'આપણે જે કાંઈ સેવા કરીએ છીએ તે ભગવાન અવશ્ય જુએ છે.' - તીથલ ખાતે સત્સંગલાભ આપતા પ્રમુખસ્વામી મહારાજ 'આપણે જે કાંઈ સેવા કરીએ છીએ તે ભગવાન અવશ્ય જુએ છે.' - તીથલ ખાતે સત્સંગલાભ આપતા પ્રમુખસ્વામી મહારાજ દક્ષિણ ગુજરાતમાં પ્રમુખસ્વામી મહારાજની દિવ્ય પ્રેરણાથી ગામડે ગામડે સત્સંગની પવિત્ર સુવાસ પ્રસરી રહી છે. વલસાડ જિલ્લાના સાગરકાંઠાનાં ગામોમાં પણ સત્સંગ દિનપ્રતિદિન અભિવૃદ્ધિ પામી રહ્યો છે. તા. ૨૭ ડિસેમ્બરથી તીથલ ખાતે સ્વામીશ્રીના સાંનિધ્યમાં યોજાયેલા સત્સંગપર્વમાં સૌને આની વિશેષ પ્રતીતિ થતી હતી. તા. ૧લી જાન્યુઆરીના રોજ વલસાડ જિલ્લાનાં ચિમલા, સેગવા, ખજૂરડી, ગોઈમા તથા લીલાપુર ઇત્યાદિ પાંચ ગામોમાં સંસ્કારધામ-મંદિરોનો ખાતમુહૂર્ત-વિધિ સ્વામીશ્રીના વરદ હસ્તે સંપન્ન થયો હતો. આ ખાતમુહૂર્ત-વિધિની સેવા કરવા આવેલા ટંડેલ અને કોળી યુવકો પર સ્વામીશ્રીએ આશીર્વાદ વરસાવી તેમને કૃતાર્થ કર્યા હતા. ત્યારબાદ ૧૧-૧૫ કલાકે સ્વામીશ્રી આ વિસ્તારના કાર્યકરોની સભામાં પધાર્યા હતા. અમૃતપુરુષ સ્વામીએ કાર્યકરોના વિશિષ્ટ પ્રસંગો વર્ણવ્યા. એક પ્રેરક લઘુનાટિકા રજૂ થયા બાદ સ્વામીશ્રીએ સૌ કાર્યકરોની નિષ્ઠા અને કાર્યને બિરદાવી, સત્સંગનો વિશેષ મહિમા જીવનમાં દૃઢ થાય તેવા આશીર્વચન આપ્યાં હતાં. આશીર્વાદ બાદ આ વિસ્તારમાં વિચરણ કરી રહેલા વિવેકરત્ન સ્વામી, અમૃતમુનિ સ્વામી, અમૃતપુરુષ સ્વામી, હરિતીર્થ સ્વામી, નિર્મલચરણ સ્વામી તથા પાવનપુરુષ સ્વામી તેમજ અહીંના યુવા સંયોજકો - કિરણભાઈ, હિંમતભાઈ પટેલ તથા નરેશભાઈ પટેલ, બાળ સંયોજકો મોહનસિંહ પરમાર, અશ્વિનભાઈ પટેલ તથા કિરણભાઈ પરમાર વગેરેએ સ્વામીશ્રીને હાર પહેરાવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. સંધ્યા સમયે યોજાયેલી સત્સંગસભામાં વિવેકસાગર સ્વામીએ ઉપનિષદ પારાયણની પૂર્ણાહૂતિ કરી. આદર્શજીવન સ્વામીએ સુનામી હોનારતમાં સંસ્થાએ કરેલાં કાર્યોનો ચિતાર આપ્યો. અંતે સ્વામીશ્રી અને ભક્ત સમુદાયે સુનામી અસરગ્રસ્ત લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. આજે પારાયણની પૂર્ણાહૂતિ નિમિત્તે ધરમપુર મહિલા મંડળ, ડુંગરી મંડળ, નવી બાવરી યુવતી મંડળ વગેરે મંડળોએ ભક્તિભાવપૂર્વક બનાવેલા વિવિધ હાર તથા પુષ્પચાદર વડીલ સંતોએ સ્વામીશ્રીને અર્પણ કર્યાં. અંતે સ્વામીશ્રીએ આશીર્વાદ આપતાં જણાવ્યું હતું કે, 'ભગવાન પૈસા-બંગલાથી રાજી થતા નથી. એણે આ બધું રચ્યું છે. 'જેણે રચ્યું આ જગત જોને જૂજવી એ જાતનું રે...' માણસમાંથી માણસ, પશુમાંથી પશુ. હાથ-પગ થાય તે માતાના ગર્ભમાં કોણ ઘડવા ગયા છે ? એવી આશ્ચર્યકારી ઘટના છે. હીરા-માણેક પૃથ્વીમાંથી નીકળ્યાં તે આપણે મૂકવા નથી ગયા. દરિયામાં મોતી કોણે રચ્યાં ? બધું ભગવાનનું જ છે. આપણું કશું છે જ નહિ, પણ આપણે આપીએ એટલે થાય કે મેં આપ્યું. ભગવાન તો અંતર્યામી છે. બધાને જાણે છે. 'રામ ઝરૂખે બૈઠ કે સબકા મજરા લેત જૈસી જિસકી કરણી ઉસકો ઉતના દેત' ભગવાન અનંત બ્રહ્માંડમાં જોઈ શકે છે. હથેળીમાં પાણીનું ટીપું જોઈએ છીએ એમ ભગવાન બ્રહ્માંડોને જોઈ શકે છે - એમાં શું શું ચાલે છે ? કોણ શું કરે છે ? એ જુએ છે. માટે બધાં ભક્તિ કરો છો એ ભગવાન જુએ છે. આપણા પર રાજી થાય છે. માટે એમ ન માનવું કે હું પાર્કિંગમાં છું, કોઈ રસોઈ કરતા હોય, કોઈ હાર કરતા હોય, આ બધું ભગવાન જુએ છે અને રાજી થાય છે. તમારો અંતરનો-હૃદયનો પ્રેમ છે એ અગત્યની વસ્તુ છે. આપણે કિંમતી વસ્તુ આપીએ એ મહત્ત્વનું નથી, કેવા પ્રેમ અને ભાવથી આપો છો એ મહત્ત્વનું છે. તો આપણે એવી ભક્તિ કરવાની છે. અહીંયાં બધાં જુદી જુદી રીતે ભક્તિ કરો છો. બાઈઓ પણ હાર કરે છે. મહેનત દરરોજ કરે છે. ભલે આપણાથી દૂર છે. કુશળકુંવરબા પણ દૂર બેસીને જ સાંભળતાં હતાં, પણ ભક્તિ એવી હતી તો મહારાજ રાજી થયા તો નાનાં-મોટાં બાઈ-ભાઈ બધાંએ ભક્તિ કરી છે તો ભગવાન રાજી થશે. બધા સંતોએ વાત કરી છે એ જીવમાં ઊતરશે. આવી ને આવી ભક્તિ વધે, આપ સર્વ પ્રકારે સુખિયા થાવ. આપણે એમ નથી માનવાનું કે આપણી ભક્તિ કોણ જાણે છે, પણ ભગવાન અંતર્યામી છે.' આશીર્વાદ બાદ સ્વામીશ્રીએ ઉપસ્થિત ચારેક હજાર હરિભક્તોને સમીપ-દર્શનનો લાભ આપ્યો હતો. રાત્રે ભોજન બાદ ડિસ્ટ્રીક્ટ જજ સોની, ફસ્ટ ટ્રેક કોર્ટના જજ શ્રી વોરા, આસિસ્ટન્ટ જજ શ્રી આસોદરિયા સહિત તાલુકાના અન્ય ન્યાયાધીશો પણ સ્વામીશ્રીના આશીર્વાદ મેળવી કૃતાર્થ થયા. આજે સવારે પ્રાતઃપૂજા બાદ સ્વામી વિવેકાનંદ કેન્દ્ર, મોગરવાડીના અધ્યક્ષ ભરતભાઈ રતેશ્વર તેમજ બ્રહ્મકુમાર રોહિતભાઈએે પણ સ્વામીશ્રીના આશીર્વાદ મેળવ્યા હતા. તા. ૨ જાન્યુઆરીના રોજ સ્વામીશ્રીને કેન્દ્રમાં રાખીને 'દિવ્ય ભાસ્કર' દૈનિકે તીથલ - કોસંબામાં એક ખાસ પૂર્તિ પ્રગટ કરી હતી. આ પ્રસંગે 'દિવ્ય ભાસ્કર'ના આસિસ્ટન્ટ મેનેજર શ્રી તેજસભાઈ મહેતાએ સ્વામીશ્રીના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી. આજે વલસાડની આજુબાજુનાં ગામોમાંથી ૬૦૦ જેટલા મહાનુભાવોની એક વિશિષ્ટ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય શ્રી દોલતભાઈ દેસાઈ તથા નૂતન કેળવણી મંડળના ચૅરમેન અને સામાજિક આગેવાન શ્રી કે. પી. દેસાઈએ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના સંતો દ્વારા આ વિસ્તારમાં કરવામાં આવી રહેલા વ્યસન-મુક્તિના કાર્યને બિરદાવ્યું હતુ. સભાના અંતે આશીર્વાદ આપતાં સ્વામીશ્રીએ જણાવ્યું કે, 'આપણાં ભારતીય સંસ્કાર, સંસ્કૃતિ આપણાંમાં પરંપરાથી વણાયેલાં છે. એ સંસ્કાર વધારે ને વધારે સાચવી શકીએ એ માટે આ મંદિરો છે. આજે વિજ્ઞાને આપણને સુવિધાઓ આપી છે, પણ શાંતિ નથી રહી. વિજ્ઞાનનો નિષેધ નથી, પણ એની સાથે દિશા મળવી જોઈએ. એ ન મળી, તો દિશા વિના વહાણ ગમે ત્યાં જઈ ઊભું રહે. તમે સંસારનાં બધાં જ કાર્ય કરો એનો નિષેધ નથી, પણ સાથે આધ્યાત્મિકતા હોવી જોઈએ. આત્મકલ્યાણ અને સાચી શાંતિ આધ્યાત્મિકતામાં છે, એ માટે આપણું લક્ષ્ય આધ્યાત્મિક હોવું જોઈએ.' તીથલમાં
દિવ્ય લાભ આપીને
સ્વામીશ્રી
વાપી પધાર્યા
હતા. |
||