|  | 'કામ ક્રોધ લોભ રે, મત્સર ઈર્ષ્યા રે, વાસના વાળીને કાઢ બા'ર...'- પૂ જ્ય  કો ઠા રી  ભ ક્તિ પ્રિ ય દા સ  સ્વા મી (મુંબઈ)
 અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ  સ્વામીએ કહ્યું છે કે, 'જીવ નિર્વાસનિક થાય ત્યારે તેને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય  છે ને બ્રહ્મરૂપ થાય ત્યારે પુરુષોત્તમ નારાયણની ભક્તિનો અધિકાર પ્રાપ્ત થાય છે.'આ બધા દોષો અને વાસનામાંથી મુક્ત થવાનો સરળમાં સરળ  માર્ગ બતાવતાં ભગવાન સ્વામિનારાયણ કહે છે : 'જો મોટાપુરુષને અતિશય નિષ્કામી, નિર્લોભી,  નિઃસ્વાદી, નિર્માની, નિઃસ્નેહી સમજે તો પોતે પણ એ સર્વ વિકારથી રહિત થઈ જાય છે.'  (વચ. ગ.પ્ર. ૫૮) એવા સર્વદોષોથી રહિત પ્રગટ સત્પુરુષ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ  વર્તમાન યુગમાં આપણી વચ્ચે વિરાજે છે. તેમને સંપૂર્ણ નિર્દોષ સમજે તે પણ કામ, ક્રોધ,  લોભ, મત્સર, ઈર્ષ્યા, વાસનાથી રહિત થઈ જાય છે. લાગે છે કે, એવા સત્પુરુષની પ્રાપ્તિ  કરાવીને, ભગવાને આપણને સાચા અર્થમાં દિવાળી ઊજવવાનો શ્રેષ્ઠ અવસર આપ્યો છે. તેને સાચા  અર્થમાં માણી લઈએ...ભગવાન સ્વામિનારાયણના  પરમધામ અક્ષરધામની પ્રાપ્તિ કરવી હોય તો સર્વપ્રકારની વાસના ટાળીને નિર્વાસનિક થવું  પડે, વાસનાથી રહિત થવું પડે, એટલે કે જીવમાંથી વાસનાને વાળીને બહાર કાઢવી પડે.
 બ્રહ્મરૂપ થાય એટલે  કે કામ, ક્રોધ, લોભ, મત્સર, ઈર્ષ્યાદિ સર્વ દોષોથી રહિત શુદ્ધ થઈને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય,  ભક્તિ આદિ અનેક ગુણ પ્રાપ્ત કરી એકાંતિક સ્થિતિ-બ્રાહ્મીસ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે  જ પરબ્રહ્મ, પુરુષોત્તમ નારાયણ, ભગવાન સ્વામિનારાયણની ભક્તિનો અધિકાર પ્રાપ્ત થાય છે.
 સદ્ગુરુ ભૂમાનંદ સ્વામીએ  તેમના કીર્તન : 'એ જ દિવાળી રે, દેહ મનુષ્યનો રે...'માં પણ ઉપર્યુક્ત સિદ્ધાંત પ્રમાણે  કામ, ક્રોધ, લોભ, મત્સર, ઈર્ષ્યા, સર્વ પ્રકારની વાસના અંતરમાંથી-જીવમાંથી વાળીચોળીને  બહાર કાઢવાનો આદેશ આપ્યો છે.
 જે દોષો ને વાસનાને  ટાળવાના છે તે દોષો કેવા છે? તેનાથી મુમુક્ષુને શું શું નુકસાન થાય છે? કેવી અધોગતિ  થાય છે? તે દોષોને ટાળવા માટે શો ઉપાય કરવો જોઈએ? તેની વિગત હવે આપણે માણીએ.
 ‡કામ :
 શ્રીમદ્ભગવદ્ગીતા  કહે છેઃ સંગાત્ સંજાયતે કામઃ (ગીતા ૨/૬૨) અર્થાત્ 'આસક્તિથી કામના જન્મે છે.' માટે  આધ્યાત્મિક પ્રગતિ કરવા ઇચ્છતા કોઈપણ સાધકે તમામ પ્રકારની આસક્તિથી દૂર રહેવું અનિવાર્ય  છે.
 કામ કેવો છે? તો -
 'त्रिविघं नरकस्येदं  द्वारं नाशनमात्मनः।
 कामः क्रोघस्तथा लोभस्तस्मादेतत्त्रयं  त्यजेत्॥'
 - ગીતા ૧૬-૨૧
 'संकल्पात् जायते  कामः, सेव्यमानो विवर्घते।' (મહાભારત)
 'સંકલ્પથી કામ ઊપજે  છે, સેવવાથી વધે છે.' માટે વિષયના સંકલ્પ ન કરવા, સંકલ્પો કરતા રહેવાથી કામ વધતો જાય  છે.
 'જે કામથી સુરનરો મુનિ  શ્રેષ્ઠ હાર્યા,
 ગાર્વિષ્ઠના ગરવ તે  સરવે ઉતાર્યા,
 તે કામને વશ કરે જગમાં  રહી જે,
 સાક્ષાત્ એ જ જન ઈશ્વર  તો કહી જે.' (હરિલીલામૃત)
 'જહાં કામ તહાં રામ  નહીં, જહાં રામ વહાં નહિ કામ,
 તુલસી દોનું ના રહે  રવિ રજની એક ઠામ.
 ચંદા કુ લંછન દિયો,  કિયો રાવણ કુળ નાશ,
 ઈન્દ્રહુકી ઉપહાસ સુની,  સાધુ ભયે ઉદાસ,
 સાધુ ભયે ઉદાસ દેખી  ઇતિહાસ ઈનુકી,
 પર જો ત્રિયાકે પાસ  કહો રહી લાજ કીનુ કી?
 દાખત મુક્તાનંદ રહે  ગુરુ રાખે,
 જાકુ રાવણકુળ વધ કિયો  લંછન ચંદાકુ.'
 શ્રી ગૌતમ બુદ્ધે તેમના  શિષ્ય આનંદના દુરાગ્રહને કારણે સ્ત્રીઓને દીક્ષા આપી ત્યારે નારાજ થઈને કહ્યું હતું,  આપણો સંપ્રદાય હવે ૫૦૦ વર્ષમાં જ પડી ભાંગશે. અને ખરેખર બન્યું પણ એમ જ!
 ભગવાન વેદવ્યાસે જૈમિનિ  પાસે શાસ્ત્ર લખાવતાં કહ્યું કે, 'પોતાની માતા કે બહેન સાથે એકાંતમાં ન રહેવું. નહિ  તો તેમાં, ધર્મમાં લોપ થાય છે.'
 ત્યારે જૈમિનિએ તેમાં  શંકા કરી કે, 'એવું તો કાંઈ બનતું હશે?' તેમણે તે લખવાનું મુલતવી રાખ્યું. થોડા સમય  પછી જૈમિનિ પોતાના ઓરડામાં એકલા હતા ત્યારે રાત્રે તેમનાં બહેન વરસાદને કારણે ભીનાં  કપડાં સાથે તેમને મળવા આવ્યાં. તેમને તે અવસ્થામાં જોતાં વિહ્વળ થયેલા જૈમિનિએ બહેનને  બાજુ ના ઓરડામાં ઉતારો આપ્યો. પછી મોડી રાત્રે બહેનના ઓરડાનું બારણું ખખડાવ્યું પણ  બહેને ન ખોલ્યું, ત્યારે વિહ્વળ જૈમિનિ છાપરા ઉપર ચઢીને બહેનના ઓરડામાં પ્રવેશ્યા  ને બહેનને આશ્લેષમાં લેવા માટે દોડી ગયા. પરંતુ તે વખતે બહેનને બદલે તો દાઢીવાળા વેદવ્યાસ  પ્રગટ થયા. જૈમિનિને પોતાની ભૂલ સમજાઈ ગઈ. વ્યાસજીએ પૂછ્યું, 'હવે પેલું (મા-બહેન-પુત્રી  સાથે પણ એકાંતમાં ન રહેવું તે) લખવું યોગ્ય લાગે છે?'
 જૈમિનિને સ્વીકાર્યા  સિવાય કોઈ ઈલાજ નહોતો.
 સૃષ્ટિના સર્જનહાર  બ્રહ્માજી પોતાની જ પુત્રી સરસ્વતીના રૂપને જોઈને તેમાં મોહ પામ્યા હતા!
 શિવજીએ મોહિની સ્વરૂપની  વાતો સાંભળી તે સ્વરૂપ બતાવવા માટે ભગવાનને પ્રાર્થના કરી ત્યારે ભગવાને કહ્યું કે,  'જોવામાં માલ નથી.' છતાં શિવજીએ આગ્રહ રાખ્યો ત્યારે ભગવાને મોહિની સ્વરૂપનું દર્શન  કરાવ્યું. તે સ્વરૂપ જોઈને શિવજી અતિ મોહ પામ્યા ને પોતાની સ્થિતિમાંથી ડગી ગયા. ગમે  તેવા સમર્થ પણ કામની આગળ હારી જાય છે.
 કામની એ તાકાત છે.  ગમે તેવાને ભૂલા પાડી દઈ શકેõ છે.
 પરંતુ તેમાં સત્પુરુષનો  આશ્રય ચમત્કૃતિ સર્જે છે.
 એક વાર જૂનાગઢ મંદિરમાં  કામરોળના દાજીભાઈ અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સભામાં વાતો કરતા હતા ત્યાં પ્રવેશ્યા. તેમને  જોતાં  સ્વામીએ કહ્યું, 'વર્તમાન ધરાવો.' ત્યારે  તેમણે કહ્યું કે, 'ચાર વર્તમાન - દારૂ ન પીવો, માંસહાર ન કરવો, ચોરી ન કરવી, અધર્મનું  આચરણ ન કરવું, તે તો હું પાળવા પ્રયત્ન કરીશ. પણ પાંચમું વર્તમાન - વ્યભિચાર ન કરવો  - તે મારાથી પળાશે નહીં.' ત્યારે સ્વામીએ કહ્યું, 'તમે ભરી સભામાં નિષ્કપટ થયા છો માટે  કામ દોષ પણ ટળી જશે. મારી સામે જોઈને 'સ્વામિનારાયણ' મંત્રની પાંચ માળા ફેરવો.' તેઓએ  પાંચ માળા ફેરવી અને ત્યાં ને ત્યાં જ અંતરમાંના કામના સંકલ્પ વિરામ પામી ગયા.
 અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ  સ્વામીએ વાતમાં કહ્યું છે કે, 'પ્રગટ બ્રહ્મસ્વરૂપ સત્પુરુષમાં હેત કરે, તેના વચનમાં  વિશ્વાસ લાવે ને તેમની આગળ નિષ્કપટપણે વર્તે તો તે બ્રહ્મરૂપ થયા વગર રહે જ નહીં એ  સિદ્ધાંત વાત છે.'
 એવા સત્પુરુષનો મન-કર્મ-વચને  પ્રસંગ કરીને કામ દોષ નિર્મૂળ થઈ જાય તો સાચી દિવાળી છે.
 ‡ક્રોધ :
 ક્રોધ કેવો છે? ભગવાન  સ્વામિનારાયણ કહે છેઃ જેવું હડકાયું કૂતરું હોય તેવો છે. જેવા કસાઈ, આરબ, ભાવર, વાઘ,  દીપડો, કાળો સર્પ તે જેમ સર્વને બિવરાવે છે, ભય પમાડે છે તેમ ક્રોધ સૌને ભયભીત કરી  મૂકે છે.(વચનામૃત લો.૧)
 વળી, તેઓ ક્રોધના આધાર  તરીકે માનને વર્ણવે છે. (વચનામૃત ગઢડા પ્રથમ ૭૬, સારંગપુર ૮)
 ભગવદ્ગીતાને ટાંકીને  તેઓ કહે છેઃ 'कामात् क्रोघो-ऽभिजायते' કામમાંથી ક્રોધ જન્મે છે. 'क्रोघात् भवति संमोहः'  ક્રોધ થકી મોહ થાય છે. (વચનામૃત ગઢડા મધ્ય ૧)
 ક્રોધ ક્યારે થાય  ? ભગવાન સ્વામિનારાયણ કહે છેઃ જે જે પદાર્થમાં હેત હોય ને તેમાં કોઈક અંતરાય કરનારો  આવે તો તે માણસને... પશુને પણ ક્રોધ થાય છે. (વચનામૃત ગઢડા અંત્ય ૧૪)
 અને ક્રોધનું ફળ? શ્રીહરિ  કહે છેઃ થોડોક ક્રોધ ઊપજે તે પણ અતિશય દુઃખદાયી છે. (વચનામૃત લોયા ૧) ક્રોધ એ નરકનું  દ્વાર છે. (વચનામૃત ગઢડા પ્રથમ ૭૮)
 મહાભારત પણ કહે છે  : 'क्रोघमूलो हि विग्रहः' ક્રોધ જ ઝ ઘડાનું કારણ છે. (આરણ્યકપર્વ) 'क्रोघो दुःखकरो  नृणाम्' મનુષ્યને ક્રોધ જ દુઃખનું કારણ છે. (દ્રોણપર્વ) 'क्रोघो मृत्युः सनातनः' ક્રોધ  સનાતન મૃત્યુરૂપ છે. (આશ્વમેધિકપર્વ)
 માણસમાં ક્રોધનો પ્રવેશ  થાય છે ત્યારે તે શું બોલે છે! શું કરે છે? તેનું ભાન રહેતું નથી. ક્રોધ માણસને વિરૂપ  બનાવે છે.  ક્રોધના આવેશમાં અઘટિત બોલી જાય  કે અઘટિત ક્રિયા થઈ જાય પછી તેને પસ્તાવો થાય છે કે મેં આ શું કરી નાંખ્યું ?
 બ્રહ્મસ્વરૂપ યોગીજી  મહારાજ ઘણી વાર કહેતા, 'બે સગા ભાઈ વચ્ચે કાંઈક વહેંચણી કરવાની હોય તેમાં પ્રથમ વાદ-વિવાદ  થાય, પછી ઉગ્ર ચર્ચા થાય ને પછી ઉગ્ર ક્રોધ આવે ત્યારે બોલેઃ 'તું મને ઓળખશ?' શું તે  સગોભાઈ તેને ઓળખતો નહીં હોય? સ્વભાવિક છે કે ઓળખતો જ હોય, પણ ક્રોધના આવેશમાં વિરૂપ  થતાં માણસ ભાન ભૂલી જઈને ગમે તેવું બોલી નાંખે છે.
 કુંડળ ગામમાં હોથિયો  પટગર હતા. તે રાત્રે પેશાબ કરવા માટે ઊઠ્યા. ઊંઘમાં ને ઊંઘમાં આંખો મીંચી જતા હતા ત્યાં  રસ્તામાં પડેલું ગાડું અથડાયું, તેથી એકદમ ગુસ્સે થઈ ગયા ને ગાડાના ધૂંસરાને એવું બટકું  ભર્યું કે તેમના બે દાંત પડી ગયા! જો ભૂલમાંય સામે કોઈ માણસ અથડાયો હોત તો?! ક્રોધ  માણસને કેવો વિરૂપ કરી નાંખે છે !
 માણસની વાત તો ઠીક,  દેવતાઓને પણ ક્રોધ ક્યાં છોડે છે!
 એક વાર શિવજી ધ્યાનમાં  બેઠા હતા. તે વખતે તેમના સસરા દક્ષ પ્રજાપતિ આવ્યા ને ધ્યાનસ્થ શિવજી તેમનું સન્માન  ન કરી શક્યા તેથી દક્ષ ક્રોધિત થઈ ગયા. તેમણે આ અપમાનનો બદલો લેવા વિચાર્યું. તેમણે  એક મોટો યજ્ઞ કર્યો ને તે યજ્ઞમાં અન્ય દેવી, દેવોનું આહ્વાન કર્યું, પણ શિવજીનું  ન કર્યું. તે યજ્ઞમાં દક્ષપુત્રી સતી પાર્વતીજી ગયાં ને જોયું કે પોતાના પતિ શિવજીનું  આહ્વાન-સ્થાપન નથી થયું_, તેથી અપમાનિત થઈને યજ્ઞકુંડમાં પડતું મૂક્યું ને બળી ગયાં.  શિવજીના ગણોએ ગુસ્સે થઈને દક્ષ પ્રજાપતિનું માથું કાપી નાંખ્યું અને યજ્ઞમાં હોમી દીધું.  જોકે પછી બકરાનું માથું ચોંટાડ્યું! આમ ક્રોધને કારણે સૌને દુઃખ થયું.
