કહી શકાય. સ્થાપિત સમાજ વ્યવસ્થાને ઉલ્લંઘ્યા સિવાય અને પરંપરાગત મૂલ્યોને ચુસ્ત રીતે વળગી રહીને, આ સુધારાએ નીચલા વર્ગના અને મહિલા અનુયાયીઓના ઉત્કર્ષનું મહાન કાર્ય કર્યું છે. તેની વર્તમાન સફળતાનું આ કારણ છે, જે પાછળથી શરૂ થયેલ નવ્ય હિન્દુવાદના સુધારાની ઝુંબેશથી ચઢિયાતું છે.'
કિશોરલાલ મશરૂવાળા કહે છે : 'નીચી જાતિઓને સુસંસ્કૃત કરવાની સ્વામિનારાયણની પદ્ધતિ જુદા પ્રકારની હતી. એમનો સુધારો ઉચ્ચ જાતિઓને હલકી જાતિઓ સાથે ભેળવી દઈને ઉચ્ચ જાતિમાં હલકા સંસ્કાર પાડવાનો ન હતો, પણ નીચ જાતિઓને ચઢાવી એમનામાં ઉચ્ચ જાતિના સંસ્કાર પાડવામાં સમાયો હતો. એટલે એમણે ઢેઢ, મોચી, સુથાર, કણબી અને મુસલમાન સુધ્ધાંને શુદ્ધ બ્રાહ્મણ જેવી રહેણી રહેતાં શીખવી દીધું. મદ્ય, માંસ, ખાવું નહિ, ગાળ્યાં વિનાનાં દૂધ-જળ પીવાં નહિ, અરે, ડુંગળી, લસણ અને હિંગ જેવી વસ્તુઓનો પણ ત્યાગ રાખવો - એ સ્વામિનારાયણીય સંસ્કારો હતા.'

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |