Search Contact Site Map Download News Vicharan Home GujaratiSatsangIntroduction
 
માનવ દેહની દુર્લભતા અને દિવાળીનો મર્મ...
- સાધુ સ્વયંપ્રકાશદાસ (ડૉક્ટર સ્વામી)

એજ દિવાળી રે દેહ મનુષ્યનો રે,
                        આવ્યો અતિ દુર્લભ કાળ જેહ,
તે જ તુને મળ્યો રે જેને ઇચ્છે દેવતા રે,
                                    તેમાં લવ નથી સંદેહ...
સદ્‌ગુરુ ભૂમાનંદ સ્વામીએ આ કીર્તનમાં મનુષ્ય દેહને દુર્લભ કહ્યો છે, એટલું જ નહીં, આ મનુષ્ય દેહ મળ્યો તે જ દિવાળી છે - એમ કહી મનુષ્ય શરીરને એક મહાન ઉત્સવસમું વર્ણવ્યું છે. જેમ દિવાળીના દિવસોમાં આબાલવૃદ્ધ, ગરીબ, તવંગર સહુ આનંદ કરે છે, તેમજ જેમને મનુષ્ય દેહની દુર્લભતા સમજાય છે તેને સમગ્ર જીવન દિવાળીના ઉત્સવ જેવું લાગે છે.
'દુર્લભ' શબ્દને આપણે બહુ સુલભ બનાવી દીધો છે. ભણ્યા પછી નોકરી મળવી મુશ્કેલ હોય છે એટલે કેટલાક બોલે છે, 'નોકરી દુર્લભ છે.' કોઈક કહેશે કે, 'અમેરિકા ફરવા જવાના વીઝા દુર્લભ છે.' વગેરે. પરંતુ આધ્યાત્મિક ક્ષેત્રે જેમણે પ્રગતિ કરી છે તેઓ દુર્લભ શબ્દની વ્યાખ્યાઓ કરે છે : 'સમગ્ર વિશ્વની સંપત્તિ આપવા છતાં જે ન મળે તે દુર્લભ.'
બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ ઘણીવાર એક બોધકથા કહીને મનુષ્ય દેહની દુર્લભતા સમજાવતા. તેઓ કહેતા : એકવાર અર્જુન અને શ્રીકૃષ્ણ પરમાત્મા માર્ગે ચાલ્યા જતા હતા. અર્જુને ભગવાનને પ્રશ્ન પૂછ્યો : 'ભગવાન ! મનુષ્ય દેહ ક્યારે મળે ?'
ભગવાને ઉત્તર આપ્યો : 'ચારસો ગાઉ પાણીની વાવ માથા સુધી ભરેલી હોય, માથાનો એક મુવાળો લઈ, તેના ઊભા ચાર ફાડિયા કરી, એક ફાડિયાના અગ્રભાગથી એ વાવ ઊલેચીએ ને તે જ્યારે ખાલી થાય ત્યારે મનુષ્ય દેહ મળે. આટલો સમય લાગે.'
અર્જુને કહ્યું : 'ભગવાન ! તો તો પછી, તમે ના જ પાડો ને કે મનુષ્ય દેહ મળે જ નહીં !'
શ્રીકૃષ્ણે કહ્યું : 'ના તો ન કહેવાય, પણ મનુષ્ય દેહ મેળવવામાં આટલો સમય લાગે છે.'
આવો મોંઘો મનુષ્ય દેહ મળ્યો છે, તો જીવનો મોક્ષ કરી લેવો.'
તે ઉપર દેવાનંદ સ્વામીએ કીર્તન બનાવ્યું છે :
'માણસનો અવતાર મોંઘો નહિ મળે ફરી...'
આ જ પદરચનામાં તેઓ આગળ કહે છે, 'મળ્યો મનુષ્યદેહ ચિંતામણિ રે...' અહીં સદ્‌ગુરુ દેવાનંદ સ્વામીએ લખેલા, 'ચિંતામણિ' શબ્દ દ્વારા મનુષ્યદેહની દુર્લભતા વધુ સારી રીતે સમજાય છે. કોહિનૂર હીરાની કિંમત સમજાઈ છે તો લોકો તેને જોવા જાય છે. તે જોઈ આનંદ પામે છે. ગર્વ અનુભવે છે. કોહિનૂર હીરા કરતાં પારસમણિ અનેકગણો કીમતી છે, તેથી ચિંતામણિ અનેકગણી કીમતી છે અને તે ચિંતામણિ તુલ્ય આપણને મળેલો આ મનુષ્યદેહ છે!! તે સમજાય તો તેનો પણ આપણને આનંદ રહે.
અમેરિકાના વિખ્યાત બાયોકેમિસ્ટ વિજ્ઞાની પ્રૉ. હેરોલ્ડ જે. મોરોવિટ્‌ઝે મનુષ્યદેહની કિંમત ૬૦૦૦ ટ્રિલિયન ડૉલર આંકી છે. શરીરમાં જેટલાં રસાયણો હોય છે તેના જ આધારે તેમણે આ કિંમત આંકી છે. અને તેમાં પ્રાણ પૂરવાની કિંમત તો આંકી શકાય તેમ જ નથી.
પરંતુ ધારો કે આ કિંમતને લક્ષમાં રાખીને ચાલીએ અને મનુષ્યદેહનું આયુષ્ય ૧૦૦ વર્ષનું ગણીએ તો, ૧ સેકંડના સાડા સાત કરોડ રૂપિયા ખર્ચાય છે એમ કહી શકાય. આપણી એક એક સેકંડ કરોડો રૂપિયાની થાય છે ! આમ દુર્લભતા સમજાય તો મનુષ્યદેહનો યોગ્ય ઉપયોગ કરવાનો વિવેક આવે.