 એક વાર પરીક્ષિત રાજા  શિકારે ગયા હતા. વનમાં તરસ લાગતાં શમિક ૠષિના આશ્રમમાં ગયા. ૠષિ ધ્યાનમાં બેઠા હતા.  તેથી રાજાનું સ્વાગત થયું નહીં. તે કારણે પરીક્ષિત ક્રોધે ભરાયા ને બાજુ માં મરેલો  સર્પ પડ્યો હતો તે ૠષિના ગળામાં વીંટાળી ચાલ્યા ગયા. પછી ૠષિપુત્ર આવ્યા ને પરિસ્થિતિ  જોતાં ક્રોધાવેશમાં શાપ આપ્યો કે 'સર્પ વીંટાળનારનું સાત દિવસમાં તક્ષક નાગ કરડીને  મૃત્યુ થાઓ.' આમ ક્રોધને કારણે પરીક્ષિત રાજાનું દુર્લભ મનુષ્ય જીવન ટૂંકાઈ ગયું.
 આ દુર્જેય ક્રોધને  નાથવામાં ભલભલા તપસ્વીઓ અને ઈશ્વરો કે દેવતાઓ પણ હારી ગયા છે. પરંતુ ભગવાન સ્વામિનારાયણે  સ્વામિનારાયણ મહામંત્ર રૂપે ક્રોધને જીતવાનું અદ્ભુત સાધન આપ્યું છે.
 ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન  શ્રી ગુલઝ ëરીલાલ નંદાને બહુ ક્રોધ હતો. તેમનાં ધર્મપત્નીએ બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી  મહારાજને એક હરિભક્ત દ્વારા કહેવડાવ્યું કે, 'નંદાજી ક્રોધ ન કરે તેવો આદેશ આપે.' ત્યારે  બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે શ્રી નંદાજીને આજ્ઞા કરી કે, 'જ્યારે પણ ક્રોધ આવે  ત્યારે મૌન થઈ જવું ને મનમાં 'સ્વામિનારાયણ' મહામંત્રનું સ્મરણ કરવું.' તે પ્રમાણે  કરતાં શ્રી નંદાજી ક્રોધના સ્વભાવનો ત્યાગ કરી શક્યા.
 સૌ કોઈ આ ઉપાય આચરીને  ક્રોધમુક્ત થઈ શકે છે. ક્રોધ જિતાયો એટલે સાચી દિવાળી ઊજવાઈ ગઈ.
 ‡લોભ :
 ગીતામાં લોભને નાશ  કરનારું, નરકનું દ્વાર કહ્યું છે. લોભને થોભ હોય નહીં. લોભી માણસ જેટલું કંઈ આવે તે  ભેગું કરી રાખે. હવે ઘણું થયું એવો વિચાર તેને ન આવે. રૂા. ૫,૦૦૦ની આવક હોય તે રૂા.  ૧૦,૦૦૦ની ઇચ્છા કરે, રૂા. ૧૦,૦૦૦વાળો લાખ રૂપિયાની ઇચ્છા કરે, પરંતુ લોભની ઇચ્છાને  ક્યારેય તૃપ્તિ થાય જ નહીં.
 સદ્ગુરુ ગોપાળાનંદ  સ્વામી પાસે એક ભક્ત આવ્યો. તેણે સ્વામીને પોતાની દરિદ્રતાની વાત કરી. પોતાને પડતી  તકલીફો જણાવી ને સ્વામીને વિનંતી કરી કે, 'આપ કૃપા કરો તો મારી દરિદ્રતા દૂર થાય ને  સુખે જીવન જીવી શકું, ભગવાનની ભક્તિ કરી શકું.' ત્યારે દયાવશ થઈને સ્વામીએ તેને પૂછ્યું  કે, 'તારે સારી રીતે વ્યવહાર ચાલે તે માટે કેટલા રૂપિયા જોઈએ?' તેણે કહ્યું કે રૂા.  ૫,૦૦૦ હોય તો સારામાં સારી રીતે વ્યવહાર ચાલે. સ્વામીએ તેને કહ્યું, 'જરા વિચારીને  કહે, પછી વધારે નહીં મળે.' ત્યારે તેણે કહ્યું કે રૂા. ૧૦,૦૦૦ હોય તો કાંઈ જ વાંધો  ન આવે. પછી સ્વામીએ કહ્યું, 'ખરેખર? હજુ  વિચારી  જો. ત્યારે કહે, જો રૂા. ૨૫,૦૦૦ મળે તો વધુ સારું...'
 આ પ્રસંગ પર સ્વામીએ  વાત કરી કે 'તેને રૂા. ૫,૦૦૦માં જ સારામાં સારી રીતે વ્યવહાર ચાલે તેમ હતો, પણ લોભને  કારણે માંગણી વધારતો ગયો. માટે ભગવાન આપણને જે આપે તેમાં સંતોષ માનવો ને તે પ્રમાણેનું  જીવન બનાવવું પણ લોભ ન રાખવો.'
 પૂર્વે નંદ રાજા થઈ  ગયા. તેને પૃથ્વીનું રાજ્ય હતું ને અઢળક સમૃદ્ધિ હતી. છતાં લોભને કારણે પ્રજાની જે  કાંઈ સંપત્તિ હતી તે પણ પોતાના સૈન્ય દ્વારા લઈ લીધી ને તે સંપત્તિ સલામત સ્થાને રાખવા  વરાહ ભગવાનનું અસ્થિ પ્રાપ્ત કર્યું હતું. આ અસ્થિ સમુદ્રને બતાવતાં સમુદ્રમાં રસ્તો  થઈ જાય ને સમુદ્રના પેટાળમાં સલામત રીતે તે સંપત્તિ મૂકી આવે. અપાર સંપત્તિ હોવા છતાં,  અને પ્રજા પાસે ક્યાંય પણ ધન માત્ર ન હોવા છતાં હજુ  ક્યાંકથી ધન મળી જાય - એવા વિકૃત લોભને કારણે તેમણે  એક ઇલાજ કર્યો. કોઈની પણ પાસે સંપત્તિ રહી નથી ને? તે જાણવા તેણે એક દોકડે ઊંટ વેચાતું  મૂક્યું. પરંતુ કોઈની પાસે એક દોકડો પણ નહોતો, તેથી કોઈ એ ઊંટ વેચાતું ન લઈ શક્યું.  એક ગામમાં છોકરે તેની મા પાસે ઊંટ લેવા દોકડો માગ્યો ત્યારે તેની રઢથી કંટાળીને માતા  કહે, 'જા તારા બાપની ઘોર(કબર) ખોદ, તેમાંથી   દોકડો મળશે.' છોકરાએ ઘોર ખોદી દોકડો મેળવ્યો અને તેનાથી ઊંટ ખરીદ્યું. રાજાને  આ ખબર પડી એટલે તેણે તમામ ઘોરો ખોદાવી દોકડા ભેગા કર્યા! અને એ ધન સમુદ્રમાં સંઘર્યું.
 એક વાર સમુદ્રમાં એ  ખજાના સુધી જવાની ચાવીરૂપ વરાહ ભગવાનનું અસ્થિ નંદરાજાની રાણીએ ચૂલામાં નાંખી બાળી  દીધું. તે જાણતાં જ રાજા ને અપાર આઘાત લાગ્યો અને ત્યાં ને ત્યાં જ મરણ પામ્યા.
 આવા અનેક સમ્રાટો લોભને  કારણે મરણને શરણ થયા છે.
 ભગવાન ને ભગવત્સ્વરૂપ  સંતના વચને જેટલી કહે તેટલી સેવા કરવાથી મનુષ્યનો લોભ દૂર થાય છે ને જીવન શાંતિ, સુખપૂર્વક  જીવી શકે છે. લોભમાંથી મુક્ત થવાય ત્યારે સાચી દિવાળી ઊજવ્યાનો આનંદ મળે.
 ‡મત્સર અને ઈર્ષાઃ
 ઈર્ષાની વિભાવના આપતાં  ભગવાન સ્વામિનારાયણ કહે છે :
 જેની ઉપર જેને ઈર્ષ્યા  હોય તેને રૂડું થાય ત્યારે તેથી ખમાય નહીં અને તેનું ભૂંડું થાય ત્યારે રાજી થાય છે,  એ ઈર્ષ્યાનું લક્ષણ છે. (વચનામૃત ગઢડા પ્રથમ ૭૧)
 જે પોતાથી મોટા હોય  તોપણ તેનું જ્યારે સન્માન થાય ત્યારે તેને દેખી શકે નહીં તે ઈર્ષ્યાનું રૂપ છે. (વચનામૃત  સારંગપુર ૮)
 ઈર્ષ્યાનું સૂક્ષ્મ  રૂપ તે મત્સર છે. શ્રીહરિ કહે છે :
 જે મત્સરવાળો હશે તેને  તો અમે આ ભટ્ટને વસ્ત્ર દીધાં તેમાં પણ મત્સર આવ્યો હશે. મત્સરવાળાને એવો વિચાર ન આવે  જે 'વસ્ત્ર લાવ્યાં હતાં તેને ધન્ય છે જે આવાં ભારે વસ્ત્ર મહારાજને  પહેરાવ્યાં અમે મહારાજને પણ ધન્ય છે જે તરત બ્રાહ્મણને  દેઈ દીધાં. કોઈક લે ને કોઈક દે તોપણ મત્સરવાળો હોય તે ઠાલો ઠાલો વચમાં બળી મરે. (વચનામૃત  કારિયાણી ૬)
 ઈર્ષ્યાળુને કોઈ વિવેક  રહેતો નથી. એક માણસને તેના પડોશી પર સતત ઈર્ષ્યા રહેતી. તેનું સુખ જોઈ મનમાં બળ્યા  કરે ને પોતાનું જે છે તેને ભોગવી ન શકે.
 એક વાર ભગવાને પ્રસન્ન  થઈ તેને માગવાં કહ્યું, પરંતુ સાથે એટલી શરત મૂકી કે 'તું જે માંગીશ અને તને જેટલું  મળશે તેના કરતાં બમણું તારા પડોશીને મળશે.' જો લાભનું માંગે તો પડોશીને બમણો લાભ થાય  તેથી એ ઈર્ષ્યાવાળાએ માગ્યું કે, 'મારી એક આંખ ફૂટી જાય ને એક પગ કપાઈ જાય.' જેથી પડોશીની  બેય આંખ જાય ને બે પગ કપાઈ જાય! પણ તેને એ વિચાર ન આવ્યો કે તેમાં પોતાને એક આંખ, એક  પગનું નુકસાન થશે! પોતાનું નુકસાન કરીને પણ બીજાને નુકસાન પહોંચાડે - ઈર્ષાળુ!
 ભગવાન સ્વામિનારાયણ  કહે છે : ઈર્ષ્યાવાળો જો સત્સંગી હોય તોપણ તે સાથે અમારે બને નહીં (વચનામૃત ગઢડા પ્રથમ  ૭૬). ઈર્ષ્યા છે તો તે ભક્ત ભગવાનના ધામમાંથી પણ જરૂર હેઠો પડશે (વચનામૃત ગઢડા મધ્ય  ૨૮). ઈર્ષ્યાથી ભગવાનના ભક્તનો દ્રોહ થાય છે (વચનામૃત ગઢડા મધ્ય ૪૦).
 શ્રદ્ધાએ સહિત ને ઈર્ષ્યાએ  રહિત ભક્તિ કરે તે જ ભક્તિ શ્રીજીમહારાજને અતિશય ગમે છે. ઈર્ષાથી ભગવાન નારાજ થઈ જાય  છે. મુક્તાનંદ સ્વામીએ વડોદરાની સભા જીતી તેથી જ નિર્વિકલ્પાનંદ ને હર્યાનંદને ઈર્ષ્યા  જાગી ને કહે, 'અમને મોકલ્યા હોત તો અમે પણ સભા જીતત.' શ્રીજીમહારાજે આ જાણ્યું ત્યારે  અતિ નારાજ થઈ ગયા.
 ઈર્ષાનું સૂક્ષ્મ સ્વરૂપ  છે - મત્સર. મત્સર સર્વ વિકારમાત્રનો આધાર છે. માટે શ્રી વ્યાસજીએ શ્રીમદ્ભાગવતમાં  નિર્મત્સર સંતને જ ભાગવત ધર્મના અધિકારી કહ્યા છે. (વચ. કારિ. ૬)
 એવા નિર્મત્સર સંત-સત્પુરુષના  યોગથી જ મુમુક્ષુમાં રહેલ મત્સર, ઈર્ષ્યા દૂર થઈ શકે છે.
 ‡વાસના :
 વાસના એક વિષચક્ર છે.  ભગવાન સ્વામિનારાયણ વાસના વિશે સમજાવતાં કહે છે : પૂર્વે જે વિષય ભોગવ્યા હોય, દીઠા  હોય, સાંભળ્યા હોય તેની જે અંતઃકરણને વિષે ઇચ્છા વર્તે તેને વાસના કહીએ. (વચનામૃત ગઢડા  પ્રથમ ૧૧) જીવનાં પૂર્વકર્મ પરિપક્વ અવસ્થાને પામીને જીવ ભેળાં એક રસ થઈ ગયાં છે તેને  જ વાસના કહીએ. (વચનામૃત ગઢડા અંત્ય ૨)
 આ વાસનાને કારણે શું  થાય છે ? તેઓ કહે છે :
 વાસના જીવમાત્રને જન્મ-મરણ  લેવડાવે છે. વાસનાથી પરમેશ્વરમાં પ્રીતિ થતી નથી. (વચનામૃત ગઢડા અંત્ય ૧૪) વાસના એવી  બળવાન છે કે જીવને સમાધિમાંથી પણ પાછો ખેંચી લાવે છે.
 જેના હૃદયમાં જગતના  સુખની વાસના હોય તે સંગાથે તો અમે હેત કરીએ તોપણ થાય નહિ. (વચનામૃત ગઢડા મધ્ય ૫૦)
 વાસનાથી બંધન થયાનું  શ્રેષ્ઠ ઉદાહરણ ભરતરાજાનું છે. રાજ્યનો ત્યાગ કરી જંગલમાં ભજન કરવા ગયા તોપણ મૃગલીના  બચ્ચામાં આસક્તિ થઈ ગઈ. એ વાસનાને કારણે બીજો જન્મ મૃગનો પ્રાપ્ત થયો, અને ત્રીજા જન્મે  જડભરત તરીકે વર્ત્યા.
 વાસનામાંથી મુક્ત થવા  માટે નિર્વાસનિક ગુરુ જોઈએ.
 ભરતજીને નિર્વાસનિક  ગુરુ મળ્યા હોત તો તેમને જ્ઞાન આપી, સમજાવીને મૃગલીની આસક્તિ દૂર કરત.
 વાસના હોય ત્યારે,  ભગવાન સામે ઊભા હોય તોય વાસનાની જ જાળમાં માણસ ગૂંચવાયેલો રહે છે. લોઢવાનાં લખુબાઈ  ચારણે સેવા કરી નીલકંઠવણીને રાજી કર્યા એટલે નીલકંઠે તેમને વરદાન માગવા કહ્યું. ત્યારે  લખુબાઈએ માંગ્યું. 'મારો વીરો દીકરો ને ૬૦ ભેંસો અવિચળ રહે.' દીકરામાં ને ભેંસોમાં  આસક્તિ-વાસનાને કારણે, સામે સાક્ષાત્ અક્ષરધામના અધિપતિ આપવા તૈયાર હોવા છતાં, લખુબાઈ  અક્ષરધામની પ્રાપ્તિ થાય એવું ન માંગી શક્યાં.
 સદ્ગુરુ ભૂમાનંદ સ્વામી  'એ જ દિવાળી રે...' પદમાં કહે છે, આ બધા દોષોથી મુક્ત થઈએ એ જ તો સાચી દિવાળી છે.
 
 |  |