દેવો પણ આવો દુર્લભ મનુષ્યદેહ મળે તેવી ઇચ્છા રાખે છે.
‘अहो अमीषां किमकारि शोभनं, प्रसन्न एषां स्विदुत स्वयं हरिः।
यै र्जन्म लब्घं नृप भारताजिरे, मुकुन्द-सर्वोपदिकस्पृहा हि नः॥’
- श्रीमद्‌भागवत, १/१९/२१
અર્થ : અહો! જેઓ આ ભારતવર્ષમાં મનુષ્ય તરીકે જન્મ્યા છે એવા ભારતવર્ષના મનુષ્યોએ કયાં પુણ્ય કર્યાં હશે કે શ્રીહરિ સ્વયં શું તેઓના પર પ્રસન્ન થયા હશે! એ મનુષ્યજન્મ શ્રીહરિની સેવામાં ઉપયોગી હોઈ અમે પણ તેની ઝંખના કરીએ છીએ. ભગવાનની સેવાને માટે યોગ્ય મનુષ્યજન્મ પ્રાપ્ત કર્યો છે એ સૌભાગ્યને માટે તો અમે પણ હંમેશા ઇચ્છા રાખીએ છીએ.
મોટા મોટા દેવતાઓને પણ જેની ઈર્ષા થાય એવા દુર્લભ માનવ દેહની અમૂલ્ય ક્ષણોને આપણે કેવી ક્ષુલ્લક અને નકામી બાબતોમાં વેડફી નાખીએ છીએ !
કોઈ બાળકને ૧૦૦ રૂપિયાનું રમકડું આપવામાં આવે અને તે તૂટી જાય તો તેને ખાસ દુઃખ થતું નથી. પણ તેણે જાતે બે રૂપિયાની કિંમતનું રમકડું બનાવ્યું હોય અને તે તૂટી જાય તો તે અત્યંત દુઃખી થઈ જાય છે.
એમ આપણને મફતમાં આવો અમૂલ્ય મનુષ્યદેહ મળ્યો છે એટલે તેની કિંમત નથી સમજાતી. તેને કારણે તે ગમે તેમ આપણાથી વેડફાય છે અને તેનું દુઃખ પણ થતું નથી ! અને જો કિંમત સમજાય તો મનુષ્યદેહનો ઉપયોગ કરવામાં વિવેક પ્રગટ થાય છે. ગાડા કરતાં મોટરની કિંમત વધુ છે તો તેના ઉપયોગમાં અને સાચવણીમાં વિવેક આવી જાય છે, એમ મનુષ્યદેહની કિંમત સમજાય તો તેનો દુરુપયોગ ન થાય.
જેઓ મનુષ્ય શરીરની કિંમત સમજ્યા, તેમને ઉચ્ચજીવનની પ્રેરણા મળી. જે જેટલી કિંમત સમજ્યા તે તેટલું ઉચ્ચ જીવન જીવ્યા. તેમનું જીવન સાર્થક થયું અને વર્ષો પછી લોકો તેમને યાદ કરે છે, તેમાંથી પ્રેરણા મેળવે છે, તેમના જીવન પર પુસ્તકો લખાય છે, સંવાદો ભજવાય છે, જયંતી ઊજવાય છે, તેમનાં મંદિર કે સ્મારક બને છે, તેમની સ્મૃતિમાં સ્કૂલ-કૉલેજ-હોસ્પિટલો બને છે, તેમનાં સ્ટેચ્યુ પધરાવાય છે.
ઝવેરીની દુકાને બેસે તેને હીરાની કિંમત કરતાં આવડે છે, તેમ સત્સંગ કરતાં કરતાં આ ચિંતામણિ રૂપ દેહની કિંમત સમજાશે, માટે નિત્ય સત્સંગ કરવો અનિવાર્ય છે.
મનુષ્યદેહની આ દુર્લભતા સમજીને તેનાથી જે લક્ષ્ય સિદ્ધ કરવાનું છે, તે કરી શકાય તો જ સાચી દિવાળી છે. બાકી દિવાળીઓ તો આવે અને જાય છે. તેમાં માનવ દેહની સાર્થકતાનું શું? એ માટે સત્સંગ કરવો પડે.
સત્સંગ એટલે ગુણાતીત સત્પુરુષમાં અતિશય દૃઢ પ્રીતિ. તેથી આત્મા અને પરમાત્માનું દર્શન થાય છે ને મનુષ્યજીવનની સાર્થકતા થાય છે. આ મનુષ્ય શરીર ચિંતામણિ છે. તેનાથી ચિંતામણિ રૂપ ભગવાન પ્રાપ્ત થાય છે.
સદ્‌ગુરુ ભૂમાનંદ સ્વામી દિવાળીના પવિત્ર પર્વે એ સર્વોત્તમ લક્ષ્ય સુધી પહોંચવાની અને દિવાળીરૂપ માનવ દેહને સાર્થક કરવાની અદ્‌ભુત પ્રેરણા આ પદમાં આપે છે.
માનવ શરીરની એવી દુર્લભતાને સમજીને, ગુણાતીત સત્પુરુષ પ્રમુખસ્વામી મહારાજને રાજી કરીને સાચી દિવાળી ઊજવીએ...

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |